છોળ/વૈશાખી રેણ


વૈશાખી રેણ


દા’ડો તો લાગે મુંને જેટલો અકારો સઈ!
એટલી ગમે આ રૂડી વૈશાખી રેણ
હાં હાં રે સઈ! કાંઈ રૂડી, કાંઈ રૂડી વૈશાખી રેણ!

રોમ રોમ ભોંકાતી બાવળની શૂળ
જેવાં દાડે દઝાડે તીખાં તેજ,
સીમ સીમ ઝરે શીળાં રાતે ચાંદરણાં
કે પાથરી ચમેલડીની સેજ?!
દા’ડો તો જાણે નેણ રાતાં ઉજાગરે
ને રાતલડી જાણે આંખ્ય ઢળી મીઠે ઘેન!
હાં હાં રે સઈ! કાંઈ રૂડી! કાંઈ રૂડી વૈશાખી રેણ!

દા’ડે વંટોળ શો વાવડો વીંઝાય
ઝીણી રજે ભરી કાય રેબઝેબ
શીળી શીળી રમે લોલ લેરખડી રાતે
કે અંગ અંગ ચંદણના લેપ!
દા’ડો તો જાણે બોલ સાસુજીના તાતા
ને રાતલડી સાયબાની મનગમતી શેણ!
હાં હાં રે સઈ! કાંઈ રૂડી, કાઈ રૂડી વૈશાખી રેણ!