તુલસી-ક્યારો/૩૧. ભાસ્કરનો ભૂતકાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. ભાસ્કરનો ભૂતકાળ

‘મુડદાલ છે આ બધીઓ : આપણને હાંસીપાત્ર બનાવે તેવી છે આ તકલાદી નવીનાઓ.’ ભાસ્કરના ભેજામાં આ શબ્દો તે દિવસના નમતા પહોરે પછડાતા હતા. એ પોતાને ઘેર ફક્ત નાહવા-ધોવા ને કપડાં બદલવા જઈને પાછો ફર્યો હતો. કંચન હજુ ઘેર નહોતી આવી. સારું થયું. એટલી રાહત મળી. છોકરીઓની હૉસ્ટેલમાં સવારે ગયો હતો ત્યાંથી જબરો કંટાળો લઈને આવેલ હોવાથી એને કોઈ પણ સ્ત્રીને મળવા તે દિવસ ઇચ્છા નહોતી. ‘સ્ત્રીઓ સામો વાદ કરવા બહુ બેસે છે! ચિબાબલાઈ બહુ બતાવતી જાય છે! હું જાઉં છું ત્યારે ફક્ત મારો વિનોદ કરવા માટે જ વિકટ પ્રશ્નો પૂછે છે. ને આજે તો આ છોકરીઓએ મારા પોતાના પૂર્વજીવનની માહિતીઓ માગી!’ પોતાનું પૂર્વજીવન! એ વિનોદનો વિષય નહોતો. એ ચર્ચવાનો પણ વિષય નહોતો. એ તો મૂગાં મૂગાં ભોગવવાની જ વેદના હતી. પોતાનું નાનપણમાં થયેલું વેવિશાળ એણે પોતે જ અઢાર વર્ષની ઉંમરે છોડી દીધું હતું. સસરા પર કાગળ લખીને જણાવ્યું હતું કે, ‘તમારી પુત્રી તારાનો ભવ બગાડવા હું નથી માગતો; હું પુરુષાતનહીન છું.’ તે પછી એકાએક બાવીસમા વર્ષે એને ભાન થયું હતું કે પોતે પૂર્ણ પુરુષાતનમાં છે. એ ભાન અતિ મોડું હતું. તારા બીજે પરણી ગઈ હતી ને પોતાની પુરુષાતનહીનતા જ્ઞાતિમાં તેમ જ સમાજમાં છતી થઈ ચૂકી હતી. પોતે શાબાશી પણ પામેલો કે, એક બાળાના સંસારનું નિકંદન ન નીકળી જાય તે માટે થઈને આ ભાસ્કરે તો કોઈ ન કરે તેવું કરી દેખાડ્યું. પોતાની નાલેશી પોતે જ પ્રગટ કરી નાખી હતી તેનું દુ:ખદ ભાન ભાસ્કરને બાવીસમા વર્ષથી થયું. @BODY- = પુરુષાતન હતું અને ચાલ્યું ગયેલું? કે ચાલી ગયેલું તે પાછું વળ્યું હતું? કે શું કોઈ માનસિક ક્ષોભના માર્યા એણે પોતાને વિશે આવું માની લીધેલું? એ ખબર એને પોતાને નહોતી પડી. તારા બાર વર્ષની થઈ ત્યારથી જ સિંગાપુર એનાં માતાપિતા સાથે ચાલી ગઈ હતી. ભાસ્કર ત્યારે પંદર વર્ષનો હતો. નાનકડી ને નબળા દેહવાળી તારાને પોતે જોઈ હતી. નજીકપણું પણ અનુભવ્યું હતું – ને ત્યારથી જ એની તારા પ્રતિની વૃત્તિ વિરામ પામી હતી. પછી તો તારા ત્રણ વર્ષ પછી લગ્ન માટે દેશમાં ઊતરી ત્યાં એનો દેહ કોણ જાણે ક્યાંથી છલોછલ જોબન-છાપ લઈ આવ્યો હતો! તારાને જોઈને કોઈ પણ અચ્છો કવિ મસ્ત વાણીપ્રયોગોની ખુમારી અનુભવત; કહેત કે, આ તે શું જોબન ટપકી રહ્યું છે! કે, શું રૂપ નીતરી રહ્યું છે! કે, શું હમણાં જ કોઈનો ઊનો હાથ અડકતાં ઓગળીને રેલો બની જાય એવી આ કોઈ મીણની પૂતળી છે! આવો કોઈ ભાવ અઢાર વર્ષના ભાસ્કરે અનુભવ્યો નહોતો, એને તો તારાને જોતાંવેંત જ બીક લાગી હતી, ફાળ પડી હતી, કે આનો ઉષ્માવંતો સ્પર્શ જેને ન સળવળાવી શકે એવું કંઈક થીજેલું તત્ત્વ મારામાં ઠસી ગયું છે. ભય – કેવળ ભય જ – એ અઢાર વર્ષના યુવાન ઉપર જીવનભર ન ભુલાય તેવી મૂઠ નાખી ગયો. ભાસ્કર હેબતાઈ જ ગયો. હેબતે એને વધુ વધુ ધ્રુજાવ્યો. એની નસેનસમાંથી રામ ઓલવાતા ચાલ્યા. એવી મનોવસ્થામાં એણે લગ્નની ના પાડી દીધી ને પોતે ગામડું છોડી દીધું. બાવીસ વર્ષની ઉંમરે એણે તારાને શોધી : તારા કોને ત્યાં પરણી ગયેલી છે? પત્તો મેળવ્યો. છાનામાના એનાં સાસરિયાંના ગામે જઈ તારાને જોવાની તક લીધી, ને એ તળાવની પાળે આભો બન્યો. તારા અલમસ્ત હતી. ચાર વર્ષોના લગ્ન-સંસારે તારાના દેહ ઉપર તો લાવણ્યનાં હેલી-ભરપૂર ચાર ચોમાસાં વરસાવી દીધાં હતાં. તળાવને આરે અસ્તવ્યસ્ત વસ્ત્રે લૂગડાં ચોળતી તારા, ધોઈ-કરીને ધૂબકા મારી મારી નાહતી તારા, નાહી-કરીને નવે વસ્ત્રે આરા પર પગ માંડીને ઠીકરા વડે મેલ ઉખેડતી તારા, આરા પરની દેરીએ દીવો કરી પગે લાગતી તારા, ને પછી પોતાની સામેના જ રસ્તા પર થઈને ગામ ભણી જતી તારા અત્યારે પોતાની હોત! હાય હાય! આજે એ તારા તો પારકી છે! એને માર્ગને કાંઠે ઊભેલો તારાએ દેખ્યો હતો. દેખતાં જ એ હેબત ખાઈ, ગભરાઈ ઉતાવળે પગલે ચાલી ગઈ હતી. એ શા માટે બીની? હું એને સતાવવા ક્યાં આવ્યો હતો? મારે તો એને ધરાઈધરાઈને, નયનો ઠારીને નિહાળી લેવી હતી. મારે એને એટલું જ, બસ, પૂછવું હતું કે, ‘કેમ – સુખી તો છો ને?’ મારે એની પાસેથી જાણવું હતું કે, ‘મને ઓળખે તો છે ને?’ છતાં શા માટે એ બીને ભાગી? મેં એના સુખ ખાતર આબરૂ ગુમાવી તેની કોઈ ભીનાશ શું એના અંતરમાં નહીં હોય? પછી ભાસ્કરે એના સાસર-ઘરે જવાની પણ હિંમત કરી હતી. એ ગયો ત્યારે કોઈ અપરાધી આવ્યો હોય, કોઈ કોહેલો-સડેલો, કોઈ કોઢિયો-રક્તપીત્તિયો આવ્યો હોય, કોઈ કાવતરાબાજ આવ્યો હોય – એ રીતે સૌ તેની સાથે (ઉપરછલો વિવેક રાખીને, બેશક) વર્ત્યાં હતાં. ને એણે તારાના પતિને જ્યારે પૂછ્યું કે, ‘કોઈ કોઈ વાર એને મારી ધર્મબહેન તરીકે મળવા આવતો રહીશ...’ ત્યારે એણે જવાબ વાળેલો કે, ‘આજે તો આવ્યો તે આવ્યો, ફરી વાર આવ્યો તો ઢીંઢું જ ભાંગી નાખીશ.’ @BODY- = ભાસ્કરે કહેલું : “શું મારો એના ઉપર હક્ક નથી! એક વખત એ શું મારી ...” જવાબમાં એણે તારાના વરની સમસમતી થપાટ ખાધેલી. તેના જવાબમાં ભાસ્કરે ઘણા પત્રો લખેલા – જેની પહોંચ પણ મળી નહોતી. પણ તે અનુભવે ભાસ્કરને હૈયે એક હુતાશન ચેતાવી મૂક્યો હતો. એ હતો પારકી સ્ત્રીઓ પર સ્વામિત્વ મેળવવાનો ઇચ્છાગ્નિ. ને તેણે વીરસુતને માર મારવામાં વૈર વાળ્યું હતું – પેલા તારાના વરે પોતાને મારેલા તમાચાનું. કંચનથી કંટાળેલો ને નવા યુગની છોકરીઓથી ખીજે બળેલો ભાસ્કર એ દિવસની સાંજે જ્યારે અંદરથી કરકોલાઈ રહ્યો હતો, ત્યારે એકાએક એને વીરસુતના ઘર તરફ આંટો મારવાનો મનસૂબો ઊપડ્યો. આ મનસૂબો સાવ એકાએક ઊપડ્યો એમ તો ન કહી શકાય. અમદાવાદમાં પાછા આવ્યા પછી એને કાને પણ વીરસુતની વાતો પડ્યા કરતી હતી. વીરસુતના સળગેલા સંસારમાં નવપલ્લવિત સ્થિતિ આણનાર પેલી વિધવા ભાભી ભદ્રા હતી તે જાણ્યા પછી ભદ્રાને જોવાનું એને દિલ થયું હતું. એ ગામડિયણ, મૂંડેલા માથાળી, ભીરુ અને ભડકણ વિધવાને પોતે ચાર-પાંચ વાર જોઈ તો હતી, પણ ચહેરો બરાબર યાદ નહોતો રહ્યો. ચહેરાની રેખાઓ યાદ કરવા એનું મગજ શા માટે મથ્યા કરતું હતું તે તો એના પોતાના મનથી જ એક કોયડો હતો. રૂઢિચુસ્ત ગ્રામ્ય રાંડીરાંડના મોંમાં કોઈ ખાસ આકર્ષણ હોઈ શકે નહીં. સળગી ગયેલા ઝાડના ઠૂંઠાને કશું વ્યક્તિત્વ હોઈ શકે નહીં. કંચન જેવી સુંદર અને ભણેલી યુવતીનું સ્થાન એક યુવાન વિદ્વાનના ઘરમાં આવી કોઈ રંડવાળ કઈ રીતે રોકી બેસે? ને વીરસુતની મુખમુદ્રા પર આવા પ્રફુલ્લિત રંગો એક રસહીન શુષ્ક વિધવા કઈ રીતે પૂરી શકી હોય? વીરસુતને પોતે મળ્યો નહોતો, પણ જોયો હતો બે-ત્રણ વાર. એ જાણે જૂનો વીરસુત જ નહીં! મોં ઉપર પ્રસન્ન સ્વાસ્થ્યના પુંજેપુંજ! કેમ કરીને, કયા જાદુઈ સ્પર્શથી વીરસુત આટલો બધો ઠેકાણે પડી ગયો? ચાલ, જીવ, જઈને જોઉં તો ખરો! જોઈ-કરીને રાજી થઈશ. ગમે તેમ તોય વીરસુત મારો, મારા શિષ્ય સમો, મારો આશ્રિત; મેં જ એને સ્કૉલરશિપો અપાવી હતી, ને મેં જ એને લગ્ન કરાવી આપ્યું હતું. એનું સુખ નિહાળીને નયનો ઠારવાનો તો મારો ધર્મ છે ને! ભાસ્કર ત્યાં ગયો તે એ જ સાંજ હતી, જે સાંજે દેવુ ઇસ્પિતાલે પડ્યો હતો. પુરુષો ઘેર નહોતા. મકાનની બહાર બારણા પાસે પાણીનાં ને ચણનાં કૂંડાં લટકાવેલાં હતાં. તે પર બેઠાં એક સૂડો ને બે કાબર સામસામાં માથાં ઉછાળતાં, પાણીમાં ચાંચ બોળતાં ને પરસ્પર કોણ જાણે કેવાંય મેણાંટોણાં મારતાં કૂંડાને ઝુલાવી રહ્યાં હતાં. પંખીડાંને પાણી પીવા માટે તો ચોગાનમાં નળની આખી કૂંડી ભરેલી રહેતી, છતાં આ નાનાં કૂંડાં લટકાવવાનો શોખ કોનો હતો? ભદ્રાનો જ હોવો જોઈએ. સૂડાઓ ને કાબરોએ જે ચાવળી વાણી કાઢીને માથાં ઉલાળ્યાં તે ભાસ્કરને ગમ્યાં નહીં. એને છાત્રાલયની છોકરીઓએ ખીજે બાળ્યો હતો તેનો રોષ શમ્યો નહોતો. કાબરો પણ એના ઉપર જ કશોક કટાક્ષ કરતી હતી. જુવાન છોકરીઓ અને કાબરો એની કલ્પનામાં એકરૂપ બની ગયાં ને એને લાગ્યું કે આ સૂડો કાબરો સામે બેઠો બેઠો બેવકૂફ બનતો હોવો જોઈએ! કાબરો સામે એ આટલો લટ્ટુ શા વાસ્તે બનતો હશે! સૂડાએ પોતાની ભીની પાંખો ફફડાવી, અને તેની ફરફર ભાસ્કરના મોં પર પડી. ભાસ્કરે ટકોરીનું બટન દાબ્યું. બારણું ઊઘડ્યું. ઉઘાડનાર સ્ત્રી જ છે એટલો આછો આભાસ આવતાં જ ભાસ્કરે મોં પર સ્મિત આણ્યું. એક જ ક્ષણમાં એ સ્મિત, ચૂલાની આંચ પર પાપડ શેકાય તે રીતે, સંકોડાઈ ગયું. પોતાની પાસે ઊભી હતી તે ભદ્રા નહોતી – બીજી જ એક સ્ત્રી હતી. જાણે ધરતી ભેદીને, જાણે દીવાલ ફાડીને, જાણે બારણાંના લાકડાની પોલમાંથી બહાર નીકળીને એ સ્ત્રીની આકૃતિ ખડી થઈ હતી. એ યમુના હતી. યમુના કાંઈ પૂછેગાછે તે પહેલાં તો કોઈ ન સમજાય તેવી લાગણીના આવિર્ભાવમાં ભાસ્કરની સામે સ્તબ્ધ બની ગઈ. બેઉની આંખો એકમેકમાં ખીલાની પેઠે ખૂતી રહી. અમાસની અરધી રાતે ભૂતિયા કૂવામાંથી પાણી લેવા ગયેલો કોઈ ગામડિયો બહાદુર, એકાએક પોતાની પિછોડીનો છેડો કોઈ ઝાડની ડાળખીમાં ભરાઈ જતાં, જેમ જીવલેણ હેબત ખાઈ જાય તેમ ભાસ્કર હેબતાઈને ત્યાં જડવત્ બન્યો. યમુનાના સૂકા શરીર પર ધગધગતો લોહીપ્રવાહ ચડતો હતો ને ભાસ્કરની દેહલાલી દોડાદોડ કોઈ ઊંડી ગુફામાં ઊતરી જતી હતી. એ ત્યાં બે જ મિનિટમાં છ મહિનાના તાવલેલા જેવો બની રહ્યો. યમુનાની આંખો પ્રથમ તો તાકી રહી. પછી આંખોના ડોળા ચક્કરચક્કર ફરવા લાગ્યા. એના પાતળા હોઠ પર પ્રકમ્પ ઊઠ્યો. એના દાંત બહાર નીકળ્યા ને દાંતના કચરડા બોલ્યા : “એ...જ એ....જ એ...જ આવ્યો! છાજિયાં લઉં એનાં! ઠાઠડી કાઢું એની! સમશાન સળગાવું એનાં!” એવી ચીસેચીસ પાડતી યમુના છાતી પર ધડાક ધડાક પંજા મારતી પાછી દોટ કાઢી ગઈ, અને ભાસ્કર ત્યાંથી ખસી શકે તે પહેલાં તો ભદ્રા આવી પહોંચી. ભાસ્કરને જોતાં જ ભદ્રા તો ઓળખી ગઈ. ભાસ્કરને ભદ્રાએ યંત્રવત્ કહ્યું : “આવો, ભૈ.” ભાસ્કર હજુ યમુનાના ખ્યાલમાંથી છૂટી નહોતો શક્યો. એ જવાબ ન આપી શક્યો. પણ એને નવાઈ લાગી કે દેરનું ઘર ભાંગનારને આ વિધવા આવકારો કાં આપે! “એ તો જરી ગાંડપણ છે એમને.” યમુનાના અંદરથી આવતા હાકોટા પર હાકોટાથી ચોંકી રહેલા ભાસ્કરને ભદ્રા ખુલાસો કરતી હતી. પણ ભાસ્કર તો યમુનાની બૂમો તરફના ધ્યાનમગ્ન હતો. આ માણસની આવી રીતભાત વિચિત્ર લાગવાથી ભદ્રા કંઈક સંદેહમાં પડીને બોલી : “તમારે કોનું – ભૈનું કામ છે? એ તો બહાર ગયા છે.” “મારે કોઈનું કામ નહોતું.” ભાસ્કર બોલ્યો ત્યારે એના કંઠે ખરેડી પડી. થૂંકનો ઘૂંટડો ગળીને એણે વિશેષ પૂછ્યું : “એ કોણ છે?” “મારાં નણંદ છે. તમારે કોનું કામ હતું?” ભદ્રા સહેજ કડક બની. “કોઈનું નહીં. હું તો ખબર કાઢવા આવ્યો હતો. એ તમારાં નણંદને ક્યાં પરણાવ્યાં છે?” “જેપુર. તમે દેવુની ખબર કાઢવા આવ્યા હો તો દવાખાને જાવ, ભૈ. અહીં કોઈ નથી.” “ના, હું તો તમારી સૌની ખબર કાઢવા આવેલો હતો. બધાં મજામાં છો ને? કંચન આવે-જાય છે કે?” “એ વાત કાઢશો નહીં, ભૈ! એ વાત અમે આંહીં કરતાં નથી.” ભદ્રા બારણું બંધ કરવાની તૈયારી કરતી હતી. ત્યાં તો ભાસ્કરે ‘થોડું પાણી લાવશો?’ એમ કહી દીવાનખાનામાં એક ખુરસી પર આસન લઈ લીધું. મને-કમને ભદ્રા અંદર ગઈ ત્યારે એનો સ્વર સંભળાયો : “યમુનાબેન! આ શું કહેવાય, બેન! ડાહ્યાં થઈને કોઈને ઓળખ્યા-પાળખ્યા વગર ગાળો દેવાય?” “ઓળખું છું... હું...હું-ઉં-ઉં-ઉં,” યમુનાએ રુદન માંડ્યું. “પણ તમે તો કદી અમદાવાદ આવેલ નથી, જોયેલ નથી – ને એણે બીજાંને જે કર્યું હોય, તેમાં તમને આટલી શી દાઝ!” ભદ્રા એવા ખ્યાલમાં હતી કે યમુનાએ આ માણસને એના કંચન પ્રત્યેના આચરણને લઈને ગાળો કાઢી છે. એ માન્યતાને યમુનાએ ભેદી : “જોયો છે, જાણ્યો છે, જેપુરમાં જોયો છે – મારું નસીબ ફોડનારો છે, એ મને યાદ છે.” બોલતી બોલતી યમુના માવિહોણા નાના બાળકની ચીસો જેવી ચીસો પાડતી હતી. એ શબ્દો ભાસ્કરને કાને પડ્યા. ભાસ્કરને પોતાની સ્થિતિ ભયમાં લાગી. ભેદ ફૂટવાની તૈયારી લાગી. એ ત્યાંથી ઊઠ્યો, ને ભદ્રા પાણી લઈ પાછી આવે તે પહેલાં ઝડપભેર નીકળી જઈ બાજુની ગલીમાં અદૃશ્ય બની ગયો. જતો જતો એ ભદ્રાનો ચહેરો યાદ કરવા મથતો હતો, પણ એ ચહેરાની રેખાઓને ભૂંસી નાખતું યમુનાનું મોં આડે આવી ઊભું રહેતું હતું. ભૂતકાળનું એક છૂપું પાનું એ ઉકેલતો હતો. જયપુરવાળી આ કોણ? જગદીશવાળી યમુના તો નહીં? જેનો મેં મનુ વેરેનો વિવાહ તોડાવી નાખ્યો હતો તે તો નહીં? એના બાપ જયપુરમાં દાક્તર હતા ને? દસ વર્ષ વીતી ગયાં હતાં એટલે યાદદાસ્તને સ્પષ્ટ થવામાં વાર લાગતી હતી. પણ યમુના ગાંડી શા માટે થઈ ગઈ? ને અહીં વીરસુતને ઘેર ક્યાંથી? યમુનાને મનુ જાની સાથે પ્રેમ હતો, વેવિશાળ જેવું પણ કાંઈક થયું હતું. પણ મનુ તો આઈ. સી. એસ. થવા જવાનો હતો. એ ‘સિવિલિયન’ થઈને આવત ત્યારે બ્રાહ્મણ દાક્તરની એ સાદી ગામઠી છોકરીની સાથે સંસાર કેમ કરી માંડી શકત? યમુનાને મેં તે દિવસોમાં રોજેરોજ સમજાવી હતી. છેવટે એની પાસે મેં હા પડાવેલી, કે ભલે, મનુ જાનીની ‘કેરિયર’ બગડતી હોય તો હું મારો પ્રેમ ભૂલી જવા તૈયાર છું. એ હા પડાવ્યા બદલ મેં યમુનાના નામ પર મનુ પાસેથી રૂપિયા આઠસો મુકાવેલા, ને જગદીશ જેવો વકીલ વર શોધી આપ્યો હતો. તે પછી શું થયું હશે? પોતે ખબર રાખી નહોતી, પણ ઊડતા ખબર સાંભળ્યા હતા કે મનુ ‘સિવિલિયન’ થઈને પાછો આવેલો તે પછી એકાદ વર્ષમાં, કોણ જાણે શું થયેલું કે, જગદીશ વકીલે એની સ્ત્રી યમુનાને ત્યજી દીધી હતી અને એની ખોરાકી-પોશાકીનો કશોક કેસ પણ થયેલો ખરો. પણ યમુના ગાંડી કાં થઈ ગઈ? એમાં એટલી બધી ‘સેન્ટિમેન્ટલ’ (લાગણીપ્રધાન) બનવા જેવું શું હતું? ‘સિવિલિયન’ થઈને મનુ પાછો આવ્યો ત્યારે એની પાછળ ગાંડી બનવાનું શું પ્રયોજન હતું? જગદીશ વકીલ શું ખોટો હતો? પહેલી વારના ઉદ્ભ્રાંત આવેશોને ન ભૂલી શકનારી સ્ત્રીઓ દુ:ખી થાય તેમાં નવાઈ પણ શી? પણ યમુના આને ઘેર ક્યાંથી? વીરસુત તો હળવદનો રહીશ છે, ને યમુનાનો પિતા તો વર્ષોથી જયપુરમાં જ રહેતો. બેઉને કોઈ દિવસ કશી ઓળખાણ પણ હોવાનું મેં જાણ્યું નથી. છોકરી જન્મીને ઊછરી હતી પણ જયપુરમાં. કશા પરિચય વગર એ વીરસુતને ઘેર ક્યાંથી? ભાસ્કરને ખબર નહોતી કે યમુના વીરસુતના પિતાના દૂરદૂરના બનેવીની દીકરી હતી. ને બનેવીની પુત્રી અનાથ બની ગઈ હતી તે એક જ વાત એ અર્ધજૂના-અર્ધનવા એક મિશ્રસંસ્કારી માસ્તરને પિગળાવવા બસ હતી. દેવુના દાદાએ યમુનાને ગટરમાંથી ઉઠાવી લીધી હતી. વીરસુતે જ્યારે જ્યારે ‘પારકી પળોજણ’ ઘરમાં ઘાલવા વિશે પિતાને ઠપકો આપેલ ત્યારે પિતાએ એક જ જવાબ વાળેલો તે વાચકને યાદ તો હશે – કે, ‘કોને ખબર, ભાઈ, કોના પ્રારબ્ધનો દાણો આપણે સૌ ખાતાં હશું!’ ભાસ્કર એ આખા પ્રકરણને ઊર્મિહીન, સ્વસ્થ આદમીની અદાથી સંકેલી લેતો લેતો ચાલ્યો જતો હતો ત્યારે સંકેલવાની ક્રિયા બરાબર થઈ શકતી નહોતી; ગડીઓ બગડી જતી હતી; યમુનાની ગાળો ગાજતી હતી; ને એને એમ પણ લાગ્યા કરતું હતું કે યમુના આજે પણ તે દિવસે હતી તેવી ને તેવી નમણી તો છે જ. પણ આ ખબર જો ભદ્રાને પડશે તો? યમુના ભદ્રા પાસે ધડાબંધી વાત મૂકશે તો? તો ભદ્રા મારા વિશે શો મત બાંધશે? કંચનનું પ્રકરણ તો હું એને આજે યોગ્ય સ્વરૂપમાં સમજાવી લેવાનો હતો, પણ યમુનાનું પ્રકરણ હું કેમ કરીને ભદ્રાની સમજમાં ઉતરાવીશ? ‘ભદ્રા શું ધારશે?’ આ પ્રશ્ન ભાસ્કરના મનમાં એકાએક કશા કારણ વગર ઊઠ્યો. ભદ્રાના અભિપ્રાયની ચિંતા પોતાને એકાએક કેમ જન્મી? પોતે હસ્યો. પાછો વળી એ જ વિચારે ચડ્યો : બે-ચાર વાર એણે એ ‘ભદ્રા શું ધારશે’ની લાગણીની હાંસી કરી. પણ હાંસી લાંબી ન ચાલી; મંથન ચાલુ થયું.