તારાપણાના શહેરમાં/હું તને ક્યાંથી મળું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હું તને ક્યાંથી મળું?


તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?

શાશ્વત મિલનથી … તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળઝળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?

અસ્તિત્વનાં ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?