ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/લક્ષ્મણરામ કાશીરામ રામી

લક્ષ્મણરામ કાશીરામ રામી

એઓ જાતે માળી (ક્ષત્રિય) છે. વડનગરના વતની છે; અને જન્મ દહેગામ તાબે નાંદોલમાં તા. ૧૮ મી ઑગષ્ટ સન ૧૯૦૮ સં. ૧૯૬૪ ની કૃષ્ણજયન્તિ મંગળવારના દીને થયો હતો. એમના પિતાનું નામ રામી કાશીરામ રાયચંદ છે; અને માતાનું નામ ગંગાબ્હેન છે, જેઓ નાંદોલવાળા રામી નાનાલાલ નાથાલાલનાં પુત્રી થાય. એમનું લગ્ન વડનગરમાં સૌ. હીરાબાઇ (રામી જોઇતારામ છગનલાલના પુત્રી) સાથે સંવત્‌ ૧૯૭૬ના માગશર શુદ ૧૫ ને રવિવારના રોજ થયું હતું. પ્રાથમિક શાળાનો છ ધોરણ સુધી અને ઈંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ હિન્દી, મરાઠી અને સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરેલું છે; તેમજ બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત મહાસભા (સુરત) ની ધાર્મિક પરીક્ષા પાસ કરેલી છે. તેઓ ગાંધી–કરીઆણાનો વેપાર કરે છે; પણ તે સાથે તેઓ જ્ઞાતિના અભ્યુદયાર્થે “માળી મિત્ર” નામનું માસિક કાઢે છે. વળી સમાજમાં આધ્યાત્મિક વિચાર વધુ પ્રમાણમાં પસરે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે; અને શિષ્ટ સાહિત્યના અન્ય વધુ મનનીય ગ્રંથો પ્રસિદ્ધ કરવાની ઉમેદ રાખે છે.

: : એમની કૃતિઓ : :

આત્માનંદ ગીતાવલિ સન ૧૯૩૨
જીવન મઠ  ”
હરિજન સ્તોત્ર  ”
આનંદ વર્ષા  ”