દલપત પઢિયારની કવિતા/અંધારું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંધારું

ધાર ઊતરીને નીચે ગયો
ત્યારે રેત શરૂ થઈ ગઈ હતી!
સામા કાંઠાની ભેખડો
નદીની સાથે જ
અખાત ભણી નીકળી પડી હતી!
આખા પટ ઉપર
છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી
પથરાયેલી હતી!
જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ
વાળીને ઉપાડી લેવાનું મન થયું!
માનો પાલવ આંખે, મોંઢે અને આખે ડીલે
વીંટ્યાના દિવસો યાદ આવી ગયા...
કરકરિયા પથ્થરની ઢગલી જેવું
હું ભેગું થવા મથ્યો!
મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું
અને રેતી નદી લઈને ઊતરી પડી અંદર!
પાછળ જોયું તો
ઊંડાં, ગાઢાં પગલાંની એક લાંબી હાર પડી હતી
અને અંધારું
અને ચરતું ચરતું મોટું થતું હતું!