ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પીરઝાદા સૈયદ સદરૂદ્દીન દરગાહવાલા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પીરઝાદા સૈયદ સદરૂદ્દીન દરગાહવાલા

એઓ જાતના મુસલમાન–સૈયદ કુટુંબના–અને નવસારીના વતની છે. જન્મ પણ એ જ ગામમાં સન ૧૮૯૧ ના મે ની ૨૯ મી તારીખે થયો હતો. એમના પિતાશ્રીનું નામ સૈયદ હાશમ શાહ અને માતાનું નામ ફાતિમા બેગમ છે. એમનાં લગ્ન ૧૨-૧૩ વર્ષની ઉમ્મરે સુરતમાં વઝીર બેગમ નામે એક સુશિક્ષિત બાઇ સાથે થયલાં. એઓને પાંચ પુત્રો અને ચાર પુત્રીએ મળી કુલ નવ સંતાનો થએલા તે પૈકી ચાર પુત્ર અને ત્રણ પુત્રીઓ હાલ હયાત છે. એઓના વડિલ પુત્ર સૈયદઅલી સગીરે દિલ્લી એ. એન્ડ યુ. તીબ્બી કૉલેજમાં યુનાની વૈદાનો ઉચ્ચ અભ્યાસ કરેલો હોઈ હાલ નવસારીમાં હકીમ તરીકે ધંધો કરે છે. એઓ ઉર્દુ, ફારસી, અરબી, ગુજરાતી વગેરે ભાષાઓનું સારૂં જ્ઞાન ધરાવે છે. એમને જીવનવ્યવસાય જાતિબંધુઓને ઉપદેશ કરવાનો–ધર્મ ગુરુનો–છે. એ કાર્ય સાથે તેઓ શહેરના કામકાજમાં પણ અત્યંત રસ લે છે. નવસારી મ્યુનિસિપાલેટીના દશ વર્ષ સુધી તેઓ સભ્ય હતા અને પ્રમુખ પણ ચુંટાએલા અને ત્યાં સુંદર કાર્ય કર્યા બદલ એમને કોમ તરફથી માનપત્ર અપાયું હતું. આ પ્રકારની ચાલુ પ્રવૃત્તિ સાથે લેખનકાર્ય પણ કરવાનું તેઓ ચૂકતા નથી.

વેદાંત અને ઇસ્લામી ધર્મસાહિત્ય એ એમનો પ્રિય વિષય છે. અનેક ઈસ્લામી સંસ્થાઓ સાથે પ્રમુખ વા મંત્રી તરીકે સંબંધ ધરાવે છે.

: : એમની કૃતિઓ. : :

૧. મોહોર્રમ અથવા કરબલાના ધર્માર્થ પ્રાણત્યાગીઓ સન ૧૯૧૨
૨. તવારીખે પીર  ”  ૧૯૧૪
૩. હમારા નબીનું પવિત્ર જીવન  ”  ૧૯૧૫
૪. હઝરતઅલી (અ.સ.) નાં બોધવચનો  ”  ૧૯૨૫

આ સિવાય અઠવાડિકો અને માસિકોમાં લખેલું ઘણું મળી આવે છે.