નયન હ. દેસાઈની કાવ્યસંપદા/એમ અચાનક યાદનો રેલો...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એમ અચાનક યાદનો રેલો

એમ અચાનક યાદનો રેલો મનને ભીંજવી જાયઃ જનાવર જીવતાં ઝાલ્યાં જાય
ઘર લીલુંછમ ડાળખીવાળું ઝાડ બનીને આંખમાં ઝૂકી જાયઃ જનાવર જીવતાં ઝાલ્યાં જાય

આંખની ઝૂલણ વેલની ફોરન છેક બારીએ જઈને બેસેઃ સળિયા સમેત લાગણી ઊડી જાય
આપણો પગરવ પાંખ બની ફફડાટ કરે ને ટહુકા ખરી જાયઃ જનાવર જીવતાં ઝાલ્યાં જાય

આપણે મુદ્દલ અવાવરું ને આપણી વચ્ચે સાંજના ઝાંખા પડછાયાનો મ્હેલ ઊભો ચણાય
આપણી વચ્ચે એક નદી તે પુલથી જુદી થાયઃ તોય નદી કહેવાયઃ જનાવર જીવતાં ઝાલ્યાં જાય

કોઈની ભૂરી યાદનું આકાશ એટલું ઝૂંકે એટલું ઝૂંકે, જળ બિલોરી અશ્રુઓ પણ ઝળહળાં થઈ જાય
રાફડો બાંધી લોહીમાં રહેતા ડાહ્યાડમરા એક માણસને પડછાયો પી જાયઃ જનાવર જીવતાં ઝાલ્યાં જાય

એમ તો રાજા, રાજમાં તારા મેઘ સારો છે, મોલ સારો છે, વાવ સરોવર જળ ભર્યા છલકાય
તોય અજાણી વેદના ચોરે ચૌટે, પાદર, પોળ ગલીને શેરીએ ડોકાયઃ જનાવર જીવતાં ઝાલ્યાં જાય