નારીસંપદા : ટૂંકી વાર્તા/મુક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મુક્તિ

રેખાબા સરવૈયા

આ અકળામણ હવે અસહ્ય હતી... શું અકળાતું હતું? શરીર કે પછી મન? એણે મનના વિચારોને છૂટા પાડીને સમજવાનો પ્રયાસ તો કર્યો; પણ એ ફાવી નહીં. કહો કે આ સમય પૃથક્કરણ માટેનો નહોતો. કશું ન કરી શકવાની લાચારીએ એને અન્યમનસ્ક બનાવી મૂકી જાણે ! કંઈ ન સૂઝતાં એણે એક દીર્ઘ નિઃશ્વાસ છોડ્યો. એનો નિસાસો સાંભળતાં જ પડખે અડખે-પડખે બેઠેલી છ-સાત વૃદ્ધાઓ પૈકીની એક ડોશી એની પીઠ પર પોતાનો હાથ પસવારવા લાગી અને સાથોસાથ ધીર-ગંભીર સ્વરે કહેવા લાગી : ‘હશે... મારા બાપ ! હશે... આવા ઉના-ઉના નિહાકા ના મૂક... મારી દીકરી... આ તો તારા જ ભાઈગ ફૂટલા ઈ’માં કોને દોષ દઈએ કે’તો મુને...?’ એના અવાજને અનુભવનો આર ચડાવ્યો હોય એવો એ કડક હતો... એણે સાંભળતાં-સાંભળતાં વિચાર્યું. જોકે, હમણાં તો એ કંઈ પણ વિચારે એવો અવકાશ જ ક્યાં મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી? ખરેખર આજે કેટલામો દિવસ હતો? એ પણ એને ઝટ દઈને યાદ ન આવ્યું. અને એ મગજને જોર દઈને કંઈક વિચારવા જતી જ હતી કે... એના કાનમાં અન્ય સ્વરધારા રેલાઈ આવી... ‘જે અહીંથી આદરેલા અધુરા મે’કીને અધવચેથી ઉપર હાલ્યા ગયા’સ, એની વાંહે કોઈ ગ્યુ ઇમ હાંભર્યું સ ભલા માણા? જો ઇમ વહાલાઉની વાહંઇણ જવાતું હોત તો બાપ...! આ કવેળાના, નાના બાળ મૈણાનું કોઈને દુઃખ જ ક્યાં રે’ત !! મારી દીકરી !’ ઓરડાના બારણાનો ટેકો દઈને બેઠેલી એક વૃદ્ધાના બોલી રહ્યા બાદ, સામેની ભીંતનો ટેકો દઈને – લાંબો ઘૂમટો તાણીને બેઠેલી એક પ્રૌઢ સ્ત્રીએ વાતનો તંતુ સાંધી લેતા ઉમેર્યું : ‘અ...રે...રે... બુન...! ગૌરમાને પૂજતાં-પૂજતાં નાગલા ઓછા પડ્યા હશે તારા... અને કાં તો પછી વટસાવિત્રીના વ્રત કંઈક કાચાં પડ્યા. નકર... આમ ભરજુવાનીમાં આવડો ડુંગર વિધાતા તારી માથે નાખે જ શું કામ?’ આ બધી સ્ત્રીઓ અહીં આમ આવું બોલી બોલીને પોતાને શું જતાવી રહી હતી? શું આને જ આશ્વાસન કહેવાય? આને હૂંફ કહેવાય? ‘એના આવા દુઃખ જોવાના રહી ગ્યા હઇશે તી’ હારૂં... બિચ્ચારા માવતરેય હું કરે? જખ મારીને દીકરીનું આ દુઃખ જોઇ-જોઇને હરોઝ મરવાનું’ર્યું. બચાડા જીવને તાંતણો સે’ તી કંઈ તોડી મેલીએ? એયને વાહોવાહ મેલ ખંખેરી? જીવતાને જ જંજાળ સે ને...! મુઆ પસી ક્યાં કોઈને કોઈનું દખ જોવું સે? પણ... આયુષના સાટા થોડા હોય ! વાહેં રયે ઈને તો પગ ભરાવીને, ગૂડા ગેહવી-ગેહવીનેય હંધુય જોતે-જોતે જીવવાનું...! નકર બીજું કરવું શું? સૂટકા વિનાની વાત !’ કોક કોઠાડાહી વૃદ્ધાએ બોલી લીધા પછી ગળે બાઝેલી ખરજ સાફ કરીને ખોંખારો ખાઈને જરા ઊંચા સ્વરે પાણી માંગતા કહ્યું : ‘એ વહુ બેટા... હંધાયને પાણીનો કળશ્યો ફેરવી દેજો ને જરા... બહુ વાર થઈ. ગળા સુકાતાં હસે... ઉપરથી વાલામૂઇ... લાઇટ નથી... ગરમીમાં રે’વાતુંય નથ... આ બચાડી... પહુડા જેવી નાની વહુ કરમાતી જાય છે... એના હારુ જરાક હાથપંખાનો જોગ કરજે ને, થાય તો !’ પછી થોડી વાર રહીને ઉમેર્યું ‘પાણીની હારોહાર મને જરાક મારી બજર (છીકણી) પણ અંબાવજે... આ રોયું બંધાણ કીધું ને... તે થઈ ર્યું... ન વખત જુએ – ન વાટ. બસ, તલપ એવી લાગે કે...’ વૃદ્ધાએ આગળ શું કહ્યું એ ક્યાં એના મન સુધી પહોંચ્યું !!! એણે તો બસ એક જ શબ્દ પકડી લીધો... ‘તલપ’ વૃદ્ધાની વાતમાં તથ્ય તો હતું જ... બંધાણની તલપ હોય જ એવી... ભલે ને પછી બજર સિવાયની કોઈ બીજી તલપ જ કેમ ન હોય ! આ ક્ષણેય એ વિચારતા એનું મન પુલકિત થઈ ગયું હતું... જોકે, સારું હતું કે એનાં આ ભાવોને કોઈએ એના ચહેરા પર સીધા જ વાંચી નહોતા લીધા... કેમ કે... અહીં છેક આ અંધારા ઓરડાના એક ખૂણામાં... બારણાની ઓથે, છાતી સુધીનો ઘૂંઘટ ખેંચીને બેઠી’તી એ...! એમ તો વૃદ્ધાની વાતમાં સત્ય પણ તો હતું જ વળી... એણે ગરમ વાતાવરણમાં બાફની વાત કરી ત્યારે... એને તરત બોલવાનું મન થઈ આવ્યું કે... હાથપંખો ન લાવી દો તો પણ કંઈ વાંધો નહીં, ખાલી આ બંધ ઓરડાની પછવાડામાં ઉઘડતી – બે જુનવાણી બારીઓ તો કોઈ ઉઘાડી આપો? તોય મોટી મહેરબાની...! પણ એણે પોતાની અંદર ઉમટેલા આ ભાવને મહાપ્રયાસે અંદર જ સંગોપી દીધો. કારણ કે આટલા દિવસમાં આ ડોશીઓની વાતો સાંભળી-સાંભળીને એને એટલી ગમ પડી હતી કે આવા સમયે એનાથી કંઈ બોલાઈ ન જાય એનું ધ્યાન રાખીને મૂંગા જ મરવાનું હતું. પણ બારીની વાતે એનું મન ભૂતકાળમાં લટાર મારવા નીકળી ગયું એ તો નક્કી... અને આવી રીતે મનની યાત્રામાં એ ક્યાંથી ક્યાં પહોંચે છે એ જોનાર કોઈ જ નહોતું – એ સૌથી મોટી રાહત હતી...! મનની દુનિયામાં જીવવાની એને તલપ પણ હતી જ. પરણીને એ જ્યારે આ ઘરમાં આવી ત્યારે એણે પોતાના ઓરડાની બારીઓ જેવી ઉઘાડી કે...! જાણે કંઈક અપરાધ થઈ ગયો હોય એવું જતાવી દીધું પતિએ. હજુ તો એ બારીઓની આંકડીઓને નકુચામાં અટકાવીને બહારનું દૃશ્ય જુએ ન જુએ એવામાં તો પતિએ જાણે સાપ ઉપર પગ પડી હોય એવું મોં કરીને પત્નીના આ કૃત્ય બદલ ધધડાવી જ મૂકી... ‘અરે... આ શું કરો છો તમે? આટલા મોટા ઘરનાં વહુશ્રી છો. તમે આમ કરો એ ગાંડપણ જ કહેવાય કે બીજું કંઈ?’ પ્રથમ તો એ હેબતાઈ ગઈ કે પોતે એવું તે શું કર્યું હતું કે પતિ આમ?... પરંતુ જ્યારે પતિએ ખુદ પોતે ઉઘાડેલી બારીઓ બંધ કરતાં ઉખડેલા સ્વરે કહ્યું : ‘આ ખાનદાનની આબરૂની નથી પડી કે શું તમને? આ રીતે બારીઓ ઉઘાડવાની?’ એ પૂતળા જેવી સ્તબ્ધ પ્રતિવાદ – પ્રતિ ઉત્તર કંઈ જ કરવાપણું તો ત્યાં હોય જ્યાં એને કોઈ સાંભળનાર હોય !? એને તો ત્યારેય કહેવું હતું કે... પોતે જે ઘરમાં નાની-મોટી થઈ છે એની બારીઓ તો ક્યારેય બંધ જ નહોતી કરવામાં આવતી... બારીમાંથી દેખાતી એક મુક્ત દુનિયા, જગતની ચહલ-પહલ, લોકોના વ્યવહાર, આથમતા અને ઊગતા સૂરજ અને ચંદ્ર, ખુલ્લું આકાશ, મુક્તપણે વિચરતા પંખીઓની હાર, નક્ષત્રોની વાતો લઈને વહી આવતી હવા અને બીજું તો કેટકેટલું...!!! બારીની મુક્તતા એની ભીતર એટલી તો મજબૂતીથી મૂળિયાં નાખીને બેઠી હતી કે એ હળવાશ કે એ નિરાંતવી આશાએશમાં કદી કોઈ એવું પણ આવે, એના જીવનમાં કે જેને આ મુક્તતા સામે જ વાંધો પડી શકે ! એવું તો એણે સપનેય વિચારેલું નહીં. પણ જીવન ક્યાં આપણા વિચારોના નક્શામાં બંધ બેસે છે હંમેશાં...? ગામની શેરીઓમાં મોડી સાંજ સુધી થપ્પો કે કુંડાળાદાવ રમતાં-રમતાં અંધારાં ઊતરી આવે તોય ક્યાં એનાં મનમાં કોઈ ડર લાગ્યો...? મા ચિંતા કરીને અડધી થઈ જાય પણ એ તો મોજથી પગની ઠેસી લેતી, હિલ્લોળતી, કંઈક ગીત ગણગણતી કે પછી પોતાના બે આગળ ઝૂલતા ચોટલાનાં ફિતાથી રમતી, મોસંબીની ચીરી જેવી પીપર મોંમાં ચગળતી, આરામથી ઘરે આવતી... રાત્રે વળી ફળિયામાં ભાઈબંધો અને બહેનપણીઓનું ટોળું કલબલાટ કરી મૂકે... ઓસરીના ઢોલિયેથી બાપુજી મીઠો ઠપકો આપીને સૌને ટોકે ત્યારે જરાક અવાજનો ઘોંઘાટ ઓછો થાય. પણ આ રાત્રિસભાનું નેતૃત્વ હંમેશાં એની પાસે જ રહેતું... શાળામાં મોનિટર પણ તો હતી જ વળી... કોઈની રાવ-ફરિયાદ હોય કે કોઈને સીધા કરવાના હોય... બધું સરવાળે એના માથે આવી પડતું. જોકે, એ ફટા...ક દેતાં’કને ગમે તેવી અટપટી વાતનો પણ કો’ક ઉકેલ લાવી દેતી. કોઈ રસ્તો તો એને સૂઝી જ આવતો, એવી જન્મજાત કોઠાસૂઝ ! શિક્ષકોનેય એના પર અદકેરું માન ! અને કેમ ન હોય, કુશાગ્ર બુદ્ધિચાતુર્ય અને વિનમ્રતાની સંગમ હતી એ. સહ અધ્યાયીઓને મૂંઝવતા અઘરા દાખલા કે પ્રશ્નોનો નીવેડો એ પોતાની આગવી રીત અને સમજણથી લાવતી. બસ એનાથી ન ઉકેલી શકાયો હોય એવો કોઈ કોયડો કે દાખલો હોય તો એક આ. એક ઊંડો શ્વાસ છોડતા એણે ઘૂંઘટની આડશમાંથી સામેની ત્રિપાઈ અને એની ઉપરની પતિની તસવીર સામે જોયું. સુખડના હારથી વીંટળાયેલ એ ચહેરો હસી રહ્યો હતો. એના મનમાં જોકે વિચિત્ર વિચાર આવીને વહી ગયો કે... કોઈએ સાચું જ કહ્યું છે કે... સુખડ-ચંદનનાં ઝાડ પર વીંટળાયેલા સર્પો કદીય સુવાસિત નથી થઈ શકતા કે ના તો પોતાનું ઝેર ઓછું કરી શકતા ! આગળના વિચારો એકદમ વિખેરાઈ ગયા કારણ કે... એના ઊંડા શ્વાસને દારુણ દુઃખમાં ખપાવી લેનાર એની પડખે અડીને બેઠેલી એક ડોશીએ કચવાતા સ્વરે કહ્યું : ‘અરરર... માડી... ખમ્મા તને દીકરી...! પણ હવે આ આવી પડેલી વેળાને તો વેઠ્યે જ છૂટકો છે મારી દીકરી ! આવડી’ક અમથી ઉમર ને આવડું બધું દુઃખ ! જાણવી જ છી, આમાં તો તને કેવું’ય કેમ કે હિંમત રાખ્ય ! જેની માથે પડે ઈ જ જાણે કે... આવા વખતે બધીય હિંમત અને ધીરજ ઉપર વઈ જાય મારા દાદાનું ભાત લઈને... પણ બટા, ઉપરવાળા પાંહે ધીરજ માંગ... સહનશક્તિ માંગ... ઈ જ બધું કરનારો... આપણે કુણ ઈની હામે બાથ ભીડનારા???’ પોતાની લગ્ન પહેલાંની ‘જાહોજલાલી’માં ભૂલી પડેલી તે અચાનક જ જાણે સપનામાંથી જાગી હોય એમ વૃદ્ધાની વાણીને સાંભળીને સમજવા મથી પોતાના જીવનની દિશા બદલી નાખનાર લગ્ન નામની ઘટનાને યાદ કરીને એ છૂટા મોંએ રોઈ પડી... એની પડખે બેઠેલી એની જનેતા – એની સાસુ સહિતની બધી જ સ્ત્રીઓએ માની લીધું કે, “આ બાઈથી દુઃખ વેઠ્યું વેઠાતું નથી.” અને એ ડોસીઓ તો હીબકા અને ધ્રુસ્કાના પાંચીકા ઉલાળવા માંડી-રિવાજ મુજબ! આ રિવાજ તો એની બેડી બન્યા હતા ને...! અત્યારે જુવાનજોધ પતિનાં અકાળ અવસાનની વસમી વેળાએ રિવાજોના નામે શું-શું નહોતું કરાયું એની સાથે...! સોળે શણગાર સજીને પથ્થર પર કાંડા પછાડીને ફોડવામાં આવેલી બંગડીઓ (જેના કાચની કરચથી એની કોમળ ત્વચા ઉતરડાઈ ગયેલી...) રેશમી-કાળા-ઘટ્ટ વાળનું મુંડન – ધરાર જમીન પર જ કોથળો પાથરીને સૂવાનું ! જીવનમાં આજ લગી ક્યારેય મોંમાં નહીં મૂકેલા બાજરાનો રોટલો અને છાશ ખાવાની...! વિધવા તરીકે લાગેલા (માની લીધેલા) આઘાતને લીધે કોઈ એને એક મિનિટ પણ એકલી-રેઢી મૂકતું નહોતું. એનું મન કરતું હતું કે... ઘણા દિવસથી બંધ પડેલ રેડિયોની સ્વિચ ઑન કરીને કો’ અજાણ્યા ગીતની હારે, વહી જાય સૂરની કોઈ અદીઠ ધારામાં... અથવા તો પછી પોતાની બાલ્કનીમાં ઝૂલતું ‘ઓસ્ટ્રેલિયન બર્ડ’નું પીંજરું લઈને અગાસીમાં દોડી જાય અને ચૂપચાપ એ પંખીઓને ઉડાડી મૂકે...ઊંચે આકાશમાં ! કાં પછી આંગણામાં બાંધેલો (પાળેલો?) જર્મન શેફર્ડ-જબરદસ્ત-શાનદાર કૂતરાને લઈને સીમના રસ્તે વૉકિંગ કરવા નીકળી પડે અને પાછી વળે ત્યારે એ એકલી જ હોય... ‘બહુ મહેનત કરી પણ હાથ ન આવ્યાનું’ જુઠાણું કહીને એ કૂતરાને પણ જવા દે જ્યાં જવું હોય ત્યાં !!! અને આ દિવાળીએ સસરા એક હરણ અને સસલું લઈ આવ્યા છે; એ તો બિચારાં મૂંગાં જીવ ! પણ આ તો એની મરજી હતી... હકીકત તો ક્યાં મરજી મુજબની હોય છે? રિવાજો કહો કે સંજોગો – એની યજ્ઞવેદીમાં બહુ કિમતી આહુતિઓ હોમાતી હોય છે. બાપુજીને અચાનક જ આવેલો હાર્ટ એટેક એના જીવનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો હતો. શાળાના આચાર્યએ પણ દરમિયાનગીરી કરી જોઈ... એના લગ્ન રોકવા સારું... પોતાને ખુદને પણ આશા હતી કે... પરંતુ આબરુદાર ખોરડું, ખાનદાન કુટુંબ, સામટાં સીમ-ખેતર, ભણેલ દીકરો, મહેમાનોથી ઓપતું ઘર, વડીલોની પરંપરા... બસ... બાપુજીને તો આનાથી વધુ જોઈએ બીજું? બાપની જિગરના ટુકડાની છાતીમાં જ ક્યાંક બટકીને રહી ગયું, જિલ્લા મથકે મરહૂમ રાષ્ટ્રપતિ કલામ સા’બની હાજરીમાં, એક વિશિષ્ટ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ લીડર તરીકે સન્માનિત થતા જોયેલું સપનું... એક દિવસ આ દેશના વૈજ્ઞાનિક તરીકે પ્રસ્થાપિત થવું... બાપુજીની વિદાય લેતી વખતે વહેલા અનહદ-લાચાર આંસુઓમાં વહી ગયેલું... બાપને હૈયે ટાઢક વળી, એકની એક દીકરીને બહુ સારું ઠેકાણું મળ્યું, પણ... દીકરીના અરમાનોને કોઈ ઠેકાણું મળ્યું કે નહીં એ કોણ જાણે? – એક પોતાના સિવાય ! આગળ ભણવાનું-વાંચવાનું-લખવાનું-ચર્ચા કરવાની – આ બધું તો આ ઘરમાં જાણે કે વર્જ્ય અને તિરસ્કૃત હતું... પતિએ શરૂમાં જ કહી રાખેલું – ‘ભણી-ભણીને ચોપડા ફાડો કે આંખો ફાડો... જજ થાવ કે કલેક્ટર... કરવાના તો રોટલા જ ને ! અને ટ્રક ભરી-ભરીને ચોપડીઓ લાવ્યા છો તે શું મોટા પંડિત માનો છો પોતાને...! અરે... ઘરમાં કરવાનાં આટલાં બધાં કામ છે... એમાં મન પરોવો તો ઉદ્ધાર થશે...’ આ ક્ષણે પતિનાં એ વેણ યાદ આવતાં, એ દિવસે બીકના માર્યા આંસુઓને અંદર જ ધરબી દીધેલાં તે અત્યારે સરવાણી ફૂટે એમ હૈયું અને આંખમાંથી ફૂટીને છલછલ કરતાં વહી નીકળ્યાં. બહાર વળી ફળિયામાં ખરખરાના લૌકિક નિમિત્તે વાળતાં-વાળતાં રાગબદ્ધ રુદન એના કાનમાં રેડાયું... રડવું અને બોલવું બેય આટલું તાલબદ્ધ-લયબદ્ધ કઈ રીતે હોઈ શકે? પ્રશ્નખોર મન ફરી માથું ઊંચકી બેઠું, પણ એને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. એકાએક એને થાક વર્તાયો... કેટલીય રાતોથી એ નિરાંતે સૂતી નથી. કોઈ ને કોઈ એની પડખે હોય જ. અને બીજી વાત, આ રીતે જમીન પર બેસવું એના માટે પીડાદાયી હતું. એણે સાડલાના છેડામાં ઢંકાયેલા, પોતાના હાથ બહાર કાઢીને વેઢા ઉપર દિવસોની ગણતરી કરવા માંડી. આ જોઈને એની સાસુએ એની હથેળી પોતાના હાથમાં લઈને સહેજ દાબી, પછી કહે : ‘અરે... રે... કરમ મારાં... આવતે સુખે દીકરો વયો ગ્યો... ઈ ટાણે તું આમ કરમાળાથી ભગવાનનાં નામ જપે છે ! રે વિધાતા, સુખેથી હું તારું નામ-સ્મરણ કરું એ ઉંમર થવાની હતી મારી... અને રમકડા જેવી મારી આ વહુ દુઃખના દરિયામાં ડૂબકા દઈ-દઈને તારું નામ જપે છે... હે પ્રભુ ! આટલો ક્રૂર કેમ થયો તું ! અરે... મારો લાલ લઈ લીધો તો ભલે લઈ લીધો પણ આવડી આ પુમડા જેવડીને તો એની નિશાનીરૂપ કો’ક રમકડું આલવું’તું ! કોની સામે જોઈ-જોઈને એ દિ’ ટૂંકા કરશે?’ કહેતાંકને ઠૂઠવો મૂકીને મોટે સાદે રડી પડ્યાં... હારોહાર... કાન ફાટી જાય એવા ઊંચા સ્વરમાં દીકરાનું નામ લઈને વિલાપ કરી રહ્યાં... ‘એ... મારા વિહામા... મને મૂકીને આમ મોટા ગામતરે કેમનો વયો ગ્યો ! એ તારા બાપનું મોત કેમ બગાડતો ગ્યો? આ જનેતાનાં રખોપાં ઓછાં પડ્યાં કે અમારું વહાલ ખૂટી પડ્યું તને ! એ... મારા પેટ...’ પતિની ઉત્તરક્રિયા કયા દિવસે આવવાની હતી અને આ જમઘટ એની આસપાસ કેટલા દિવસ હજુય જામીને રહેવાનો હતો... એની પ્રત્યક્ષ ગણતરી કરતા કરતા એની ક્રિયા-ચેષ્ટા જોઈને સાસુએ લગાવેલ અનુમાન અને કરેલ વિલાપથી એને વિચિત્ર લાગણી થઈ આવી. સાસુની સંભાળમાં પડેલાં સૌને એ સ્થિતપ્રજ્ઞતાથી નિરખી રહી. એના મનમાં વિચાર ઊગ્યો... સારું છે કે ભગવાન સિવાય કોઈ અંતર્યામી નથી...! એને રાહત મહેસૂસ કરવી હતી. એવો જ એક સ્પર્શ એણે અનુભવ્યો... મા પોતાની પીઠ થપથપાવીને, કાનમાં ફુસફુસાતી હતી : ‘જરાક પગ છૂટો કરવા ઉપર આંટો મારી આવ... જા... પંખીના પાંજરામાં ચણ મૂકી આવ જોઈએ. ઉપરની અગાસીમાં આંટો મારીશ એટલે મન શાંત થશે. આડા અવળા વિચારો નહીં આવે... અને આમ પણ સાથરે દીવો મૂકીને, નેવા હેઠે મીઠાઈ મૂકવાનું ટાણું પણ થયું છે. ઊઠ, ઊભી થા...’ બસ, આટલાં વેણમાંથી કાનમાં થઈને સીધું જ મનમાં ઊતરી ગયું એક પાંચ જ અક્ષરનું વાક્ય... ‘ઊઠ, ઊભી થા.’ – માનો સંદર્ભ જે હોય તે... પોતે તો એને પોતાના સંદર્ભે જ મૂલવશે. બસ...! હવે વધી-વધીને કેટલા દિવસ ! આમ તો બધું પૂરું થઈ ગયું છે અને નહીં થયું હોય એ હવે થાશે. પછી ક્યાંકથી કંઈક તો શરૂઆત થશે... હા... થશે જ. કોણે કહ્યું કે મરે એ જ મુક્તિ પામે? જે જીવે છે, હયાત છે – એનો વારો પણ ક્યારેક તો આવે જ... – સાડલાનો છેડો સરખો કરીને એ ઊભી થઈ અને ધીમા પણ મક્કમ પગલે ઓરડો છોડીને – અગાસી ઉપર જતી સીડીની દિશામાં ઓગળી ગઈ.

વાર્તા અને વાર્તાકાર :

રેખાબા સરવૈયા (૧૫-૦૫)

એક વાર્તાસંગ્રહ :

1. ધબકતું શિલ્પ (2017) 15 વાર્તા