નારીસંપદા : ટૂંકી વાર્તા/ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘર

ગિરીમા ઘારેખાન

હજી તો મેધા ઘરનાં પગથિયાં ચડતી હતી અને અંદરથી પપ્પાનો અવાજ સંભળાયો, ‘આવી ગઈ બેટા?’ ‘હા પપ્પા.’ એના હોઠ ફફડી ગયા. મેધાને થયું કે, ગાડીમાંથી સ્વેટર લઈ લીધું હોત તો સારું હતું. હમણાં પપ્પા પૂછશે, ‘લે, સ્વેટર નથી પહેર્યું તેં? બહાર તો પવન બહુ છે.’ મેધા જઈને સીધી ઓસરીના હીંચકા પર બેસી ગઈ અને હીંચકો ચલાવવા માંડી. એને હતું કે બંધ રહેવાને કારણે ઘરમાં વધારે ઠંડક હશે. પણ અહીં તો ઊલટી હૂંફ લાગતી હતી. મેધા હીંચકાનો ‘કિચુડ કિચુડ’ અવાજ સાંભળતી રહી. દક્ષાને કહીશ કે કડામાં તેલ પૂરે. હીંચકો બહુ અવાજ કરે છે. મમ્મી હતી ત્યાં સુધી નિયમિત રીતે કડામાં તેલ પૂરતી. પણ પપ્પા તો કહેતા કે ‘ભલે અવાજ કરે. હું એકલો બેઠો હોઉં એટલે આ અવાજને લીધે તો કોઈ મારી સાથે વાતો કરતું હોય એવું લાગે છે.’ મેધાને પણ અત્યારે એવું જ લાગતું હતું. ‘કિચુડ કિચુડ’ અવાજ સાથે બીજા કેટલા બધા અવાજો સંભળાતા હતા? – મમ્મી રોટલી વણતી હોય ત્યારે એની રણકતી કાચની બંગડીઓનો ખનખન અવાજ, સવારે અને સાંજે નળમાં પાણી આવતાં પહેલાં આવતો હવાનો ફૂઊઊ અવાજ, રાતની શાંતિમાં જૂના પંખામાંથી આવતો ખટ ખટ અવાજ, એને વાંચવામાં ખલેલ ન પહોંચે એટલે પપ્પા ટ્રાન્ઝીસ્ટર કાન પાસે રાખીને ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા એ ફૂસફૂસ અવાજ, નાની નાની વાતમાં એમનો મોટેથી ‘હા હા હા’ કરીને હસવાનો અવાજ, મમ્મીની લાકડીનો ટક ટક અવાજ, દીવાલ પર લટકતી ઘડિયાળમાં દર કલાકે પડતા ટકોરાનો ટન ટન અવાજ – આ બધા અવાજો પ્રવાહી થઈને હવે હીંચકાના આ ‘કિચુડ કિચુડ’માં ભળી ગયા હોય એવું લાગતું હતું. ભલે અવાજ થતો. દક્ષાને તેલ પૂરવાનું કહેવું નથી. એણે હીંચકો વધારે જોરથી ચલાવવા માંડ્યો. ‘અલી ધીરે.’ આ કોણ બોલ્યું? મેધાએ દીવાલ ઉપર લટકતી ઘડિયાળ તરફ નજર કરી. બંધ ઘરમાં ઘડિયાળ તો બંધ જ હોય ને? એ અંદર ચોકમાં જઈને ખુરશી લઈ આવી અને એની ઉપર ચડીને ઘડિયાળ ખોલીને એને ચાવી ભરવા માંડી. ત્યાં તો દક્ષા ઘરમાં દાખલ થઈ. ‘અરે બેન, તમે રહેવા દ્યો. રોકાવાના નથી પછી ઘડિયાળ ચાલુ કરીને શું કરવાનું? તમે જતા રહો અને ખાલી ઘરમાં ટકોરા વાગ્યા કરે.’ ‘ખાલી ઘરમાં ઘણું ય વાગતું હોય છે.’ ‘શું બેન?’ ‘ના, કંઈ નહીં.’ દક્ષાએ હાથ પકડીને મેધાને નીચે ઉતારી. ‘તમારે વાર થઈ બેન? હું મારા રાજીયાને સ્કૂલથી લેવા ગઈ હતી.’ ‘ના ના. હમણાં જ આવી.’ ‘ભાઈનો ફોન આવ્યો એટલે ગયા અઠવાડિયે જ કરેલું તો ય બીજીવાર ઘર મેં બરાબર સાફ કરી જ નાખ્યું બેન. કોઈ જોવા આવવાનું છે ને? ભાઈ કહેતા હતા. હું તો પંદર વીસ દિવસે સાફ કરી જ નાખું છું. મોટર પણ જામ ના થઈ જાય એટલે એક વાર ચાલુ કરીને જોઈ લઉં. પણ તો ય ઘર પડ્યું પડ્યું જૂનું તો થાય જ ને? વેચી નાખવું સારું. મેં તો ભાઈને ય કીધું.’ દોઢ ડાહી. આને કોણે ડહાપણ કરવાનું કીધું હતું? ‘હા, હવે પડ્યું પડ્યું ખરાબ થાય એના કરતાં વેચી નાખવું સારું ને?’ મેધાને લાગ્યું કે એના ગળામાં બેસીને સુનીલ બોલી રહ્યો હતો. ‘ઘર તો કોઈ રહેતું હોય તો જ સચવાય.’ મેધાનું ચાલત તો અહીં જ રહેત. પણ સુનીલ કે તન્મયને તો એક દિવસ માટે પણ અહીં આવવું ન હતું ગમતું. “એક વાર ઘરનો ઘરાક નક્કી થઈ જાય પછી એની સાથે ફાઈનલ વાતચીત કરવા હું સાથે આવીશ.” સુનીલ કહેતો. ‘કોણ જોવા આવવાનું છે બેન? હજી વાર લાગશે ને? હું મારા રાજુને જમાડી આવું?’ ‘હા, તું તારે જા. તારું કંઈ કામ નથી. હું જઈશ ત્યારે તને ઘર બંધ કરવાનું કહેતી જઈશ.’ મેધાને પપ્પા સાથે ઘરમાં એકલા રહેવું હતું. પણ એવી તક એને મળી નહીં. દક્ષા ગઈ અને તરત જ એક પ્રૌઢ પુરુષ ઘરની બહાર આવીને ઊભો રહ્યો. મેધા એ ઊંચા, પાતળા, ટટાર છાતીવાળા ગોરા માણસ સામે જોઈ રહી. માણસ તો સારો લાગે છે. ‘તમે મેઘાબેન ને?’ મેધાથી હીંચકા તરફ જોવાઈ ગયું. પપ્પાના કપાળ ઉપર કરચલીઓ પડી હશે. – લોકો ઘ અને ધ વચ્ચેનો ભેદ કેમ સમજતા નહીં હોય? આવા સારા નામને બદલી નાખે છે ! ‘હું મેધા.’ ધા ઉપર ભાર આપતાં મેધા બોલી. ‘મેધા જોશી. તમે પ્રદીપભાઈ ને? આવો, આવો ને અંદર.’ પ્રદીપભાઈ ખાસા બોલકણા હતા. ‘હું અહીં સરકારી નોકરીમાં છું. અત્યાર સુધી બદલીઓને કારણે ક્યાંય ઘર નથી ખરીદ્યું. પણ હવે વી.આર.એસ. લઈને અહીં જ ઘર લઈને રહેવાની ઇચ્છા છે, વધારે તો મારી વાઇફની. લગ્ન થયા ત્યાં સુધી એ અહીં જ રહેતી હતી, આવી જ સ્ટાઇલના જૂના ઘરમાં. ફ્લેટમાં રહેવું એને નથી ગમતું. એટલે એ કહે છે કે ઘર લેવું જ છે તો પછી આવું જ લઈએ, મહોલ્લામાં. ઘર આંગણે જ બધું મળી જાય. મારે પણ રીટાયર્ડ લાઇફ આવા ટાઉન પ્લેસમાં જ ગાળવી છે. આવી જગ્યાએ રહીએ ને તો ઘડપણ સચવાઈ જાય. બેમાંથી એક જણ રહ્યું હોય તો પણ એકલવાયું ન લાગે. હવે મહોલ્લામાં આ પ્રકારની બાંધણીનું ઘર તો થોડું જૂનું જ મળવાનું. આમે ય નવા ઘર ક્યાં એટલા મજબૂત બને છે? આ ઘર...?’ પ્રદીપભાઈ ચારે બાજુ નજર ફેરવતા હતા. ‘મારા પપ્પાએ બંધાવ્યું હતું. એટલે સમજો ને...’ ‘એટલે બહુ જૂનું તો નહીં જ વળી.’ “મમ્મી, આ પ્રદીપભાઈને આપણું છે એવું જ ઘર જોઈએ છે એવું લાગે છે. બનતા સુધી તો લઈ જ લેશે.” એમની સાથે ફોન પર વાત કર્યા પછી તન્મયે કહ્યું હતું. “જો, ભાવમાં થોડું આઘું પાછું કરવું પડે તો વાંધો નહીં. પણ આ વખતે નક્કી કરીને જ આવજે. હવે તો નિકાલ કરી જ નાખીએ. પડ્યું પડ્યું...” ‘હા. હા. ખબર છે.’ મેધાને ‘ખંડેર’ શબ્દ નહોતો સાંભળવો. ‘આવો તમને ઘર બતાવું.’ મેધાએ પર્સમાંથી બોટલ કાઢીને પાણી પીધું અને પ્રદીપભાઈને અંદર લઈ ગઈ. એમણે અંદર જતા વેંત ઉપર નજર કરી. ‘ખાસો મોટો ખુલ્લો ચોક છે, નહીં? આ જાળિયામાંથી અજવાળું સરસ આવે.’ ‘હા, પણ અત્યારે તો અમે એની ઉપર આવી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક શીટ મૂકાવી દીધી છે. નહીં તો અજવાળાની સાથે ધૂળ પણ એટલી જ આવે. ચોમાસામાં તો વરસાદ સીધો ઘરમાં જ પડે. એટલે ચોકની સાથે પરસાળ પણ ભીની થઈ જાય.’ ‘વરસાદ પૂરતું બરાબર છે. બાકી હું તો ચોક ખુલ્લો જ કરી નાખીશ.’ મેધાથી સીધું પ્રદીપભાઈની આંખોમાં જોવાઈ ગયું. – આ માણસ ઘર ખરીદવાનું નક્કી જ કરીને આવ્યો લાગે છે ! એણે પાછળ જોયું. ઓસરીમાં હજી હીંચકો ધીરે ધીરે હાલતો હતો? ‘આવા જૂના ઘરોમાં આ ખાસિયત – પાણિયારું અને મંદિરની આવી અલગ જગ્યા હોય જ. મારી પત્ની બહુ ધાર્મિક છે. એને તો આવું મંદિર બહુ જ ગમશે.’ બોલતા બોલતા પ્રદીપભાઈ પરસાળમાં આવેલા મંદિરની વધારે નજીક ગયા. ‘આ દીવાજાળિયાની જાળીની કોતરણી બહુ સરસ છે.’ ‘હા, મારી મમ્મી નવરાત્રમાં ઉપવાસ કરતી અને અખંડ દીવો રાખતી હતી.’ મેધા જાળીની કોતરણી તરફ જોઈ રહી. અંદર દીવો પ્રગટેલો હોય ત્યારે અંધારામાં બહાર કેવી ડીઝાઇન પડતી? અત્યારે પણ કંઈક ઝગઝગતું હતું કે શું? અજવાળું પણ પોતાની પાછળ અજવાળું છોડતું જાય? ‘મારી વાઈફ તો ચૈત્રી અને શારદીય, બંને નવરાત્રી ધામધૂમથી કરે છે. એ તો આ જોઈને બહુ જ ખુશ થઈ જશે.’ ‘આ પાણિયારામાં માટલી મૂકવાની જગ્યા ઊંચી છે. તમને ફાવશે ને? તમારી પત્નીને?’ મેધાએ પ્રદીપભાઈનું ધ્યાન મંદિર તરફથી હટાવ્યું. ‘હજી સુધી તો અમને પગની કશી જ તકલીફ નથી. બહુ નિયમિત જીવન જીવીએ છીએ. ઉપરવાળાની કૃપા રહેશે તો પડશે પણ નહીં.’ ‘ઉપરવાળા’ બોલતાં બોલતાં એમણે પરસાળની સીલીંગ તરફ જોયું. ‘અરે વાહ ! આ સીલીંગ તો પૂરી લાકડાની બનેલી છે ને ! એને લીધે ઘરમાં ઠંડક બહુ રહે. આ દાદર પણ લાકડાનો છે, નહીં? પ્યોર સાગનો લાગે છે. આ લાકડાને ઊધઈ લાગે જ નહીં. અત્યારે ફ્લેટમાં તો દસમા માળે પણ ઊધઈ આવે છે. હું જરા ઉપર જોઈ આવું? ઓરડો પછી જોઈ લઈશ.’ ‘હા, હા... બધું ખુલ્લું જ છે. પણ દાદર જરા સાચવીને ચડજો, એકદમ સીધો દાદર છે. હવે તો ખાસ સાચવવું જોઈએ.’ પ્રદીપભાઈ ઉપરનું ઘર જોવા ગયા. મેધા એમના ઉપર ચડતા પગ સામે જોઈ રહી. પગ ધીમે ધીમે નાના થતા ગયા અને એક એક પગથિયું કૂદીને દાદર ચડવા માંડ્યા. “બે વાર પડી છે તોયે સુધરતી નથી આ છોકરી. નીચે ઉતરતે તો જાણે ઉપરથી કૂદીને સીધી નીચે આવી જતી હોય એવું લાગે છે.” મમ્મી પપ્પાને ફરિયાદ કરતી. એક વાર તો સાચે જ પગથિયું ચૂકી જવાથી એ ઉપરથી નીચે પટકાઈ હતી. સદ̖ભાગ્યે ફ્રેક્ચર તો નહોતું થયું પણ જોરદાર મચકોડ આવી હતી. મેધાને હળદર મીઠું ખદખદવાની સુગંધ આવી. પગ ઉપર કંઈક ગરમ લાગતું હતું. ‘આઉચ !’ એનાથી પગ પાછળ ખસેડાઈ ગયો. “નહીં દાઝે. આ તો ગરમ ગરમ જ ચોપડવું પડે.” પ્રદીપભાઈ નીચે ઉતર્યા. ‘ઘર તો ઉપરથી પણ સારું છે, બેન. બે બાજુ બે મોટા રૂમ અને વચ્ચે અગાસી. ઉપર ધાબે જવાનો દરવાજો બંધ હતો, નહીં તો એ પણ જોઈ આવત.’ ‘તમારે ધાબુ જોવું છે? ખોલાવું?’ સુનિલે કહ્યું હતું કે આખું ઘર બરાબર બતાવી દેજે. ‘ના, ના. ધાબાનું તો આમે ય શું કામ પડે?’ ધાબાનું તો ઘણું બધું કામ પડે – પતંગ ચગાવવાના હોય, બટાકાની પત્રી અને ચોખાના પાપડ સૂકવવાના હોય, વેકેશનમાં કઝીન્સ આવે ત્યારે સૂતાં પહેલાં ધીંગામસ્તી કરવાની હોય... ‘ઉનાળામાં ધાબે સૂવા જવાય.’ મેધાથી બોલી જવાયું. ‘સૂવા માટે તો અગાસી જ સરસ છે. એ.સી. થી છૂટકારો મળશે. બંને રૂમોમાં બાથરૂમ પણ છે એ સારું છે.’ હોય જ ને ! પોતે પાછલી મેઢીમાં એકલી સૂવા માંડી પછી પપ્પાએ ત્યાં ખાસ બીજો બાથરૂમ બનાવરાવ્યો હતો. પહેલાં તો એ લોકો રાત્રે સૂવા જતી વખતે બાથરૂમ માટે પાણીની ડોલ ભરીને ઉપર લઈ આવતા. પણ મેધા માટે બાથરૂમ બન્યો પછી ઉપર પણ પાણીનું કનેક્શન લઈને નીચેની મોટી ટાંકીમાં મોટર મૂકાવી હતી. ‘પાછળની રૂમનો બાથરૂમ બહુ સરસ છે. નવો જ લાગે છે.’ ‘હા, નવો જ છે. જોકે, ઉપર તમને કદાચ પાણીની તકલીફ પડે. મોટર મૂકાવી તો હતી પણ અત્યારે એ ચાલે છે કે નહીં ખબર નથી. કામવાળીના ભરોસે છે.’ ‘મોટર તો બહુ નાની વસ્તુ છે. આ તો તમે પણ મારી જેમ બહુ ઓનેસ્ટ છો એટલે બધું જણાવો છો. બાકી તો આવી નાની નાની વસ્તુઓની ખબર પણ શું પડે?’ મેધાને નવાઈ લાગતી હતી. કોઈ માણસ પોતાને માટે ઘર ખરીદવા નીકળે ત્યારે એને બધું જ સારું સારું ન જોઈએ? ‘જુઓ બેન, મકાન તો અમને જોઈએ છે એવું જ છે.’ ‘મકાન ! આ ઘર મકાન થોડું છે?’ મેધાના મને ધીરેથી ફરિયાદ કરી. એ જ વખતે બહાર રસ્તા ઉપરથી શાકની લારીવાળો બૂમો પાડતો પાડતો પસાર થયો. પાછળ એક બંગડીઓની લારી પણ હતી. ‘મારી પત્નીનો વધારે સમય તો ઓસરીના હિંચકા ઉપર જ જશે. અહીં આવતી વખતે જ મેં રસ્તામાં કેટલા બધા લારીવાળા જોયા ! અહીં તો સાંજ પડે બધી પડોસણો ભેગી થઈને ઓટલે બેસતી હશે. મંદિર પણ નજીક જ છે. મેં જોયું. એને એવું બધું બહુ ગમે. આખી જિંદગી એણે એના બાળપણને યાદ કરીને કાઢી છે. આમ તો મારી દર બે વર્ષે જુદા જુદા ગામમાં બદલીઓ થાય. એ બિચારી બધે જ કોઈ બબડાટ વિના મારી સાથે ફરી છે. હવે એના મનપસંદ ઘરમાં રહે એટલો ખ્યાલ તો મારે રાખવો જોઈએ ને? શું કહો છો બેન?’ “તમારું ઘર તો બહુ ધાંધલીયું બાપ. લારીઓવાળાની બૂમો સંભળાયા જ કરે. આપણે અમદાવાદમાં રહીએ છીએ પણ અહીં પંદરમા માળે નીચે શું ચાલી રહ્યું છે એની ખબર પણ ન પડે.” સુનીલના શબ્દો કેમ અત્યારે જ પાછા વળી વળીને કાનમાં ઘૂસતા હતા? ‘અને મને ય પાછળથી રૂમમાં લખવા વાંચવાની સગવડ મળી રહેશે. ત્યાં તો ઘણાં પુસ્તકો પણ છે – ગુજરાતી, અંગ્રેજી – બધાં જ. જોકે, એ બધું તો તમારે લઈ જવું હોય તો લઈ જજો.’ પ્રદીપભાઈ એમની ધૂનમાં બોલે જતા હતા. કદાચ એમના મનમાં નવા ઘરના સપનાનું વાવેતર ચાલુ થઈ ગયું હતું. “ઘર સાથે બધો ત્યાંનો ભંગાર પણ કાઢી જ નાખજે હોં !” મેધાના કાનમાં શબ્દો પડઘાયા. ‘ના, ના. એમાં શું લઈ જવાનું. અમારે ફર્નીચર સાથે જ ઘર વેચવાનું છે.’ પ્રદીપભાઈના ચહેરા ઉપર વહેલી સવારના સૂર્યકિરણ જેવું કંઈક લટાર મારી ગયું એ મેધાએ નોંધ્યું. ‘આવો ને બહાર. હિંચકે બેસીએ. ચા પીશો? અમારી કામવાળી બાજુમાં જ રહે છે. સરસ ચા બનાવીને આપી જશે.’ મેધા ઓસરીમાં જઈને હિંચકે બેઠી. પ્રદીપભાઈ સામે ઊભા રહ્યા. ઘરનું નક્કી કરવાની ઉતાવળ એમના આખા શરીરમાંથી નીતરતી હતી. ‘તો પછી... તમે એક આંકડો પાડો એટલે મને આગળ વધવાની ખબર પડે.’ “થોડાક હજાર આમ તેમ કરવા પડે તો વાંધો નહીં, પણ નક્કી કરીને જ આવજે મમ્મી.” તન્મયના એ તાર સૂરોની સરગમમાં છેલ્લો ‘સા’ નો સૂર સુનીલનો હતો. “હું પણ એ જ કહું છું. તન્મયની વાત સાચી છે. આપણે નહીં હોઈએ ત્યારે એ તો એ ઘરની સામેય નથી જોવાનો. આપડે ખોટા મોહમાં કારણ વિનાના આટલા વખતથી ટેક્સ ભર્યા કરીએ છીએ.” ‘પપ્પા હતા ત્યાં સુધી તો એ ભરતા જ હતા ને?’ “હા. હા. ટેક્સ ભરવાનો ય વાંધો નથી. પણ આપણે ત્યાં રહેવાના જ નથી પછી...” ‘શું કહો છો મેઘાબેન? તમે કંઈક તો રકમ નક્કી કરી હશે ને?’ મેધાને જાણ કર્યા વિના એના મોંમાંથી એક રકમ નીકળી. પ્રદીપભાઈની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘આટલા જૂના ઘર માટે એ બહુ વધારે નથી બેન? તમારો દીકરો તો...’ ‘એને શું ખબર પડે ભાઈ? આ જુઓને, ઘરમાં લાકડું જ કેટલું બધું છે? બધું જ સાગનું. આખું ઘર પાડીને ખાલી લાકડું વેચો તો પણ ઘણા પૈસા આવે. મંદિરના દીવાજાળિયાની જાળી તો તમે જોઈ ને? લોકો મ્યુઝિયમમાં મૂકવા લઈ જાય એવી છે. હા, ઘર જૂનું ખરું પણ ભીંતોની જાડાઈ કેટલી? બધા કબાટો ભીંતમાં છે. અને એમની ઉપર ચિત્રકામવાળા બારણાં. એન્ટીક ઘર છે ભાઈ.’ પ્રદીપભાઈ થોડીક વાર સુધી ભીંતો ઉપર હાથ ફેરવતા ઊભા રહ્યા. એમના મનમાં કંઈક ગણતરી ચાલતી હોય એવું લાગતું હતું. ઓટલા ઉપરથી બંધ જાળીના સળિયા વચ્ચેથી આવતો તડકો ચહેરા ઉપર તડકા છાંયડાની ડિઝાઇન રચાતો હતો... ‘હું તમને વિચારીને જવાબ આપું. ફોન કરીશ.’ મેધા બે ઉદાસ પગને ઓટલાના પગથિયાં ઉતરતાં જોઈ રહી. એને એમને પાછા બોલાવવાનું મન થયું. સારો માણસ છે. વેચવાનું તો છે જ ને? તો પછી એમને જ કેમ નહીં? એણે હિંચકાના ખાલી ભાગ તરફ નજર કરી. ત્યાં તો એનો ફોન રણક્યો. સુનીલનો ફોન હતો. ‘શું થયું? જોઈ ગયા પેલા પ્રદીપભાઈ? ગમ્યું એમને ઘર? આ વખતે પોઝીટીવ રીઝલ્ટ આવે એવું લાગે છે?’ એણે એકીશ્વાસે બધું પૂછી નાખ્યું. ‘જોઈ તો ગયા. ફોન કરીને જવાબ આપશે એવું કહીને ગયા. હું પણ હવે નીકળું જ છું.’ મેધાએ હીંચકાની ખાલી જગ્યા ઉપર હાથ ફેરવ્યો, ઊભી થઈ અને ઓટલા ઉપર આવી. પ્રદીપભાઈ દેખાતા હોય તો બોલાવું. એણે એમની પીઠને મુખ્ય રસ્તા તરફ વળતી જોઈ. એણે ઝડપથી કહી દીધું, ‘દક્ષા, નીકળું છું. ઘર બરાબર બંધ કરી દેજે.’


વાર્તા અને વાર્તાકાર : "ગિરીમા ઘારેખાન (૨૮-૦૨-૧૯૫૫)

4 વાર્તાસંગ્રહ :

1. ટુકડો (2018) 16 વાર્તા
2. લંબચોરસ લાગણીઓ (2021) 16 વાર્તા
3. ભીનું ભીનું વાદળ (2022) 20 વાર્તા
4. આધુનિકા (2023) 18 વાર્તા

નોંધપાત્ર વાર્તાઓ : બાણશય્યા, ડાઘ, ટુકડો