નારીસંપદાઃ વિવેચન/જીવનનું પરોઢઃ ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ

જીવનનું પરોઢ: ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ

નીતા જોષી

શ્રી પ્રભુદાસ ગાંધી દ્વારા લખાયેલું જીવનનું પરોઢ એમના બાળમાનસ ઉપર અંક્તિ થયેલી ઘટનાઓની વાતો કરતું પુસ્તક છે. સંબંધમાં એ ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર થાય છે. પુસ્તકમાં ગાંધીજીનો યુવાન ચહેરો છે. સત્યાગ્રહી લડતની ખુમારી અને સામૂહિક સંગઠનથી મળતા પરિણામોનું ચિત્રણ છે. બાપુજીએ જાત સાથે કરેલા કપરા પ્રયોગો અને આશ્રમ જીવનના શિસ્તબદ્ધ વાતાવરણની વાતો છે. આખું પુસ્તક લેખક પ્રભુદાસના બાળપણની આત્મકથા એટલે કે સંસ્મરણોની ગાથા છે. અને દ્વિમાસિક ‘મધપૂડો’ માટે લખાયેલાં લેખોનું ‘ફિનિક્સ પુરાણ’ છે. લેખક આરંભે લખે છે . ‘એ વેળા મને એ ભાન પણ ન હતું કે હું જે વાતાવરણમાં ઉછરું છું એ દુનિયાનું કંઈક અનેરું વાતાવરણ છે. અને એ કલ્પના તો ક્યાંથી જ હોય કે જેનો ખોળો ખૂંદવાનું મને મળે છે. તે અમારા ઘરના મોહનદાસકાકા સંસારની અદ્વિતીય વ્યક્તિ ગણાશે?’ છસ્સો એકત્રીસ પાનાંના આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૪૮-ની સાલમાં અને ત્રીજું પુનર્મુદ્રણ 2016માં પ્રાપ્ત થાય છે. આ માટે આપણે નવજીવન મુદ્રણાલયનાં આભારી છીએ. વળી, આ પુસ્તક વધુ રસપ્રદ એટલે પણ બને છે કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઈતિહાસ કે ગાંધીજીની આત્મકથા છપાયાં, એ. પહેલાં લખાયેલું આ લખાણ છે. ફિનિક્સ સેટલમેન્ટ કે વસાહતની શરુઆત, એ વિસ્તારની ભૂગોળ, આસપાસનું પર્યાવરણ, આશ્રમમાં રહેતાં લોકો, આવતાં મહેમાનો, ઘડતર અને કેળવણી, ઝુલુ વસ્તી અને ગૌરાઓ, ગિરમિટિયા અને જેલ જીવન, આ બધું એક બાળકની નજરે અહીં આલેખાવું છે. રંગભેદી સરકારના કઠોર કાયદાઓ સામે ગાંધીજીએ આપેલી લડતનો આખો સમયખંડ છે. જગતની વિરાટ વ્યક્તિના જાહેર અને અંગત જીવન વિશેની સહજ ભાવે લખાયેલ વાતો છે. જુલાઈ 2016નાં ત્રીજા પુનઃમુદ્રણમાં પુસ્તકનાં મુખપૃષ્ઠ ઉપર સેપિયા રંગમાં આકાશ અને જંગલ ચીતરાયેલાં છે. મદ્રાસી વેશભૂષામાં, હાથમાં લાકડી. ખભ્ભે બગલથેલો, ઉઘાડા પગે, કસ્તુરબાની બાજુમાં, ઊભેલા ગાંધીજી છે. પુસ્તકનાં ચારસો એકસઠમાં પાનાં ઉપર આ ફોટો છે. જે સંદર્ભે લેખકે સંવાદ લખ્યો છે : મગનકાકાએ દલીલ કરતા કહ્યું- ‘લુંગી કરતાં ધોતિયું પહેરો તો કેમ? હરવા ફરવામાં પણ એ ફાવશે અને આપણો અસલી પહેરવેશ પણ એ જ છે.’ બાપુજીએ કહ્યું – ‘વાત સાચી, મને ધોતિયું ગમે છે પણ ખરું, પરંતુ અત્યારે સવાલ ગિરમિટિયાઓનો છે. એમાંનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. એટલે એમના સમોવડીયા થવા માટે મારે મદ્રાસી લૂંગી જ પહેરવી જોઈએ. મારી લુંગી ચીંથરેહાલ નહીં હોય એટલો ફેર રહેવાનો.’ લડતમાં જે મર્યા એમની પાછળનાં શોકનાં કારણે બાપુજી મૂંછોનું મૂંડન કરાવે છે. અને ચંપલ છોડવાની વાત ઉપર મગનકાકા એટલે કે ગાંધીજીના ભત્રીજા કહે છે: ‘પણ આપના પગ એટલા કસાયેલા નથી. પગની પાનીમાં આપને કાંકરા, પીડશે અને ચાલવાનું તો આખો દિવસ રહેવાનું.’ ‘એ ખરું, મારા પગના તળિયાં તમારા બધાનાં કરતાં વધુ આળાં છે, પાની તરડાવેલી રહે છે, પણ લોકોને દુઃખમાં ધકેલું ત્યારે મારેયે કંઈક તો દુ:ખ મળવું જોઈએ ના? બહુ પીડા થશે તો થોડું ધીમે ચલાશે એટલું જ ને?’ લેખક લખે છે ‘એ વેશ પલટો ઉપરથી લાદેલો ન હતો પણ અંદરથી વીંધાયેલા હૈયાનું એ પ્રતિબિંબ હતું.’ મુખપૃષ્ઠ ઉપર ફિનિક્સ આશ્રમનું કહેવાતું મોટું ઘર એટલે કે બાપુજીના ઘરનો ફોટો પણ છે. અને પાછળના પૃષ્ઠ ઉપર ગિરમિટિયાઓની તસવીર છે. આ પુસ્તકની અંદર અન્ય પણ કેટલીક યાદગાર તસવીરો છે. જેમાં કરમચંદ ગાંધી, બાપુના જન્મસ્થળ વાળો ઓરડો, હુમલા બાદ ડોક્ટરને ત્યાં રહેતાં ગાંધીજી, ભત્રીજા છગનલાલ અને મગનલાલ ગાંધીની તસ્વીરો છે. ઉપરાંત, ફિનિક્સ આશ્રમના સોળ લડવૈયાઓની, હડતાળિયાઓની, મારિત્સબર્ગ જેલમાંથી છૂટેલાં ભાના સ્વાગત પછી સ્ટેશન ઉપર બાપુજી અને કેલનબેકની કેપટાઉનથી સ્ટીમરમાં વિદાય વેળાની અને આશ્રમનાં અન્ય આગંતુકોની તસવીરો પણ છે. આ ઉપરાંત બાપુજીના હરસ્તાક્ષરમાં લખાયેલા કેટલાક પત્રો, ‘ઇન્ડિઅન ઓપિનિઅન’નું મુખપૃષ્ઠ, ફિનિક્સ આશ્રમનું સ્થાન દક્ષિણ આફ્રિકામાં ક્યાં, એ બતાવતો નકશો પણ પુસ્તકમાં જોવા મળે છે. પ્રભુદાસ ગાંધી વર્ણવે છે: આવા વિરાટ અને અદભુત આફ્રિકાના અનેક પ્રાંતોમાંનો એક પ્રાંત તે નાતાલ. આખા શરીરમાં જેવડો પગનો અંગૂઠો, તેવડો વિશાળ આફ્રિકામાં એ નાતાલ પ્રાંત, એ પ્રાંતમાં આવેલી નીચી સાવ પાતળી ઝાલરમાં, સાગરનાં પાણીથી છએક માઈલ અંદરના ભાગમાં, સોયની અણીથીયે ટચૂકડી જગ્યા તે આ વાર્તાનું ફિનિક્સ ગામ અથવા કહો કે ફિનિક્સ સ્ટેશન; કારણ ફિનિકસ કયું તે હું હજી સુધી નથી જાણતો. એ સ્ટેશનથી બરાબર અઢી માઈલ ઉત્તરમાં બાપુજીને ખરીદેલી સો એકર જમીન એ અમારું ફિનિકસનું ખેતર. હરદ્વાર વિષુવવૃતથી જેટલું ઉત્તરે તેટલું ફિનિક્સ દક્ષિણે બરાબર મિસરની કેરો નગરીના રેખાંશમાં.’ આવી ઊંચીનીચી ઉબડ ખાબડ, ટેકરાઓની બનેલી, બીડવાળી, ધીમા ઢાળોવાળી, કાળી માટીની, હજારો વરસ સુધીની વણખેડાયેલી જમીન, જ્યાં પક્ષીઓના કલરવ સિવાય બધું સૂનકાર ભર્યું અને ભેંકાર છે! દોઢ માઈલ છેટે ઝૂલઓના કે ગિરમિટમાંથી છૂટેલા હિંદીઓનાં ઝૂંપડા છે. જ્યાં રાત પડવાથી તાપણાં કે દીવાના પ્રકાશ દેખાતા રહે છે. દૂર સુધી ફેલાયેલું જંગલ અને થોડી દૂર વહેતી ઈનાન્ડા નદી બજાર પણ બાર માઈલ છેટે ડરબનમાં. એવી બંજર જમીનમાં બાપુજીની ટોળી ધામો નાખે છે. સાદ પાડીને બોલાવી શકાય એટલા અંતરે અને વરસાદનાં પાણી ઘૂસી ન જાય એટલી ઊંચાઈએ વિલાયતી પતરાંથી ઓરડાં બંધાય છે. છાપખાનું તૈયાર થાય છે. લેખક ફિનિક્સનો પરિવેશ વર્ણવે છે ત્યાં વાઘ વરું કરતા તો સાપનું જોર કેટલું હશે એ આ લખાણ ઉપરથી જાણી શકાય છે. ‘એ ઝાડ ઉપર ઘણીયે વાર લીલા સાપ સાથે લટકતા નજરે પડતા. આ સિવાય પણ ઘાસમાં જાતજાતના સાપ નીકળતા. કોઈ કોઈ દિવસ નો પાંચ પાંચ છ છ સાપ નજરે પડતા. આમાંના કોઈ બારથી વીસ ફૂટ જેટલા લાંબા અને કોઈ સાથે વેંત જેવડા ટૂંકા કોઈ કાંડાથી બમણા જાડા તો કોઈ ટચલી આંગળી જેટલા પાતળા કોઈ ત્રિકોણાકારના તો કોઈ ટપકાં ટપકાં વાળા. કોઈ દૂરથી આંખમાં પિચકારી મારી આંધળા બનાવી દેનારા તો કોઈ કાળા નાગ જેવા. કોઈ ઝેર વિનાના તો કોઈ ઉડણીયા- માણસ જતો હોય તો ઊડીને મોઢા પર જ દંશ દે એવા સાપ હતા! સાપ સિવાય બીજા ડરાવનારાં પ્રાણીઓ એટલામાં ન જણાતાં.’ વળી ફિનિક્સમાં પ્રેસનું કામ ઘણું અગત્યનું હતું એટલે એ જગ્યા પણ નાળા પાસે ઊભી કરવામાં આવી જેથી બીબાં અને સાધનોની સફાઈ માટે અનુકૂળ રહે. આરંભે દસેક નાનાં ઘર ઊભાં થયાં જેથી એ જગ્યા બીડમાંથી વસાહત બની હશે. દક્ષિણ આફ્રિકાના બાર વર્ષ બાપુજીને સામાન્ય મનુષ્યથી ઊંચે લઈ જાય છે. અને આ તપશ્ચર્યાંમાં ફિનિક્સ આશ્રમનું યોગદાન પણ અસાધારણ બની રહે છે. ‘ફિનિક્સ’ નામકરણ સંદર્ભે ભત્રીજા મગનલાલને પત્રમાં જણાવે છે: ‘ફિનિક્સનું નામ ફિનિક્સ સિવાય કંઈ જ નહીં એ બરોબર જણાય છે. મારું નામ ભુલાઈ જાય એમ માંગુ છું. મારું કાર્ય રહે એમ ઈચ્છું છું. જો નામ ભુલાય તો જ કાર્ય રહે. નામો વ. હાલ આપવાની વ્યાધિમાં પણ પડવા જેવું નથી. આપણે તો અખતરા અજમાવીએ છીએ. ત્યાં નામ શું? અને જ્યારે નામ અપાય ત્યારે પણ આપણે મધ્યસ્થ શબ્દ શોધવો પડશે કે જેમાં હિંદુ મુસલમાન એ સવાલ ઊઠે જ નહીં મઠ અથવા આશ્રમ એ ખાસ હિંદુને લગતો જ શબ્દ છે એટલે તે વપરાય નહીં ફિનિક્સ એ અનાયાસે મળેલો સરસ શબ્દ છે. એક તો ઈંગ્રેજી એટલે જે મુલકમાં રહીએ તેનું માન થયું. વળી તે તટસ્થ અને તેનો અર્થ એ છે કે ફિનિક્સ પક્ષી પોતાની રાખમાંથી જ પાછું પેદા થાય છે એટલે મરતું જ નથી એવી કથા છે. જે હેતુ ફિનિક્સના છે તે આપણે બધા રાખ થઈ જઈશું તો પણ મરવાના નથી, એમ આપણે માનીએ છીએ. તેથી ફિનિક્સ એ જ નામ હાલ તો બસ છે.’ એક નામકરણ પણ વગર વિચાર્યે નહીં, એનો આ પુરાવો છે. ઝૂલુ બળવો શમે છે. એ દિવસોમાં બાપુ ફિનિક્સ આવે છે. ત્યારે એમની વય સાડત્રીસ વર્ષની છે. ઘરને અને મિત્રોને ભેગાં કરી ઝૂલુઓની સેવા દરમિયાન કરેલો પોતાનો નવો સંકલ્પ બધાને સંભળાવે છે કે- ‘આજથી હંમેશને માટે હું ભોગને તજું છું. મરીશ પણ ભૂલે ચૂકેય બ્રહ્મચર્યનો ભંગ નહીં થવા દઉ.’ આ જાત સાથેની કઠોર લડતનો થઈ ગયેલો આરંભ હતો. અને આવી કેટલીયે લડાઈ અનેક વિરોધ વચ્ચે લડવાની હતી. ફિનિક્સ ઝૂલુ વસ્તીની વચ્ચે હતું એટલે જો ગોરાઓને મદદ કરતાં જૂએ તો ઝૂલુઓ ચીડાઈને આશ્રમને ખેદાન મેદાન કરી શકે. પરંતુ બાપુજીએ ઝૂલુઓના સેવક તરીકે એવી કામગીરી બજાવી કે એ લોકો દુશ્મન નહીં દોસ્ત બનીને રહ્યા. બાપુજીની નજર મોટી ઘટનાઓ ઉપર હતી એટલી જ કાળજી બાળકો, પરિવાર અને આશ્રમવાસીઓ ઉપર રહેતી. બાળકો સાથે કેટલા રમતિયાળ હતા એના પણ અનેક પ્રસંગો છે. લેખક લખે છે ‘ફિનિક્સમાં મોટા ઘરની પાછળ રમવાનું ટેનિસનું મેદાન અને પશ્ચિમે એક મોટો બગીચો હતો. મોટું ઘર એટલે બાપુજીનું ઘર, પણ મોટો બગીચો એટલે બાપુજીનો બગીચો નહીં.’ તરવાનું હીંચકા ખાવાના, પતંગ ચગાવવાના, ટેકરીઓમાં ગબડવાનું આ બધી રમતની વાતો સાથે લેખક પ્રસંગ ઉમેરે છે. ‘સવારે સૂરજ ઊગ્યા પહેલાં ઊઠી નાહીધોઈ સાફ કપડાં પહેરીને હું બાપુજીને ઘેર ગયો. બાપુજી હરિયાળી ઉપર બેઠા બેઠા દાતણ કરતા હતા. હરિયાળી ઘરના ઊંચા ઓટલાથી જમીન સુધી ઢાળમાં સુંદર વાવી હતી. અમે ચારપાંચ બાળકો ભેગાં થઈ ગયાં એટલે બાપુજાએ એકને આંગળીએ, બીજાને ખંભે અને ત્રીજાને ગરદન પર એમ વળગાડ્યાં. થોડી વારે મોટાઓ સાથેની વાતમાંથી અને દાંતણમાંથી પરવાર્યાં કે તેઓએ રમત માંડી. અમને એકને પોતાના માથા પરથી હરિયાળીના ઢાળ ઉપર ગબડાવી દેવા માંડ્યા. અમે દોડતા દોડતા તેમના ખભા પર ચડી બેસીએ, તો ફરી પાછા ગબડાવી મૂકે. આમ અર્ધોએક કલાક રમત ચાલી અને ખૂબ હસાહસ થઈ રહી’ બાપુજીનું વાત્સલ્ય અને કેળવણી નાના નાના અનેક પ્રસંગોમાંથી પ્રગટ થાય છે - જેમ કે લેખક પ્રભુદાસ બાળવયે ‘૨’ નો ઉચ્ચાર ‘લ’ કરે છે રામદાસકાકાને બદલે લામદાસકાકા કહે છે. ત્યારે ઊંચે સાદે બધાંને હિપ હિપ હુરરરરે બોલાવી પ્રભુદાસને કહે છે બોલ હિપહિપ હુરરરરે. પાંચ છ વાર બોલાવ્યા પછે કહે, "બોલ હરરુરરરરર્ર રામદાસકાકા” અને ‘લ’ માંથી ‘૨’ બનાવવાનો એ લેખકના જીવનનો પહેલો પાઠ બની રહે છે. બાપુજીએ બાળકોની કેળવણીની વ્યવસ્થા પણ આશ્રમમાં સહુની યોગ્યતા મુજબ કરેલી જેમાં એમના સંતાનો દેવદાસ અને રામદાસને લેખકનાં માતા પાસે ગુજરાતી શીખવાનું કામ સોંપે છે. લેખક લખે છેઃ ‘બા છઠ્ઠી ગુજરાતી સુધી ભલેલાં. બહેનોમાં બીજું કોઈ એટલું ભણેલું ત્યાં નહીં’ આ વેળા લેખકની ઉંમર આશરે પાંચેક વર્ષની, દેવદાસ ગાંધીની સાડા છ વર્ષની અને રામદાસ ગાંધીની સાડા આઠ વર્ષની વર્ણવી છે. બાપુજીનો ખાવા ખવડાવવાનો શોખ અસાધારણ હતો. બાપુજી ફિનિક્સ જતા ત્યારે શનિરવિ સહુ એક પંક્તિએ બેસીને જમતા અને બાપુજીને ભાવતી પુરણપોળી અને ઢોકળાં બનતાં. છાપખાનામાં પણ ખીર બનતી અને વહેંચાતી. બાપુજી એ ભોજનમાં સબરસ ઓછું કરાવ્યું પછી પણ પોષણક્ષમ આહારના આગ્રહી રહ્યા. લેખક એક ભોજન સમયનું સ્મરણ આલેખે છે. જેનાંથી અસ્વાદવ્રતના પૂજકની સ્વાદપ્રિયતાનું અનુમાન લગાવી શકાય છે: ‘લગભગ એક વાગ્યે બાપુજી અમારે ત્યાં આવ્યા ઘરમાં બે મોટાં ટેબલ હતાં તે અડોઅડ મૂકી. બંને ટેબલ ધોળી સફેદ ચાદરોથી આચ્છાદી દેવાયાં. ટેબલના બે છેડા પર બે અને વચ્ચે ચચ્ચાર પાંચ પાંચ એમ બધી મળીને બારેક ખુરશીઓ થોડે થોડે અંતરે મૂકાઈ. પછી ટેબલ ઉપર ખીરનું તપેલુ, તેની બે બાજુએ રકાબીમાં રોટલીઓનો ખડકલો, ત્રણ ચાર ડઝન કેળાં, સુધારેલા ટમેટા, તેનું શાક, સંતરાં, નારંગી, લીંબુ, મગફળીના દાણા, મગફળીપાક, મગફળી ખાંડીને ઘી જેવો કરી નાખેલો તેનો ભૂકો (નટ બટર) તથા બીજી કેટલીયે ચીજો ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ. બધી જ ચીજો અત્યારે યાદ નથી રહી. પણ એટલું યાદ છે કે જૂદી જૂદી વાનીઓથી એ લાંબું ટેબલ એક છેડેથી બીજા છેડા સુધી આખું ભરાઈ ગયું હતું. બાપુજી કંઈક આઠદસ જણાની ટોળી લઈ જમવા આવ્યા બરોબર ટેબલની વચ્ચોવચ એક ખુરશી ઉપર પોતે બેઠા, અને ટેબલ ઉપર જે જે મૂક્યું હતું તે તપાસી લઈ પોતાની આસપાસ બેઠેલાઓનાં ભાણાં પીરસવા મંડી ગયા. ખીર, રોટલી, શાક વગેરે જમાઈ ગયું એટલે ફળનો વારો આવ્યો. રકાબીઓમાં મૂકી રાખેલાં કેળાં, નારંગી, વગેરે લઈ પાસે બેઠેલાઓને તેમ જ દૂર બેઠા હોય તેને પણ પહોંચાડીને પછી બાપુજીએ પોતે પણ એ બધું ઠીક ઠીક પ્રમાણમાં લીધું. જમી લીધા પછી પણ તેમણે મોટાં વસાઈ જાતનાં કેળાં, મગફળીપાકનાં ઠીક ઠીક મોટાં ચારેક ચોસલાં કેળાંની સાથે પેલું નટ બટર, વળી શેકેલી મગફળીના દાણા અને પછી બદામ અખરોટ વગેરે ચીજો ખાધી.’ જ્યારે ફિનિક્સના સોળ સત્યાગ્રહીઓ લડાઈમાં ઝંપલાવે છે ત્યારે વિદાયના દિવસે પણ જાતજાતની રસોઈ એટલા માટે બનેલી કે જેલમાં ભાવતું ભોજન નહોતું મળવાનું. એટલે રોટલી, ખીર, મસાલેદાર શાક, ટમાટાં વગેરેની કચુંબર, ખજૂરનો રસ, કઢી, ભાત ઈત્યાદિનો ઉલ્લેખ જોવા મળે છે. ‘જીભના રસ જિતાયે ઘણું જિતાયું ગણવું’ માં માનનારા બાપુની અસ્વાદવ્રત વિશેની વાતો સહુ જાણે છે; ત્યાં સુધી કે આદુનાં કૂણાં કૂણાં મૂળનાં સ્વાદનો મોહ વધ્યો ત્યારે સદાને માટે આદુના ત્યાગના નિશ્ચય ઉપર આવવું. એ મનના ઉત્પાતની સહજ વાતો વાંચતા અનુભવી શકીએ કે આરંભનાં એ દિવસોમાં બાપુજી કેટલા શોખીન હશે! બાપુજીનો પરિવાર, કુટુંબ, આશ્રમવાસીઓ પ્રત્યેનો પ્રેમ; વતનમાં રહેતાં કુટુંબ સાથેનું ભાવનાત્મક જોડાણ અને અતિથિ સત્કારની ભાવના: આ સર્વથી અનુભવી શકાય છે કે બાપુજી એકસાથે કેટલાં સંવેદનોને ન્યાય આપી શકતા હતા. ફિનિક્સમાં બધા સાંજે પ્રાર્થના અને ભજન કરતાં. બાપુજી સૌની સાથે બેસતા અને કંઈક કહેતા ત્યારે સહુ ચૂપ થઈ એમને સાંભળતા. નૈતિક કેળવણીનાં આગ્રહી બાપુ પોતે તો જીવનને કસતા અને સાથીઓને પણ ચીવટ રખાવતા પુત્ર મણિલાલ ને પત્રમાં લખે છેઃ ‘પૈસાની જરૂર માત્ર ભરણપોષણ ને ખાતર રહે છે. ફિનિક્સને ચડાવવું તે આપણું કર્મ છે. કેમ કે તે વાટે આપણે આત્માને શોધી શકીએ છીએ ને દેશસેવા કરી શકીએ છીએ. એટલું ખાતરીથી માની લેજો કે તમારી ચિતા હું સદાય કર્યા કરું છું. માણસજાતનો ખરો ધંધો એ જ છે કે તેણે પોતાનું ચારિત્ર ઘડવું કમાવાને અર્થે કંઈ ખાસ શીખવું પડે એવું નથી, જે માણસ નીતિનો રસ્તો કદી છોડતો નથી તે માણસ કદી ભૂખે મરતો નથી. અને તેવો વખત આવે તો ડરતો નથી. તમે નિચિત રહી જે અભ્યાસ ત્યાં બને તે કર્યા કરજો. આ લખતાં તમને મળવાનું અને મારી છાતીમાં ચાંપવાનું મન થઈ જાય છે અને તેમ નથી કરી શક્તો તેથી આંખમાં પાણી આવી જાય છે.’ માત્ર પોતાના સંતાનોની સંરકાર અને કેળવણીની ચીવટ હતી એવું નહોતું. કુટુંબનાં અને આશ્રમવાસીઓનાં બાળમાનસને કુસંસ્કારોથી બચાવવાના પ્રયત્નો પણ એમના રહેતા. બાપુજીના વચેટ ભાઈ કરસનદાસનાં ગુજરી જવાના સમાચાર મળે છે ત્યારે બાપુજીની આંખનાં આંસુ અને ઉઠાસીનતાનું વર્ણન લેખક પોતાની સંચિત સ્મૃતિનાં આધારે કરે છે. બહિષ્કાર અને જેલવાસનાં આ દિવસોમાં જ પૂ.બા ની માંદગી બિહામણું સ્વરૂપ લે છે. લેખક લખે છેઃ ‘પોતાના શરીરનું બધું માંસ મારિત્સબર્ગની જેલમાં દક્ષિણ આફ્રિકાની સરકારને દાનમાં દઈને બા આવ્યાં હતાં.’ બાની સેવા કરવા સહુ આતુર છતાં બાપુજી સહુને ઘસીને ના પાડતા. સેવા કરતા બાપુનો વધુ એક નિષ્ઠાવાન અને જવાબદાર ચહેરો લેખકે કંઈક આ રીતે વર્ણવ્યો છે: ‘મને જ કરવા દો, બાને સંતોષ કેમ આપવો એ હું વધારે જાણું છું. અત્યારે તો મેં સમય મેળવી લીધો છે. હું ન પહોંચી શકું ત્યારે તમે કરજો.’ બાની થૂંકદાની સાફ કરવી, પથારી ફેરવવી, મળમૂત્રનાં વાસણો સાફ કરવાં, ખાટલા પાસે વધુમાં વધુ હાજરી આપવી, એ સઘળું વગર થાકયે, વગર કંટાળ્યે, વગર નિરાશ થયે, બાપુજી કર્યે જ જતા હતા. બાપુજીની કર્તવ્ય નિષ્ઠાનાં અનેક ભાવુક બનાવી દેનારા પ્રસંગો, પત્રો અને સંવાદો આ પુસ્તકમાં આલેખાયા છે. જેમ બાપુજી આકરું ત્યજી જાણે છે એમ બાના નાના મોટા ત્યાગની વાતોથી પણ ગાંધીજીનું પારિવારિક જીવન વધુ પારદરર્શક બની ઝીલાય છે. પુત્રવધૂનો સીમંતનો પ્રસંગ છે. જમણમાં દૂધપાક છે. બધા વિનોદ વાર્તામાં મસ્ત છે અને બાપુના પકડાયાના સમાચાર આવે છે, ત્યારે બા જમતા પહેલાં જ દૂધ ત્યજવાનો સંકલ્પ લે છે. કહે છે: ‘જેલ જનારને ઘી દૂધ ન મળે તો મારાથી એ કેમ લેવાય?’ બાપુજીના આ ફિનિક્સના વસવાટમાં જેમ સત્યાગ્રહોની તીવ્રતા છે એટલી જ સંયમ અને ખોરાકના પ્રયોગોની તીવ્રતા જોવા મળે છે. લેખક લખે છે: ‘જીભને તાબામાં લેવા માટેનો બાપુજીનો આગ્રહ ભણતર કરતાં પણ ચડિયાતો હતો.’ બાપુજીના આ નિસર્ગ ઉપચારના પ્રયોગોથી સાજા થવા આવનાર અનેક મુલાકાતીઓનાં બાળસહજ કુતૂહલ ભરેલાં વર્ણન છે. મિ. ગેબ્રિયલ આઈઝેક, શ્રી સોલોમન, શ્રી ભવાની દયાલજી અને શ્રીમતી ભવાની દયાલજી, રૂસ્તમજી શેઠ અને હવાફેર માટે આવેવા સોલોમન રોયપન જેવા મહાનુભવો સાથે થતી વાતચીત, એ સહુની રહેણી કરણી અને મુલાકાતોના વિસ્તારથી ઉલ્લેખ કરેલ છે. એજ રીતે નાનાં પણ ઉમદા ચરિત્ર પણ સહજ ભાવે મૂકાયાં છે. એમાંના એક છે. ભગાભાઈ જેમણે જનરલ સ્મટ્સનાં ચંપલ બનાવેલાં સ્નેહીજનોને ઉપહાર અપાય એ તો આનંદની વાત જ હોય પણ અહીં તો જેની ઉપર ભરોસો ન મૂકી શકાય એવી વ્યક્તિને આપવાની ભેટ તૈયાર કરવાની હતી. ચંપલનો ચળકાટ, સિલાઈના ટાંકા બધું ધારી ધારીને ચકાસ્યા બાદ પ્રેમોપહાર આપવામાં આવે છે. એવી બીજી વ્યક્તિ છે વફાદાર હબસી છોકરો ચાર્લી, પોતાના દેશમાં જ સાવ એકાકી ખૂબ કામગરો એટલે લેખક લખે છે, ‘ઇન્ડિયન ઓપીનિયનના લેબકો બદલાય, અધિપતિ બદલાય, કદાચ બીબાંકારીગરો પણ બદલાય, પરંતુ ચાર્લી ન બદલાય.’ આ પુસ્તકમાં અટકચાળા કરવામાં મોખરે ગણાતા છોટમ અને આળસુ ભૈયમનું વર્ણન છે. હડતાળિયાઓની વાતો છે. અહિંસક યુધ્ધ માટે સાવધાની અને નિરીક્ષણ અને પરીક્ષણની વાતો વિસ્તારે લખી છે. તણખલામાંથી લશ્કર ઊભું કરવાની લાપુજીની તાકાત પરિશ્રમમાંથી નીપજે છે. બાપુજી ખેતરમાં પણ ઝપાટાભેર કામ કરી જાણે છે અને છાપખાનાંની રસફાઈ પણ ચીવટથી કરી શકે છે. પૃ. ૩૦૮ ઉપર ફિનિકસમાં બનતાં મકાનોની વાતો લખી છે: ‘એ બાંધકામ કરતી વખતે બાપુજી એક મોટા મિસ્ત્રી જેવા દેખાતા. એ કામ માટે ખાસ બનાવટનું એક આસમાની રંગનું પાટલૂન તેઓ પહેરતા. એ પાટલૂનને દસબાર ખીસાં રહેતાં. બેંક ખીસાં સાથળ ઉપર આંગળના ભાગમાં, બેક વાંસે કમર પર, બે સાથળની બાજુમાં સામાન્ય ઢબે ને બીજાં નાનાં ખીસાં કમરપટા પાસે. ચામડાના કમરપટાને યે કડી નાખી આંકડા ટીંગાડેલા રહેતા. પોતાનાં એ જુદાં જુદાં ખીસામાં નાનામોટા ખીલા, સ્ક્રૂ. સ્ક્રૂ માટેની ચકરડી (વાઈસર), હથોડી, પકડ, પેચકસ, વગેરે સામાન બાપુજી ખોસી દેતા. જાણે કે સુથારનું એક બખ્તર જ હતું! એ બખ્તર પહેરીને બાપુજી છાપરાની ઊંચામાં ઊંચી ટોચે પહોંચી જતા અને બધાની સાથે પૂરા એકધ્યાનથી કોઈ કાબેલ સુથારની પેઠે કલાકો સુધી ઘૂમ તડકે પતરાંમાં ખીલા ઠોકવાનું કામ કરતા.’ આ સાથે લેખકે માતાપિતા છગનલાલ ગાંધી અને કાશીબહેન ગાંધી તેમજ કાકા મગનલાલ ગાંધી અને સંતોકબેન ગાંધીની પારિવારિક વાતો ગર્વથી લખી છે. પ્રભુદાસ ગાંધી પોતાનાં ચોથા વરસથી લઈ બારમા વરસ સુધીની ફિનિક્સની સ્મરણયાત્રામાં જણાવે છે તેમ ફિનિક્સનું સો એકરનું વિશાળ ખેતર બાપુ એમની છત્રીસ વરસની વયે પંદર હજારમાં ખરીદે છે અને પિસ્તાલીસ વરસની પાકી વયે હિન્દુસ્તાન આવવા એ દક્ષિણ આફ્રિકાને છેલ્લી વાર છોડે છે. આ વરસો ગાંધીજીના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો, પ્રયોગો અને આત્મખોજનો ગાળો છે. જેમાં બેરિસ્ટરનો ઠાઠ, મજૂર જેવો પરિશ્રમ, ગૃહસ્થાશ્રમ, સત્યાગ્રહ, બ્રહ્મચર્યવ્રત, ઉપવાસ, હુમલાઓ, જેલ, ગિરમિટિયાઓની હડતાળ, સભાઓ, મંત્રણાઓ–અનેક ઘટનાઓ અને વખતોવખત લેવાયેલા નિર્ણયોના વિવિધ સ્કેચ લેખકે એક કુશળ ચિત્રકારની જેમ બનાવ્યા છે. સભાઓ સંબોધતા, કઠોર પરિશ્રમ કરતા. ‘દેવા ઓ દેવા’ એવી બૂમ મારી સંતાનોને ઊઠાડતા, પ્રાર્થનામાં સહુ સાથે સંવાદ કરતા બાપુ ગોખલેજી સાથે શતરંજ રમતા અને સુથારીકામ કરતા બાપુ, ઉપચાર કરતા. વચેટભાઈનું સ્નાન કરતા અને ‘મારું હેત તારી ઉપર એટલુ છે કે તું મૂએલી છતાં મારે મન જીવશે’ એવી બિછાનાવશ બાને હૈયાધારણ પાઠવતા બાપુ - જાણે કોઈ રંગભૂમિ ઉપર વિરાટ વ્યક્તિનો એકપાત્રીય અભિનય ધ્યાનથી નિહાળી રહ્યા હોઇએ એમ આ પુસ્તકમાંથી પસાર થઈ જાય છે. પ્રભુદાસ ગાંધી હૈયામાં ઊંડે સુધી કોતરાઈ ગયેલા ફિનિક્સ વિશે લખે છે: ‘મેં એક એકથી ચડિયાતાં સૃષ્ટિસૌંદર્ય નિહળ્યાં છે. સહ્યાદ્રિની ખીણોમાં ને આબુનાં જંગલોમાં ભટક્યો છું. હિમાલયની સમૃધ્ધિમાં વરસો સુધી વસ્યો છું. છતાં હજીયે નવાં આખ્યાનો કે કથાઓ વાંચતાં સાંભળતાંની સાથે મન ફિનિક્સ જ દોડી જાય છે અને એ સ્થળની ચોપાસ કલ્પનાને છાવરી લે છે. વૃત્તિને પવિત્ર અને મુગ્ધ બનાવી મૂકે છે. અને જેમ સિનેમામાં એક પછી એક દ્રશ્ય આવતા જ જાય છે. તેમ કથાના બધા દ્રશ્યો ફિનિક્સ શાળાની રંગભૂમિ પર આબેહૂબ ગોઠવાઈ જાય છે.’ જીવનનું પરોઢ એ પુસ્તક લેખકે ભલે પોતાને કેન્દ્રમાં રાખીને લખ્યું પરંતુ એમાં આલેખાયેલી વાતોનો વ્યાપ ઘણો મોટો છે. એમાં અનેકોની એવી અનેક વાતો છે જેમને પોતાના સ્વાનુભવથી લખવાનો હક અહીં પ્રભુદાસ ગાંધી જતાવે છે. પુસ્તકમાં ગાંધીજીની આત્મખોજ છે અને ફિનિક્સની પ્રયોગ ભૂમિમાં ઊઠતાં આંદોલનો અને મળતાં પરિણામો છે. જેનાથી ગાંધીજીની કાર્યપદ્ધતિ જાણવાની આપણી કુતૂહલવૃત્તિ સરળ અને સ્પષ્ટ બની સંતોષાતી જાય છે.

(પૃ ૯ -૧૬, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૦૨૩)