તરુરાગ અને નદીસૂક્ત/ઝાંપાનો વડ


૨. ઝાંપાનો વડ

વૃક્ષો ઉપરથી ગામનાં નામ પડે, ખેતરનાં નામ પડે ને અમારા આદિવાસી મુલકમાં તો માણસનાં નામ પણ પડે. આંબલીખેડા ગામ હોય, કણઝવાળું ખેતર હોય અને થોરિયો નામનો આદિવાસી આદમી પણ હોય. ગામને ઝાંપે ઊભેલા વડનાં વર્ણનો વાંચ્યાં છે, એનાં મહિમાગાન સાંભળ્યાં છે. છાયામાં બપોરે ધણ ઢળ્યું હોય, ગોવાળિયા એની લટકતી મૂળીઓને સાંધીબાંધી હીંચકો કરી હીંચતા હોય, કોઈ લાંબા મારગનો વટેમારગુ પોરો ખાવા બેઠો હોય – આવું આવું ઘણુંય ગામને ઝાંપે ઊભેલા વડ વિશેના વર્ણનમાં હોય. પણ અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાતદિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલ લાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર. એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ. એક જ થડ. ઠેર ઠેર બખોલોવાળું જે પરાપુરવથી હતું તે જ આસમાની આપત્તિઓ સામે ઝૂઝ્યા કરે. વસ્તીની વચ્ચે હોવા છતાં ઉપેક્ષિત ને એકલવાયો, અળખામણા માણસ જેવો આ વડ સંકોચાઈને અસ્થિર પગે વારેવારે ડગમગ ડોલતો ઊભો છે. એનાથી સો ડગલાં જ દૂર વગડો રવરવ કરે છે. આ વગડાએ જાણે ન્યાતબહાર મૂક્યો હોય, ગોળબહાર કર્યો હોય એમ આ વડ આસપાસ ઊગેલા તાડ અને બાવળ વચ્ચે આવીને વસ્યો છે. ક્યારે ઊગ્યો હશે, ઊછરીને મોટો થયો હશે એ તો કોણ જાણે? દાદા કહેતા : ઝાડ જૂનું છે; પોતે આ ગામમાં આવીને ઘર બાંધ્યું ત્યારે પણ આ વડ આવો જ હતો. એની નીચેથી રસ્તાઓ જાય થાણા ભણી અને જંગલમાં આવેલા મહાદેવના મંદિર ભણી, ઉત્તરમાં નદી ભણી ને દક્ષિણમાં ઘોઘંબા ભણી. રસ્તા તો રાત-દિવસ ચાલે ને ક્યાંના ક્યાં પહોંચી જાય, નદીઓ તરી જાય ને પહાડો ચઢી જાય! પોતાના ભાગ્યમાં એવું નહીં એમ વિમાસતો, ડૂમો ભરાઈ આવે ત્યારે ખર ખર ખર થોડાં પાંદડાં ખેરવી લેતો, પાતાળમાં ખોડાઈ ગયાની પીડા અનુભવતો ગામના ઝાંપાનો એ વડ. અમે છોકરડાઓ આ વડની પાસે ઊગેલા બાવળ ઉપર દાતણ લેવા ચઢીએ. અંધારું થાય ત્યારે કોઈ જુએ ના એમ – બ્રાહ્મણના દીકરા એટલે તાડને અડાય નહીં – તાડના થડને બાથમાં લઈને ચઢવા મથીએ, પણ આ વડ ઉપર ક્યારેય ના ચઢીએ. કોણ જાણે કેમ પણ આ એકલિયા ને ઉદાસ ઝાડની મથરાવટી જ મેલી. કોઈ કહેતું કે એની બખોલમાં ચૂડેલ રહે છે; કોઈએ મધરાતે આ વડ હેઠળ ગામમાં ભૂતડાંને ભેગાં થઈને ગરબા ગાતાં કે રડતાં સાંભળ્યાં છે; કોક તો વળી ઝાડ ઉપર ઊંધે માથે લટકતા વંતરાથી હબક ખાઈને માંદા પડ્યા છે ને મરી પણ ગયા છે. અમારું ઘર ગામના આ ઝાંપાવાળે છેડે, એટલે આ વડને અમે બાળપણમાં આંગણમાંથી તેમ પાછળ વાડમાંથી નજીકથી જોતાં; આમ તો અમને એ કોઈ દયાપાત્ર ડોસા જેવો લાગતો. પણ અંધારી રાત્રે એનું ડરામણું દર્શન પણ અમને થયું છે. ધીમા પવનમાં પાંદડાં હળુહળુ હાલે છે, ખખડે છે. પૂર્વમાંથી ઊંચે આવતો થાળી જેવડો ચાંદો વાડામાંથી દેખાય છે. પાથરેલા ખાટલાઓમાં પડ્યા પડ્યા અમે ઉનાળુ ઘેનભરેલી આંખો વડે વડ ભણી તાકી રહ્યા છીએ. ચાંદ ચઢતો ચઢતો વડ ઉપર આવી ગયો છે. હાલતાં પાંદડાથી કપાતો-સંધાતો, દેખાતો-છુપાતો એ ટોચે આવીને થંભ્યો છે. એના બિંબમાં બરોબર વચ્ચોવચ એક આકૃતિ દેખાય છે. એના ત્રિકોણિયા કાન અને ડાહ્યા માણસના માથા જેવું મોટું માથું ચંદ્રનું ખંડગ્રહણ કરે છે. થોડીવાર થાય છે એટલે એ આકૃતિમાંથી ઘેરો રણકતો અવાજ ઊઠે છે : મૂઓ... મૂઓ... મૂ....ઓ! દૂર કોક બીજા ઝાડ ઉપરથી એવા જ ઉદ્ગારોમાં પ્રત્યુત્તર અપાય છે. મન ભયથી ભરાઈ જાય છે; પાથરેલી ચાદર મોંઢેમાથે ઓઢી લેવાય છે. વડ કે ઘુવડ સામે જોવાની હિંમત ક્યાંથી લાવવી? સવારે ઘરમાં વાત થાય છે; દાદા કહે છે : ‘રાતે ઘુવડ ‘મૂઓ મૂઓ’ બોલતો હતો, નક્કી કોઈનું મોત થવાનું.’ પછી અમને ઉદ્દેશીને કહે છે, ‘ઘુવડને ઢેખલો મરાય નહીં, ઢેફૂં તો ન જ મારવું. ઢેખલો કે ઢેફૂં એ કૂવામાં નાખી આવે ને જેમ જેમ એ પાણીમાં ઓગળે તેમ તેમ પેલા મારનારનું શરીર પણ ગળે ને આખરે એ મરણ પામે!’ વડ ઉપર ચાંદો અને ચાંદામાં ઘુવડ આજેય એવાં જ બેઠાં છે – ક્યારેક તો ‘મૂ...ઓ....મૂ....ઓ’ પણ સંભળાય છે. એક સાંજે આછા અંધારામાં હું પાસેના ગામથી ઘેર આવતો હતો. રસ્તો નિર્જન ને મન વાઘ-વરુના ભયથી ભરચક. ઉત્તરમાં નદીએથી પાણી પીને આવતાં ઢોર વડ આગળ થઈને દક્ષિણમાં જતાં રસ્તે પોતપોતાના ગામ ભણી જાય. મેં આછા અંધારામાં સામેથી કશુંક આવતું ભાળ્યું; વડની છાયામાં આવતાં એ કાળા રંગનું કોઈ પશુ લાગ્યું. મનમાં થયું કે વાઘ જ છે. પગ ધ્રૂજવા લાગ્યા, ધીમા પડી ગયા, ઢીલા પડી ગયા; શરીરે પરસેવો વળી ગયો. ઘર આગળ જ આપણાં સોયે વર્ષ પૂરાં થવાની કલ્પનાથી બુદ્ધિ બહેર મારી ગઈ. પાછા તો જવાય જ નહીં કેમકે સાંભળેલું કે જો પીઠ બતાવીએ તો તો મામો (વાઘ) પાછળ દોડે ને બોચીમાંથી ઝાલે. હવે તો મરણ જ નક્કી ને તેય હાથવેંતમાં. હિંમત કરીને જરા આગળ ચાલ્યો ને જોયું તો સામેથી એક વાછરડું ધીમી ચાલે આવે! પાણી પીવા આવેલા ધણમાંથી પાછળ રહી ગયું હશે. કદાચ આ વાઘ માન્યું તે વાછરડું જ આગળ જતાં વાઘના પેટમાં પડી જશે. વાઘ, ભૂત, ડાકણ, વંતરાંની એ દુનિયાના મૂળમાં અમારે મન તો આ દુષ્ટ વડ જ. પણ આ વડ હવે વારંવાર સાંભરી આવે છે. હમણાં જ વતનનો એક લંગોટિયો દોસ્ત મળી ગયો. ઘણાં માણસો અને ઘણાં ઝાડની યાદ કરી કરીને ખબર પૂછી. કેટલાંક છે ને કેટલાંક નથી; ગયાં. એકાએક મેં પૂછ્યું : ‘પેલો વડ છે કે, ઝાંપાવાળો?’ ‘એ તો પડી ગયો ક્યારનોય, વંટોળિયામાં.’ સામાન્ય અખબારી અહેવાલ આપતો હોય એ રીતે મિત્રે કહ્યું, ‘હેં! એમ! ના હોય!’ મારાથી બોલાઈ ગયું. મારા મોંના હાવભાવ જોઈને પેલો મિત્ર મને વિસ્મયથી તાકી રહ્યો. હું કવિ છું એ વાત એ જાણતો હતો, પણ અત્યારે કદાચ એવા ગાંડપણથી આગળની અવસ્થામાં છું, એવું એને લાગ્યું હશે. એણે કહ્યું : ‘કેટલું જૂનું ઝાડ હતું! પડી જ જાય ને! એ વંટોળિયામાં તો ભલભલાં ઝાડ ઊખડી ગયેલાં; એની આવરદા પૂરી થયેલી એટલે વધારે ક્યાંથી જીવે!’ ‘ના, ના ફરી વંટોળિયો રહેવાનો જ! એ ગોઠ ગામને ઝાંપે થોડો ઊગ્યો હતો! એ તો મારા હૃદયના રાગમાં છે!’ હું કવિતાથી આગળની ગાંડપણની કોઈ અવસ્થામાં પહોંચી ગયો છું એવી મિત્રની શંકા મારા આવા ઉદ્ગારોથી વધારે દૃઢ થતી લાગી. ૨૮-૯-૧૯૮૦