દૃશ્યાવલી/અને હરણાવ
પ્રિય….
ગયા પત્રમાં મેં તને બ્રહ્મક્ષેત્ર એટલે કે ખેડબ્રહ્મા વિસ્તારનાં કેટલાંક સ્થળોની – ચૂલી અને ચંપાની – થોડી વાતો લખી હતી. આજે બીજાં કેટલાંક સ્થળો વિશે લખવા ઇચ્છું છું. હરણાવ, કોશામ્બી અને ભીમાક્ષી નદીઓના સંગમ પર વસેલા આજના ખેડબ્રહ્માની મુખ્ય નદી તો હરણાવ છે. આ હરણાવ અર્થાત્ હિરણ્યા અતિ પ્રાચીન કાળથી વહેતી હોવી જોઈએ. એ નદીને કાંઠે કાંઠે જે પુરાણા અવશેષો જોવા મળે છે તેમનો બહુ બધો ઇતિહાસ હજુ લખાયો નથી.
ખેડબ્રહ્મા સપ્તાહ દરમિયાન એક દિવસ વિજયનગર કૉલેજના વિદ્યાર્થીવૃંદને સંબોધન કરવાનું હતું. મારો લોભ તો એ બહાને એ આદિવાસી વિસ્તાર જોવાનો હતો. વહેલી સવારે અમે ખેડબ્રહ્માથી નીકળ્યા. ખેડબ્રહ્માની પૂર્વ દિશાની ક્ષિતિજે ઘહુંઆવ પહાડ પર રતાશ દેખાય ન દેખાય ત્યાં અમે નીકળી પડ્યા. નવ વાગ્યે તો અમારે વિજયનગર પહોંચી જવાનું હતું. પોશીનાની જેમ વિજયનગરનાં જંગલો – ગુજરાતમાં જે કંઈ થોડો જંગલવિસ્તાર છે તેમાં મહત્ત્વનાં છે. વિજયનગર ઈડરની જેમ દેશી રજવાડું હતું. આ વિસ્તારમાં કચ્છ બાજુથી આવેલા પટેલોએ જંગલો સાફ કરી કે પડતર જમીનો નવસાધ્ય કરી શેરડી વગેરે પાક લઈ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. એ બધાં ખેતરો ‘કમ્પા’ તરીકે ઓળખાય છે. ઘર સાથેનાં ખેતર, ઘહુંઆવ વટાવી અમે અંદરના વિસ્તારમાં પ્રવેશ્યા, ત્યાં પહાડી ઢોળાવો પર જંગલ વિસ્તાર શરૂ થયો. જોશીસાહેબ ઘણીબધી વનસ્પતિઓને પણ જાણતા. સાગ, સાદડ અને ખાખરાનાં ઝાડને વિશેષ. સાદડનું સંસ્કૃત નામ અર્જુન અને ખાખરાનું તો કિશુંક કે પલાશ. આ પાનખરના દિવસોમાં જંગલનો, એનાં સૂકાં પાંદડાંનો મન પર જુદો જ પ્રભાવ પડતો હોય છે. હવે વસંત આવવાની તૈયારી હતી. એના સ્વાગતમાં ખીલતાં પહેલાં કેસૂડાંએ તો લગભગ પોતાને નિરાવરણ કરી દીધા હતા.
વિજયનગર પણ ઊંચાઈએ વસેલું ગામ છે. ઢોળાવ પર ચઢતાં લાગ્યું કે ગામમાં પાણીની બહુ છૂટ છે. ઠેર ઠેર ખુલ્લા નળમાંથી પાણી વહી જતું હતું. ઢોળાવને કારણે કાદવ થવાનો પ્રશ્ન નડતો નહોતો. કૉલેજના આચાર્ય નટવર પટેલે સ્વાગત કર્યું. આટલાં વર્ષો સુધી ભાષાસાહિત્યભવનમાં અધ્યાપક તરીકે કામ કરવાનો લાભ એ થયો છે કે ઠેર ઠેર કૉલેજોમાં કે શાળાઓમાં અધ્યાપક બની ગયેલ જૂનો કોઈ ને કોઈ વિદ્યાર્થી નમસ્કાર કરીને ઊભો રહી જાય. હું એના પ્રૌઢ ચહેરા પાછળના તરુણ વયના ચહેરાની રેખાઓ યાદ કરવા મથું. અહીં પણ બે છાત્રો ભેટી ગયા. આદિવાસી વિસ્તારની કૉલેજોમાં જ્યારે જ્યારે જવાનું થયું છે ત્યારે એક અનુભવ ખાસ થયો છે, અને તે છે : વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધતાનો. વિદ્યાર્થીઓમાં વધારે સંખ્યા આદિવાસી વિદ્યાર્થીઓની. બોલે બહુ ઓછું. સભા શરૂ થાય અને પૂરી થાય એ દરમિયાન કોઈ વિદ્યાર્થી ઊભો થઈ ચાલવા ન માંડે. જે અનુભવ નગરની કૉલેજોમાં સામાન્ય છે. છોટાઉદેપુરની કૉલેજમાં તે વિદ્યાર્થીઓ વ્યાખ્યાનખંડમાં જગ્યાના અભાવે ઊભા હોય, અથવા બારીઓમાં બેઠા હોય, પણ વ્યાખ્યાનનો બધો વિધિ પતે ત્યાં સુધી અવહિત બની સાંભળે એ જોયેલું. વિજયનગરમાં મારે વાર્તાલાપ ‘આજની હિન્દી કવિતા’ વિશે આપવાનો હતો. હું વિમાસણમાં હતો કે એક તો કવિતાની વાત સાંભળવા સભામાં કેટલાની તત્પરતા હશે, અને તેમાંય વળી આજની હિન્દી કવિતા વિશે! પણ જોયું કે, છોકરાઓનો પ્રતિભાવ વક્તાને ઉત્સાહિત કરે એવો હતો. ઘણા છાત્રો દૂરદૂરનાં અંતરિયાળ ગામોમાંથી આવે. આદિવાસી પરંપરાગત સંસ્કૃતિ અને બીજી બાજુ આ સભ્ય સંસ્કૃતિ – એ બે સંસ્કૃતિ વચ્ચેની ખેંચતાણ ‘ટોન બિટ્વિન ટુ કલ્ચર્સ’નો કેવો અનુભવ કરતા હશે તેની તો એમાંથી કોઈ કહે તો ખબર પડે. પણ એટલું તો ખરું કે, તેમની જીવનશૈલી બદલાઈ રહી છે. ભણ્યા પછી એમની દોડ પણ શું નગરો ભણી રહેવાની?
જતી વખતે તો અમે ક્યાંય રોકાયા વિના વિજયનગર પહોંચી ગયા હતા, પણ વળતી વખતે અમારે હવે હરણાવને કાંઠે કાંઠે જૂનાં જૈન, શિવ મંદિરોના અવશેષો જોતા આવવાનું હતું. આચાર્ય પટેલ અને ગુજરાતીના પ્રો. મેવાડા પણ અમારી સાથે જોડાયા. બપોર વેળા જ કહેવાય. ખેડબ્રહ્મા સુધી હરણાવ પહોંચે છે, ત્યાં સુધી તો પાણી નહોતાં. હરણાવ છે બારે માસની નદી, પણ એના પ્રવાહને બાંધી લેવામાં આવ્યો છે. જંગલ વચ્ચે વહેતી નદી બંધાઈ ગઈ છે, પાલતુ હરિણીની જેમ. અમારી મોટરગાડી એ ડેમ પાસે જઈને ઊભી રહી. એકદમ શાંત નિભૃત સ્થળ. પણ અમે તો ડેમની દીવાલ ભણી હતા. જલાગાર જોઈ શકાય એમ નહોતો. પરંતુ જલાગારમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને હરણાવ કલકલ-છલછલ કરતી વહેતી થઈ હતી. અમે સૌ એ મુક્ત હરણીને જોઈને પ્રસન્ન બની ગયા.
હવે અમે હરણાવને કાંઠે કાંઠે હતા. રસ્તે એક શ્રમજીવી દંપતી, એનાં બે મોટી વયનાં છોકરાં અને તેનાં ત્રણ-ચાર ઘેટાં-બકરાં જતાં હતાં. અગાઉ પહેલાં આ સડક પર અમે વળ્યાં ત્યારે મળેલાં. તે આ ડેમસાઇટ ઉપર અમે થોભ્યા હતા, ત્યાં ફરી મળ્યાં. પેલી બાઈ પ્રસન્નમના હતી. તે જાણે અમને કહેતી ન હોય કે તમે મોટરમાં છો, છતાં અમે તમને પહોંચી ગયાં. વળી અમે ગાડીમાં.
મને યાદ આવતું હતું હવે બધું. બરાબર ત્રણ દાયકા પહેલાં ૧૯૬૭માં અમે આ વિસ્તારમાં આવેલા ત્યારે હું સ્વ. ચીમનભાઈ પટેલ સ્થાપિત સરદાર પટેલ કોલેજમાં. કૉલેજનો એક નિયમ. દર વર્ષે બધા અધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ એક વખત ત્રણ-ચાર દિવસના પ્રવાસે નીકળી પડવાનું. એ વખતે ચીમનભાઈ પણ સાથે આવે. રાજકારણના ચીમનભાઈ જુદા અને પ્રવાસી ચીમનભાઈ જુદા. એ વખતે અમારી સાથે મહેમાન તરીકે આવ્યા હતા સ્વ. અકબરઅલી જસદણવાળા. સંસ્કૃત શ્લોકો તો ધાણી ફૂટે એમ બોલે. ફાગણના દિવસો. શું – સુદ પૂર્ણિમા – હોળીનો જ દિવસ. આખુંય વન ત્યારે સળગી ઊઠ્યું હતું ખીલી ઊઠેલાં કેસૂડાંથી. આટલાં બધાં કેસૂડાં! ટાગોર હોત તો કહી દેત. – ‘ઓરે ભાઈ, ફાગુન લેગેછિ બને બને?’
આખું વન ફાગણ બની ગયું હતું. નાના અમથા છોકરડા જેવા કેસૂડાં પણ મહોરી ઊઠેલાં! અમે સૌ ઉન્મત્ત! શાયર અકબરઅલી જસદણવાળાએ તો મહોરેલી આખી ડાળીઓ બસની આગળ બંધાવી દીધી. જાણે બસને પણ કેસૂડાં ફૂટ્યાં! યાદ આવી ગયા એ દિવસો! અત્યારે તો કેસૂડાં એટલાં નહોતાં અને હજી વસંતપંચમીને પણ વાર હતી. પાંદડાં ખેરવી ફૂટવા માટે તત્પર હતા કેટલાંક કેસૂડાં.
મોટરગાડીમાં રસિક મંડળી હતી. ગાડી ચલાવનાર શ્રી પાઠક પણ ભારે રસજ્ઞ. બંને આચાર્યો અને શ્રી મેવાડા અને શ્રી જોશીસાહેબ – બધા આ વિસ્તારમાં અનેક વેળા રઝળેલા. તે અહીંના લોકોની વાતો પણ કરતા જાય. આ હરણાવ નદીને કાંઠે કાંઠે માર્ગ હતો રાજસ્થાનથી ગુજરાત આવવાનો, ખાસ તો ચિત્તોડ તરફથી. મુસલમાન સૂબાઓ પણ આ માર્ગે નીકળેલા. કેટલાંક મંદિરોનો ધ્વંસ તો એમને આભારી છે. મને થતું હતું : એક બાજુ તો અહીં આદિવાસી આરણ્યક સંસ્કૃતિ છે, તો અહીં એક કાળે નગર વસેલાં હશે કે શું? નગરનાં તો કોઈ ખંડેર નથી મળ્યાં. અમે થોડુંક આગળ વધ્યા. હરણાવ પથ્થરો વચ્ચે પ્રસન્ન જળથી કલકલાટ કરતી વહેતી હતી, મને ઊતરવાનું મન થયું હતું. ત્યાં તો ખરેખર પાઠકે ગાડી બાજુ પર લઈ ઊભી પણ રાખી. કહે ઃ હવે હરણાવી ઓળંગીને સામે કાંઠે જવાનું છે. વાહ! આનું નામ ઇચ્છાવર હશે? અમે નીચે ઊતર્યા. પાટલૂન ઊંચાં ચઢાવ્યાં. હાથમાં જોડા લીધા અને પથરાળ શૈયા પર પાણી ઉછાળતા ચાલ્યા. નાહવાની ઇચ્છા થાય એવાં અવગાહનક્ષમ વારિ હતાં.
અમે સામે કાંઠે પહોંચ્યા. નિર્જન નિસ્તબ્ધ કાંઠો. પણ અહીં ચાલતાં લાગ્યું કે આ અસમ ભૂમિ નીચે ક્યાંક કોઈ નગર દટાયું હોય. અટ્ટાલિકાઓ, મહેલો હોય. હવે તો માત્ર ટેકરા. ત્યાં એક ખંડેર! પુરાતત્ત્વવિભાગે એ વેરવિખેર ‘હાડ’ ભેગાં કરી ગોઠવ્યાં છે. એ જોઈ થાય કે, એ ઇમારત કેવી બુલંદ હશે. એક કાળે શૈવમંદિર હતું – હવે ધરાશાયી.
ત્યાંથી જરા આગળ ચાલ્યા. તો એક બીજું મંદિર. લગભગ આખું ઊભું હતું. પણ નિર્જનમાં ચૂપચાપ વરસો ગણતું ઊભું હતું. કેટલાં વરસો? મનમાં ગણગણતો દેરાસરમાં પ્રવેશ કરું છું તો વચ્ચેના ખંડ ઉપર આકાશનો ભવ્ય ભૂરો ઘૂમટ! અનંત આકાશનો એક ખંડ એક ઘૂમટની ફ્રેમમાં મઢાઈ અદ્ભૂત સંવેદન જગાવતો હતો. ખરેખર તો દેરાસરની દીવાલો અને સ્તંભો પર ઊંચકાયેલો ગોળ ઘુમ્મટ અદૃશ્ય થઈ ગયો હતો – જાણે નીચે પડીને નહિ, ઉપરથી જ પડી ગયો હતો. અને ઘુમ્મટને સ્થળે ઉપરનું આકાશ દેખાતું હતું. ઘુમ્મટ હોવાનો રંજ આકાશી ઘુમ્મટ જોતાં અવ્યાખ્યેય ભાવમાં ફેરવાઈ ગયો. આ આકાશી ઘુમ્મટ ફોટોગ્રાફમાં કલાત્મક રીતે ઝડપાય તો વિશ્વનાં બેનમૂન ખંડેરોની છબીઓમાં સ્થાન પામે. અમારા કૅમેરામાં અમને આ આકાશી ઘુમ્મટની તસવીર લેતાં ક્યાંથી આવડે?
કદાચ આ ખંડેર અને આ હરણાવ અહીંથી બધું ક્યાં ગયું. વાત કોણ કહી શકે? સંભવ છે કે હરણાવ પણ કેટલુંક તાણી લઈ ગઈ હોય.
અમે મોટરગાડીમાં બેસવા જતાં હતાં, ત્યાં પેલાં ઘેટાં-બકરાં સાથેનો પેલો પરિવાર, પાછળ ચાલતી પેલી સ્ત્રી. આ વખતે અમને જોઈને ખરેખર હસી! એનું હસવું આ વનમાં એટલું તો સારું લાગ્યું! અમારી વચ્ચે બોલ્યા વિનાય સંવાદ રચાયો હતો.
સાંજ પડવાને વાર હતી. પણ આથમણી તરફના પહાડની છાયા વિસ્તરવાને લીધે લાગ્યું કે હમણાં દિવસ આથમી જશે… પહાડીના વળાંક સાથે હરણાવનો વળાંક.
ત્યાં જરા આગળ ગયાં તો આ નિર્જન વનમાં તરુણ-તરુણીઓનું વૃન્દ! ઈડર કૉલેજનો હિન્દી વિભાગ અહીં પિકનિક માટે આવ્યો હતો. હરણાવની ડાબી તરફને કાંઠે એક મંદિર હતું – સારણેશ્વરનું. એ બધાનો પડાવ આ મંદિરમાં હતો. સારણેશ્વર પણ ખંડેર, છતાં પૂજા થતી હોવાથી થોડી વસ્તી હતી. સારણેશ્વરના પ્રવેશદ્વારે આવતાં ફરી ત્રીસ વર્ષ પૂર્વેની એક સ્મૃતિ દૃશ્યમાન બની ગઈ. હા, આ જ ખંડિત દરવાજે એક મિત્રે પ્રોફેસર પટેલ, આઇ હૅવ બ્રૉટ સમથિંગ ફૉર યુ કહીને હસતાં હસતાં પોતાના નાના રૂમાલમાં મને કેસૂડાંનાં ફૂલ ધર્યાં હતાં! એ હાસ્યસભર આનન, એ કેસૂડાં ભરેલા રૂમાલ સાથે લંબાયેલા હાથ! એકદમ આ ક્ષણે હું જોઈ રહ્યો. હું ત્યાં ઊભો રહી ગયો હતો. કોઈ બોલ્યુંઃ ચાલો અંદર ઈડરની અધ્યાપક મંડળીમાં. મારા છાત્રો ખૂબ રાજી થયા. ડૉ. મૃદુલાને તો હર્ષ માય નહિ. અમને ચા પિવડાવી ગુલાબજાંબુ ખવડાવ્યાં, ફોટા પાડ્યા.
ફરી અમે મોટરગાડીમાં ગોઠવાયા. આ વખતે પેલા પરિવાર માટે મેં સડક પર વારે વારે નજર કરી, પણ કોઈ દેખાયું નહિ. હવે તો બસ એ શ્રમજીવી ગૃહિણીનું સ્મિત ટકી રહેશે.
પછી તો અમે એક કચ્છી પટેલના કમ્પામાં પ્રવેશ્યા. વિજયનગરના મિત્રોની ગોઠવણ. અગાઉથી કહી રાખેલું. તાજો ગૉળ ખાવાનો અને શેરડીનો રસ પીવાનો હતો! એ ખેતરના માલિક કચ્છી પટેલે ઉષ્માથી સ્વાગત કર્યું અને પોતે કેવી રીતે વિજયનગરના મહારાજાની આ પડતર જમીન મેળવી, શેરડીની આ ખેતી વિકસાવી તેની વાત રસ પિવડાવતાં પિવડાવતાં કરી.
હવે હરણાવથી અમારો સંગાથ છૂટી ગયો હતો. વચ્ચે આંતરસુબાની એક ભાગોળે એક મંદિર અને પીપળો એકબીજામાં ગૂંથાઈ ગયાં છે તે જોયું. મંદિરની પછીતે ઊગેલા પીપળાએ મંદિરના પથ્થરોને એવી આંટીઓ પાડેલી કે જેમ ઝાડ ઊંચું થતું ગયું તેમ તેમ મંદિર પણ ખંડેખંડ ઊંચું થતું ગયું છે! છેક ઉપરની ડાળીઓની પકડમાં કેટલાક શિખરખંડો ટકી ગયા છે.
અંધારું થયે અમે ખેડબ્રહ્મા આવી ગયા હતા. હજી આ વિસ્તારનું વૃત્તાંત પૂરું થતું નથી. અહીંથી થોડે દૂર આવેલા ગઢડા શામળાજીની દશાવતાર સાથેની સુંદર મૂર્તિની, મંદિરના મહંત દલપત ભારતીજી અને યુવાન વયે વૈરાગી બનેલાં એમનાં સુપુત્રી કુ. વંદના ગોસ્વામીની વાતો પણ લખવી જોઈએ. ગઢડા શામળાજીનું મંદિર ધરોઈ ડેમના જળાગારની શેષ સીમા પર ઊભું છે. હજી અહીંથી થોડે દૂર કોશામ્બીના તટવર્તી ડેરોલ ગામનાં સોળમી સદીનાં પ્રાચીન દિગમ્બર જૈન મંદિરોની અને દિગમ્બર મુનિજીની મુલાકાતની વાત પણ લખવી જોઈએ. પણ હવે બસ કરું.[તા. ૨૩-૨-૯૭]