ધીરેન્દ્ર મહેતાની કવિતા/રણની આંખમાં દરિયો

૨૦.
રણની આંખમાં દરિયો

રણની આંખમાં દરિયો
ઘડીક આરડે
ઘડીક દેતો ફાળ...

બૂડી ગયેલી ક્ષણો અચાનક
છીપ થઈને ચળકે,
રેતકણોમાં સ્વપ્ન સમી.

પાછાં નહિ ફરેલાં વહાણોના પડછાયા
લમ્બાતા લમ્બાતા
પહોંચ્યા રણની કાંધે.

ભૂલા પડેલાં સાગરપંખી
સુર્રખાબની પાંખોના ફફડાટ મહીં
આશ્રય ગોતે...

હેઈસો હેઈસોનાં લંગર બાંધ્યાં
ઊંટની ડોકે
ને
મોજું થઈને ચઢી આવતું
કોક વેળા કંઈ
ડમરી જેવું
અહીંયાં!

-બધુંબધું આ
ઘૂમરી લેતું, ઊડે,
સાથે ઊડે
મોરચંગના વીખરાઈ ગયેલા સૂર!
ને એમાં બૂડે
ખારવણોનાં હીબકાં
વરસો... વરસો... વરસોથી!
૫-૧-’૮૬