છોળ/વણજારાનાં મોતી
પ્રદ્યુમ્નને કંઠેથી આ સંગ્રહનાં કાવ્યો છલકતી છોળે સાંભળ્યાં. એનાં શબ્દચિત્રો, લય-વળાંકો અને ધ્વનિ-આવર્તનોમાં મન તરતું, તણાવા લાગ્યું. શબ્દો રંગ ધરતા ગયા, રંગો સૂરમાં વહેવા લાગ્યા અને સૂર કોઈ એવી અપાર્થિવ સૃષ્ટિમાં લઈ ગયા કે જે પરિચિત હોવા છતાંયે ચિરનવીન બની ખડી થઈ ગઈ! પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને આકાશની આપણી દુનિયા… એના કેટલા રંગોને આપણે પ્રીછીએ? એનાં કેટલાં રૂપને આપણે પરખીએ? વળી, એના કેટલા સૂર અને સુગંધનાં સગડ પકડી શકીએ? કવિ પોતાના અંતરની ખરલમાં આ બધાં તત્ત્વોને ઘોળી, ઘૂંટી પ્રેમનો પુટ આપી નવીન સ્વરૂપ દાખવે છે. શાલિવાહન વિશે કથા કહે છે કે તે માટીનાં પૂતળાંને અંજલિ છાંટી પોતાનું વિજયી સૈન્ય તૈયાર કરતો હતો. કવિ પણ કાંઈક આવા નવસર્જનની વિજય-પતાકા ફરકાવે છે. વિધાતાએ આપેલી સામગ્રીને એ વિશેષ કરી જગતને પાછી સોંપે છે.
આવો ચમત્કાર આપણને જોવા મળે છે, ભારતની માલવી અને મેવાડી શૈલીનાં લઘુચિત્રોમાં જોવા મળે છે યુરોપની રોમેનિક શૈલીની ચિત્ર- પરંપરામાં. આ ચિત્રોમાં પ્રગટતાં પોત, ઘાટ, ઝાંય, રંગ, ધ્વનિ તેમજ ઘ્રાણને સ્પર્શતી સંવેદનાઓ ક્યાંક સ્ફટિક સમી પારદર્શક બની જાય છે. આપણે એને નિહાળ્યા જ કરીએ, એ ધરવનું નામ જડતું નથી.
આશ્ચર્યની વાત નથી કે મિકેલઆન્જેલો અને લેઓનાર્દો દે વિન્ચી જેવા સમર્થ, સુષ્ઠુ ‘રેનેસાં’ કળાકારો કરતાં જોત્તો અને ચિમાબુએ જેવા સિએના સ્કૂલના કલાકારો પ્રદ્યુમ્નને વધુ ગમે છે. પ્રદ્યુમ્નને વારસામાં મળેલ આ વૈષ્ણવી કૌતુકરાગમાં પ્રદ્યુમ્નનાં સહચરી રોઝાલ્બા પણ સામેલ છે એ એક સુભગ યોગ છે.
મનુષ્યમાં જ્યારે સૌન્દર્યની પૂર્ણિમા સાથે પ્રેમની ભરતી ઘૂઘવે છે ત્યારે તેનાથી આવું સવિશેષ અર્પણ અનાયાસ થઈ જાય છે. તે રૂપાળી ધરતીને વધુ રૂપાળી કરવા ન્યોછાવર થઈ જાય છે. કચ્છના રસિક રાજવી લાખા ફૂલાણી અને હેમહડાઉ વણજારાના પ્રસંગ સાંભરી આવે છે. મેઘાણીએ પોતાની ટાંચણપોથીમાં એ ટપકાવી લીધા છે. નોંધ છે:
કચ્છમાં જરાર નદી.
લાખો ફૂલાણી, જેઠ મહિને નીકળ્યા.
મે’નું સરવડું આવ્યું.
સૌનાં ફેંટા, દુશાલા, શાલું ઓઢેલ તે પલળી ગયાં.
નદી કાંઠે તલબાવળ ઉપર ફેંટા, દુશાલા, શાલું સૌએ સૂકવ્યાં.
લાખે જોયુંઃ ‘વાહ, તજારાનો બાગ હોય એવી નદી લાગી છે શોભવા!
તજારાનો એટલે અફીણના છોડવાનો બાગ અફીણનાં ફૂલ લીલાં, રાતાં,
પીળાં, આસમાની હોય. સાથીઓને કહે છે કે, ‘જુવાનો, હવે લૂગડું કોઈ લેશો નહિ’.
નદીને એવી રૂડી દેખીને લાખો સૂકવેલાં શાલ, ફેંટા મૂકીને જ સાથીઓ સાથે ચાલી નીકળ્યો.
તે પૂર્વે એ જ નદીકાંઠે એક વાર રાજા ઉન્નડ જાડેજો આવેલો. ભાદરવો મહિનોઃ ચારણો નદીકાંઠે ભેંસડીઉ ચારે, વાંસળિયું વગાડે, દુહા લલકારે, કડ્ય કડ્ય સુધી મીંઝવો ઊગેલ.
‘વાહ! નદી કેવી રૂડી લાગે છે!’
રાજા ઉન્નડે નદીકાંઠો ચારણોને બક્ષિસ દીધો.
તેની પણ પૂર્વે એક વાર હેમહડાઉ વણજારો નીકળેલો.
ભેળી મોતીની ભરેલ પાંચસો પોઠ્યું. પોઠિયા નદી ઊતરતા હતા,
એમાં એક ગુણ ઊતરડાઈ.
ઝરરર! મોતી નદીમાં વેરાણાં.
મોતી સાથે માછલીઉં ફડાકા મારવા માંડી.
હેમહડાઉ જોઈ રહ્યો: ‘વાહ, નદી કેવી રૂડી લાગી છે? આ
નદીમાં તે કાંઈ વેળુ શોભે?! એલા, બધી પોઠું નદીમાં ઠાલવી દ્યો!’
એવી શોભા કરીને હેમહડાઉ ચાલ્યો ગયો.
[‘પરકમ્મા’]
રૂડીરૂપાળી પ્રકૃતિને પોતાને હાથે શણગારવાની અને પોતીકું સમર્પવાની આ માનવ-મહેચ્છા એ જ પ્રેમનો નાતો અને પરમ આનંદની કહાણી. કવિ વાણીના વાઘાથી પ્રકૃતિને સજાવે છે. ઊજળાં મોતી જેવા સૌન્દર્યદૃષ્ટિથી એને વધાવે છે; અને છતાં હજુ પૂરું આપી શકાયું નથી એનો ખટકો મનમાં રહ્યા જ કરે છે. રવીન્દ્રનાથ જેવો વાગીશ્વરીનું વરદાન પામેલો કવિ પણ બોલી ઊઠે છેઃ
જીવન-કિનાર મેં તો સ્પર્શી છે વારંવાર,
ભીતરનાં દ્વાર હુંથી ખોલ્યાં ન ખૂલ્યાં.
આવો, કવિ ઔર કોઈ, શાયર શિરમોર કોઈ
મૂંગી ધરતીને વાણી-વાઘા પહેરાવો.
(અનુવાદઃ કરસનદાસ માણેક)
કવિ અને પ્રકૃતિનો આ પ્રગાઢ સંબંધ આદિકાળથી ચાલ્યો આવે છે. છાંદોગ્યનો ઋષિ તો કહે છે કે સૂર્ય મધપૂડો છે પણ એમાં મધુ તો મારી ઋચાઓ પૂરે છે. સૂર્ય પૃથ્વીને ઉજાળતો હશે પણ એને મધુમય તો હું કરું છું. આ પંચ મહાભૂતો અને પંચ તન્માત્રાના જગતમાં માનવનું અસ્તિત્વ તેના મહિમાને પ્રગટ કરવા માટે છે, અને તેનો ઉદ્ગાતા છે કવિ. આપણે આંગણે મેઘ ઊમટી આવે છે ત્યારે આપણે શું નીરખીએ છીએ! વિજ્ઞાની કહે છે આ મેઘ એટલે વરાળ, વાદળ, વાદળનું ઘર્ષણ, વીજળી, ગડગડાટ અને વરસાદ. કવિ આ નથી જાણતો એમ નહીં પણ મેઘ એની પરગામિની દૃષ્ટિ આગળ પોતાનું નવું જ સ્વરૂપ પ્રગટ કરે છે. એને ભલે કલ્પના કહેવામાં આવે પણ એ તો છે દરેક વિરહી અંતરમાં રહેલું અનુભૂત સત્ય.
આવા કવિકર્મનો ઉત્તમ પ્રતિનિધિ છે કાલિદાસ. રામગિરિ ઉપરથી ડતો મેઘ આ ભૂમિનો જ છે: કાલિદાસના શબ્દોમાં:
ધૂમ્ર જ્યોતિઃ સલિલ મરુતા સન્નિપાતઃ કંવ મેઘઃ
ક્યાં સુદૂર અલકામાં પ્રિયતમાને ધીરજ બંધાવતો સુજ્ઞ સંદેશવાહક! ધૂમ્ર એટલે ધુમાડો નહિ પણ અત્યંત સૂક્ષ્મ રૂપે રહેલાં રજકણ, પાર્થિવ-અપાર્થિવ વચ્ચેની છેલ્લી રેખા. પણ જ્યાં પાર્થિવ-અપાર્થિવ કે ચેતન-અચેતનના ભેદ જ ભૂંસાઈ જાય છે એવા કૈલાસ ભણી તો આ મેઘ જ પહોંચી શકે, રાજહંસોની કતાર સાથે. જ્યાં છ અને છ ઋતુ એકીસાથે રમે છે તે અલકાપુરી સુધી જવાનો એને અધિકાર છે. કવિ વિના આપણા ઉદ્વિગ્ન ચિત્તને આવું ઉડ્ડયન કોણ કરાવી શકે? માટીમાં જ બદ્ધ બનેલા માનવીના મનને પાંખો આપે એનું નામ કવિ.
પ્રદ્યુમ્નની કવિતાનો પ્રદેશ અને પરિવેશ આમ જુઓ તો વ્રજ-મંડળ, વનવગડો, વિવિધ ઋતુઓ અને ગ્રામીણ તેમજ વનવાસી જનોના અવનવા પ્રસંગે વહેતા લહેકા, ઠેકા, ઠસ્સા અને સહજ ઉદ્ગારો. આટલી ભૂમિમાં તેણે સારાયે નભોમંડળને રમવા નોતર્યું છે. કાન-ગોપી અને વ્રજવાસીઓ માત્ર વ્રજ પૂરતાં જ નથી રહેતાં અને વ્રજની સામગ્રી જમુના, મટકી, મોરલી અને મોરપિચ્છમાં જ નથી સમાઈ રહેતી. એની સાથે જે પ્રહરે પ્રહર, ઋતુએ ઋતુ અને માનવભાવનાં હાસ-પરિહાસ, રાસ-વિલાસ તથા તોર-તોફાન જાગે છે તે આપણામાં રહેલી આદિમ પ્રકૃતિનાં જ પ્રતિબિંબો દાખવે છે. આ નિરનિરાળાં રૂપ-રાગ-રંગ આપણી ખોવાયેલી દુનિયાની યાદ અપાવતાં સંભારણાં અને આભરણ છે. આ સાથે આ ભૂમિના શબ્દનો રણકો અને લયનો ઉછાળ આગવી મુદ્રા અંકિત કરે છે. આ બધું બારીકાઈથી જોતાં પ્રદ્યુમ્નનાં કાવ્યોની જનમોત્રી અને જમનોત્રીનાં મૂળ હાથ લાધશે.
મૂળ છે આદિમ પ્રકૃતિનો અણબોટ્યો અવાજ. ઘણીવાર આ કાવ્યોમાં ડોકાતી ઉન્મુક્ત ઐન્દ્રિયતા જોતાં કીટ્સની યાદ આવે છે. એમાંયે ખાસ ‘ઓડ યુ એ ગ્રેસિયન અર્ન’નાં ચિત્રો વ્રજભૂમિ સાથે હોડમાં ઊતર્યાં હોય એવું ભાસે છે. પ્રાચીન ગ્રીસના કૂંજા પર આલેખાયેલા ચિત્રને કીટ્સે જીવતું કર્યું છે, એને વાચા આપી છે. અશ્રાવ્ય સંગીતને તેણે અહીં વધુ મધુર સૂરે શ્રાવ્ય કર્યું છે. વૃક્ષોની ઘટા તળે બેસી બંસી બજાવતો યુવાન ત્યાંથી ખસી શકે એમ નથી. પ્રિયતમાની અત્યંત સમીપ હોવા છતાં પણ પ્રેમી તેને ચૂમી શકતો નથી. અને છતાં અહીં પીડાને કશો અવકાશ નથી. કારણ કે તે સદાયે સૌન્દર્યવતી રહેશે અને યુવાનનો પ્રેમ સદાય અક્ષુણ્ણ રીતે વહેશે.
આજે નદીકિનારાનું, દરિયાકાંઠાનું કે પર્વત પર આવેલું કોઈ ગામ ખાલી થઈ ગયું છે. રમણીય પ્રભાતે ગ્રામવાસીઓ મળ્યા છે દેવનો ઉત્સવ ઊજવવા. હવે એ લોકો ગામમાં પાછાં ફરી શકે એમ નથી. અને તોયે તેમની આ વનસ્થલીની ઉજવણી કદી અસ્ત નહીં પામે. ગોકુળિયું ગામ મેલીને, વાંસળીને બોલે વનરાવનમાં આવી ચડેલાં વ્રજવાસીઓ જાણે ગ્રીસની ભોમમાં જોવા મળે છે. જેને દેશ-કાળના સીમાડા નથી એવા ભારતનું વ્રજ, ગ્રીસની આર્કેડિયા, યક્ષની અલકા, ઈરાની બાગે-બેહિસ્ત કે તિબેટન શંબલ, શાંગ્રિલા અહીં એકત્રિત થઈ ગયાં છે. નથી એને કાળનો ઘસારો, નથી એમાં વસતાં આપ્તજનોને મૃત્યુનો ભય. પ્રદ્યુમ્નની કલમે આવી સૃષ્ટિ અનેક રૂપે, રંગે, સૂરે પ્રગટ થઈ છે. ગુજરાતી કવિતામાં એ પોતાની કુંજઘટા સદાયે લીલીછમ ને ગુંજારભરી રાખશે.
આજથી ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પહેલાં ‘કુમાર’નાં પાનાં પર આ કાવ્યો પ્રગટ થવા માંડ્યાં હતાં. અને તેની આગવી રેખાઓ, નવીન રંગપૂરણી અને તળપદી વાણીથી વાચકોને મુગ્ધ કર્યા હતા. આટલે વરસે આ કાવ્યોને મળું છું ત્યારે તેમના ચહેરાનો ઉજાસ એવો ને એવો તાજો લાગે છે. એમને નથી પડી કરચલી કે નથી સાંપડી જર્જરતા. સમયના રથની ધૂળને આ પ્રદેશમાં પ્રવેશવાનો નિષેધ લાગે છે. પ્રદ્યુમ્ન આપણા જમાનાનો કવિ. દેશ-પરદેશ પગ તળે કાઢી નાખતાં તેણે જગતના નીંગળતા ઘા નરી આંખે જોયા છે. બંધિયાર મહેલાતો અને બદબો મારતી ગલીઓમાં તે ઘૂમ્યો છે. તેને પોતાને પણ ઓછી હાડમારી અને હાલાકી સહન નથી કરવી પડી. છતાં એ બધું જ ઘોળી પી જઈને અમરત-મીઠું ગાન ગાતો રહ્યો છે.
એવું લાગે છેઃ ક્યાંક માએ તેને ગળગૂથીમાં જ આવું અમરત પાયું છે અને સહુને પિવડાવતો રહેજે એવા આશીર્વાદ આપ્યા છે.
પ્રદ્યુમ્ને પોતાની ઓળખ આપતાં શરૂઆતમાં જ માનાં વેણ આલેખ્યાં છેઃ “ ‘પંડ સંગ મળ્યા સહજના કહેણને ઓળખજો ને એ થકી નિજને, નિજી કર્તવ્યને અને સકળ સંસારના કર્તાહર્તા શ્રીકૃષ્ણને. ચાલુ વાદ-વલણો કે આવતાં-જતાં વીતકોનાં ઠાલાં રોદણાંથી પર, નિજી વાટે વધતા રહેજો’ હજીયે ગુંજરતાં કળું છું, જે કેવળ જનની જ નહીં, આયુષ્યનાં આદર્શ થઈને રહ્યાં, એ વ્હાલસોયાં માનાં વેણને.”
પ્રદ્યુમ્ને માનાં વેણ જીવનમાં ઝીલ્યાં ને તેની કવિતામાં પાંગરી ઊઠ્યાં એની થોડી ચખણીઃ
વાગોળું વેણ ઈ દાંડી ને રેણ અહો
કળતર શી આછરતી કોઠે,
ક્યારેયે માણી ન’તી એટલી મીઠાશ કળું
હળુ હળુ ઊભરતી ઓઠે!
સાચું મા! સાચું રોજેરોજે પરમાણું કે
જીરવેલાં ઝેર ઈ જ અમી!
પીડ્ય રહી હાંર્યે સહુ શમી…
(નિદાન)
માનવની કૃતિમાં એનું એકલાનું જ કર્તવ્ય નથી. શાખ પાકે ને મીઠપ નીતરે એમાં તડકાનોયે હિસ્સો હોય છે. મહેકને પવનની પાંખો ન મળે તો એ ક્યાંય જઈ ન શકે. જ્યાં સ્નેહનો સ્પર્શ થાય છે ત્યાં પાતાળમાંથીયે ખળખળતાં નીર વહી નીકળે છે. કવિ સૃષ્ટિના આ સહિયારા યોગને માથે ચડાવી પોતાના કર્તૃત્વનો સઘળો ભાર ઉતારી નાખે છેઃ
નીપજ્યાનો લઈએ જી લ્હાવ કહો
કોણ અહીં કર્તા ને કોણ તે નિમિત્ત?!
હોંકારો દીધો એક હળવો હુલાસનો
કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!
(હોંકારે)
આ સાચું હોવા છતાં જે રચના આંગણે આવી ચડી એને તો પૂરાં આદર અને કાળજીથી સ્વીકારવાની રહે. એમાં જેટલી બેકાળજી એટલી જ જીવન અને કળાના ક્ષેત્રમાં હાનિ. આ બંને કાવ્યો પ્રત્યે એટલા માટે ધ્યાન ખેંચવાનું મન થાય છે કે પ્રદ્યુમ્નની કવિતામાં જે ઉન્મુક્ત, ઉદ્દામ મોજાંઓનું નૃત્ય છે તેની ભીતર ઊંડે ઊંડે પાતાળના સ્થિરાસને બેઠેલું આંતરિક દર્શન છે. કવિ કહે છેઃ
એ જી વાવરતાં ચંદણની મ્હેંક મીઠી થાય
જાય એળે તો ચપટી શી રાખ!
ઊતરે ન ઘાટ જો મનમાન્યો માહીં તો
નિજની તે નજર્યુંનો વાંક!…
(આંક)
નિજની નજરનો વાંક હોય છે કૃપણતા, કુંઠિત દૃષ્ટિ, પ્રેમ તો સીમાહીન વિસ્તારનો પ્રવાસી છે. મલિક મહમદ જાયસીનાં વેણ છેઃ
માનુપ પ્રેમ ભયેં વૈકુંઠી
નાહીં તો કાહ છાર એક મુઠી
મનુષ્યનો પાર્થિવ પ્રેમ વૈંકુઠનો પ્રેમ બની રહેવો જોઈએ, નહિ તો મનુષ્ય એક મુઠ્ઠી રાખ સિવાય બીજું શું છે? ‘જિગર’ મુરાદાબાદી એમાં સૂર પુરાવે છેઃ
જો ઘટે તો એક મુશ્તે ખાક હૈ ઇન્સા,
અગર બઢે તો વુઅસતે-કોનેન મેં સમા ન સકે!
માણસ જો સંકુચિત થઈ જાય તો એ એક મુઠ્ઠી રાખમાત્ર છે અને વિશાળ બને તો બ્રહ્માંડની સીમાઓમાં પણ સમાઈ ન શકે.
મૂળ કાર્ય છે પોતાની અંદર રહેલા અંતરાકાશ અને બહાર પ્રસરેલા બાહ્યાકાશ વચ્ચે સામંજસ્ય સાધવાનું. એ કઠોર સાધનાથી નથી પ્રાપ્ત થતું કે નથી મંદ વેગથી મળતું. એ છે સુરતા અને સમતા જાળવવાની કળા. કબીરનું વચન છેઃ
કરડા તાપ દિયે તો બગડે
કાચી કામ ન આવે,
સમતા તાપ દિયે તો સુધરે
જતન કરીે પાવે
સમતુલા અને સંવાદિતા (બૅલેન્સ ઍન્ડ હાર્મની) જીવનનો પ્રાણ છે. અહીં પ્રદ્યુમ્નનાં કાવ્યોને વીણી વીણીને તેનો રસાસ્વાદ કરાવવાની ઇચ્છા નથી. એમ કરતાં માથા કરતા પાઘડી મોટી થઈ જાય. પ્રદ્યુમ્નની કાવ્યસૃષ્ટિને નિહાળવા માટે એક પીઠિકા અને પરિપ્રેક્ષ્યની ઝાંખી કરાવવાનો ઇરાદો છે.
મેઘાણીના સમગ્ર સાહિત્ય-સર્જનને જે એક જ ગીતમાં સમાવી શકાય, એ છેઃ ‘રાજ! મને લાગ્યો કસુંબીનો રંગ’. પ્રદ્યુમ્નનાં સારાંયે ગીતોની ધ્રુવકડી સાધવી હોય કે તેને નખચિત્રમાં સમાવવાં હોય તો આ સંગ્રહનું કાવ્ય ‘રત્ય’ બસ થઈ પડે એમ છેઃ
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
(રત્ય)
ચંદરવો એટલે ભાત ભાતના રંગીન ટુકડાનો મેળો, એક કાપડ પર આ ટુકડાઓ સીવી લેવામાં આવે ત્યારે એકમાં અનેકની રમણા જામે. આ તમામનો વૈભવ ટકે પેલા કાપડના પોત પર. પ્રદ્યુમ્ન કાવ્યનું પોત દર્શાવતાં કહે છેઃ
મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પર
ખાંતે આળેખી ભલી ભાત્ય.
મધુવનની લાલ મજીઠ સમી ભૂમિ પર આ ભાતીગળ રંગ-રાગની ઉજાણી મથી છે. મજીઠી રંગનું નામ લેતાં મીરાંની પંક્તિ હોઠે ચડી જાય છેઃ
ફાટે પણ ફીટે નહીં, લાગ્યો મજીઠી રંગ.
કબીરનો રંગ પણ આ કનૈયાની ભૂમિમાં ખીલી ઊઠે એવો છે.
અપનૈ મૈં રંગિ આપનયૌ જાનું
જિહિ રંગિ જાનિ તાહી કૂ માનું.
અભિઅંતરિ મન રંગ સમાનાં
લોગ કહે કબીર બૌરાનાં
રંગ ન ચીન્હૈ મૂરખિલોઈ
જિહિ રંગિ રંગ રહ્યા સબ કોઈ
જે રંગ કબહૂં ન આવૈ ન જાઈ
કહૈ કબીર તિહિં રહ્યા સમાઈ.
‘હું તો મને જ રંગમાં ઝબોળી મારી જાત ભાતને ઓળખું છું. જે પોતાને રંગી જાણે એની જ વાત માનવા તૈયાર છું. મારું મન તો મારા અંતરતમમાં રહેલા રંગમાં પૂરું સમાઈ ગયું છે. લોકો કહે છે કે કબીર પાગલ થઈ ગયો છે. મૂરખ લોકો રંગને જાણતા નથી. અરે! આ સહુ કોઈ તો એ જ રંગમાં તરબોળ છે, જે રંગ કદાપિ ચડતો નથી કે ઊતરતો નથી. એવા અનાદિ અને અનંત રંગમાં હું ઓતપ્રોત થઈ ગયો છું.’
ચિત્તનું એક જ પોત અને તેના પર અનેકરંગી ‘ઋતુ-ઋતુની આળખેલી ભાત’. ‘ચિત્ત-ચૈતન્ય વિલાસ તદ્રૂપ’, અહીં મધુવનનો મોરલો અને પેલો ‘એ રસનો સ્વાદ જાણનારો જોગી’ – શુક જે વાતો કરે છે એને ધરાઈને સાંભળીએ તો જીવનમાં રંગ રહી જાય.
વ્રજવાણી સાંભળવા મળે અને તેમાં કાન-ગોપીની વડછડ ન હોય એ બને જ નહીં. પ્રદ્યુમ્ને ‘હિસાબ’, ‘વેશ’, ‘શેણે’, ‘રાવ’, ‘વડચડ’ વગેરે કાવ્યોમાં ગોપી દ્વારા કાનજીનાં કરતૂતો ગણાવ્યાં છે. પણ ક્યાંય મોહનજીએ સામું વેણુ માર્યું હોય એવું દર્શાવ્યું નથી. વડચડ છે, માધવ સાથે નથી. આ સઘળાં કાવ્યોની ઉક્તિ સ્ત્રીને મોંએ જ શા માટે કહેવામાં આવી હશે? કદાચ એમ હશેઃ સમગ્ર પ્રકૃતિ જ અહીં ગાઈ રહી છે અને પેલા અવ્યક્ત સાથે તાર સાંધી રહી છે. એ ક્યાંય નથી પણ એનાં એંધાણ સર્વ સ્થળે છે. અને જે મૂર્તિમંત છે એ પણ અકળ રહસ્યથી સભર ભર્યા છે. ‘વેશ’ કાવ્યમાં ગોપીઓને એક યુક્તિ જડી છે. એ આહ્વાન કરે છેઃ
સાંભળવી નથ્ય હવે લટકાળા લાલ લેશ
અમથી અમથી રે ડંફાસું,
ભજવી જાણો જો ભલા, ગોપીનો વેશ
તો નટવર તમારું નામ હાચું!
એ માટે ગોપીઓએ સાજ-શણગાર પણ તૈયાર રાખ્યાં છે. તેઓ કહે છેઃ
બત્રી આ બાંયડીનો ઘેર નહીં સસવા દે
આજ, રાજ! તમને લગીર,
આવો, પહેરાવીએ ખાંતે, જે એક દિ’
ચોરેલાં તમીં એ જ ચીર.
જાણ્યું ના જાદવ! શું આદરી લીલાનું આમ
અણધાર્યું પલટાશે પાસું?!
(વેશ)
હાસ્યમજાકની હળવી રીતે રજૂ થતું આ ચિત્ર વૈષ્ણવ દૃષ્ટિનો ઉઘાડ કરે છે. તેને વૈષ્ણવ સાધકો વ્રજલીલાની રસદૃષ્ટિ તરીકે માણે છે. પુરુષોત્તમ તો નીલમાધવ છે. નીલાકાશ સમો અસીમ અને અગોચર છે. એ જ્યારે પ્રકૃતિનાં પીત વસ્ત્રો ધારણ કરે છે ત્યારે જ મનુષ્યને દૃષ્ટિગોચર થાય છે. પ્રકૃતિના રૂપમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે ત્યારે તેની સચરાચરમાં ચાલતી લીલાની ઝાંખી થાય છે. રાધા નીલમાધવમાં સમાઈ જાય અને માધવ કનકવરણી રાધિકાની કાંતિથી વીંટળાઈ જાય ત્યારે આ સૃષ્ટિનું અખંડ મંડલ જોવા મળે છે, જે રાસમંડળ છે, બ્રહ્માંડોની રમણા છે.
આ રમતિયાળ કાવ્યમાં કવિએ સજાગપણે આવી રસરીતિ ભરી હોય કે ન ભરી હોય, એ મહત્ત્વનું નથી. ‘શ્યામ બન્યા સુંદરી’ એવું એક લોકગીત છે. એ લોકકવિએ પણ શ્યામ-સુંદરીના એકત્વનું રહસ્ય પિછાણ્યું હોય એમ માનવાને કારણ નથી. એક પરંપરા દ્વારા આવી ઉક્તિઓ વહેતી આવતી હોય છે. ક્યાંક એના મૂળની ભાળ મળે ત્યારે આ ભાવ ધારા પાછળ રહેલી તત્ત્વદૃષ્ટિનો ઝબકારો જોવા મળે છે. મધુર ભાવના ગાયક રાય રામાનંદનું પદ છેઃ
પહિલહિ રાગ નયનભંગ ભેલ,
અનુદિન બાઢલ, અવધિ ન ગેલ,
ના સો રમણ, ના હામ રમણી
દુહું મન મનોભવ પેષલ જનિ.
‘સર્વ પ્રથમ પ્રેમનો ઉદય થયો ત્યારથી જ દૃષ્ટિ ફરી ગઈ અને પછી આ પ્રેમ દિવસે દિવસે એટલો વધતો ગયો કે જેની અવધિ ન રહી. એ રમણ નથી અને હું રમણી નથી એ બન્નેએ મનોમન પારખી – જાણી લીધું.’
કૃષ્ણ-ઉપાસના અને કાલી-ઉપાસના વચ્ચે ઘણું સામ્ય છે. એટલું જ નહીં તે એક સિક્કાની બે બાજુ છે. ‘કૃષ્ણસ્તુ સ્વયં કાલી’ઃ કૃષ્ણ પોતે જ કાલી. ત્યારે કૃષ્ણ પુરુષ છે તો શું કાલી સ્ત્રી છે? કાલી-ઉપાસકની વાણી છેઃ
જાનો ના રે મન પરમ કારન
શ્યામા શુદુ મેયે નય
સે જે મેઘેર વરન કરિયા ધરન
કખનો કખનો પુરુષ હય.
‘મન, તું આ વિશ્વની પરમ કારણ શક્તિને જાણતું નથી. કાલને ઉત્પન્ન કરતી કાલી કેવળ છોકરી નથી. મેઘવર્ણ ધારણ કરીને તે ક્યારેક ક્યારેક પુરુષ બને છે.’
અને કાલી માત્ર કાળા રંગની જ નથી. પણ વિવિધ રંગોને ધરતી એ સકળ સૃષ્ટિમાં ઉત્સવ રૂપે વિચરે છે. અને વળી પરમ શૂન્ય બની અગમ્ય બની જાય છે. કમલાકાન્તનું પદ છેઃ
શ્યામા મા દિ આમાર કાંલો રે,
કાલરૂપા દિગંબરી હૃદિપદ્મ કરે આલો રે.
લોકે બોલે કાલી કાલો, મન તો બોલે ના કાલો રે
કખનો શ્વેત, કખનો પીત, કખનો નીલ, લોહિત રે
આગે નાહીં જાની કેમન જનની ભાવિતે જનમ ગેલો રે
કખનો પુરુષ, કખનો પ્રકૃતિ, કખનો શૂન્ય રૂપા રે
એ ભવે ભાવિતે ‘કમલાકાન્ત’ સહજે પાગલ હોલો રે.
ચીરહરણ અને વસ્ત્ર-પરિવર્તન જેવી લીલામાં રહેલા મૂળભૂત દર્શનની ઝાંખી કરાવવા માટે જ આ અવતરણો આપેલાં છે.
આ વર્ણનને દત્ત અવધૂતના પગલે પગલે નીરખીએ તો શુક અવધૂતની વાણીનો મર્મ ખૂલી જાય!
રથ્યાકર્પટ વિરચિત કન્યઃ
પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થઃ
શૂનઅઆઘઆએ તિષ્ઠતિ નગ્નો
શુદ્ધનિરંજન સમરસ મગ્નઃ
‘રસ્તામાં પડેલાં ચીંથરાંની જેણે કંથા ધારણ કરી છે, પુણ્ય કે પાપની મુક્ત જેનો માર્ગ છે. શૂન્યના ઘરમાં જે વસ્ત્રવિહીન ખડો છે અને વળી વૈવિધ્ય અને વિરોધોથી સભર વિશ્વમાં જે શુદ્ધ નિરંજન સ્વરૂપે (એ અવધૂત) નિમગ્ન છે.’
વ્રજની દિગંબરી અને નીલ પીત-દિવ્યાંબરી લીલાને નિહાળવા જુદાં જ નેત્રોની જરૂર છે.
હવે વ્રજની સોહામણી ભોમમાં જે પ્રીતિરસ છલકે છે, જે રહસ્યમય ગોપન-ગીતિ છે અને વળી જરા ઝીણી નજર કરીએ તો ઉઘાડું સત્ય છે તેની જરા ઝાંખી કરીએ. ‘વાતું છે ઝીણિયું’, પણ માણવા જેવી છે. માહીં રહેલો આ ગુપ્ત સંચાર અને મુક્ત ગુંજારઃ
પાણીડાંની મશ્યે તોય અવળી તે દૃશ્યે
હાંર્યે સત્યના ઉજાસે ઝાંખોડા,
છાનાંમાનાં તે સરે ગોકુળને ઘરઘરથી
રાતી રંગ ચૂંદડીના ઓળા!
જ્યાં લગ ના સાંકડી શેરીયું વટાવીને ગામનો છેવાડ વાંહે મેલે
ત્યાં લગ તે ઝાંઝરનાં ઝીણા ઝણકારવિણ રવ તે એકેય નહીં રેલે
પહેલે પગલે જ અવળી ચાલ. પણ આ તો ‘અવળી ગંગા, સવળાં નીર’. ગોપી જે નીર ભરવા જાય છે એ તો જનમ જનમની તરસ ભાંગતાં જીવન-નીર. પાણી ભરવાને બહાને ગોકુળમાંથી છાનામાના સરકે ઓળા. પણ આ ઓળા છે રંગથી ભર્યા ભર્યા. કાળી રાતમાં ભળી જતા એ ઓળાની ભીતર રાતી રંગચૂંદડી લહેરાય છે. ગોકુળ ગામની સાંકડી શેરી વટાવતાં સુધી આ ઓળા સૂન રૂપે સૂનમાં ભળી જાય છે. ઝાંઝરનો ઝીણો ઝણકારેય ન સંભળાય એની સાવચેતી રાખે છે. પણ ગામની હદ પૂરી થતાં કદંબ, કેવડાની મહેકથી સીમ મઘમઘી ઊઠી કે આ કાળા ઓળા કોયલનાં ટોળાં હોય એમ ટહુકવા લાગે છે. ગામનાં ખોરડાં નિઃશબ્દ, પણ ઘટાળી કુંજોમાં તો પંચમ સૂરે વસંતનાં વધામણાં.
વ્રજની ગોપન-કથાનો આ વસંતાવતાર. વિશ્વભરના મરમી સંતોએ જુદી જુદી રીતે કથાનું ગાન કર્યું છે. એમાં પ્રિયતમના મિલન કાજે અંધારી રાતે ચુપચાપ ચાલી નીકળવાની વાત સામ્ય ધરાવે છે. આ પ્રેમરસની પાછળ પરમ સત્યનું દર્શન છુપાઈને પડ્યું છે. ઓળા છે, કાળી રાતમાં સરકતા ઓળા, પણ મૂળ તો એ છે રંગ-રસ-રૂપનો સાકાર, સચેતન આવિષ્કાર, સાંકડી શેરીમાં એ મૂક છાયામયી છલનાઃ ઉઘાડી સીમમાં એ કલશોર મચાવતી તેજોમયી ચેતના. બૌદ્ધ પરિભાષામાં આ દેખીતું જગત છે સંવૃતિ સત્ય, પણ અંતિમ સત્ય છે અસંવૃત, અનાવૃત, પરમ સત્ય. ત્યાં કશું ઢાંકેલું, છુપાવેલું, બાંધેલું નથી. આ જ વસ્તુ પ્લેટોની પ્રખ્યાત ‘ગુફાના પડછાયા’, દ્વારા વ્યક્ત થઈ છે. એક ગુફામાં કેદીઓ બદ્ધ છે, તેમની પાછળ આગની જ્વાળાઓ ભભૂકે છે. કેદીઓ ગુફાની ભીંત પરના પડછાયા જુએ છે. આ પડછાયા તો ગુફાથી બહાર સરી જતા રંગીન જીવનના ઓળામાત્ર છે. જીવનનું સત્ય અને સૌંદર્ય જોવું, પિછાણવુંું હોય તો ગુફાવાસીઓએ બહાર સૂર્યપ્રકાશમાં આવવું જોઈએ, કે વ્રજવાસીની બોલીમાં શરદપૂનમની ઊજળી ચાંદનીમાં રમવા નીકળી પડવું જોઈએ.
ત્યારે આ ઓળા, આ પડછાયા શું ચીંધે છે? પ્રદ્યુમ્ને તો માત્ર ઓળા પાથર્યા છે ને ઝાંઝરના ઝણકાર દબાવી રાખ્યા છે. પણ વૈષ્ણવ કવિઓએ આ સૂનકારને વધુ ગાઢ બનાવ્યો છે ને એનો મરમ ખોલી બતાવ્યો છે બંગાળી વૈષ્ણવ કવિ ગોવિંદદાસે. રાધા અભિસાર માટે કેવી પૂર્વતૈયારી કરે છે તેનું બારીક વર્ણન તેમણે કર્યું છે થોડી પંક્તિઓ લઈને ચાલીએઃ
કંટક ગાડિ કમલ સમ પદતલ
મંજિર ચૌરહિ ઝાંપિ,
ગાગરિ વારિ ઢારિ કરુ પીછલ
ચલત હિ અંગુલિ ચપિ
માધવ, તુયા આભિસારક લાગિ
દૂતર પંથ-ગમન ધનિ સાધયે
મંદિરે યામિનિ જાગિ.
‘રાધા કોટાં પાથરી તે પર કોમળ ચરણે ચાલે છે, અવાજ ન થાય એ રીતે નૂપુરને બાંધે છે, ઘડા મોઢે પાણી ઢોળી માર્ગને કાદવિયો કરી લપસી ન પડાય એ રીતે પગ ઠેરવી ચાલે છે. માધવ, તને મળવા અભિસારે નીકળવા કાજે, એ યુવતી રાધા દુસ્તર પંથ કાપવાનો અભ્યાસ રાત આખી જાગીને કરે છે.’
આ પદનું હિન્દીકરણ ‘પિયા મિલન કો જાના’ ગીતમાં થયું છે. પંકજ મલ્લિકને કંઠે એ ગવાયું છે. મૂળ એક સંસ્કૃત શ્લોક છેઃ
માર્ગે પંકચિતે ઘનાંધતમસે નિઃશબ્દ સંચારણં
ગંતવયોધ મયા પ્રિયસ્ય વસતિમૂદ્ગૈતિ કૃત્વા મતિમ્
આજનૂદ્ધતનૂપૂરા કરતલૈનારછાદા નેત્રે ભૃશં
ક્રૂરછેણાતપદસ્થિતિઃ સ્વભવને પન્થાનમભ્યસ્થતિ
(‘પાંચીદશ વત્સરેર પદાવલી’
સંપાદકઃ શ્રી વિમાન્ બિહારી મજૂમદાર)
પેલા ઓળાઓને નજર સામે રાખીશું તો આટલી બધી તકેદારી શા માટે એનો ખુલાસો મળશે. આ ઓળા મનમાં ઊઠતા પડછાયા છે. તેમાં લોકનિંદા, તિરસ્કાર, બહિષ્કારના કાંટા છે, રાધા તેને પદતલે છૂંદી નાખે છે. રવીન્દ્રના ‘એકલા ચલો’ હાકલને અણસારેઃ
ઓ તુઈ પથેર કાંટા, રક્તમાખા ચરણતલે એકલા દરબારે
અરે, તું માર્ગના કાંટા ખોળે લોહી નીતરતા પગે છૂંદી નાખ.
‘આ પંથ પર સ્થિર પગલે ચાલવાનું છે. તેમાં કદાચ લપસી જવાય એવી આશંકાને દૂર કરવાની છે. ગોવિંદદાસના પદમાં આગળ આવે છે કે રાધા નાગને વશ કરવાનો મંત્ર શીખે છે. આ નાગ મૃત્યુનો ભય છે. તેને પણ મનમાંથી હટાવી નાખવામાં આવે ત્યારે પરમ પ્રિયતમને અભિસારે નીકળી શકાય. અને આ લોકભય, આશંકા, મરણભીતિ દૂર થયાં તો? વૃન્દાવન શું કોઈ અન્ય સ્થળે આવેલું છે? આવરણ હટ્યાં કે એ જ પળે, એ જ સ્થળે વૃન્દાવન પ્રગટ થાય છે. જે બંસીનો સૂર ગોપીઓના પ્રાણ-મનને વશ કરે છે, જે વનમાલાની સુગંધ તેમનાં હૃદયને પુલકિત કરી મૂકે છે એ શું દૂરથી આવે છે? ના રે, એ તો તેમના અંતરની ગહન કુંજે સદાય મધુર સૂરે ગુંજે છે, સદાય સોળે પાંખડીએ ખીલે છે.
આ સત્ય આ સૌન્દર્ય આપણી આ મર્ત્ય ભૂમિને જ અમૃતરસે રસી દે છે. એટલે તો વૃન્દાવન કોઈ સ્વર્ગીય લોકમાં નથી આવ્યું. માત્ર જરૂર છે એક અનાવરણની, ઘૂંઘટનો પટ ખોલવાની.
પ્રદ્યુમ્નના વ્રજ-ગીતોમાં જે સૂર બજે છે એ જ ‘ઋતુરમણા’માં બજી ઊઠે છે. ઋતુએ ઋતુમાં જાગી ઊઠતી રંગરંગની છોળ ‘રત્ય’ની જેમ એક જ કાવ્યમાં નીખરી આવે છે.
અડકી ગઈ
નેણ અચિતી રંગની છાકમછોળ!
(છોળ)
આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે. ભૂરાં આભ, સોનલવલણાં ખેત, રૂપેરી વ્હેણ, જાંબલી ડુંગરા, રાનસૂડાનું લીલું ઝૂમખું, ખડમોરની કાબરી ડોક, પીળચટી થોરવાડ, ફૂલગુલાબી વ્હેર, લીલી અમરાઈ, એમાં વળી જળે-થળે પોતાની આભા ફેલાવતી રાતીચોળ, હીરાગળ ચૂંદડી. અહીં ઓળા, ચુપચાપ ચાલતા પડછાયા કે સાંકડી શેરીનો આભાસ પણ નથી. આ છે ધરતીના વનેચર છોરુનું વનરાવન, રાજસ્થાની ભીલી બોલીના લહેકાઃ ‘ઓ લુગાઈ મોરી’માં માત્ર વાંસળી નહીં, પણ વંન આખાના વાંસ બોલતા આવે છે. ‘છોળ’નો જે છાક છે તે ક્યાં ક્યાં ને કેવી રીતે ઊઠે છે તેને બતાવતાં આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઈ લેવાનું મન થાય છે. ‘પવન’માં તેજ-સુપ્તિ ‘બપોર’માં તેજ, સુપ્તિ, તૃપ્તિ ‘ઘટા’માં માળવા સ્કૂલનાં લઘુ ચિત્રોની સ્મૃતિ, ‘ભાદરવી બપોર’માં સોંપો ને સંચાર — આમને આમ ચાલતા જઈએ ને આંખોમાં અછરજ આંજતા જઈએ. પ્રદ્યુમ્ને પોતાની રખડપટીમાં જે રંગ-રૂપ જોયાં, સૂર સાંભળ્યા તેને ધરાઈને પીધાં છે ને પછી તેમને પોતાના હૈયામાં સમાવી, ઘૂંટી, ઘોળીને આ સર્જનોમાં આલેખ્યાં છે. કોઈ એક સ્થળ ને સમયનાં જ આ રેખાંકનો નથી. અહીં વિવિધ રીતે ખીલતી નિસર્ગ અને ખેલતાં નર-નારીનાં રૂપ કોળી ઊઠ્યાં છે.
પ્રદ્યુમ્નને અત્યંત પ્રિય લાગતી હોય તો તે બપોરની વેળા અને બપોરની નીરવ સૃષ્ટિ. ‘બપ્પોર’માં સુખનું ઘેઘૂર ઘેન આજેલી ગ્રામીણ માતાનું ચિત્ર, ઝાવાનાં છલ અને ભર્યા પ્રેમની નિશ્છલ સ્થિતિને સામસામે મૂકી આપે છે. બહાર ઝળાંઝળાં વૈશાખી તાપમાં ઝાંઝવાં છલના ઊભી કરે છે તો એ જ બપોરે લીમડાના ઘટાદાર છાંયા તળે ગ્રામવાસીના સુખનું સરોવર છલકે છે. ‘ભાદરવી બપોર’માં ઘેરો સૂનકાર પથરાયો છે, જાણે લોહકપાટ. પણ તેને ભમરીનો ગણગણાટ ભેદી નાખે છે. એક ઝીણો સરખો અવાજ સૂનકાર કેટલો સઘન છે તેની પ્રતીતિ કરાવે છે. આ થઈ બહારના સૂનકારને ભેદતી કથા. પણ અંદરના સૂનકારનું શું? બહારવીજળીના થાંભલા હારબંધ ઊભા છે. તેની ભીતર વણથંભ્યો સંચાર થયા કરે છે. બહાર સોપો અને એ સોપાની પરવા કર્યા વિના તારમાં સંચરતા સંદેશા. આ તારમાં ગુંજતો શો સાંભળી શકાય? પ્રાણના કાન માંડીએ તો એ અશક્ય નથી. આ વીજળીના થાંભલાને હું મેરુદંડ કહું ને તેમાં પેલી વિદ્યુત-શક્તિને વહાવું તો સકળ બ્રહ્માંડના સ્વરને સાંભળી શકું. એક નખશિખ સુંદર કુદરતી દૃશ્યને હું આમ કુંડલિનીના ઉત્થાનમાં ખેતી-તાણી ઢસડી જાઉં છું એવો આક્ષેપ થશે. ફિકર નહીં. ‘જો બિન લેખે કો વાંચે હૈ’ એવો વાચનનો એક પ્રકાર છે.
કવિએ નિરૂપણ ન કર્યું હોય એવા ભાવ તારવવા બરાબર છે? આવું દૂરાકૃષ્ટ કર્મ કાવ્યના સહજ સૌન્દર્યને હાનિ નથી પહોંચાડતું? પેલા હેમહડાઉ વણજારાએ નદીમાં મોતીનું પાઠ્યું ઠાલવી દીધી ત્યારે નદીમાં તેણે કેવુંક સૌન્દર્ય ભાળ્યું હશે? માત્ર કુદરતી રૂપ? માત્ર નજરે દેખાતી સૃષ્ટિનો વૈભવ? મોઘાંમૂલાં મોતી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય એમાં ક્યાંક જરાક પડદો હટાવીને પોતાનું આપરૂપસૌન્દર્ય દાખવતી ચેતના ત્યારે સળવળી ઊઠી નહીં હોયને? કવિ અને કળાકાર એવી જ વાણી છે.
દેખા હોય તો કહી બતલાવો
મોતી કેસા રંગા?
ગુરુગમ કરીને ગોતો ગગનમાં
વાં હે ગુપતિ ગંગા
મોતીને નીરખા, પિયુજીને પરખા
આપ ભયા આનંદા.
જીવનનું રહસ્ય અને રહસ્યનો આનંદ અપ્રગટમાં નથી, પ્રગટમાં છે, અને સબ ઘટમાં એ પ્રગટ મળે ત્યારે પૃથ્વીનો આનંદ પરમ રસની છોળે છલકાય છે. ઘણા ઘણા વખત પછી આ ઘરેણું લોકોને જોવા મળશે. હવે તો આવા ઘાટ, કલા-કારીગરી દુર્લભ થઈ ગયાં છે. એનું મૂલ્ય પારખનારા મળે એવી પ્રાર્થના કરું છું.
માઘ પૂર્ણિમાઃ ૧૯-૨-૨૦૦૦
મદરન્દ દવે