દિવ્યચક્ષુ/૧૪. અંત્યજવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. અંત્યજવાસ

ધોવા બુરાઈને બધે,
ગંગા વહે છે આપની !

−કલાપી

‘અરુણ ! એ વાત તો તેં મને કરી નહોતી. તું પોલીસને શો જવાબ આપી આવ્યો તે જાણવા કરતાં, તું પેલા ટોળામાં અને પોલીસથાણામાં અહિંસક રહ્યો એ વધારે મહત્ત્વની વાત છે.’

નૃસિંહલાલની સાથે જતાં ધના ભગત અને કિસનને મારતા ઉચ્ચ હિંદુઓની આસપાસ ભેગા થયેલા ટોળાની હકીકત બેચાર દિવસે અરુણે જનાર્દનને કહી, અને ગુસ્સે થવાના પ્રસંગે ગુસ્સો દાબી શાંત રહેવાથી જે અકથ્ય માનસિક ઉચ્ચતા પોતે અનુભવી હતી તેનો પ્રામાણિક એકરાર અરુણે કર્યો, તેના ઉત્તરમાં જનાર્દને કહ્યું.

‘અને ધના ભગતે પોતાને મારનારનું પણ ભલું ઈચ્છયું એ જોઈને તો મને એમ જ લાગ્યું કે એ અંત્યજને ગુરુપદે સ્થાપવો જોઈએ.’ અરુણે કહ્યું.

‘તારા ગુરુને આપણા સરઘસને મોખરે રાખજે.’ જનાર્દને જરા હસીને કહ્યું.

‘એ તો અંધ છે.’

‘તું દોરજે.’

‘પણ એ કબૂલ કેમ રાખશે ? એમને રાજકીય વિષયની ગમ ભાગ્યે જ હોય.’

‘હું ભગતને ઓળખું છું. તું આવ્યો તે પહેલાં કોઈ કોઈ વખત હું ઢેડવાસમાં જતો ત્યારે એમનાં ભજન સાંભળતો, અંત્યજ સુધારણા માટે મેં એમને વાત કરેલી; પરંતુ એ તો એની ભક્તિમાં લીન છે, એને બીજી ગમ ન પડે. અને ગમ પડે તોપણ એવા આંખે લાચાર બનેલા વૃદ્ધને આપણાથી આગળ કરાય કેમ ?’ જનાર્દનના હૃદયમાં રહેલો રાજકીય વિભાગ આવા અંધ, વૃદ્ધ અંત્યજને સરઘસને મોખરે રાખી લોકલાગણી પોતાની ચળવળ પ્રત્યે આકર્ષવા લલચાવતો હતો, છતાં તેના પ્રામાણિક વિભાગે તેમ ન કરવા સૂચવ્યું.

‘અરુણ ! એ સરઘસ પોલીસ જરૂર અટકાવશે. મને કલેક્ટર આજ બોલાવ્યો હતો. સરઘસની હકીકત આપણા પત્રમાં પ્રસિદ્ધ થઈ છે, એટલે તેમણે મને ધમકી આપી છે. પોલીસને બળ વાપરવાની સત્તા છે. તેઓ ધક્કા મારશે, લાકડી મારશે, અગર ગોળી મારેશે. એ બધાય પ્રસંગમાં આપણે અહિંસા સાચવી શકીએ તો આપણો વિજય છે. Mob psychology – સંઘમાનસની રચનામાં અહિંસા અદ્ભુત પરિવર્તન કરિ દેશે.’

‘આપણે બધાને સાવધાન કરવા પડશે. વિમોચને તો સરઘસને હસી કાઢનારા લેખો શરૂ કરી દીધા છે.’

‘એની મરજીની વાત છે. આપણે મન હસી કાઢવાનો પ્રસંગ નથી. ધના ભગતને નિર્માલ્ય માની ઘણાયે હસ્યા હશે, પણ એ જો નિર્માલ્ય હોત તો એણે ગાળો દીધી હોત. મારનારને આશિહ આપનારનું માનસિક બળ આપણા બધાનેયે કરતાં વધારે હોવું જોઈએ.

‘આજે આવશો ?’ આપણે ભગતને મળી આવીએ. મને ફરી મળવાની ઈચ્છા છે. પેલા છોકરાને કેમ છે તે પણ જોઈએ.’

‘બીજું કાંઈ કામ નથી. ચાલ જવું હોય તો.’

બંને જણા ધના ભગતને ત્યાં જવા તૈયાર થયા. બીજા આશ્રમ વાસીઓ પોતપોતાના કામમાં રોકાયેલા હતા. જુદે જુદે સમયે જુદાં જુદાં કપડાં પહેરવાની જંજાળ તેમને નહોતી. બંને આશ્રમના ઝાંપાની બહાર નીકળ્યા ત્યાં સામે મોટરમાં રંજન તથા પુષ્પા આવી પહોંચ્યાં.

‘રંજન તો જ્યાં જઈએ ત્યાં સામેની સામે જ !’ હસીને જનાર્દન બોલ્યા. અરુણ કાંઈ બોલ્યો નહિ. મોટર ઊભી રહી.

‘ક્યાં જાઓ છો ?’ રંજને પૂછયું.

‘જ્યાં જઈએ છીએ ત્યાં સફળતા છે. શુકન બહુ સારાં છે.’ જનાર્દને કહ્યું.

‘શા ઉપરથી ?’

‘સામી બે કુમારિકાઓ મળે છે ! બીજું શું જોઈએ ?’

ખરે, કુમારહૃદયની ભાવશુદ્ધિ અને તેનું નિર્દોષ સ્નેહાળપણું જેની નજરે પડે તેને પવિત્ર બનાવે છે. એ જ હૃદય ભારેમાં ભારે ભોગ આપી શકે છે. હૃદયમાં કૌમારના ઉદાર અંશ ન હોય તો લગ્નનું સાહસ કેમ થઈ શકે?

‘અમે તો તમને રોકવા આવ્યાં છીએ !’ રંજને કહ્યું.

‘કારણ ?’

‘સરઘસમાં અમે પણ નીકળશું. વીસથી ત્રીસ સ્રીઓ આવવા તૈયાર છે !’

‘શું કહે છે ?’ ગરબા અને લગ્નપ્રસંગોમાં પણ પુરુષોને પડખે રાખ્યા સિવાય બહાર ન પડી શકતી ગુજરાતણ સરઘસ જેવા તોફાની રાજકીય દેખાવમાં પોતે સામે થઈને જોડાવા માગે એ શું ઓછા આશ્ચર્યની વાત છે?

‘હું ખરું કહું છું; હસતી નથી’ એ વાક્ય રંજને હસતે હસતે કહ્યું.

‘નહિ, બહેન ! એ જોખમમાં તમને હું ન ઉતારું. ઘણું કરીને કલેક્ટર એ સરઘસ અટકાવશે; અને ભોગજોગે કોઈને વાગે ત્યારે ?’

‘અમને વાગશે તો અમે અમારી સારવાર કરી લઈશું. તમને વાગશે તોયે અમે સારવારના કામમાં આવીશું.’

‘અંહં; જો, રંજન ! તું આવા કામમાં પડીશ તો કૃષ્ણકાંતને મુશ્કેલીમાં નાખીશ. અને પુષ્પા ! તારા પિતા તો તને આવવા જ ન દે. તેમને અમારા કામમાં વિશ્વાસ નથી. એટલે તમને સરઘસમાં તો હું નહિ જવા દઉ.’ જનાર્દને કહ્યું.

‘ત્યારે અમે અમારું જુદું સરઘસ કાઢીશું. દેશની સેવા એકલા પુરુષો જ કરી શેક, ખરું ?’

‘સરઘસ કાઢવામાં જ કાંઈ દેશસેવા સમાઈ જાય છે ?’

‘ત્યારે આપ શા માટે સરઘસ કાઢો છે ?’

‘એમાં તો ધ્વજ ફરકાવવાની છૂટનો સિદ્ધાંત રહેલો છે. અમારો અહિંસાનો વાવટો. સરકાર તેને ફરકાવવાની ના પાડે તો એ ના કેમ મનાય?’

‘બરાબર. પણએ સિદ્ધાંતની લડત એકલા પુરુષો જ શા માટે કરે ?’

‘આ રંજન તો બહુ કપરી છોકરી છે. જો બહેન ! હજી પુરુષો જ આ લડત માટે તૈયાર થયા ન હોય તો પછી સ્રીઓને એમાં કેમ ભેળવાય ?’

‘પુરુષો તૈયાર થયા ન હોય તો તે ખસી જાય, અને સ્રીઓ તૈયાર છે તેમને માર્ગ આપે.’

‘તારી સાથે દલીલ કરવી નકામી છે. હજી વચ્ચે ત્રણ દિવસ છે. અરુણ ! તું આ છોકરીઓ માટે કાંઈ યોજના ગોઠવી કાઢજે.’

‘ક્યાં જશો ? જરૂર હોય તો હું આ ગાડી મોકલું.’ રંજને જણાવ્યું.

‘અમારે તો પેલા ધના ભગતને ઘેર જવું છે. અરુણ એમનો શિષ્ય બનવા માગે છે.’ હસીને જનાર્દને કહ્યું.

‘ક્યાં રહેતા હશે ?’ રંજને પૂછયું.

‘હું જાણું છું ક્યાં રહે છે તે.’ પુષ્પાએ પહેલી જ વાર શબ્દોચ્ચારણ કર્યું. રંજન અને જનાર્દન વચ્ચેની આખી વાતચીત દરમિયાન અરુણ અને પુષ્પા બંને વગરબોલ્યે એકબીજા તરફ જોયા કરતાં હતાં.

‘પણ તું સાથે આવીશ તો તારે નહાવું પડશે. સુશીલાબહેન તને ઘરમાં નહિ પેસવા દે !’ રંજને પુષ્પાના ઘરની ધર્મભાવના તરફ તેનું લક્ષ ખેંચ્યું.

‘એમાં શું ! નાહી લઈશ.’

જનાર્દન એ સ્થળ જાણતા હતા; પરંતુ પુષ્પા સરખી પરમ વૈષ્ણવની દીકરી એક ઢેડનું મકાન જાણતી હતી એ વિચારે જનાર્દનના મનમાં જરા આશ્ચર્ય ઊપજ્યું.

અરુણ મોટરના આગળના ભાગમાં બેઠો. જનાર્દન પુષ્પાની સાથે બેસી ગયા. આખા શહેરને ચીરી છેવટના ગરીબ દેખાતા ભાગમાં મોટર આવી પહોંચી.

એ ગરીબ લત્તાનાં મકાનો નાં હતાં; પરંતુ સામસામાં મકાનોની વચ્ચે ધણો પહોળો માર્ગ રહેતો હતો. એ માર્ગના કેટલાક ભાગ ઉપર સૂતરની લાંબી દોરીઓ વીંટાળેલા લાકડાના કકડા જમીનમાં દાટેલ હતા. મકાનોનાં આંગણા લીંપીને સ્વચ્છ રાખેલાં હતાં. ઊંચી બ્રાહ્મણ-વાણિયાની શેરીઓમાં નજરે પડતો કચરો અને ડગલે પગલે અપવિત્ર બનાવતી પાનીની નીકો, એમાંનું કાંઈ આ લત્તામાં દેખાયું નહિ. દસેક પર તો રંગીન ઇંટોરી હતાં અને તેમાં રહેનારાઓની આબાદી સૂચવતાં હતાં. ઘણાંખરાં ઘરની આગળ તુલસી વાવેલાં દેખાતાં હતાં.

‘આ ઠીખ મહોલ્લો લાગે છે.’ રંજન બોલી ઊઠી. શહેરની શેરીઓમાં ભોગજોગે જવું પડે તો મહા ત્રાસ પામતી રંજનને આ મહોલ્લો ગમ્યો.

‘અહીં જ ધના ભગત રહે છે.’ પુષ્પાએ કહ્યું.

મોટર ધીમી પડી. પાછળ નાનાં બાળકો દોડતાં હતાં. કેટલાંક બાળકોએ કાંઈ જ પહેર્યું નહોતું.; કેટલાંક બાળકોએ ઘૂંટણ સુધી પણ ન પહોંચે એવાં ચીંથરા કમરે વીંટાળ્યાં હતાં, કેટલાંક બાળકોએ તો ફક્ત માથે ટોપી કે ફાળિયું વીંટી માથા સિવાયના આખા દેહને નવસ્રો રાખ્યો હતો. તેમનાં શરીર કાળાશ પડતાં ધૂળવાળાં હતાં. આવો દેખાવ જોઈ રંજનને હસવું ન આવે એ કેમ બને ? પરંતુ હસતાં હસતાંયે તેની સૌદર્યાન્વેષી દૃષ્ટિએ જોઈ લીધું કે આ નવસ્રાં અને અર્ધવસ્રાં બાળકોમાંથી ઘણાંનાં મુખ કદરૂપાં તો નહોતાં જ. એ બાળકોને એક કલાક સાબુના પાણીમાં બોળી રખાય તો તેમના દેહનો ઘઉવર્ણો રંગ ઊઘડી આવે જરૂર !

‘ધના ભગત અહીં રહે છે એ તું ક્યાંથી જાણૈ છે ?’ રંજને પુષ્પાને પૂછયું.

‘હું બે-ત્રણ વખત અહીં આવી હતી.’ જરા અચકાઈને પુષ્પાએ કહ્યું.

‘તું આવી હતી ? શા માટે ? જનાર્દનની જિજ્ઞાસા ઝાલી રહી નહિ; તેમણે પૂછયું.’

‘એક વખત પંદરેક દિવસ સુધી ધના ભગત જણાયા નહિ એટલે મારે તપાસ કરવા આવવું પડેલું. એક વખત કિસન ઘણો માંદો થઈ ગયેલો, તે બહેને મને ડૉક્ટર સાથે મોકલી હતી.’

અરુણ અને જનાર્દન સાંભળી રહ્યા. પુષ્પાની બહેન સુશીલા એટલી ધર્મચુસ્ત ગણાતી હતી કે તે પોતાની બહેનને આમ કોઈક અંત્યજની ખબર લેવા મોકલે એ રંજનને તો બહુ જ નવાઈભર્યું લાગ્યું. જૂના વિચારવાળાં, રાતદિવસ નાઈધોઈ પાઠપૂજા અને દેવસેવામાં રહેનારાં સ્રી-પુરુષમાં આવી ધર્મ-ઉદારતા હોય એ તેને આજ સુધી અશક્ય લાગતું.

શેરીને છેવાડે આવેલા એક સાધારણ ઘર આગળ પુષ્પાએ મોટર ઊભી રખાવી. ઘર આગળ તુલસીક્યારાની આસપાસ એક મોટો માટીથી લીંપેલો ચોતરો હતો. એ ચોતરા ઉપર એકતારો વગાડી ભજન ગાતા ધના ભગતનાં નયનો જગતને ન નિહાળતાં, હૃદયમાં કાંઈ નિહાળતાં હોય એમ મીંચાયલાં હતાં.

ચારે જણ નીચે ઊતર્યાં અણે ધીમે રહી ચોતરા ઉપર બેસી ગયાં.