ધ્વનિ/વાયરે ઊડી ઊડી જાય રે પટોળું
Jump to navigation
Jump to search
૨૨. વાયરે ઊડી ઊડી જાય રે પટોળું
વાયરે ઊડી ઊડી જાય રે પટોળું;
એવું એવું રે અડી જાય કે અમૂંઝણે
મૂંઝાઈ રે’છ મંન ભોળું.
પૂંઠે રે મેલી ક્યાંય મારા ઘરની ગલી,
દૂર છે હજી ય ઓલી ખેતરની આંબલી,
અડધે તે મારગે એકલ હેરાન થઉં
કોની તે સંગ ઉર ખોલું?
છાતી ઢાંકું ને ઊડે માથાનો છેડલો,
ઢીલો તે જાય વળી છૂટી અંબોડલો,
મહુડાની ડાળીએ બેઠેલું કોઈ, મને
જોઈને રિઝાય છે હોલું.
૧૦-૩-૪૮