નારીસંપદા : ટૂંકી વાર્તા/પૂરણપોળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૂરણપોળી

રેણુકા દવે

નંદિતાબેન આજે ઘરમાં સાવ એકલાં હતાં. ઘરનાં બધાંને એક જ સમયે જુદી જુદી જગ્યાએ બહારગામ જવાનું થયું. દીકરો અને વહુ બે બાળકોને લઈને દસ દિવસ માટે મનાલી ફરવા ગયાં, તેના બીજા જ દિવસે દીકરીને ઑફિસની કોઈ મિટિંગ માટે સુરત જવાનું થયું. એય વહેલી સવારે પાંચેક વાગે નીકળી ગઈ. ઘરમાં નંદિતાબેન અને સંજીવભાઈ બે એકલાં રહ્યાં. તે ઘણા દિવસ પછી સવારે ચા પીતાં પીતાં પતિ-પત્નીએ કલાકેક વાતો કરી. પણ નવેક વાગે વડોદરાથી સંજીવભાઈના ખાસ મિત્ર રણધીરનો ફોન રણક્યો – ‘‘હેતલ સિરિયસ છે. આઈ.સી.યુ.માં છે. તું અહીં આવી શકે, દોસ્ત?’’ ને સંજીવભાઈ તરત જ ગાડી લઈને વડોદરા જવા નીકળી ગયા. હેતલ રણધીરભાઈની પત્ની. તેમના બે સંતાનો અને તેમનું ફેમિલી લંડન રહે છે વર્ષોથી. સાત જણથી ધમધમતા ઘરમાં આવું તો ભાગ્યે જ બનતું, અને બને તો પણ થોડા કલાકો માટે બને. નંદિતાબેન જોકે, આજે સવાર સુધી ઘણા મહિનાઓ પછી ઘરમાં સંજીવ સાથે એકલા રહેવાના, આવી પડેલા સંજોગોમાં જૂના દિવસોના રંગો ભરવાના મૂડમાં હતાં પણ... સંજીવનું પાછા ફરવાનું કંઈ નક્કી ન કહેવાય. રણધીરભાઈ તેના જીગરી દોસ્ત. કૉલેજકાળની મિત્રતા. વળી રણધીરભાઈ સ્વભાવે થોડા રિઝર્વ, તેમને ખાસ કોઈની સાથે નિકટતા નહીં, તેથી સગો ગણો કે મિત્ર, સંજીવ જ છે ને ! – નંદિતાબેન વિચારી રહ્યાં.

*****

નંદિતાબેનનો દિવસ સવારના પાંચ વાગ્યાથી શરૂ થઈ જતો. ચા-દૂધ બનાવવાં, માટલાં ભરવાં, પૂજા-પાઠ કરવા, ડૉક્ટરે બતાવેલી હળવી કસરતો કરવી વગેરે. બધાંનાં ઉઠ્યાં પછી જેને જેવી જરૂરિયાત હોય તેમાં તે પરોવાઈ જતાં. એ પછી દિકરાની ચા કરવાની હોય, બાળકોના લંચબૉક્સ ભરવાનાં હોય, દીકરીનો દુપટ્ટો શોધવાનો હોય કે પછી કપડાં ધોવાનું મશીન ચાલુ કરવાનું હોય. હા, બધામાં એક કામ તો રોજનું નિશ્ચિત જ, અને તે બાળકોને વાર્તા કહેતાં કહેતાં દૂધ નાસ્તો કરાવવાનું. સંજીવભાઈના ગયા પછી નંદિતાબેને ઘણાં વખતના પેન્ડિંગ કામો એક પછી એક હાથ પર લીધાં. પોતાનો અને સંજીવનો કબાટ ગોઠવ્યો, ટેબલનાં ડ્રોઅર સાફ કર્યાં, રસોડાની અભેરાઈઓ ગોઠવી, બાળકોનાં રમકડાંના કબાટો વ્યવસ્થિત કર્યા. છેક બાર વાગે કામ પત્યું. થાક લાગી ગયો એમને. ભૂખ પણ લાગી હતી. રસોડામાં જઈ જમવામાં શું બનાવવું એ વિચારી રહ્યાં. મહારાજેય આજે જ રજા પાડી દીધી ! એમણે ગેસ ચાલુ કરીને પુલાવનું કૂકર મૂકી દીધું. પછી એક ખોંખારો ખાઈ ફરી કામે લાગ્યાં. દીકરીએ કુરતીઓને ઑલ્ટર કરવાનું કેટલાય દિવસથી કહી રાખ્યું હતું તે પતાવ્યું. પછી યાદ આવ્યું કે વહુના દુપટ્ટાઓમાં એમ્બ્રોયડરી વર્ક બાકી છે તે એ પણ પતાવ્યું. કેટલાં બધાં કામો પતાવ્યાં આજે ! બધાં ઘરે હોય છે ત્યારે દિવસ ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી. અને કેટલાંય કામો બાકી રહી જાય છે ! આમ જોકે, નોકર છે, મહારાજ પણ છે, પણ અમુક કામો તો જાતે જ કરવા પડેને ! નોકર પાસે કરાવવા હોય ત્યારે પણ તેની સાથે તો રહેવું પડે ને ! પણ વહુ કે દીકરી પાસે એવાં કામો માટે સમય જ નથી, અથવા તો તેઓની નજરે તેનું કંઈ મહત્ત્વ નથી. હશે, આજે સારો ટાઇમ મળ્યો. બધું પતી ગયું. બપોરે જમીને પલંગમાં આડા પડ્યાં ત્યારે નંદિતાબેન વિચારી રહ્યાં – આ પેઢી જિંદગીને જૂદી રીતે જ જુએ છે. પોતાને જ્યારે સગાઈ પછી ખબર પડી કે સંજીવને પૂરણપોળી ભાવે છે ત્યારે કેટલી બધી મહેનત કરીને એ બનાવતાં શીખ્યાં હતાં ! અને તે દિવસે વહુને કહ્યું કે દીકરાને બાસુંદી બહુ ભાવે છે, આવતી કાલે તેના જન્મદિવસ પર બનાવીએ? તો તરત બોલેલી, ‘‘અરે મમ્મા... એટલો બધો સમય રસોડામાં થોડો બગાડવાનો હોય? કાલે રસોડામાં રજા રાખવાની અને હોટલમાં જમવાનું !’’ દીકરો ને દીકરીય આવું જ વિચારે છે ને. બે વર્ષ પહેલાં એમના પગનો દુખાવો શરૂ થયો અને રસોઈની જવાબદારી છોડવાની વાત થઈ કે તરત જ સહુએ એક સ્વરે કૂક રાખવાની વાત કરી. એમને તો જરા અજુગતુંય લાગેલું. દીકરી અને વહુ થોડી મદદ કરે તો બધુંય થઈ શકે હાથોહાથ. પણ દીકરાએ કહેલું, ‘મોમ, એને પચાસ હજારની નોકરી છે તો પછી પાંચ હજાર કૂકને આપવામાં શું વાંધો છે...?’ પણ આ ખાલી પૈસાની જ વાત થોડી છે? એ સ્વાદ, એ મિઠાશ, એ ચીવટ... ઘરના લોકો જેવી કઈ રીતે આવે? એમ નંદિતાબેનને લાગેલું, પણ પછી તેણે ઝાઝી દલીલ કરેલી નહીં. જેમ ચાલે તેમ ચાલવા દીધેલું. શરૂઆતમાં એમને ભાવતી નહીં મહારાજની રસોઈ. પણ કોઈ કંઈ બોલતું નહીં. ક્યારેક એમને નવાઈ પણ લાગતી કે દાળના કે શાકના સ્વાદના નાના અમથા ફેરફારથી પણ સંજીવ ઉશ્કેરાઈ જતો અને ‘શાક કાચું છે.’, ‘દાળ ખાટી છે.’, ‘રોટલી જાડી છે.’ જેવી ટિપ્પણી તરત જ કરી દેતો, તે સંજીવ ચૂપચાપ બધું ખાઈ લે છે ! એ ઘણીવાર નોંધતાં કે સંજીવ રોટલી ઓછી ખાય છે. એ ક્યારેક કહેતાંય ખરી – ‘‘તને ન ફાવતું હોય તો હું કરીશ તારી રોટલી, સંજુ. ત્રણ રોટલી કરતાં વાર કેટલી? પહેલાં તો ચાલીસ ચાલીસ રોટલી ન્હોતી કરતી?’’ ‘‘ના, બિલકુલ નહીં. મને બધું જ ફાવે છે. તું હવે રસોડાનું વળગણ છોડ ! તારા પગ સામે તો જો, આટલું અમથું ચાલતાં બેસી પડે છે તું ! તારે હવે કશું જ નથી કરવાનું, સમજી !’’ ઘડિયાળમાં જોયું. ચાર વાગેલા. એ ઉઠ્યાં અને ચા બનાવી. ધીરે ધીરે કંટાળો આવવા લાગ્યો. સંજુને પણ આજે જ જવાનું થયું ! ખબર નહીં ક્યારે આવશે? ફોન કરવા મોબાઇલ હાથમાં લીધો તો સંજુનો મેસેજ હતો. ‘‘હેતલભાભી આજે બે વાગે ગુજરી ગયાં. રણધીરની સાથે કોઈ નથી. હું રોકાઈ જાઉં છું. કાલે સાંજે આવીશ.’’ ઓહ...!!! બિચારા રણધીરભાઈ...! સાવ એકલા થઈ ગયા...! કેટલું અઘરું છે આ ઉંમરે એકલા જીવવું. રણધીરભાઈ તો પાછા સાવ એકલા છે અને એકલવાયા પણ...! એમનું મન ઉદાસ થઈ ગયું. હેતલબેન છેલ્લે ક્યારે મળેલાં એ યાદ કરવા લાગ્યાં. એકાદ વર્ષ થઈ ગયું હશે. સંજીવ ગયેલો એ પછી બે-ત્રણવાર. સરસ પ્રેમાળ વ્યક્તિ...! મહિના પહેલાં મારાં જન્મદિવસ પર વાત કરેલી. સાવ અચાનક જતાં રહ્યા જાણે...! પણ બધાંનું એવું જ થતું હોય છે ને...!! એમણે રિમોટ લઈને ટી.વી. ચાલુ કર્યું. ઘણા દિવસથી ન જોયેલી પોતાની પસંદગીની સિરિયલ જોવા માટે ચેનલ ગોઠવી તો કોઈ ગેમ શો આવતો હતો. થોડી વાર ચેનલો બદલતાં રહ્યાં. પછી કંટાળીને ટી.વી. બંધ કર્યું અને સોફા પર બેસીને આખાય ઘરનું ખાલીપણું આંખોમાં સમાવતાં બેસી રહ્યાં. ખાલી ઘરમાં મૃત્યુના વિચારો જાણે કે એન્લાર્જ થઈને એમની આસપાસ ઘુમરાતા લાગ્યા. બેલ વાગી. પડોશીની સાત વર્ષની દીકરી રિયા હતી. રમવા આવી હતી. ‘બાળકો નથી.’ એમ કહેવાને બદલે નંદિતાબેને એને આગ્રહ કરીને બોલાવી. કબાટમાંથી ગેમ કાઢીને આપી. રસોડામાં જઈ એક નાની ડિશમાં થોડાં ક્રીમવાળાં બિસ્કીટ્સ પણ આપ્યાં. રિયા તરત જ બેસી પડી અને રમવા લાગી. નંદિતાબેન પણ એની સાથે રમવા લાગ્યાં. એમને સારું લાગ્યું અને રિયાને નવાઈ ! રાતે રસોડું પતાવીને નંદિતાબેન પથારીમાં પડ્યાં. ઊંઘ નહોતી આવતી, વિચારો ઉભરાતા હતા. લગ્ન પછીના શરૂઆતના દિવસો આર્થિક તકલીફોથી ભરપૂર હતા. સંજીવ ખૂબ મહેનત કરતો. ઑફિસમાં ઓવરટાઇમ કરતો, સાથે સાથે ટાઇપિંગનું કામ પણ કરતો. પોતે પણ સિલાઈનું કામ કરીને નાના-મોટા ઘરખર્ચ કાઢી લેતી. સંજીવને પૂરણપોળી બહુ ભાવે પણ એ વખતે એ બધું ક્યાં પોસાતું? એકવાર સંજીવના જન્મદિવસ પર થોડા પૈસા બચાવીને ઘી લાવી હતી પૂરણપોળી માટે. એ દિવસે છોકરાઓની પળોજણ વિના શાંતિથી કામ થાય એ માટે સવારે વહેલા ઊઠીને એણે પૂરણપોળી બનાવી રાખી. બપોરે સહુ જમવા બેઠાં ને બારણે ટકોરા પડ્યા. નણંદ અને નણદોઈ હતાં. નંદિતાએ વિવેક કર્યો – ચલો, જમવા... અને બંને બેસી ગયાં..! પછી ફટાફટ જમતાં જમતાં બંને જણા લગભગ બધી જ પૂરણપોળી ખાલી કરી ગયાં..! હજુ તો બધાંનું જમવાનું ચાલુ હતું ત્યાં જ – ‘જલ્દી નીકળવું છે’ – કહીને બંને ઉપડ્યાં અને જતાં જતાં કહેતાં ગયાં – ‘‘હવે બનાવો તો થોડી વધારે પૂરણપોળી બનાવજો, અમે તો ભૂખ્યાં રહ્યાં...!!!’’ બહુ ગુસ્સો આવેલો નણંદબા પર એ દિવસે – નંદિતા વિચારી રહી. જતા રહ્યા એ બધા દિવસો... અભાવના...તકલીફોના...! મજા હતી એ દિવસોની પણ...! હવે જરા જુદા પ્રકારના છે અભાવો...તકલીફો...! અને મજા પણ...! ધીરે ધીરે એની આંખ ઘેરાવા લાગી.

*****

નંદિતાબેનની આંખ ખુલી અને તેમણે ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયેલા. રોજ તો પાંચ વાગીને પાંચ મિનિટ થઈ હોય તો પણ હડબડાઈને ઊભાં થઈ જતાં એ આજે નિરાંતથી થોડી વાર પથારીમાં જ બેસી રહ્યાં અને વિચારી રહ્યાં – હાશ...! સરસ ઊંઘ આવી ગઈ. જાણે બધો જ થાક ઊતરી ગયો...! ફ્રેશ થઈને એમણે મોબાઇલમાં મેસેજ ચેક કર્યા. દીકરી કાલે સવારે નીકળશે એટલે સાંજ પહેલાં ઘરે આવશે. દીકરાએ બાળકોના ફોટા મોકલેલા. એ લોકો તો હજુ ત્રણ દિવસ પછી આવવાનાં હતાં. સંજુનો મસેજ હતો – આજે ત્રણેક વાગે નીકળીશ. હં... એટલે આજે સાંજે આવશે સંજુ. બરાબર થાક્યો હશે. કદાચ સૂઈ ના શક્યો હોય રાત્રે ! કદાચ કોઈ આવી ગયું હશે રણધીરભાઈ પાસે, નહીં તો સંજુ એમની પાસેથી ખસે જ નહીં... કંઈક ખાસ આયોજન કરું એને ગમે એવું? આજ સાંજે જ થઈ શકે જે કરવું હોય તે. કાલે તો એ ઘરમાં હશે ને કશું જ નહીં કરવા દે. ‘તું બેસ...’ ‘તું બેસ...’ ચાલશે એનું. એના કરતાં આજે જ કરું કંઈક... નંદિતાબેને સવારમાં ચા-દૂધ બનાવતાં બનાવતાં જ મનમાં બધું આયોજન કરી લીધું. એમના પગમાં સ્ફૂર્તિ આવી ગઈ. પછી ચાનો કપ લઈ હીંચકે બેઠાં અને વિચારી રહ્યાં – સાલુ, લગ્ન પછીના દિવસોમાં બધું જ હતું પણ રોમાંસ કરવાનો સમય જ નહોતો... પૈસા કમાવાના અને પૈસા બચાવવાના પેંતરામાં જ દિવસો વીતી ગયા... થોડાંક બે પાંદડે થયાં ત્યાં સાસુ સસરાની લાંબી બિમારીમાં અટવાઈ પડ્યાં... એ લોકો વિદાય થયાં ત્યાં વહુ ને બાળકો...! પોતે જાણે સંજીવની સાથે રહીનેય એને ‘મિસ’ કરતી હોય એવો સમય આવી પડ્યો જાણે...! કંઈ નહીં, ચલો, આ સંજોગો મળ્યા એય ઓછું છે !

*****

છેક સાત વાગે આવ્યા સંજીવભાઈ. એમનો ચહેરો થાકથી લથબથ હતો. રાત્રે જરાપણ ઊંઘ્યા નહીં હોય. એમની આંખો પણ ઉદાસીથી ઊંડી ઊતરી ગઈ હોય તેવી લાગતી હતી. પરિસ્થિતિ સમજીને નંદિતાબેન કંઈ બોલ્યાં નહીં. તેમને પાણી આપ્યું અને પછી એમના કપડાં બાથરૂમમાં મૂકીને કહ્યું, ‘‘તું પહેલા નાહી લે સંજુ, હું ચા બનાવું છું.’’ નાહીને આવેલા સંજયભાઈ થોડા ફ્રેશ લાગતા હતા. ‘‘કેમ છે રણધીરભાઈ?’’ સંજીવભાઈને ચા આપતાં નંદિતાબેને પૂછ્યું. ‘‘...ઠીક છે... વાર લાગશે બધું સ્વીકારતાં.’’ ‘‘હા એ ખરું, અને રણધીરભાઈને વધુ મુશ્કેલ. એમના દીકરા વહુ કે કોઈ આવ્યું?’’ ‘‘એ લોકો કાલે સાંજે આવશે. આજે રણધીરના મોટાંબેન અને બનેવી આવ્યાં પછી હું નીકળ્યો.’’ ‘‘હં... બિચારા એકલા પડી ગયા...!’’ ‘‘હા, અને ભાંગી પડ્યો છે સાવ, કાલે રાત્રે તો સૂતો જ નથી. સવારે પાંચ વાગ્યા સુધી ભાભીની એક એક વાત યાદ કરતો રહ્યો. મેંય બોલવા દીધો એને... અમુક રીતે એ મારી પાસે જ વાત કરી શકેને...!’’ ‘‘હા સાચી વાત છે. સારું થયું તું રોકાઈ ગયો.’’ ‘‘હા, એના માટે સારું થયું પણ આવા મજબૂત માણસને આટલું બધું રડતો જોવાનું મારા માટે બહુ અઘરું હતું.’’ સંજીવભાઈએ મનની વાત કરી. ‘‘હં...ખરી વાત...’’ નંદિતાબેન બોલ્યાં, પછી કંઈક વિચારીને પૂછ્યું – ‘‘બરોડાથી એકલો જ આવ્યો કે કોઈ હતું સાથે?’’ ‘‘ના રે ના, કોણ હોય સાથે? હું એકલો જ હતો.’’ થોડીવાર શાંતિ છવાઈ પછી સંજીવભાઈએ પૂછ્યું, ‘‘તેં શું કર્યું? આરામ કર્યો ને...?’’ ‘‘હા હા... આરામ જ તો... સાવ એકલી હતી એટલે...’’ નંદિતાબેનને હાથની મુદ્રા બનાવી પોતાની વાતની સત્યતા પર વજન મૂક્યું. સંજીવભાઈ થોડીવાર મૌન બેસી રહ્યા. પછી જાણે ઊંડાણથી બોલતા હોય તેમ બોલ્યા – ‘‘નંદિ...તું આખી જિંદગી મારી પાછળ... મારા સંજોગો પાછળ દોડતી જ રહી છે...!!!’’ નંદિતાબેને સંજીવભાઈની સામે જોયું. બરોડાથી અમદાવાદ સુધીના આખાય રસ્તે વેરાયેલા ભીના ભીના વિચારોનું ટોળું એમના મસ્તકની આસપાસ ઘૂમરાઈ રહ્યું હતું જાણે. એમનો આખોય ચહેરો અદૃશ્ય આંસુઓથી લીંપાયેલો હતો. નંદિતાબેનથી જોવાયું નહીં એ દૃશ્ય. એ તરત નીચું જોઈ ગયાં પછી એકદમ જ બોલી ઉઠ્યાં – ‘‘અરે...તું ક્યાં મારી વાત લઈને બેઠો અત્યારે...?’’ અને એ વાત કાપતાં કહ્યું – ‘‘બપોરે કંઈ જમ્યો કે એમ જ નીકળી ગયો?’’ ‘‘ના ના... જમવાનો કંઈ મૂડ ન આવ્યો. ચા પીધી બે ત્રણવાર...’’ ‘‘ઓહો... તો જમી લઈએ? ભૂખ લાગી હશે તને...’’ ‘‘હા, ભૂખ તો લાગી છે... મહારાજ આવે છે ને?’’ ‘‘હા હા, આવે છે ને?’’ નંદિતાબેન રસોડા તરફ જતાં બોલ્યાં.

*****

ટેબલ પર બધાં સર્વિંગ બાઉલ લાવી એ થાળી પીરસવા લાગ્યાં. સંજીવભાઈની રણધીર વિશેની વાતો ચાલુ હતી. નંદિતાબેન હં... હં... કરતાં સાંભળતાં રહ્યાં અને થાળી પીરસી રહ્યાં હતાં. સુગંધથી સંજીવભાઈની ભૂખ પ્રદીપ્ત થઈ રહી હતી. નંદિતાબેને જેવું કેસેરોલનું ઢાંકણ ખોલ્યું કે તરત એ બોલી ઉઠ્યાં – ‘‘અરે...! પૂરણપોળી બનાવી...?’’ નંદિતાબેને મરક મરક હસતાં હકારમાં માથું હલાવ્યું. ‘‘પણ કેમ? મને ખબર છે આ તેં જ બનાવી છે, મહારાજે નથી બનાવી.’’ ‘‘હા, પણ તું ખા તો ખરો, કેવી બની છે એ તો કહે... આ વખતે તો પાંચેક વર્ષે બનાવી હશે, એમ મને લાગે છે.’’ નંદિતાબેન એમના સ્વાભાવિક અંદાજમાં બોલ્યાં. સંજીવભાઈ એને તાકી રહ્યા. નંદિતાબેને સમજાવટના સ્વરે કહ્યું – ‘‘સંજુ, મને ખબર છે, તને મારા હાથની પૂરણપોળી બહુ ભાવે છે. વળી બે દિવસ પછી તારો જન્મદિવસ પણ છે. છોકરાઓ તો સમજશે નહીં પૂરણપોળીમાં. એ લોકો કેક લાવશે ને પિત્ઝા પાર્ટીની ડિમાન્ડ કરશે ને તું બધું માની પણ લેશે એ મને ખબર છે. મને થયું કે હું પણ તને કંઈક ગિફ્ટ આપું આ વખતે, તને ગમે એવી. એટલે આજે બનાવી. તું મારી ચિંતા ન કરને...! એન્જોય કર, બસ...! ચલ, હેપી બર્થડે...!!’’ કહેતાં નંદિનીબેને પૂરણપોળીનો ટુકડો કરી ઘીમાં બોળીને સંજીવભાઈના મોં તરફ ધર્યો. સંજીવભાઈએ ટુકડો ખાધો અને ચૂપ થઈ ગયા. એમની આંખો ભીની થઈ રહી હતી. એમણે પાણીનો ઘૂંટડો ભર્યો અને સ્વસ્થ થવા મથી રહ્યા. નંદિતાબેન વાતાવરણને હળવું કરવા બે બે દિવસ શું શું કર્યું એની વાત કર્યે જતાં’તાં, પણ એમના શબ્દો સંજીવભાઈના કાન સુધી પહોંચે એ પહેલાં જ ઓગળી જતા હતા. એ નંદિતાબેનના ચહેરાને જોઈ રહ્યા. એ ગોળમટોળ, ભર્યો ભર્યો, સ્નેહાસિક્ત ચહેરો થાળીમાં રહેલી મધુર અને ઘીથી તરબોળ પૂરણપોળી સાથે હરિફાઈ કરી રહ્યો હોય તેવો લાગી રહ્યો હતો. સંજીવભાઈ આર્દ્ર હૃદયે મનોમન પ્રાર્થી રહ્યા – ‘‘તુમ જીયો હજારો સાલ...!!!’’