તારાપણાના શહેરમાં/રેખા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રેખા

ભૂંસાઈ સમજણની રેખા
સમજાવો કારણની રેખા

મૃગજળ અમને ઓછું પડશે
કોઈ વધારો રણની રેખા

શૈશવ આવી સાદ ન પાડે
થરથરશે ઘડપણની રેખા

ટપકાં... ટપકાં... ટપકાં… ટપકાં
બનતી ગઈ કણકણની રેખા

મર્યાદા જો છૂટવા મથશે
શું કરશે લક્ષ્મણની રેખા?

હું તો મનગમતું જોવાનો
છો ને રહી દર્પણની રેખા

ક્ષિતિજ ટુકડે ટુકડા થઈ ગઈ
તૂટી ગઈ પાંપણની રેખા

કોણ ‘ફના’ સંબંધ તપાસે
વેગળી છે હર ક્ષણની રેખા