તરુરાગ અને નદીસૂક્ત/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

મૂર્ધન્ય સાહિત્યકાર જયંત પાઠકનો નિબંધસંગ્રહ ‘તરુરાગ અને નદીસૂક્ત’ એક આગવી કૃતિ છે. એમાં પ્રત્યેક નિબંધના આદિ-મધ્ય-અંતનું નિબંધન કલાપૂર્ણ રીતે થયું છે. કર્તા પ્રત્યેક નિબંધને અંતમાં ભાવાત્મક ઊંચાઈ – પરાકાષ્ઠા પર લઈ જઈ ચોટ સાધે છે – પરંતુ તે સાથે વર્તમાનમાંથી અતીતમાં આવનજાવન કરતા સ્મૃતિવ્યાપારનું સાદ્યંત પ્રચલન રહે છે. અહીં ભાવ-સંવેદન-વિચારનો લાક્ષણિક ભાષાગત આવિષ્કાર શુદ્ધ સાહિત્યિક રચનાઓનું નિર્માણ કરે છે. અહીં પ્રત્યેક નિબંધ એક સ્વતંત્ર કલાકૃતિની પૂર્ણતા ધારણ કરે છે, પરંતુ તે ઉપરાંત એમના એકબીજા સાથેના તાણાવાણા એવી રીતે ગૂંથાયેલા રહે છે કે આ રચનાઓને અશેષ માણ્યા પછી સહૃદયને વીંટળાઈ વળે છે એક વગડો. એની સમક્ષ ચિત્રિત થાય છે વગડા વચ્ચેનું નાનકડું ગોઠ ગામ, એની આસપાસની ડુંગરમાળા, નદી, કોતરો, વૃક્ષો, વનરાજિ... અને એ બધું ખૂંદતો – એમને પોતાની ચેતનામાં આત્મસાત્ કરતો કિશોર. ભાવાત્મક આંતરસંબંધથી આ બધા નિબંધો એકબીજા સાથે સંકળાઈને સમગ્રતામાં એક પરિપૂર્ણ કલાકૃતિનો અનુભવ કરાવે છે. એક નાનકડો કિશોર જાણે રોજ રોજ પેલા પુરાણા મકાનની કાથાદોરીની ખાટલીમાંથી ઊઠી સહૃદયને આંગળી ઝાલી વગડા વચ્ચે મૂકી દે છે. ‘તરુરાગ અને નદીસૂક્ત’ એ નિતાંત પ્રકૃતિના સંતાન એવા સૌંદર્યલુબ્ધ શિશુહૃદયના ભય-વિસ્મય-રોમાંચ અને નરવી પ્રીતિનો એક એવો કલાત્મક મધપૂડો છે જેના કોશે કોશે કાવ્યમધુ ટપકે છે.

– દક્ષા વ્યાસ