તરુરાગ અને નદીસૂક્ત/નદીનું મૂળ-ઋષિનું કુળ


૧૫. નદીનું મૂળ-ઋષિનું કુળ

કહે છે કે નદીનું મૂળ ને ઋષિનું કુળ શોધવું નહીં; એમનાં મૂળ-કુળ એમના જેટલાં રમણીય અને પવિત્ર ના પણ હોય. વાત સાચી હશે, પણ મારા ગામને ઘસાઈને વહેતી નાનકડી કરડ નદીના સંબંધમાં તો એ સાચી નથી જ. નાનપણમાં દાદાને આ કરડ નદીના મૂળ વિશે અનેક વાર પૂછીએ ને દરેક વખતે એ ભૂગોલજ્ઞ કરતાં વધારે તો કવિની રીતે એનું વર્ણન કરે. કહે કે આ પૂર્વમાં આવેલા જંગલની પેલી બાજુ, ચારેક ગાઉ આઘે ડુંગરાઓની હાર પડી છે; એમાંનો એક ડુંગરો તે પોઈનો ડુંગર. આપણી નદી એ પોઈના ડુંગરમાંથી ઊતરી આવે છે. ત્યાં ધોધ પડે છે; એના પાણીથી ભાંગી-ઘસાઈને એક બખોલ બની છે ને એમાં બેઠેલા હાથી જેવો એક પહાણો છે. એ જગાને હાથણી કહે છે. પૂર્વમાં પથરાયેલાં એ અડાબીડ જંગલો; નહીં વાટ, નહીં કેડી. સૂરજ પણ બાપડો અથડાતો-કુટાતો પ્હાડ-ઝાડ વટાવતો મહામુસબીતે બહાર નીકળે. આવા વગડામાં આદિવાસીઓનાં છૂટાછવાયાં છાપરાં. રાત પડે એટલે ભય એ આખાય મુલકને ઘેરી લે. વાઘ ને દીપડા, શિયાળ ને ઝરખ ભરખ માટે ભમતાં હોય; ત્રાડ ને છીંકોટાથી વાતાવરણ સ્તબ્ધ હોય. રોજ નદીએ જઈએ ને ઉપરવાસ નજર કરીએ; નદીમાં પૂર આવ્યું હોય ત્યારે પેલા ધોધની કલ્પનાથી મન ભરાઈ જાય, ઊભરાઈ જાય. અરે, શમણાંમાં અનેક વાર પેલો ધોધ ને હાથણી પણ દેખાય; પણ વગડો વીંધીને એ જગાએ કેવી રીતે જવાય! એ પહાડો, એ ધોધ, એ હાથણી - બધું કેટલું પાસે ને છતાં કેટલું આઘે! એ બાજુનો કોઈ આદિવાસી આ બાજુ ફરકે ત્યારે એને પૂછીએ, પણ એ ઓછાબોલા લોક આપણી કલ્પનાને ઉત્તેજે એવું ભાગ્યે જ કશું બોલે. બહુ બહુ તો આટલું કહે : ‘હોવે, એ ડુંગરામાં જ અમે રહીએ, એ કોતેડાને કાંઠે જ ઢોર બકરાં ચારીએ.’ મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા. નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા. છેવટે હમણાં, જીવનના સાતમા દાયકામાં ઝુરાપાએ જબ્બરની જીદ કરી, તાલાવેલીએ ભારેની તાકીદ કરી, ને એક દિવસ નીકળી પડ્યા. હવે જવાનું સહેલું બની ગયું છે. જીવતું જંગલ કપાઈ ગયું છે; એના હાડચામ હવે શહેરમાં વેચાય છે. કેડીઓ ભૂંસાઈ ગઈ છે. એ રમણીય કાવ્યપંક્તિઓ ઉપર હવે સડકના કાળા લપેડા થયા છે; ડુંગરા બોડા થઈ ગયા છે, એમનાં હરિત વસ્ત્ર હરી લેવામાં આવ્યા છે. ઝાડ ગયાં એટલે છાયા ગઈ; કાંઠાઓની શોભા ગઈ. છાંયડાને લીધે પાણી ટાઢાં રહેતાં હતાં તે હવે સૂરજના તાપમાં તપીને શોષાઈ જવા લાગ્યાં છે. કરડના મૂળમાં જવાનું સરળ બન્યું છે, પણ નરી સરળતા કોને ગમે! છતાં રહ્યુંસહ્યું સૌન્દર્ય માણી લઈએ, કાલ કોણે દીઠી છે? કાલે કદાચ આપણે ન હોઈએ ને આ નદી-ડુંગરાય ના હોય. માણસ બળિયો થયો છે ને પ્રકૃતિ રાંક; એ નચાવે તેમ પ્રકૃતિએ નાચવાનું. આવા આવા સંકલ્પ-વિકલ્પ મનમાં કરીને અમે નીકળી પડ્યા પૂર્વાંચલ ભણી, દૂરથી દેખાતા ડુંગરાઓના અણસારે અણસારે. ચાર ગાઉનો પલ્લો; રસ્તો ઉબડખાબડ, પણ કુતૂહલ-ઉત્તેજના અપાર ને વળી તેલની ગાડીના અસવાર એટલે આસાન લાગ્યું. વચ્ચે વચ્ચે આદિવાસીઓનાં છોકરાં ઢોર-બકરાં ચારતાં મળે. પૂછીએ : ‘હાથણી ક્યાં, એટલે આઘે?’ જવાબ મળે : ‘આ હેલું રહ્યું; અમે તો રોજ જઈએ ને ધરામાં નઈએ.’ ઊજળિયાત લોક આવ્યા છે એટલે આજુબાજુનાં છાપરાંમાંથી ને ખેતરમાંથી બધાં એકીનજરે જોઈ રહ્યાં છે. દસબાર છોકરાં જોતજોતામાં ભેગાં થઈ ગયાં. અમે ગાડી મૂકીને પગપાળા પથરાળ રસ્તે આગળ વધવા લાગ્યા. પોઈના પહાડમાં પોઈલી ગામ છે, ગામમાં નિશાળ છે; આ છોકરાં ત્યાં ભણે છે. એક બાળકે તો રાજગઢના હાટમાંથી ખરીદેલાં રંગીન બુશકોટ ને પાટલૂન પહેર્યા છે! હવે કોહટુ-લંગોટી ગયાં છે ને ચડ્ડી પાટલૂન, ઠેપાડું ને ખમીસ આવ્યાં છે. છોકરાં અમને વીંટળાઈને અંદર અંદર વાતો કરતાં ચાલે છે. અમે જાતજાતના પ્રશ્નો પૂછીએ છીએ : ‘અલ્યા, આ ડુંગરાઓમાં વાઘબાઘ આવે કે?’ બેત્રણ છોકરાં એકસાથે બોલી ઊઠે : ‘હોવે, કૂતરીઓ વાઘ ભાળીએ (કૂતરીઓ વાઘ એટલે દીપડો, કહે છે કે એને કૂતરાનો ભરખ બહુ ભાવે.) અમે પેલા ખાંડિયા ડુંગરામાં ઢોરાં ચારતા હતા ને એક દીપડી બોકડી ઉપર પડી, એને ગળચીમાંથી પકડી; અમે તો ડાંગો લઈને કિલકારીઓ કરતા દોડ્યા, પણ દીપડી તો બોકડું લઈને ડુંગરો ઊતરી ગઈ.’ વાત સાંભળીને અમે કહ્યું, ‘અત્યારે વાઘ આવે કે?’ એક છોકરો કહે, ‘એમ તો ની આવે, એ તો એકલદોકલ હોય તો આંતરે કે પછી ઢોર કે બકરું પાછળ રહી ગયું હોય તો લઈ જાય.’ ચારે બાજુ આછું આછું જંગલ. ક્યાંક ક્યાંક પંખીઓની કલબલ. આછા વગડામાં થોડા સાગડા ઊભા છે. પહાડો તૂટવા લાગ્યા છે, ક્વોરીઓ ધમધોકાર ચાલે છે. હવે પથ્થરની કિંમત હીરા જેટલી! નદીના પટમાં ચાલતાં ચાલતાં છેવટે પોઈના ડુંગરના એક ઢોળાવ પર તળેટીમાં પહોંચીએ છીએ. પાણીથી કોરાઈ-કોતરાઈ ગયેલા ખડકમાં મોટી ગુફા જેવું બની ગયું છે. ગુફાની છતના પથ્થરને વળગીને ટાઢકમાં અનેક જંગલી માખીઓ બેઠી છે. છતને અડીએ એટલે એ બધી અંધારામાં થોડી ઊડાઊડ કરે ને પછી બેસી જાય. ગુફાની વચ્ચે છે પેલી હાથણી. ઉપરથી પહાડનું પાણી જોસબંધ વહેતું આવે છે ને આ હાથણી આકારના પથ્થર ઉપર પડે છે. સરસ મજાનો નાનકડો ધોધ. તડકામાં વાદળી ઝાંયવાળા પાણી ચારે બાજુ સીકરો ઉડાડતાં, ગુફાને ઘોષથી ભરી દેતાં, ક્ષણ વાર હાથણીના દેહ ઉપર રમીને વેરવિખેર થતાં નીચે સરી જાય છે. હાથણી ઉપર બેસીને ધોધનાં પાણી શરીર ઉપર ઝીલવાની મજા તો જે માણે તે જાણે. પથ્થરોમાં ચાલતાં લાગેલો થાક પાણીભેગો ક્યાંય વહી ગયો. પેલાં છોકરાં અમને આમ પાણી જોઈને ગાંડા થઈ જતા જોઈ જ રહ્યાં. એમને તો રોજનું; પાણી એટલે પાણી. એમને ક્યાં ખબર છે કે આ પાણીની ઝંખનામાં ને ઝંખનામાં અમારી જિંદગી અંત લગી આવી પહોંચી છે; અમારું નાનપણનું સ્વપ્ન આજે દાયકાઓ પછી ફળ્યું છે. ધોધમાં નાહ્યા પછી અમે ગુફાના નાનકડા, સાંકડા વિસ્તારમાં ગોળ પથ્થરોમાં અડબડિયાં ખાતા ફરવા લાગ્યા. બાજુમાં એક ખરબચડો પથ્થર છે તે ગણપતિ ને બીજો જરા ઊંચો પથ્થર છે તે હનુમાનજી. આ હાથણી, ગણેશ ને હનુમાન તે આદિવાસીઓનાં દેવ. નાળિયેરનાં કાચલાં ને દીવાનાં કોડિયાં અહીં પડ્યાં છે. અખાએ ભલે ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહીને અંધશ્રદ્ધાને હથોડીઓ મારી; અમને તો આ આખું સ્થાન જ દેવતાઈ લાગ્યું. કાલિદાસે હિમાલયને દેવતાત્મા કહ્યો તે માત્ર ત્યાં વસતા દેવોને લીધે જ નહીં હોય, નગાધિરાજમાં પણ એને દેવત્વ દેખાયું હશે; કવિ હતો ને! લોકોએ તો હાથણી ને પેલા પથ્થરોમાં દેવ જોયા, પણ અમને તો ઠેર ઠેર દેવનાં દર્શન થયાં. સૌન્દર્ય પણ દેવતાની જ એક વિભૂતિ છે ને? ને સૌન્દર્યની અહીં ખોટ નથી. આ બરછટ આડાઊભા પહાડ, આ નીલ નર્યાંનીતર્યાં પાણી, આ પંખીઓનો કલરવ, આ પ્રસન્નતાનો પંખો ઢોળતાં વૃક્ષોનો પર્ણરવ - આ બધું ને આટલું બધું જ્યાં છે ત્યાં નાસ્તિકતા ક્યાં રહે? આવું આવું જોનારા, આદિમ અરણ્યોમાં નદનદીઓના તટે વસનારા આપણા ઋષિઓને, આપણા પૂર્વજોને દેવતાઓ ના દેખાય તો જ નવાઈ. એટલે તો એમણે સવિતામાં ને ઉષામાં, વરુણમાં ને અગ્નિમાં પરમ દેવત્વ, ચૈતન્ય જોયું ને એનાં સ્તોત્ર રચ્યાં. ધર્મો તો પછી થયા; પ્રથમ તો હતાં આવાં દર્શનો ને દર્શનમાંથી ઉદ્ભવતી વિસ્મયગર્ભ કવિતા અને એને પગલે ગભીર જીવનવિચાર. એટલે તો વેદના આપણા ઋષિઓએ ધર્મનિરપેક્ષ (સેક્યુલર) કહેવાય એવાં नदीसूक्त ને अरण्यानिसूक्त રચ્યાં. નદીનાં મૂળને નમસ્કાર; ઋષિનાં કુળને નમસ્કાર!