તરુરાગ અને નદીસૂક્ત/માતાનો પીપળો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૩. માતાનો પીપળો

માતાનો એ પીપળો! જનમારામાં એના જેવું જંગી ઝાડ બીજું જોયું નથી. કબીરવડ ખરો પણ તે તો લાંબો-પહોળો, ઊંચાઈમાં આ પીપળો એને ના બદે. અરે તાડ જેવો તાડ પણ એની આગળ વામન લાગે! કરડ નદી ને ધૂસ્કા નામના વાંઘા વચ્ચે ઊંડી નેળને કાંઠે એ ઊભો છે. દસ માણસનીય બાથમાં ન આવે એવા એના થડમાં માતાજીનું થાનક છે, શત્રુહરણી માતાનું. ઘાટઘૂટ વગરનો, આડાઅવળા અસ્પષ્ટ આકારવાળો એકાદ ફૂટ ઊંચો પથરો તે શત્રુહરણી માતા. અબીલ, ગુલાલ, કંકુ, સિન્દુર જેવાં પૂજાદ્રવ્યોથી માતાજીનું શરીર રંગે રાતું ને ચીકણું થઈ ગયું છે. પીપળાને ફરતી અસંખ્ય માટલીઓ, માટીના ઘોડાઓ ને કોડિયાં ખડકાયાં છે. કોઈ નવાં નકોર તો કોઈ તૂટલાં-ફૂટલાં. પાલ્લી ગામના લોકો વારપરવે અહીં આવે છે. હોમહવન થાય છે. દાદા હવન કરાવે છે, પૂજા કરાવે છે. ડાહીબેન, કપિલાબેન, પુષ્પાબેન (મારી બેનો) દાદાને રાંધવાના કામમાં મદદ કરે છે. અહીં પીપળા નીચે બેસીને કંસાર કે લાડુ, લસણિયા મરચાવાળી દાળ ને ભાત અનેક વાર જમ્યા છીએ; ક્યારેક ગૉળ સાથે ઘઉંના ઠોઠા (આખા બાફેલા ઘઉં) ને ખીર ખાધાં છે. પીપળાની પડખે હરેરીનું એક ઠીંગણું ઝાડ છે, બરછટ ગોળ પાંદડાંવાળું; ઉપર અંતરવેલ(અમરવેલ)નું પીળું પાથરણું છે. અમે કલાકો સુધી અહીં બેઠાં બેઠાં, પાસેના ચૂલાની ધૂણીને લીધે આંખો ચોળતા ખાવાની રાહ જોતા બેઠા રહીએ. આ પીપળાવાસી માતા વિશે નાનપણમાં એક કથા સાંભળેલી. મૂળમાં આ માતા અહીંથી એકાદ ગાઉ પર આવેલા મોરડિયા ડુંગર ઉપર હતાં. દાદા ત્યારે પાલ્લી ગામમાં રહેતા. રોજ તેઓ મોરડિયો ડુંગર ચઢીને માતાની પૂજા કરે, એમને દૂધથી નવડાવે. રોજનો આ પલ્લો ને વળી પહાડનું ચઢાણ. દાદાએ મનોમન કહ્યું : ‘મા, તારી પૂજા માટે આટલે આઘે આવવાનું, આટલે ઊંચે ચડવાનું! થાકી જવાય છે.’ માતાજી દાદાને એક રાતે શમણે આવ્યાં, કહ્યું : ‘કાલે સવારે દૂધનો લોટો લઈને મારે ધામ આવજે. હું તારી સાથે તારી પાછળ પાછળ નીચે આવીશ. દૂધની ધાર કરતો જજે. જ્યાં દૂધની ધાર પડતી બંધ થાય ત્યાં મારી સ્થાપના કરજે. દાદા આ પીપળા સુધી દૂધની ધાર કરતા આવ્યા, અહીં દૂધ ખૂટ્યું ને માતાજીએ આ પીપળાની ગોદમાં વાસો કર્યો. દાદા આ માતાએ હોમહવન કરાવવા આવે ત્યારે ને નવરાત્રિના દિવસોમાં ઘેર પણ એમને માતાજી સેરમાં આવતાં જોયાં છે. તેઓ મૂગા થઈ જાય ને એમનું આખું શરીર ધ્રૂજે. બધાં એમની આગળ હાથ જોડે, કશો વાંક-ગુનો થયો હોય તો માફ કરવાની અરજ કરે. માતાના આ પીપળા વિશે પૂછીએ તો દાદા અચૂક કહેવાના કે એ તો પરાપુરવથી ઊભો છે; કોણ જાણે કેટલાંય વરસ થયાં હશે! ઝાડનાં તે વળી વરસ ગણાતાં હશે? એ તો આપણા જનમ પહેલાંય હોય ને આપણા મરણ પછીય હોય. આ માતાનો પીપળો ને અમારા ગામના પાદરનો વડ અમને અજરામર લાગતા. આજે જોકે એ બંને મહાવૃક્ષો નથી; છતાં આજેય મુણ્ડકોપનિષદનો પેલો પ્રસિદ્ધ શ્લોક द्वा सुपर्णा सयुजा सखाया બોલું છું કે સાંભળું છું, તો તરત મને પેલો વડ પ્રત્યક્ષ થાય છે ને ગીતાના પુરુષોત્તમયોગનો પ્રથમ શ્લોક ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्यम् સાંભરતાં આ પીપળો દેખાય છે. ઊર્ધ્વ, ટટાર, લપલપ કરતી પર્ણજીભથી આકાશને ચાટતો. અમે કોઈવાર ગોઠમાંથી નીકળી નદી ઓળંગી ઊંડી નેળમાં થઈને મોરડિયે ડુંગરે કે પછી એપાનાં અમારાં ખેતર જોવા જઈએ ત્યારે આ પીપળા પાસેથી પસાર થઈએ, પણ જરા ટેકરો ચઢીને માતાના થાનક સુધી ના જઈએ. એકલા હોઈએ તો નેળની બે બાજુના ભેંકાર વગડાની, વગડાઉ પ્રાણીઓની ને ભૂતપ્રેતની ભારે બીક લાગે. એક તો માતાનું થાનક ને તેય પાછું જંગલઝાડીમાં. લોકો કહેતા કે મોડી રાતે અહીં પેલા ઈશાન ભણીના ડુંગરાઓમાંથી મોટ્ટો ચટાપટાળો વાઘ આવે છે ને માતાજી એની ઉપર સવાર થઈને રમવા નીકળે છે. આવું સાંભળતાં જ મોં ગંભીર થઈ જાય, આખે અંગે કંપારી આવી જાય; કારણ માતાજીનું રમવા નીકળવું એટલે ભરખી જવા નીકળવું. રોગદોગ, તાવતરિયો, ઉટાંટિયું, કોગળિયું - બધી માતાજીની જ લીલા! અરે જીવતા માણસમાં કોઈ વિદ્યાનો જાણકાર ‘માતા મેલે’ તો એ બિચારો ધૂણી ધૂણીને ટાંટિયા ઘસીઘસીને મરી જ જાય! ચારે બાજુ રવરવતો વગડો, નદીની ઊંચી ભેખડો ને બે કાંઠે કણઝીઓની ઝાડીથી વધારે ગૂઢ, બિકાળ લાગતો ધૂસ્કો, સંભળાય ના એમ શ્વાસ લેતા બોલ્યાચાલ્યા વગર આ જગાએથી પસાર થઈ જવાનું. ધૂસ્કો વટીને ખેતરાં વચ્ચેથી જતા ચીલે પડ્યા કે હાશ! જીવમાં જીવ આવે! પણ દૂરથી આ પીપળો અમને બહુ રળિયામણો ને ભવ્ય પણ લાગે. ગામમાંથી નીકળી જરાક નદી ભણી જઈએ એટલે એનાં દર્શન થાય. અસંખ્ય પાનને પલપલતાં જોઈને મન અહોભાવથી ભરાઈ જાય. એકવાર એને વાવાઝોડામાં ધૂણતો જોયેલો એ દૃશ્ય તો ભૂલ્યું ભુલાતું નથી. વાયરાની પ્રચંડ ઝાપટથી એની ડાળીઓ અવળસવળ ગૂંથાય - ગૂંચવાય ને પછી કડડ કરતીકને એકાદ ડાળ તૂટી પડે. અસંખ્ય લીલાં-સૂકાં પાન ચકરડી ખાતાં ઊડે ને આઘે આઘે જઈને પડે. અમે અમારા ગામને આરે કરડ નદીમાં નહાતા હોઈએ ત્યારે આ ઝાડનાં પાંદડાંનો અવિરત કલરવ સાંભળીએ, એનાં કૂણાં કૂણાં નવપલ્લવનો આછો તપખીરિયો રંગ આ પાંપણોમાં એવો તો ઢોળાયો છે કે આજે, એ વૃક્ષ નથી ત્યારેય એનાં એવાં પર્ણ દેખાય છે. પીપળો તો બ્રાહ્મણ ગણાય, એટલે એને કોઈ વાઢે-કાપે નહિ ને આ તો વળી માતાનું થાનક એટલે કોઈ એનું પાંદડુંય ના તોડે. એ કાળમાં વળી લાકડાંની આટલી ભૂખ પણ નહિ, જંગલમાંથી જરૂર જેટલાં સૂકાં લાકડાં જડી રહે એટલે લીલું ઝાડ કાપવાની દાનત કોઈ ન કરે. ખેડૂતને તો ઝાડને ઝટકો મારતાં જીવતા માણસને ઝટકો મરાતો હોય એવું લાગે. પણ કાળનો કુહાડો કોઈની દયા ન ખાય. બધું જન્મે, જીવે ને મરે એમ આ પીપળાનુંય તે. એક દિવસ એ પડ્યો. લોકો કહે છે કે નેળની આ બાજુથી તે સામી બાજુએ ગણપતભાઈના કાચલાની અડધોઅડધ જમીન સુધી એની કાયા પહોંચેલી. કેટલાય દિવસ સુધી આ નેળમાં ગાડાંગડીરાંનું આવવા-જવાનું બંધ થઈ ગયું ને એની તોતિંગ કાયાને કાપીને વગે કરતાં મહિનાઓ લાગેલા. આમ તો વૃક્ષ માત્ર સુંદર હોય છે; કદાચ આ પૃથ્વી ઉપર વૃક્ષથી સુંદર બીજું કશું ભાગ્યે જ હશે. આજે આપણી સૌંદર્યદૃષ્ટિને ઉપયોગિતાની ઝાંખ વળી છે, સ્વાર્થનો મોતીઓ ઊતર્યો છે એટલે છડેચોક વૃક્ષોને કપાતાં જોઈને આપણને કોઈ સંવેદન થતું નથી. અરે, શહેરમાં તો ક્યારેક કોઈ જગાને સુંદર કરવા માટે વૃક્ષને કાપી નાખવામાં આવે છે! તપોવનની સંસ્કૃતિના આપણે વારસદારો, બારબાર વરસ વનવાસ ભોગવનાર ને વનની કવિતા ગાનારના આપણે વંશજો, સંસારનાં કાર્યથી મુક્ત થઈને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારનારના આપણે અનુજો વૃક્ષમાં સૌંદર્યને, વૃક્ષમાં કવિતાને ફરી ક્યારે જોતા થઈશું? પેલા પીપળાનું સ્મરણ થતાં મનમાં કોઈ કવિની આ પંક્તિઓ ચમકી જાય છે : I think that I shall never see A poem lovely as a tree.