ધીરેન્દ્ર મહેતાની કવિતા/આ નગરને હું મળું છું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૪.
આ નગરને હું મળું છું

સ્વપ્નને જોયા કરે છે કોઈ આંખો બંધ રાખી,
આ નગરને હું મળું છું એટલો સંબંધ રાખી.

ભરવસંતે ઘૂમવાનું છે ક્ષણોને અંધ રાખી,
એ જ રીતે હા, અમે મળશું ઋણાનુંબંધ રાખી.

આંખ સામે જે હતું વેરાનમાં પલટી ગયું ને
વાસને વિચ્છિન્ન કરવાને હવામાં ગંધ રાખી.

એમ આ પગલાં પૂછે છે દૂર ત્યાં જોતી દિશાને,
‘ક્યાં ચરણ ચાલ્યાં ગયાં છે માર્ગને નિઃસ્તબ્ધ રાખી!’

એક આ આકાશને આમ જ ટકાવી રાખવાને
કેટલા માણસ જુઓ, ચાલી રહ્યા છે સ્કંધ રાખી!

હા, રજોટાયો અને રંગાયલો પણ છું ખરેખર,
ના, નથી આવ્યો હું પાછો જાતને અકબંધ રાખી.
૨૭-૧૧-’૮૪