ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ (‘સ્વપ્નસ્થ')

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ (‘સ્વપ્નસ્થ’)

રાજકૉટમાં ઈ.સ.૧૯૧૩ના નવેમ્બરની ૧૩ મી તારીખે (કાર્તિક પૂર્ણિમાએ) એમનો જન્મ થયો. તેઓ મૂળ જામનગરના પ્રશ્નોરા બ્રાહ્મણ અને એમના પિતાનું નામ રણછોડલાલ કેશવલાવ વ્યાસ. માતાનું નામ સ્વ. સૌ. રુકિમણી પાર્વતીપ્રસાદ .વૈદ્ય. જામનગરના જાણીતા સંગીતવેત્તા આદિત્યરામજી એમના પ્રપિતામહ થાય. એમનો ઉછેર અને પ્રાથમિક શિક્ષણ મોસાળમાં-રાજકૉટમાં જ થયાં. ત્યાં નાના, નાની, બંને મામા, બધાં કવિતા રચતાં અને ઘરમાં કાવ્યોનાં અંગ્રેજી પુસ્તકો હતાં; જામનગરમાં પિતાએ ૫ણ અદ્યતન ગુજરાતી પુસ્તકો વસાવેલાં એટલે સાહિત્યસંસ્કાર બાળપણથી જ પડ્યા હતા. એ વાચનમાં બાયરન અને ગૉર્કીએ ખૂબ અસર કરી. સાહિત્ય પ્રત્યે અનુરાગ હોવા છતાં ભૂગોળ અને વિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. ઈ.સ.૧૯૩૬માં સ્વ. કવિ કાન્તનાં પુત્રી ડોલર જોડે એમનું લગ્ન થયું. આજે તેઓ મુંબાઈના ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્ક્સમાં કામ કરે છે. એમનાં પુસ્તકો: “અચલા” (લાંબું પ્રણયકાવ્ય) ૧૯૩૭, “વિનાશના અંશો, માયા" (બે લાંબાં કથાકાવ્યો) ૧૯૩૮, “શોધ” (‘મોહન શુકલ' ને નામે લખેલી લાંબી વાર્તા) ૧૯૩૯, “અજંપાની માધુરી" (કાવ્યસંચય) ૧૯૪૧.

***