નારીસંપદાઃ નાટક/યુગધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. યુગધર્મ....

નીલમ દોશી

પાત્રો:

કનૈયો
યશોદા
ગોપ અને ગોપીઓ

આધુનિક યુવતીઓ..ડાન્સ માટે..
મોટી સ્ત્રીઓ.. પ્રાચીન ગરબા માટે..

(પડદો ખૂલતા પહેલાં અંદરથી સૂત્રધારનો ઘેરો, ગંભીર અવાજ સંભળાય છે. (પરિત્રાણાય સાધૂનામ વાળો શ્લોક સંભળાય અને પછી શબ્દો..)
સૂત્રધાર  :  એકવીસમી સદીમાં કૃષ્ણ ભગવાન અવતાર લઇને આવે..નાનકડો કનૈયો ગોકુળની ગલીઓમાં ઘૂમે, માખણ ખાવાની જીદ કરે તો, આજે તેને કેવા અનુભવો થાય... આજે જમુનાનાં નીર તેને કેવાં દેખાય ને તે શું અનુભવે ? ચાલો, આપણે જાણીએ અને માણીએ પ્રસ્તુત નાટક યુગધર્મમાં...
સ્થળ  :  યશોદાજીનું ઘર. માતા યશોદા દહીં વલોવે છે. અને સાથે સાથે ગાય છે. કાન ઉપર હેડ ફોન લગાવ્યા છે. કોઇ મોર્ડન ગીત ગાય છે. કનૈયો દોડતો આવે છે અને રડવાનું નાટક કરે છે
કનૈયો  :  (રડતા રડતા લાડથી) મા, હજુ માખણ નથી થયું ? જા, તારી સાથે નહીં બોલું. પહેલાં તો કેવું જલ્દી જલ્દી આપતી હતી. (યશોદા કંઇ જવાબ આપતાં નથી.) કાનો..મા..મા..તને કહું છું. તું કેમ સાંભળતી નથી? અને આ કાનમાં શું ખોસ્યું છે. ( ખેંચે છે.)
યશોદા  :  આવી ગયો મારા લાલ?
કાનો  :  (ગુસ્સાથી) હું તો કયારનો આવ્યો છું પણ તને સંભળાય તો ને? તેં તો કાનમાં આ ભૂંગળું ભરાવ્યું હતું ને?
યશોદા  :  (હસીને) લાલા, એ હેડ ફોન કહેવાય..હેડ ફોન...
કાના  :  જે હોય તે..પણ પહેલાં જલ્દી જલ્દી મને માખણ દે.. આજે તો મન ભરીને અને પેટ ભરીને માખણ ખાઇશ. તાજું મજાનું માખણ...
યશોદા  :  અરે મારા લાલ, નેતરા ફેરવી ફેરવી હું તો થાકી...પણ આ પાણીવાળા દૂધમાંથી માખણ બને તો તને આપું ને? જોને હું કયારની મથું છું. હવે તો થાકી..જો કેવી પરસેવે રેબઝેબ નીતરી રહી છું. (પરસેવો લૂછે છે.)
કનૈયો  :  (રોષથી) હું એ કંઇ ન જાણું મૈયા. મને તો માખણ જોઇએ એટલે જોઇએ. તું નહીં આપે તો હું પહેલા લાવતો હતો તેમ આજે પણ ગોપીઓને ઘેરથી લઇ આવીશ. ગોપીઓ તો મને હોંશે હોંશે માખણ આપવાની.
યશોદા  :  અરે બેટા, આપણે ત્યાં જ માખણ નથી થતું ત્યાં ગોપીઓની તો આશા રાખવી જ નકામી. અને તું શું એમ માને છે કે આજની ગોપીઓ તને એમ મફતમાં માખણ આપી દેશે? બેટા, એ જમાના ગયા..આજે તો દરેક વસ્તુની કીમત ચૂકવવી પડે... કીમત..
કનૈયો  :  મા, મફતમાં તો ગોપીઓ ત્યારે યે ક્યાં આપતી હતી? મારી પાસે કેટલાં નખરાં કરાવતી હતી, બંસી વગાડવી પડતી હતી, નાચવું પડતું હતું. ત્યારે માખણ મળતું હતું. તો આજે પણ બંસી સંભળાવી દઇશ. બીજું શું ? (બંસી વગાડવાની એક્ટિંગ કરે છે.)
યશોદા  :  (હસી પડે છે.) બેટા, તું તો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. આ એકવીસમી સદી છે બેટા.. હવે તારી બંસીના બોલ તો કાવ્યોમાં રહ્યા. એ તો ફકત કવિઓને ગીતો ગાવામાં કામ લાગે. બાકી અત્યારે એમાં કોઇ માખણ ન આપે.
કનૈયો  :  હું એ કંઇ ન સમજું. મને તો માખણ ખાવું છે, ખાવું છે....
યશોદા  :  કાના, આ દૂધમાંથી તો માખણ નીકળી રહ્યું. એમ કર ચાલ, આ પેકેટનું માખણ તને આપું. (માખણનું પેકેટ ખોલે છે)
કનૈયો  :  આ વળી શું? ( હાથમાં લે છે. સૂંઘે છે..) છિ.. ના, ના, આવું વાસી માખણ મને ન ભાવે. મારે તો ગાયના દૂધનું તાજું માખણ જોઇએ.
યશોદા  :  ગાયના દૂધનું માખણ? લાલા, એ બધાં સપનાં હવે ભૂલી જા. નહીંતર દુ:ખી થઇ જઈશ. લે, કાના, આ માખણ ખાઇ લે. અરે, આ પણ મળે છે એમ કહે ને..(પેકેટ ખોલી માખણ ખવડાવવાનો પ્રયત્ન કરે છે.)
કનૈયો  :  (ગાય છે. ” મૈયા મોરી, મૈં નહીં માખણ ખાયો...." અને ભાગે છે. યશોદા તેની પાછળ દોડે છે. એકશન ગીત મૈયા મોરી...) યશોદા મા એની પાછળ પાછળ ભાગતાં રહે છે.

ગોપ, ગોપીઓ : (આવે છે) કાનુડા, એય અલ્યા કાનુડા.... કનૈયો ..(ખુશ થઇ જાય છે) ઓહ..ગોપા,ગોપીઓ તમે બધાં? આવો આવો

યશોદા  :  હાશ..કાનાની તાજું માખણ ખાવાની જીદ અત્યાર પૂરતી તો ટળી.. મારો લાલો બિચારો હજુ યે એવો જ ભોળિયો રહ્યો. એને કયાં આજના જમાનાની કંઇ ખબર છે? આ કાનો એના દોસ્તારો ભેગો છે ત્યાં હું અંદર જઇને જલ્દી રસોઇ કરું. એ હવે કોઇના છપ્પનભોગ આરોગવા જતો નથી. એવા ભાવથી બોલાવનાર પણ આજે તો દોહ્યલાં..
ગોપ  :  કાના, આજે તો તું આવ્યો છે એમ આ ગોપીઓએ કહ્યું એટલે અમે સૌ તો ઉઘાડે પગે દોડી નીકળ્યા.. અમારો ભેરૂ આવ્યો એ કંઇ જેવી તેવી વાત છે?
ગોપી  :  તે હેં કાના, તને ક્યારેય અમારા કોઈની યાદ ન આવી?
કાના  :  અરે, યાદ આવી એટલે તો દોડયો પાછો આ પૃથ્વીલોકમાં..ઉપર સ્વર્ગમાં યે તમારા સૌ વિના મને ક્યાં ગોઠવાનું હતું?
ચાલો, ચાલો તમે સૌ દોસ્તારો આવ્યા છો તો આપણે સૌ પહેલાંની જેમ ગેડી દડે રમીએ.
(ગોપી..અને ગોપ બધાં હસે છે.. ) ગેડી દડો..? કાના..એ જમાના ગયા.. હવે કોઇ ગેડી દડો થોડા રમે?
કાના  :  કેમ ન રમે? હવે કોઇ રમતું જ નથી?
ગોપી  :  રમે તો છે પણ કાના, હવે એ બધી રમતો ગઇ.
બીજી ગોપી  :  આ જો, અમારા બધાના હાથમાં શું છે ?( મોબાઇલ બતાવે છે.)
કાના  :  આ રમકડા જેવું વળી શું છે ?
ગોપ  :  હસે છે..કાના, આ રમકડું નથી..આ મોબાઇલ કહેવાય..મોબાઇલ ફોન...
કાના  :  આનાથી કેમ રમાય? કેચ કરાય? ચાલ, ઘા કર જોઉં તો ખરો કે મારાથી કેચ થાય છે કે કેમ?
ગોપી  :  કાના..કાના...આનો ઘા ન કરાય. આ કંઇ બોલ નથી. આમાં છે ને જુદી જુદી ગેઇમ હોય..વીડિયો ગેઇમ ..ને એવું તો કેટલું બધું.
કાના  :  મને તો આમાં કંઇ સમજાતું નથી.
ગોપી નજીક આવીને કાનાને મોબાઇલ બતાવીને એમાં ગેઇમ બતાવે છે.
કાના  :  આ તો બધું નવું નવું છે. પણ મને તો બહુ મજા ન આવી.
ગોપ  :  એ તો હજુ કદી રમ્યો નથી ને એટલે..એકવાર રમી જો. પછી અમારી જેમ તને યે હાથમાંથી મૂકવાનું મન નહીં થાય.
ગોપી  :  અને પછી અમારી મમ્મીની જેમ યશોદામા પણ તને બૂમો પાડવાના..કાના, હવે મોબાઇલ મૂકે છે કે નહીં ? (બધાં હસે છે.)
બીજી ગોપી  :  કાના, આવી તો કેટલી યે વસ્તુઓ અહીં નવી આવી છે. મહાભારતના યુદ્ધમાં સંજયે અંધ ધ્રુતરાષ્ટ્રને બધું જોઇને કહી સંભળાવ્યું હતું ને? હવે તો એ સંજય દૃષ્ટિ ઘેર ઘેર આવી ગઇ છે.
કાના  :  એટલે ?
ગોપ.  :  એને હવે અમે ટી.વી. કહીએ છીએ. એમાં બધું યે ઘેર બેઠા દેખાય. અરે, તારાં દર્શન કરવાં હોય ને તો યે અમે ઘેર બેઠાં એમાં કરી શકીએ.
કાના  :  માળુ હારૂ અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
ગોપી  :  પણ કાના, સાચું કહું? આ બધી સગવડો તો આવી છે. પણ પહેલાં જેવી મજા નથી આવતી હો..
ગોપ  :  હા, ઇ વાત તો સોળ આના સાચી..
ગોપી  :  કેવા મજાના એ દિવસો હતા.. કેવી રાસલીલા રમતાં આપણે સૌ...
કાના  :  મને તો અત્યારે યે એ રાસલીલાનાં શમણાં આવે છે. કેવી મજાની હતી રાસલીલાની એ રંગત..
( પ્રાચીન રાસ..અમે મહિયારા રે ગોકુળ ગામના... વગેરે પાંચ રાસનાં મુખડાં મૂકવાં.)
યશોદા પણ ત્યાં આવીને જોવામાં જોડાઇ જાય છે. રાસલીલા પૂરી થતાં બોલે છે. (સ્વગત) આ બધાં તો બંધ આંખોનાં શમણાં. બાકી ખુલ્લી આંખની વાસ્તવિકતા તો કેવી વરવી, કેવી વસમી છે એની કાનાને કલ્પના પણ ક્યાં છે? એ ન જાણે એ જ સારું છે. નહીંતર મારો લાલ બિચારો દુખી થઇ જશે.
કાના  :  વાહ ગોપા, બંધ આંખે આજે પણ એ રાસલીલા જોવાની મજા આવી ગઇ હોં.
ગોપીઓ  :  કાના, આજે ત્યાં ચોકમાં આજની ગોપીઓ પણ રાસડા તો લે છે.બોલ, તારે એ પણ જોવા છે? આવવું છે અમારી સાથે?
કાનો  :  અરે વાહ! આજે પણ રાસલીલા રમાય છે? ચાલ ભાઈ, ચાલ, સદીઓ વીતી ગઇ એ બધું જોયા ને..
યશોદા  :  ના, ગોપા, કાનો નહીં આવે એ બધું જોવા..
કાનો  :  મા, મારે જાવું છે. તું આજે ના કેમ પાડે છે?
યશોદા  :  લાલા, એ બધું તને નહીં સમજાય. એ જોવાની તારે જરૂર નથી. નકામું દુખી થવાનું ?
કાનો  :  શું મા તું યે? રાસલીલા જોઇને હું દુ:ખી થવાનો કે ખુશ થવાનો? અરે, તેં હમણાં જ જોયું નહીં કે મને તો ખુલ્લી આંખે પણ રાસલીલાનાં શમણાં આવે છે.
યશોદા  :  બેટા, એટલે જ કહું છું. એ શમણાનું વરવું રૂપ જોવાનું રહેવા દે..લાલા રહેવા દે..
કાના  :  મા, મને તો તારી વાતમાં કંઇ સમજાતું નથી. જે હોય તે પણ હું તો આજે આખરે રાસલીલા જોવા જવાનો એટલે જવાનો. ગોપીઓ, ગોપો ચાલો બધાં આપણે રાસલીલા જોવા જઇએ.
યશોદા  :  (નિસાસો નાખે છે.)
કાનો પહેલેથી જિદ્દી તો છે જ ને? એનું ધાર્યું જ કરવાનો. આજનું બધું જોઇને મારો લાલો દુઃખી ન થાય તો સારું.
ગોપ  :  હાલ, કાના, નવી આંખે જૂની રાસલીલા તો જોઇ લીધી. હવે નવી આંખે નવી નવી રાસલીલા જોવા મળશે.
કનૈયો  :  નવી રાસલીલા? એ વળી શું?
ગોપ  :  જોઇશ ને એટલે બધું યે સમજાઇ જાશે. હાલો જલ્દી જલ્દી.
કનૈયો  :  ચાલો. (ગોપ ને કનૈયો બંને જાય છે.. ચોકમાં છોકરીઓ ને છોકરાઓ ડિસ્કો દાંડિયા રમે છે. આધુનિક ડાન્સ રમાય છે. કનૈયો તો જોઇ જ રહે છે કનૈયો..(આશ્ચર્ય અને આઘાતથી) આ... આ બધું શું? રાસડા આમ રમાય?
ગોપ  :  કાના, આ તારા જમાનાના રાસ-ગરબા નથી. આ તો વેસ્ટર્ન ડાન્સ કહેવાય... આ નવા જમાનાની એકવીસમી સદીની રાસલીલા છે. આજકાલ બધે ય આવી જ લીલાઓ રમાય છે.
કનૈયો  :  આ બધું છે શું મને તો કંઇ સમજાતું નથી.
ગોપ  :  સમજાતું તો અમને પણ નથી. પણ કાના, બહુ પ્રશ્નો નહીં પૂછવાના..જોયા કરવાનું...મૂંગા.મૂંગા...
કનૈયો  :  આ બધાં માથું પાકી જાય એવા રાગડા કેમ તાણે છે? સરસ મજાના સૂરીલા સંગીતના સ્વરો ક્યાં ગયા?
ગોપ  :  હવે આ જ બધું સંગીત કહેવાય..અને હવે આવું જ ચાલે છે.
કનૈયો  :  આ? આ સંગીત કહેવાય? (આશ્ચર્ય અને આઘાતથી)
ગોપ  :  હા, અત્યારે હનીસીંગની જ તો બોલબાલા છે. જો બતાવું ?
(ગાય છે, ઠેકડા મારીને નાચે છે.)
કનૈયો  :  અરે, આવાં ગીતો ને આવા ઠેકડા? રાસડા આમ રમાય?
ગોપ  :  કહ્યું ને એકવાર ચૂપચાપ જોયા કરવાનું.
કનૈયો  :  ને ગોપા, ગોપીઓ, એ બધાંએ કપડાં કેવાં પહેર્યાં હતાં? મને તો જરા યે ન ગમ્યાં.
ગોપ,ગોપીઓ  :  કાના, આ બધી એકવીસમી સદીની ફેશન છે. એને ડીઝાઇનર કપડાં કે'વાય.ડિઝાઇનર.. પણ રેવા દે……એ બધું તને નહીં સમજાય. બોલ, તારે રાસ રમવું છે? તો પાસ લઇ આવું ?
કનૈયો  :  પાસ? એ વળી શું?
ગોપ  :  એટલે એમ કે અહીં કંઈ મફતમાં રાસ ન રમાય.. પૈસા આપવા પડે પૈસા..
કનૈયો  :  રાસ રમવાના પૈસા?
ગોપ  :  અરે..રમવાના શું? જોવાના યે આપવા પડે. આ કળિયુગ છે .. કળિયુગ..
કનૈયો  :  મારે આવાં નખરાં નથી જોવાં...ચાલ ભાગીએ અહીંથી. મારાથી તો આ રાસલીલા સહન થાય એમ નથી.
ગોપી  :  કાના, તારે તારી રાધાને નથી મળવું?
કાનો  :  એ કંઇ સવાલ છે? હું હમણાં પૂછવાનો જ હતો. ક્યાં છે મારી રાધા? એના વિના તો હું સાવ અધૂરો..
ગોપી  :  ચિંતા ન કર. કાના, હું હમણાં જ વોટસ અપ કરીને તારી રાધાને અહીં બોલાવું છું.
કાના  :  શું? શું કરીને બોલાવશે?
ગોપી  :  વોટસ અપ...બીજું શું ?
કાનો  :  એટલે ?
ગોપી  :  એ બધું તને પછી નિરાંતે સમજાવીશું. ચાલ, પહેલાં વોટસ અપમાં મેસેજ કરી લેવા દે.
(કાનો આશ્ચર્યથી જોઇ રહે છે.)
કાનો  :  માળુ હારુ, અહીં તો બધું યે બદલાઇ ગયું છે.
ગોપી  :  અરે, રાધાને જોઇને તો કાનાને ચક્કર આવી જવાના છે ચક્કર. રાધા..( આવે છે.)
રાધા  :  હાય, કાના ડાર્લિંગ, હાઉ આર યુ? (મોર્ડન ડ્રેસ, ગોગલ્સ, મોબાઇલ, હેડ ફોન, ઊંચી હીલ્સનાં સેન્ડલ, પર્સ વગેરે. ફુલ મેઇક અપ.)
( કાનો આમ તેમ શોધે છે. )
કાનો  :  કયાં છે રાધા?
રાધા  :  ડાર્લિંગ, તારી સામે તો ઊભી છું. ( ગોગલ્સ કાઢે છે.)
કાના  :  રાધા...તું? તું?
રાધા  :  કેમ નવાઇ લાગે છે? મને જોઇને ડઘાઇ ગયો કે શું?
ગોપી  :  ડઘાઇ ન જાય તો બીજું શું થાય? એમ કહોને કે બેહોશ ન થઇ ગયો?
કાના  :  રાધા, રાધે, તું આ રીતે?
રાધા  :  હમણાં જ બ્યુટી પાર્લરમાંથી આવી. સુંદર દેખાઉં છું ને?
કાના  :  મને તો સમજાતું નથી કે હું શું બોલું?
રાધા  :  સમજવાની જરૂર પણ નથી. બોલવાનું કામ હું કરીશ.. તારે તો ખાલી મૂંગા રહીને સાંભળ્યા કરવાનું. ચાલ, આપણે ડાન્સ કરીએ.
( કાનાનો હાથ પકડી વેસ્ટર્ન ટાઇપનાં નખરાં કરે છે. કાનો હાથ છોડાવીને ભાગે છે. )
રાધા  :  ઓકે..બાય કાના, આમ પણ મારે આજે મારા બીજા બોય ફ્રેન્ડ સાથે ડેટીંગમાં જવાનું છે. પછી મળીએ..ઓકે..? બાય..
(કાનો પડી જાય છે. ગોપ, ગોપીઓ તેને ઊભો કરે છે.)
કાનો  :  ગોપા, મને અહીંથી લઇ જા.. મને દૂર દૂર લઇ જા..
ગોપા  :  કાના, તારે કયાં જવું છે?
કાનો  :  જ્યાં આવું કશું ન હોય. એમ કર, મને મારી... મારી જમુના નદીને કાંઠે લઇ જા... ચાલો આપણે સૌ જઇએ..જમુનાજીને કાંઠડે... જ્યાં એકવાર મેં કાળિનાગને નાથ્યો’તો. ચાલ, ત્યાં જઇને નિરાંતે બેસીએ...ને જમુનાના નીરમાં ધૂબાકા મારીએ.
ગોપા  :  હાલ, ઇ અભરખો યે પૂરો કરી લે. (બધા જાય છે.. એક ગોપ દૂરથી આંગળી ચીંધી ઇશારાથી નદી બતાવે છે)
ગોપા  :  જો.. ત્યાં...દેખાય છે તારી જમુના નદી...(અંદર તરફ નિશાની કરે છે.)
કનૈયો  :  મને તો નથી દેખાતી... ખળખળ કરતી, અને બે કાંઠે વહેતી જમુનાનો ઘેરો ઘૂઘવાટ મને તો નથી સંભળાતો. અને..એક મિનિટ.. આ... આ વાસ શેની આવે છે?
ગોપા  :  જમુનાજીના પાણીમાં રહેલી ગંદકીની.
કનૈયો  :  અરે જમુનાનાં નીર તો કેવાં નિર્મળ.. કેવાં સ્વચ્છ.. એનાં નીતર્યાં પાણીમાં તો ચહેરો પણ દેખાય. એમાં વળી ગંદકી કેવી?
ગોપ  :  અરે વળી તું ભૂલી ગયો? કાના, આ સતજુગની જમુના નથી..આ તો કળિયુગની જમના.. છે. અત્યારે તો જમુના લો કે ગંગા...બધાંયનાં પાણી આવાં જ મેલાં.
કનૈયો  :  નદીના પાણીને અને કળિયુગને વળી શું સંબંધ?
ગોપા  :  અરે કાના. હવે તો નદીઓમાં કારખાનાઓનો કચરો યે ઠલવાય, અને માણસો જાતજાતની ગંદકી કરે.. તને તો એની કલ્પના યે ન આવે દોસ્ત ! પાણીનો રજવાડી ઠાઠ આજે નજરાઇ ગયો છે. આજે તો એને પ્રદૂષણનો એરૂ આભડી ગયો છે. કુદરતને વહાલ કરવાને બદલે માનવ કુદરતને નાથવાના ચક્કરમાં આજે પડ્યો છે. આજે તો પર્યાવરણને બચાવવાનાં કેટકેટલાં અભિયાનો ચલાવવાં પડે છે.
ગોપી : ( ગાય છે.)

પહેલાં તો એક ધારી વહેતી'તી ગંગા
અને નદીયોનો રજવાડી ઠાઠ,
ઓણસાલ નદીયું નજરાઇ ગઇ
ને પાણીમાં પડી મડાગાંઠ... .
હવે નદીઓના ઘૂઘવાટ કેવા
ને ખળખળ વહેતાં નિર્મળ નીર કેવાં?

ગોપા  :  અરે, પાણી જ કયાં રહ્યાં છે? કાના, આજે અહીં અને આખા દેશમાં પાણીની કેવી ભયંકર તંગી ચાલે છે એ સામે બેસેલા બધાયને પૂછી જો. ટેકનોલોજીની અંબાડીએ ચડીને બેસેલી, નેટના તાંતણે બંધાયેલી એકવીસમી સદીનાં ગાણાં તો ગવાય છે, પણ પાણી માટે તો આજે યે અમારે આકાશ સામે જ મીટ માંડીને બેસવાનું. કાના, હવે તો પાણી યે વેચાતું લેવું પડે છે.
કનૈયો  :  (કાને હાથે મૂકી દે છે.) નથી સાંભળવું. મારે હવે કંઇ જ નથી સાંભળવું. મારાથી આ બધું સહન નથી થતું. ગોપા, મને અહીંથી લઇ જા..મારે જમુનાની નજીક નથી જવું. (વેદનાથી) મારી પ્રિય જમનાની આ સ્થિતિ મારાથી સહન નથી થતી. નથી થતી.
ગોપા  :  કયાં લઇ જઇએ? દોસ્ત, તને કયાં લઇ જઇએ?
કનૈયો  :  એમ કરો, મને મારા કદંબ વનમાં લઇ જાવ. કદંબની નીચે થોડીવાર શાંતિથી બેસી મારી બંસી વગાડીશ. એટલે મને થોડી નિરાંત મળશે. (ખિસ્સામાંથી બંસરી કાઢે છે)
ગોપી  :  કાના, કદંબવન..? અરે..કદંબવનનો તો કયારનો યે કપાઇને નાશ થઇ ગયો. હવે તો રહ્યા છે માત્ર એના કોઇ રડ્યા ખડ્યા અવશેષો..
ગોપા  :  હવે તો ત્યાં ઊભાં છે સિમેન્ટનાં જંગલો...
કનૈયો  :  કદંબવનનો નાશ? કોણે કાપ્યું મારા વહાલા કદંબવનને ?( દુ:ખી થઇ જાય છે.)
ગોપા  :  કોણે એટલે? માણસ સિવાય કોણ હોય?
કનૈયો  :  અરે પણ જંગલ કેમ કાપ્યાં? ઝાડોનો નાશ શા માટે?
ગોપા  :  લાકડાં માટે...જરૂરિયાત માટે.. (નિસાસો નાખીને) આજે કંઇ માનવીની જરૂરિયાતો ઓછી છે ?
કનૈયો  :  (રડવા જેવા અવાજે) મારાં લીલાંછ્મ જંગલો...ઝાડો..!
ગોપા  :  (થોડા મોટા અવાજે ઉશ્કેરાટથી) માણસજાતે પોતાના થોડા સ્વાર્થ માટે કર્યો આડેધડ વિનાશ...નદીઓ નજરાઇ ગઇ, જંગલો નાશ પામ્યાં. પાણીનો રજવાડી ઠાઠ ને ઝાડવાઓનો લીલોછમ વૈભવ... બધું યે ખોવાઇ ગયું...કાના, ખોવાઇ ગયું..(રડી પડે છે)
કનૈયો  :  ગોપા, ગોપા, આ બધું મને શા માટે બતાવ્યું? શા માટે? માણસજાત આટલી સ્વાર્થી બની ગઇ? અરે પોતાનું ભલું શેમાં છે એટલીયે માણસને ખબર નથી? તેને એટલું પણ સમજાતું નથી?
ગોપા  :  (દુ:ખથી) અરે, આજની માણસજાતને ખબર તો બધી યે છે. કાના, સૂતેલા માણસને જગાડી શકાય..પણ જાગતાને કોઇ જગાડી શકયું છે ખરું? આજના માણસને ખબર તો બધી યે પડે છે. પણ પોતાના થોડા સ્વાર્થ આગળ લાંબું વિચારવાનું તે ભૂલી ગયો છે. કુદરતી સંપત્તિનો આડેધડ વિનાશ તેને ક્યાં લઇ જશે..એનો વિચાર કરવાની ફુરસદ ક્યાં છે કોઇને? તાપમાન વધે છે એની બૂમો તો પાડે છે. ગ્રીન હાઉસ ઇફેકટથી યે અજાણ નથી. પણ ઉપાય કયાં? કાના, કાલીનાગને તો નાથી શકાયો.પણ આ પ્રદૂષણના અજગરને કેમ નાથવો?
કનૈયા, કરી શકે તો કંઇક કર…કનૈયા કંઇક કર..
કનૈયો  :  આજે તો મને યે સમજાતું નથી કે હું શું કરું ?
ગોપા  :  (આંગળી ચીંધી બતાવે છે) અને આ જોયું? આ છે માણસે કરેલી બેસુમાર ગંદકી. પ્લાસ્ટીકની થેલીઓ અને જાતજાતના ટીનના ડબલાઓ...તને તો એની સમજ સુધ્ધાં ન પડે.
કનૈયો  :  આનો ઉપાય? કંઇક ઉપાય તો હશે ને?
ગોપા  :  (હસતા હસતા)ફરી એક વાર જનમ લઇ જો.......
કનૈયો  :  ના, હવે અત્યારે. જનમ લેવાની હિંમત નથી. ગોપા, શું આનો કોઈ ઉપાય નથી?
ગોપા  :  જનજાગૃતિ અને સ્વયંશિસ્ત એ એક માત્ર ઉપાય. એકલા કાયદા કરવાથી કે એકલી સરકારથી કંઇ ન થઇ શકે. આમજનતા જાગે અને કુદરતને સમજે તો જ બધું થાય
કનૈયો  :  ગોપા, હું એમાં શું મદદ કરી શકું?
ગોપા  :  કાના, એ તો હવે તું જ વિચાર. "પરિત્રાણાય સાધૂનામ...” નું વચન તેં જ આપ્યું છે ને? (અંદરથી એ શ્લોક આખો સંભળાય છે) કનૈયો..(અચાનક ઊભો થઈ બંસરીનો ઘા કરે છે)
ગોપા  :  (આઘાત અને આશ્ચર્યથી) અરે કાના. આ શું? બંસી કેમ ફેંકી દીધી?
કનૈયો  :  મને લાગે છે યુગેયુગે... સમયની માંગ પ્રમાણે હું હવે બદલીશ યુગધર્મ.... હવે વિશ્વમાં એક જ ધર્મ રહેશે... માનવધર્મ..!
માનવની સેવા એ જ મારી સેવા. દીન, હીન, દુ:ખી, અપંગ, લાચાર માનવોની સેવા..એ જ મારા સુધી પહોંચવાનો એક માત્ર ઉપાય હશે. હું મંદિર કે મસ્જિદમાં છું જ નહીં.. મારે તમારી ભક્તિની, તમારા ભજન, કીર્તનની કોઇ જરૂર નથી. મારે જરૂર છે તમારા સત્કર્મની..મારે જરૂર છે પૂજા માટે જોડેલા બે હાથની નહીં પણ કોઇને મદદ કરવા માટે લંબાયેલા બે હાથની..એ જ મારી સાચી પૂજા, અર્ચના. એ જ મારી ભક્તિ. ને એ જ મારો સાચો ભક્ત.
અને જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી. આજથી બંસીની જગ્યાએ મારા હાથમાં રહેશે આ સાવરણી…સ્વચ્છતાનું પ્રતીક. જે બની રહેશે એકવીસમી સદીની મારી બંસી. (સાવરણી હાથમાં લઇ થોડું વાળે છે.. સાફ કરે છે ને પછી હાથમાં બંસીની મુદ્રામાં સાવરણી રાખી ..પગ ક્રોસ કરી કૃષ્ણ ભગવાનની જેમ ઊભી જાય છે. ગોપ, ગોપીઓ બધાં પણ ઝાડુ હાથમાં લે છે. બધાં વાળે છે અને પછી ક્રોસમાં પગ રાખીને ઊભાં રહી જાય છે.

સમાપ્ત.