છોળ/શ્રાવણી સાંજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

શ્રાવણી સાંજે

                કોઈની ના જોઈ રહી વાટ
અમથી અમથી ને તોય બેઠી છું ક્યારની એકલી તળાવડીને ઘાટ!

ધુમ્મસના ગોટ સમા શ્રાવણનાં વાદળાં જાતાં ઝળૂંબી ચહુ ઓર
કેવડાની મ્હેક લઈ વાતા પવંનને હળવે તે એક રે હિલોળ.
                કુંજ કુંજ ઝરી ઝરી જાય રૂડી છાંટ!
અમથી અમથી ને તોય બેઠી છું ક્યારની એકલી તળાવડીને ઘાટ…

કાંઠાની ઝાઝી ઝૂકેલી વનરાઈ થકી બોલ ના વિહંગનો સૂણાય
કિલકારે ગુંજતી ડાળડાળ આજ કોઈ મૌનની મીઠેપ મહી ન્હાય!
                ભીનું ભીનું ઉર મારું ભીનાં ભીનાં ગાત!
અમથી અમથી ને તોય બેઠી છું ક્યારની એકલી તળાવડીને ઘાટ…

ઓચિંતી પચ્છમથી પીગળેલા હેમ શી તડકાની ઝીણી ઝરે ધાર,
ન્યાળું ન્યાળું ને હજી ત્યાં તો ઘડીકમાં સામસામા સાંધતું કિનાર,
                સોહી રહે મેઘધનુ એવું રળિયાત!
અમથી અમથી ને તોય બેઠી છું ક્યારની એકલી તળાવડીને ઘાટ…

આથમતી સાંજ ને આઘેરા જાવું મારે વીંધી તમાલનું વંન,
એવું કશુંક તોય ગમતું કે આંહીંથી હાલવાનું થાતું ના મંન,
                ભરી ભરી ઠાલવું ને ફરી ભરું માટ!
અમથી અમથી ને તોય બેઠી છું ક્યારની એકલી તળાવડીને ઘાટ…

૧૯૬૦