ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(સૈયદ) અબુઝફર બીન સૈયદ હકીમ અબુ હબીબ નદવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિદ્યમાન ગ્રંથકારો
સેયદ અબુઝફર બીન સૈયદ હકીમ અબુહબીબ નદવી

મૂળ તેઓ બિહાર પ્રાંતના દસના ગામના વતની છે, અને પટણા જિલ્લામાં બિહારશરીફ પાસેના એ દસના ગામમા, સૈયદ કોમમાં ઈ.સ૧૮૮૯માં, હીજરી તા. ૩ ઝિલ્હજ્જા ૧૩૦૭ના રોજ એમનો જન્મ થયેલો. એમના પિતાનું નામ સૈયદ હકીમ અબુહબીબ બિન સૈયદ હકીમ અબુલહસન. ઉર્દૂ, ફારસી અને અરબીની પ્રાથમિક કેળવણી દસનામા લઈ તેઓ આગળ અભ્યાસ માટે લખનૌ ગયા અને ત્યાં દારૂલ ઉલમ નદવતુલ (નદવા અરબી કૉલેજ)માં શરૂઆતથી તે છેવટ સુધીનો સાંગોપાંગ અભ્યાસ કરી 'નદવી' થયા, – જે અરબીમાં બી. એ. કે સ્નાતકની ડિગ્રી ગણાય છે. નાનપણમા રમત ઉપર ખૂબ લક્ષ રહેતું, પણ એક હરીફાઈને પ્રસંગે કસમ ખાધા કે એમાં જો પોતે હારે તો ફરી કદી રમતમાં ન ઊતરે. તેઓ કહે છે ‘સદ્ભાગ્યે તે દિવસે હુ હારી ગયો અને પછી ફિલ્સૂફી અને ઇતિહાસના અભ્યાસ પર મારું ધ્યાન લગાડ્યું.' ત્યારથી બધી પરીક્ષાઓમાં એ પ્રથમ જ રહેતા આવ્યા છે. અલ્લામા શિબ્લી નૂમાની અને સૈયદ સુલેમાન નદવીના સત્સંગની તથા તેમની કિતાબોની પોતાના જીવન પર ઊંડી અસર પડેલી તેઓ જણાવે છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી એમનાં 'સફરનામ-એ-બર્મા’ તથા ‘તારીખે ગુજરાત (ભા ૨)’ વગેરે એમના ગ્રંથોમાથી મળે છે. એમના લગ્ન દસના તેમ જ સૂરજગઢ (મુંઘેર)માં ત્રણ વખત થએલાં, જેમાંનાં છેલ્લાં પત્ની હયાત છે અને એમને બે નાની દીકરીઓ છે. ‘નદવી' થયા પછી એમણે શિક્ષણનો વ્યવસાય સ્વીકાર્યો છે અને મુલતાન, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ, બંગાળનું શાંતિનિકેતન વગેરેની કૉલેજોમાં ઉર્દૂ, ફારસી અને અરબીનું અધ્યાપન કર્યું છે, આજે તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ચાલતા અનુસ્નાતક (પોસ્ટગ્રૅજ્યુએટ) વર્ગમાં એમ. એ. કલાસને ઉર્દૂ તથા અરબીનું શિક્ષણ આપવાનું તેમ જ ગુજરાતના ઈતિહાસના સંશોધનનું કાર્ય કરે છે. એમના ગ્રંથોની સાલવાર યાદી : સફરનામ-એ-બર્મા (૧૯૨૪), બર્મી બોલચાલ (૧૯૨૪), મુખ્તસર તારીખે ગુજરાત (બાળકો માટે) ૧૯૨૭, ખાતિમ-એ-ઉમરાતે અહમદી (પરિશિષ્ટ)નો ઉર્દૂ તરજૂમો ૧૯૩૩, તઝકીર-એ અકદસ ૧૯૩૩, મુખ્તસર તારીખે હિન્દ (વિદ્યાર્થીઓ માટે) ઉર્દૂમાં ૧૯૩૬, તોહફતુલ મજાલિસ ૧૯૩૯, તારીખે મુઝફફરશાહીનો ઉર્દૂ તરજૂમો-ઉપોદ્ઘાત સાથે ૧૯૪૨. આ ઉપરાંત ગુજરાત તથા સિંધના ઇતિહાસના, ઉમર ખય્યામની રૂબાઈયતના તથા અમુક ધર્મવિષયક નાટક ગ્રંથો અપ્રકટ છે.

***