ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઈશ્વરલાલ મૂ. વીમાવાળા

શ્રી. ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળાનો જન્મ ઈ.સ.૧૮૯૭માં થયો હતો. તેમનાં માતાનું નામ વિજયાલક્ષ્મી હતું. તેમના પિતાના અવસાનસમયે તેમની વય ૧૦ વર્ષની હતી. પ્રાથમિક કેળવણી તેમણે મુંબઈમાં અને પછી સુરતમાં લીધેલી. મેટ્રીક સુધી માધ્યમિક કેળવણી લીધા પછી વિલ્સન કૉલેજમાં ઇંટર સુધી અભ્યાસ કર્યો હતો, તે અરસામાં માતાનું મરણ થવાથી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. તેમના મોટા ભાઈ શ્રી. ચંપકલાલ ઝવેરાતના ધંધામાં પડેલા છે અને નાના ભાઈ શ્રી. નટવરલાલ સાહિત્યપ્રકાશનના વ્યવસાયમાં છે. થોડો વખત નડીયાદમાં અને પછી મુંબઈમાં શેઠ જમનાલાલ બજાજની પેઢીમાં નોકરી કરીને ૧૯૨૦માં નવજીવન ઓફીસમાં તેમને સ્વામી આનંદે બોલાવેલા. ૧૯૨૧માં તેમણે સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના કરેલી, જે પાછળથી તેમના નાના ભાઈ નટવરલાલે સંભાળેલું. માધ્યમિક શાળામાં અભ્યાસ ચાલતો હતો તે વખતથી જ તેમને વાચન-લેખનનો શોખ હતો. કવિ ભાસના સંસ્કૃત નાટક પરથી લખેલું પુસ્તક ‘પાંડવગુપ્ત નિવાસ’ સૌથી પહેલાં તેમણે ૧૯૨૦માં પ્રસિદ્ધ કરેલું. સાહિત્યના શોખની સાથે તેમને યંત્રકામમાં પણ રસ હતો. ૧૯૨૧માં તેમણે ગાંડીવ રેંટીઓ શોધી કાઢેલો અને ૧૯૩૦માં એ રેંટીઓ ગાંધીજીને મોકલેલો જેમાં કેટલાક સુધારા કરીને ગાંધીજીએ 'યરોડા ચક્ર' નામનો રેંટીઓ બહાર પાડેલો. ‘ગાંડીવ' સાહિત્યમંદિરે કેટલુંક બંગાળાનું ક્રાન્તિકારી સાહિત્ય ગુજરાતીમાં બહાર પાડેલું તેથી પોલીસે કાર્યાલયનો કબજો લીધો હતો, અને તેમને કપડાંભેર બહાર કાઢ્યા હતા. ૧૯૩૧માં તેમણે ‘સ્ત્રીશક્તિ' સાપ્તાહિક શરુ કર્યું, જે આજે ચાલી રહેલું છે. તે ઉપરાંત સુરતના વાચકોને ઉપયોગી બને તેવું ‘દેશબંધુ' નામનું નાનું સાપ્તાહિક પણ તે પ્રસિદ્ધ કરે છે. ‘ગાંડીવ’ બાલસાહિત્યમાળામાં તેમણે લખેલી પુસ્તિકાઓ 'બાળવિહાર', 'સોનાકુમારી', 'કૉલસા કાકા', 'રેલ પાટા' વગેરે છે. ‘બ્રહ્માંડનો ભેદ’ નામની સાહસકથામાળા પણ તેમણે લખી છે. તેમના સંપાદન હેઠળની ‘સ્ત્રીશક્તિ ગ્રંથમાળા’માં આશરે ૭૫ નાનાંમોટાં પુસ્તકો બહાર પડ્યાં છે. તેમનાં પત્ની કાન્તાગૌરી 'સ્ત્રીશક્તિ’ સાપ્તાહિકનાં સહતંત્રી તરીકે તેમને કાર્યમાં સહાય કરે છે.

***