નયન હ. દેસાઈની કાવ્યસંપદા/લંબચોરસ ઓરડામાં...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લંબચોરસ ઓરડામાં

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણ માપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આ ક્ષિતિજથી તે ક્ષિતિજના બંધ દરવાજા થયા
કોઈ ઇચ્છે તોય અહીંથી બા’ર ક્યાં નીકળાય છે.

ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થૈ ગઈ
કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે?

યાદ આવે છે ગણિત શિક્ષકના સોટીઓના સૉળ
સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે

હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડી ઊભી
જિંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે?