ધીરેન્દ્ર મહેતાની કવિતા/છરબત્તી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૯.
છરબત્તી*[1]

સામેના ડુંગરથી ગબડતો
પ્રખર અગનગોળો
ગબડગબડ
થતોક્
ઘડીકમાં પહોંચ્યો
સીધો રણમોઝાર;
ભળુંભાંખળું થવાના
દીધા ના
અણસાર!
પીગળ્યુંપીગળ્યું
આ તો આખું
રણ ઠંડુગાર.
ધીખીને મધ્યાહ્ ને
મારા રોમરોમેથી
પ્રસ્વેદ થઈને ઊતરે છે એ
અંગારચાંપ્યા રેતકણોમાં...

એને રેલેરેલે જાય તણાતો કાળ,
ને તાણી જાતો ચાંદસિતારા
પાછળ મેલી રેઢું
ગ્રહનક્ષત્રસૂનું
ભૂલુંભડક્યું
કાળુંભમ્મર અંબર...

ને ઓચિંતા પ્રગટે
રેલ્યા રેતકણો
પ્રચંડ ગોળા થઈને...
હલમલ ઝગમગ બહુવિધ રંગ
ધરીને
ડગમગે અવળા પગે;
મારી અંધગતિને દોરે,
સામી દિશા ઉગામે...

આ શી છલના!
છરબત્તી લઈને અઢળક
આ કોણ આવતું સામે!
આંજી દેતા અજવાળામાં દેખું
ના કશો આકાર
ના મૂરત
આ તેજપુંજ એજ એની સૂરત.

૧૧-૭-૨૦૨૨
  1. *રણમાં અંધારી રાતે તીવ્ર પ્રકાશના રંગબેરંગી ગોળા ઊડવાની ભ્રમણા. કચ્છીમાં ‘ળ’નો ઉચ્ચાર ‘ર’ થતો હોઈ એને છરબત્તી કહે છે. એનાં ‘જાદુઈ બત્તી’ કે ‘ભૂતિયો પ્રકાશ’ નામ પણ છે.