નારીસંપદાઃ વિવેચન/ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન

૫૪. ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન
‘નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨’ - એક અધ્યયન.

કોશા રાવલ

વાર્તા, કથા, નવલિકા તરીકે ઓળખાતુ આ કલા સ્વરૂપ મનુષ્યની સામાજિકતાના પડાવો સાથે જ ખીલતું ખૂલતું રહ્યું છે. કાળના પ્રવાહમાં શરૂઆતની મેદસ્વી વાર્તાને સ્થાને કલાતત્વની સમજ સાથે તેમાંથી જ આજનું નાજુક- નમણું નવલિકાનું કલેવર ઘડાયું. આપણાં સાહિત્યમાં તો નવલિકાની સ્વરૂપગત સમજ પશ્ચિમી સાહિત્યના પરિચયે દાખલ થઇ. સાહિત્યનાં સ્વરૂપ લેખે તેને અભૂતપૂર્વ લોકચાહના પણ મળી. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના આરંભમાં, ગુજરાતી નવલિકાલેખનનો આરંભ થયો. સમયના સુદીર્ઘ પટ પર લોકભોગ્ય સ્વરૂપલેખે અનેક નવલિકાઓ, નવલિકા સંગ્રહો તથા તેને લગતાં સંપાદનો આપણને સતત મળતાં રહ્યાં છે. તેમાં પાયાનું ગણાય તેવું એક સંપાદન આપણા જાણીતાં અભ્યાસુ શ્રી જયેશ ભોગાયતાના ધ્યાનમાં આવ્યું. રામચંદ્ર શુકલ દ્રારા સંપાદિત ‘નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨’ ની ગુણવત્તા જોતાં તેમને આ ગ્રંથ પુનઃ મુદ્રિત કરવાની જરૂરિયાત જણાઇ. ઇતિહાસની ગર્તામાં ખોવાઈ ગયેલા પુસ્તકની અભ્યાસ સામગ્રી દસ્તાવેજી મૂલ્ય ધરાવે, તેટલી મહત્ત્વની હતી. ઇતિહાસની કડી ગણાય તેવું આ સંપાદન લોકપ્રાપ્ય બનાવવા તેમણે સનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા. ગુજરાત સાહિત્ય અકાદમી ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરતી હોય, તો તેમણે આ બાબતે એકાધિકવાર ગુ. સા. અકાદમીનું ધ્યાન દોર્યું.

  • પુસ્તકના પુનર્મુદ્રણ માટે પુનઃ સંપાદનના પ્રકાશન સુધીની દરખાસ્તથી પ્રક્રિયા તેમણે સક્રિય રીતે નિભાવી.
  • બીજી આવૃતિના સંપાદનમાં નવલિકા સંગ્રહના રસબિંદુઓ તેમજ રચનાત્મક પાસા વિશે વિશદ છણાવટ કરી, જે નવા વાચકો તેમજ અભ્યાસુઓ માટે રસપ્રદ સામગ્રી બની રહે, તેવી સક્ષમ બની રહી
  • જૂનાં મુદ્રણની સ્થાને નવા મુદ્રણની સુઘડતા તથા ગુ. સા. અકાદમી દ્વારા ઉચ્ચ ગુણવતાની બાંહેધરીએ નવા વાચકવર્ગ સુધી પહોંચવાનો માર્ગ મોકળો કર્યો, જે પુનઃ સંપાદનની વિશિષ્ટ ભૂમિકા ગણી શકાય.
  • કાળના પ્રવાહમાં નષ્ટ થવાની અણી પર હતી તેવી સામગ્રીનો પુર્નઉદ્ધાર કરી તેમણે સાહિત્યની મૂક સેવા કરી કારણ કે ગુજરાતી ટૂંકીવાર્તાના ઇતિહાસમાં આ ગ્રંથ મહત્ત્વની સામગ્રી બની શકે તેમ છે.

આમ,પુનઃ સંપાદન દ્રારા શ્રી ભોગાયતાએ નવલિકા સંગ્રહના સંપાદનને પ્રકાશમાં લાવી ઈ. સ. ૧૯૧૨થી ૧૯૩૦ સુધીની વાર્તાઓ અને વાચકો વચ્ચે સેતુ જોડવાનું જે કામ કર્યું, તે માટે તેમને અભિનંદન આપી આપણે મૂળ સંપાદન અને સંપાદકશ્રી રામચંદ્ર શુક્લનો પરિચય મેળવીએ. ‘ગોવાલણી’ વાર્તા જેમ મલયાનિલને નવલિકા સ્વરૂપ માટે સ્થાપિત કરે છે. એ જ રીતે નવલિકા સંગ્રહના સંપાદનમાં સક્ષમ કહી શકાય તેવું પ્રથમ ઉદાહરણ રામચંદ્ર શુક્લ સંપાદિત ‘નવલિકા સંગ્રહ ભાગ ૧ અને ૨’ પુરું પાડે છે. ઐતિહાસિકતા, સંશોધના ભક્તા અને સાહિત્યિકતાના ત્રિકોણને સ્પર્શીને એક સમર્થ પ્રતિમાન આપવાની સંપાદકશ્રીની આકાંક્ષાએ આ સંગ્રહને ત્રિવિધ રીતે નોંધનીય બનાવ્યો છે. ઈ. સ. ૧૮૮૮ માં ભાગ-૧ અને ઈ. સ. ૧૯૦૧ બહાર પડેલ ભાગ ૧-૨ અનેક રીતે મૂલ્યવાન છે. પુસ્તકનું ચુસ્ત આયોજન અને આયોજનના હેતુંનું સાંગોપાંગ પરિવાહન, આ બાબતે કારણભૂત ગણી શકાય. સંપાદનવેળાએ તેમણે જે આયોજન અને આંતર શિસ્ત અપનાવી છે તે આજે પણ અભ્યાસુઓ માટે દૃષ્ટાંતરૂપ બને તેટલી ગુણવત્તા સભર છે. નવલિકાના વાંચનવેળાએ, સંપાદકશ્રી એ મુખ્યત્વે ચાર લક્ષ્યાંકો રાખ્યાં હોવાનું અનુમાની શકાય છે જેમકે;

(i) નવલિકાની વિકાસરેખા અને ગુજરાતી નવલિકાના ક્રમિકવિકાસની ગતિવિધી આલેખવી.
(ii) નવલિકાના ઘટકત્ત્તવોની સમજ ગુજરાતી નવલિકાના સંદર્ભે દર્શાવવી.
(iii) ગુજરાતના તત્કાલિન મુખ્ય વાર્તાકારોનો પરિચય આપવો.
(iv) વાર્તાકારોની વાર્તા સમીક્ષા સાથે, દૃષ્ટાંતરૂપે મૂકી આપવી.

આવા લક્ષ્યાંકો સેવવા પાછળ પણ કેટલીક સમયલક્ષી જરૂરિયાતો તેમણે અનુભવી હતી. નવલિકા સંગ્રહના સંપાદન માટે તેમની પાસે કેટલાક ચોક્કસ મુસદ્દાઓ હતા જેવા કે :

  • માત્ર પશ્ચિમ સાહિત્યના ઉપલક અનુકરણ કરવાને બદલે ગદ્યમાં આપણા વિકસતાં સ્વરૂપો જેવા કે નવલકથા, નવલિકા, નાટક આદિ વિશે પાયાની સમજ કેળવાય તેનું તત્કાલિન સાહિત્યને જોતાં તેમને આવશ્યક લાગ્યું હતું.
  • નવલિકાની કળા સ્વરૂપ લેખેની તાત્વિક સમજના અભાવે થતા ઘણા બધા અધકચરા પ્રયાસોને યોગ્ય દિશામાં વાળી શકાય, તેવું તેમનું માનવું હતું.
  • તે સમયે એટલે કે ઇ. સ. ૧૯૨૮ ની આસપાસ એમ. એ. ના ગુજરાતી અભ્યાસક્રમમાં નવલિકા. અભ્યાસ વિષય તરીકે દાખલ થઇ હતી. વિધાર્થીઓને સ્વરૂપગત સુસ્પષ્ટ સમજ મળે તેવા ગ્રંથની આવશ્યતા પણ ઊભી થઈ હતી.
  • કલાની દૃષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવી વાર્તાઓ અલગ તારવીને, શિષ્ટ કલાકૃતિથી વિશાળ વાચક સમુદાયની રસવૃત્તિનું ઘડતર થાય તેવો પ્રતિનિધિરૂપ ગ્રંથ ઉપલબ્ધ કરાવવાનું તેમને જરૂરી લાગતું હતું.

આમ,પશ્ચિમ સાહિત્યના વિશાળ વાંચનને પરિણામે તેમણે કલાતત્ત્વ તરીકે નવલિકાના જે શુદ્ધ સ્વરૂપને જાણ્યું પ્રમાણ્યું હતું, તે વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવાના ઉમદા હેતુસર તેમણે ‘નવલિકા સંગ્રહ ભાગ-૧ અને ૨’ નું સંપાદન કર્યું હતું. નવલિકાના સ્વરૂપ અને વિકાસની સ્પષ્ટ સમજણ મેળવી ઐતિહાસિક રીતે દસ્તાવેજી સામગ્રી પાડવાની તેમની ખેવના સંગ્રહમાં સતત અનુભવી શકાય છે. પુસ્તકના રચના સંવિધાન વિશે વિગતે જોઈએ તો બાહ્ય કલેવર લેખે (૧) નવલિકા વિકાસ (૨) નવલિકા સ્વરૂપ પરિચય (૩) વાર્તાકારોનો પરિચય (૪) વાર્તાઓ (૫) પુસ્તક સંગ્રહ ની સાલવારી - આટલી બાબતોનો સામવેશ કરવામાં આવ્યો છે : આંતરિક સંરચનામાં પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ નું માળખું તેમણે સ્વીકાર્યુ છે. જે રીતે પાલગ્રેવે વિષયના સામ્યને આધારે કાવ્યોની ગોઠવણી કરી હતી તે જ રીતે તેમણે પણ કૃતિઓના વિષયને આધારે ગોઠવણી કરી છે. જેમાં પ્રથમ સામાજિક પ્રશ્નોને ચર્ચતી નવલિકાઓ, ત્યારબાદ કટાક્ષ યુક્ત વાર્તાઓ તથા અંતમાં અદ્ભૂત રંગદર્શી અને વાસ્તવવાદ તરફ ઝોક દર્શાવતી વાર્તાઓ મૂકી છે. આના લીધે જ મલયાનિલ અને નારદ જેવા સમકાલીન સર્જકોની વાર્તા સાથે સાથે આવવા બદલે સામાજિક અને હાસ્યરસની વાર્તાના ફાંટાને લીધે અલગ - અલગ જોવા મળી છે. નવલિકા સંગ્રહની સામગ્રી માટે તેમણે તે સમયે ઊપલબ્ધ વાર્તા સંગ્રહો તથા વાર્તા પ્રસિદ્ધ કરતાં સાહિત્યિક સામયિકો ખપમાં લીધાં આવા વાર્તાસંગ્રહોમાં ‘વાર્તા લહરી’ (૧૯૦૯) ‘ટૂંકીવાર્તા ભાગ-૧’(સસ્તુ સાહિત્ય પ્રકાશન), ‘રસીલી વાર્તાઓ ભાગ- ૧’(૧૯૧૪), ‘કથામંજરી ભાગ ૧ અને ૨’, ‘હાસ્ય લહરી’(૧૯૨૪) જેવા સંપાદનોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ જે-તે વાર્તાકારોના વાર્તાસંગ્રહમાંથી પણ પસાર થયા. તે સમયના વાર્તા સાહિત્યને લગતાં સામયિકો જેવા કે ‘સુંદરી સુબોધ’, ‘જ્ઞાન સુધા’, ‘વાર્તાવારિધિ’, ‘સાહિત્ય’, ‘વીસમી સદી’, ‘ચેતન’, ‘ગુજરાત’, ‘નવચેતન’, ‘શારદા’, ‘ગુણસુંદરી’, ‘યુગધર્મ’, ‘સુવર્ણમાલા’, ‘પ્રસ્થાન’ આદિમાં છપાતી થોકબંધ નવલિકાઓને પણ ધ્યાનમાં લીધી. લેખકોના સ્વતંત્ર વાર્તાસંગ્રહો જેવા કે મુનશીની ‘મારી કમલા અને બીજી વાતો’, ધનસુખલાલ મહેતાની ‘હું, સરલા અને મિત્ર મંડળ’, મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસાધાર ભાગ ૧ થી ૫’, ધૂમકેતુની ‘તણખામંડળ ભાગ-૧’ જેવા અનેક સંગ્રહો પણ કાચી સામગ્રી લેખે તેમણે ઊપયોગમાં લીધા હતાં. આમ, વિશાળ પટ પર થોકબંધ સામગ્રીમાંથી વિહંગાવલોકન કરી, તેમણે યોગ્ય વાર્તાઓ જુદી તારવી. પસંદગીમાં ચુસ્ત માપદંડને અનુસરતા તેમણે આ પ્રમાણેની વાર્તાઓ સંગ્રહથી દૂર રાખી :

  • મોટાભાગની સામયિક સ્થિત વાર્તાઓ, પ્રેમને વિષય બનાવીને ‘વ્હાલા વ્હાલીની વાયલ વાતો’ની કક્ષાની હતી. સંગ્રહમાં આવી આવેગના ઉભરા જેવી વાર્તાઓને સ્થાન આપવાનું તેમને અનાવશ્યક લાગ્યું.
  • એ વખતે અંગ્રેજી સાહિત્ય અને બંગાળી સાહિત્યની ગાઢ અસર આપણા પર પડી હોવાથી આવા સાહિત્યની અનુછાયા સમી ઢગલાબંધ રચનાઓ પર પણ તેમણે ચોકડી મારી હતી.
  • અધકચરાં પ્રયાસવાળી, ઊપલક વાર્તાકાઠું ધરાવતી વાર્તાઓથી પણ તેઓ દૂર રહ્યા.
  • સત્ત્વશીલ જણાતી કૃતિઓ જેમાં બોધ, મનોરંજન કે સ્થૂળહાસ્યને સ્થાને—જીવનની ગહનતાનું કલાપૂર્ણ દર્શન થતું હોય તેવી વાર્તાઓ લેવાનો આગ્રહ રાખ્યો.
  • નવીન વાર્તાઓ જેમાં નિબંધ જેવી ઉઘાડી બોધવૃત્તિને સ્થાને કલાપૂર્ણ વ્યંજના હોય, તેને લેવાનો ખાસ આગ્રહ રાખ્યો.
  • તેમણે આત્માની ચિરકાલીન તરસ છીપાવે-તેવી કૃતિઓ શોધવા માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા.
  • કલાતત્વોની સભાનતા સેવતાં લેખકો પર તેમણે સવિશેષ ઝુકાવ રાખ્યો.

જો કે અહીં એ વાત ભૂલવી ન જોઈએ કે સંગ્રહની બધી જ વાર્તાઓ સો ટચ સોના જેવી શુદ્ધ નથી કારણ કે રચના સંવિધાન, પાત્ર, હેતુ, સંવાદ અને શૈલીના બધાં જ પાસાઓ તો ભાગ્યે જ કોઇ વાર્તામાં સંપૂર્ણરૂપે જોવા મળે. કલાનાં બધા જ ધોરણોની જાળવણી કરવી, દરેક વાર્તા કે વાર્તાકાર માટે શક્ય જ ન હોય. આમ છતાં વાર્તાની પસંદગી વેળાએ મહત્તમ ગુણોની ચકાસણી કરીને કલાકીય અભિગમ સાથે તેમણે વાર્તાઓ સંગ્રહસ્થ કરી છે. કલાના પાંખા પડતાં પોતની તથા વાર્તાકારોના દોષની પણ તેમણે પૂરી તટસ્થતાથી ચર્ચા કરી છે. નવલિકા તત્ત્વ વિશેની ચુસ્ત સમજણને કારણે વિવેચક અને સંપાદક તરીકે તેમની વિવેકબુદ્ધિ ઘણીજ સમતલ રાખી શક્યા છે. વળી તેમણે તે સમયે લેખકોનાં કરેલા મૂલ્યાંકનો એટલાં તટસ્થ છે કે અત્યારે પણ અભ્યાસ કરતી વળાંએ એટલાં જ વસ્તુલક્ષી બની રહે છે. કળાની દૃષ્ટિ એ તેમણે ઊંચા માનેલા સાહિત્યકારોનાં નામ ખરેખર કાળના પ્રવાહ પછી પણ એટલાં જ ઊંચા રહ્યાં છે. વાર્તાઓનું તેમણે એટલું તટસ્થ નિરીક્ષણ કર્યું છે કે અભ્યાસ માટે, તે નિત્ય તરોતાજા જ લાગે છે. તેમણે આપેલો વાર્તાકારોનો પરિચય-ઘણીબધી, તે સમયના સમાજની, તેમજ જે-તે લેખકની સાહિત્યિક સેવા વિશેની ઉપયોગી માહિતી પૂરી પાડે છે. એટલું જ નહિ, લેખકોની વાર્તાલેખન સિવાયની સાહિત્યિક પ્રવૃતિઓ જેવી કે સંપાદન, લેખન સમાજસેવા આદિનો પણ નવો પરિચય મળે છે. આમ, ઐતિહાસિક દૃષ્ટિએ પણ નવલિકા સંગ્રહની અભ્યાસ સામગ્રી મહત્ત્વની બની રહે છે. અહિં પ્રસ્તાવનામાં તેમણે કરેલાં નવલિકાકારોનાં અવલોકનમાં તેમની ઝીણવટ ભરી સમજણ શક્તિ, તથા વાર્તાકલા વિશેની તેમની સુસ્પષ્ટ સમજ ઉભરી આવે છે. અલબત, બુટુભાઇ ઉમરવડીયા તથા લીલાવતી મુનશીનો પ્રશંસામાં ક્યાંક અતિરેક થયો હોવાનું લાગે છે. અન્યથા જે તટસ્થતા સાથે સમકાલીન સાહિત્યકારોનું મૂલ્યાંકન તેમણે જે રીતે કર્યુ છે, તે પૂરા પ્રમાણિક પ્રયત્નોની છાપ છોડે છે. આવો જ ચીવટપૂર્વકનો અભ્યાસ બીજા સંગ્રહના આમુખરૂપે આવતા સંપાદકીય લેખમાં જોવા મળે છે. નવલિકા તત્વોની સમજણ આપતા તેમના લેખ વિશે શ્રી કનૈયાલાલ મુનશી આ રીતે લખે છે કે : “એનું સમગ્ર દર્શન આ સંગ્રહમાં વાચકને જડશે : એની પદ્ધતિ દિશા પણ એમાં મળશે... આખું પુસ્તક આખા નવલિકાના સાહિત્યનો સમગ્ર ખ્યાલ સારી રીતે આપી શકે તેમ છે.’ (પૃ. ૨૬. પ્રસ્તાવનામાંથી) આમ,નવલિકા સાહિત્યનો સમગ્રાવગાહી ખ્યાલ મેળવવા આ અભ્યાસ ઉપયોગી હોય, તેની સંક્ષેપમાં ઉપયોગી હોય, તેની સંક્ષેપમાં માહિતી અહીં આવેલ છે : અભ્યાસની શરૂઆત માટે સૌ પ્રથમ તો અન્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપોથી નવલિકાના સ્વરૂપની વ્યાવર્તકતા સામે દર્શાવવા માંગે છે. આ માટે તેમણે વાર્તા નવલકથા અને નાટક સાથે નવલિકાનો સામ્યભેદ દર્શાવ્યો છે. તેઓ કહે છે.

(i) ઐતિહાસિક દૃષ્ટિએ નવલિકા-સાદી વાર્તામાંથી નીપજેલું કલાતત્ત્વ છે. સાદી વાત માં ઘટના જ મુખ્ય હોય અને આનંદ ઉપરાંત કશો હેતુ ન હોય - તેથી તેમાં અસંબદ્ધ પ્રસંગો, વર્ણનો તથા પ્રાણ વિનાનું પાત્રલેખન માત્ર ઘટનાના બળે ચાલતું રહે છે. જ્યારે નવલિકામાં પ્રસંગ, વર્ણન, પાત્ર આદિમાં એકતા અને કલાના ધોરણોની જાળવણી કરવામાં આવે છે.
(ii) તે સમયે નવલિકાને નવલકથાનું નાનું સ્વરૂપ હોવાનું માનતાં લોકોની ગેરસમજ દૂર કરવા સંપાદકશ્રી સ્પષ્ટ કરે છે કે નવલકથામાં વ્યાપક ફલક પર સમગ્ર પાત્રવિકાસ આદિ નો ખ્યાલ આપવાનો હોવાથી તે જટિલ સ્વરૂપ છે. પણ તેને ટૂંકાવવાથી નવલિકા હરગીઝ ન બને. કારણ કે નવલિકા માત્ર પાત્રના જીવનના એક ભાગ પર જ કેન્દ્રિત હોય છે, તેની ગતિ એક ધ્યેય તરફથી હોય છે.
(iii) નાટક અને નવલિકા બંનેમાં વર્ણન અને અસંબદ્ધ ઘટનાઓને બાદ કરી નાખવામાં આવે છે. પણ નાટક માત્ર સંવાદો વડે જ નિર્વહણ કરી શકે છે. જ્યારે નવલિકામાં સંવાદ ઉપરાંત ઊર્મિ, ભાવમય અનુભવો પણ નિબંધ માફક આવી શકે છે છતાં નિબંધ કરતાં પણ નવલિકા અલગ પડે છે, તે ચોક્કસ છે.

આમ,નવલિકાના સ્વરૂપની અન્ય સ્વરૂપથી વ્યાવર્તકતા બતાવી તેઓ નવલિકાની વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરે છે. આ ચર્ચામાં હડસન, ઓલબ્રાઈટ, ધૂમકેતુ આદિનો ઉલ્લેખ પણ કરે છે. ચર્ચાના સમાપન અંતે તેઓ જણાવે છે કે નવલિકાનું સર્વમાન્ય પાસુ છે. તે તો સીધી લક્ષ્યવેધી અસર ઉત્પન્ન કરવાનું. તેમજ વસ્તુઐકય જાળવવાનું છે. હવે નવલિકાના અગત્યના બાર ઘટકતત્ત્વોની પણ તેઓ ચર્ચા કરે છે, જેની થોડી નોંધ લઈએ:

  • વાર્તાનો વિષય : સંક્ષિપ્તમાં ચર્ચી શકાય તેવો વિષય પસંદ કરી વાર્તાકારો તેમાં પોતાનું આગવું દૃષ્ટિબિંદુ જોડવું જોઈએ, તેવું તેઓ માને છે. આ માટે વાર્તાકાર પાસે અભ્યાસ, અવલોકન અને સતેજ કલ્પનાશક્તિ હોવી જરૂરી જણાય છે.
  • વાર્તાનો હેતુ : વાર્તાનું પ્રાણતત્ત્વ તેમના મતે બીજરૂપ વિચાર છે. ઉદ્દેશહિન વાર્તા એટલી અસરકારક બની શકતી નથી, જેટલી એક અર્થપૂર્ણ વાર્તા બની શકે છે. હેતુ પસંદગી પછી વાર્તાકાર માટે પાત્ર, વસ્તુ અને વાતાવરણ સર્જવાનું કસોટી કાર્ય હોય છે.
  • પાત્રાલેખન : મોટાભાગે તો ચોક્કસ પાત્રની આકર્ષી ગયેલી વિભાવના જ વિષય પસંદગીમાં ભાગ ભજવતી હોય છે. સંઘર્ષ અને પરાકાષ્ઠા સાથે ઉઘડતી પાત્રોની વ્યક્તિગતતા નવલિકાને કસદાર બનાવી શકે છે, કારણકે નવલકથાની માફક અહિં સમગ્ર પાત્ર પરિચય આપવાનો હોતો નથી.
  • વસ્તુસંકલના : યોગ્ય પ્રસંગો ચૂંટીને માત્ર કાર્યકારણરૂપ વસ્તુનું સંકલન કરવું, નવલિકાકાર માટે જરૂરી એ કારણે બની રહે છે કે નવલિકાના નાજુક કલેવર તો જ જાળવી શકાય.
  • સમયની એકતા: નવલિકામાં ભૂત, ભાવિ-વર્તમાનની સહોપસ્થિતિ શકય છે, પરંતુ તેનું એકીકરણ નહિ સાંધો નહિ રેણની માફક એવી સરસ રીતે થવું જોઈએ કે જેથી વાર્તાકલાને હાનિ ન પહોંચે.
  • વાતાવરણ : વિષયને અનુરૂપ વાતાવરણ ઘડવું લેખક માટે આવશ્યક બની રહે છે. પ્રસંગ કે વાતાવરણ પ્રધાન વાર્તા પણ રચી શકાય, પરંતુ પાત્રપ્રધાન વાર્તા વિશેષ અસરકારક બની શકે છે.
  • સંવાદ : નવલિકાને વાસ્તવિક ઘાટ આપવામાં સંવાદ ઉપયોગી નીવડે છે. પાત્રના ભાવ, વિચાર અને ઊર્મિ વહન કરવામાં જો સંવાદ વિભાવનાથી અલગ પડી જાય તો કલાઘાતક નીવડે છે. ટૂંકા સ્વાભાવિક અને અર્થપૂર્ણ સંવાદ નવલિકાના નિર્વહણ માટે સચોટ પૂરવાર થાય છે.
  • રસનિષ્પતિ : કરુણ, હાસ્ય, અદ્ભૂત, શૃંગાર... જે પણ રસ કથાકાર ને સ્પર્શવો હોય તે રસની વસ્તુ, પાત્ર અને સંવાદ દ્વારા જમાવટ કરવી જરૂરી બની રહે છે. કોઇપણ રસનો અતિરેક મેલોડ્રોમેટિક અસર ઉત્પન્ન કરે છે, જે અંતે તો કથાને જ નબળી બનાવે છે.
  • જીવનદર્શન : કથાકારનું નિજી વ્યક્તિત્વ જ કથામાં પ્રાણ પૂરનાર તત્ત્વ છે. જીવનના સનાતન સત્યો અને મૂલ્યો સ્વયં કર્તાના વ્યક્તિત્ત્વ રૂપે ઉર્જિત થયા હોય ત્યારે જ તે, જે તે જીવનદર્શનને સચોટ રીતે રજૂ કરી શકે છે. જીવનદર્શન બોલકું બનવાને બદલે કથામાં ઓતપ્રોત થઈને આવવું જોઈએ.
  • શૈલી : શૈલી એ આમ તો લેખકનું વ્યક્તિત્ત્વ જ છે. બૌદ્ધિકતા લાગણી શીલતા. સૌંદર્ય દૃષ્ટિ જેવા શૈલીના બળકટ તત્ત્વો પ્રથમ પંક્તિનાં સાહિત્યકારમાં અનાયાસે જોડાયેલા જોવા મળે છે.

આમ, અહિં ઉપરોકત ચર્ચા કરતાં સંપાદકશ્રી એટલાં બધા ઉદાહરણો, અવતરણો ટાકે છે કે તે વાંચતાં નવલિકાની સ્વરૂપગત સમજ એકદમ સ્પષ્ટ બની જાય છે. હવે પછી આપણે નવલિકા સંગ્રહની નવલિકા તરફ આપણી દૃષ્ટિ સ્થિર કરીએ તો બન્ને સંચય મળીને કુલ વીસ વાર્તાકારોની પંચાવન વાર્તાઓ સંગ્રહિત કરવામાં આવી છે. જેમાં મલયાનીલ (ચાર), રામમોહનરાય જસવંત દેસાઈ (એક), રણજિત રામ (બે), કેશવ પ્રસાદ દેસાઈ (બે), જગજીવનદાસ ત્રીકમજી કોઠારી ‘ઓલિયા જોશી’ (બે), ધનસુખલાલ મહેતા (પાંચ), હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ ‘મસ્ત ફકીર’ (એક), નારદ (બે), બાહુક (એક), કનૈયાલાલ મૂનશી (પાંચ), બટુભાઈ ઉમરવડિયા (બે), લીલાવતી મુનશી (પાંચ), જયકૃષ્ણ નાગરદા વર્મા (એક), ગોકુળદાસ રાયચૂરા (ત્રણ), ઝવેરચંદ મેઘાણી (છ), ઈન્દ્રલાલ (બે), ગૌરીશંકર જોષી ‘ધૂમકેતુ’ (સાત), રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ (એક) અહિં મલયાનીલ, મુનશીદંપતી, મેઘાણી અને ધૂમકેતુની સર્વાધિક વાર્તા લઈ-વાર્તાકાર તરીકેના તેઓના મહત્ત્વને ઉમદાભાવે આવકાર્યું છે. સંગ્રહમાં ‘મલયાનિલ’ની ચાર વાર્તાઓ ‘ગોવાલણી’, ‘એક સામાજિક પ્રશ્ન’, ‘જોડલાં ઈ તો દેવ જેવાં’, તથા ‘અમાસની રાત’ નો સમાવેશ થાય છે. ‘ગોવાલણી’ પ્રથિતયશ કૃતિ આમ તો વાચકો માટે અજાણી નથી લેખકે કલાકૃતિ બનાવવા સુરેખ ગતિથી ગ્રંથન કરવાની સાથે રોમેન્ટિક પરિવેશ જાળવ્યો છે. ભરવાડણ દલીના સૌંદર્ય પાછળ મુગ્ધ બનીને તેનો પીછો કરતાં નાયકને, વાર્તાન્તે પત્ની સાથે ઉપસ્થિત થતી દલીલને કારણે જે હાલ થાય તે સ્થિતિ વર્ણવતાં લેખકે લખ્યું છે કેઃ ચિત્રકારે અહિં ત્રણ ચિત્રો ચિતરવાનાં હતા એક કાલિકા, બીજી જાદુગરણો અને ત્રીજો બેવકૂફ. આમ, રંગદર્શી વાતાવરણ અને વસ્તુ સંકલનની ચુસ્તી, તેને પ્રથમ ક્લામય ગુજરાતી નવલિકા કહેવા પ્રેરે છે. બીજી વાર્તા ‘જોડલાં ઇ તો દેવ જેવાં’ માં મનુષ્ય અને પ્રકૃતિનો તદાકાર ભાવ દર્શાવી લેખકે અદ્દભૂત રસ ઉત્પન્ન કર્યો છે. વીંટળાઇ વળેલી જૂઈને જોઇ તેમાં અખંડ દેવીદેવતાની જોડ અનુભવતી માળીની પુત્રી દિવાળીનું વ્યક્તિ ચિત્ર અહિં આકર્ષક બન્યું છે. ‘અમાસની રાત’ માંડ બે પાનની આંતરમનની કથા છે, જેમાં પરપુરુષથી આર્કષાયેલી પત્નીના પાશ્ચાતાપને લીધે તેને માફ કરતા પતિની વાત છે. અલબત્ત સંવાદો ઘણા નાટકીય લાગે છે. તો ‘એક સામાજિક પ્રશ્ન’ પ્રણયત્રિકોણની સામાજિક વેદના સુધારણાનાં પ્રશ્ને વિશેષ અટવાયેલા લાગે છે. રામ મોહન રાય દેસાઈ ની ‘કાયદાનો ન્યાય’ કોના પાપની સજા કોને મળે છે. તે પ્રશ્ન પર કેન્દ્રિત થયેલી છે. ગુનેગારી તરફ વળેલાં પતિ પુરણસીંગને કેદની સજા થાય, પણ તેનો ભોગ પત્ની જસોદા અને બે બાળકો બને છે. અંતે, ગરીબ સ્ત્રી મજબૂરીને કારણે વેશ્યા વ્યવસાય તરફ ધકેલાય છે, તેથી વ્યથિત લેખક સર્વજ્ઞના કથનકેન્દ્રથી પ્રશ્ન કરે છે કે કાયદાનો આ ન્યાય કેવો ? જો કે સામાજિક પ્રશ્ન છેડતી કલમ વસ્તુસંકલનામાં થોડી શિથિલ જણાય છે. રણજિતરામ મહેતા આમ તો ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક તરીકે જાણીતું નામ છે. ગુજરાતની અસ્મિતા, અખંડિતતાનું તેમને મન જે મહત્ત્વ હતું તે સાહિત્ય સર્જનમાં પણ દાખલ થયેલું જોવા મળે છે. ‘આમદ અને રૂપાદે’ નામની સંગ્રહસ્થ વાર્તા મુસલમાન આમદ અને રજપૂતાણી રૂપાદેના ધીમે-ધીમે ખીલતાં પ્રણયથી લઈ લગ્ન સુધીનું આલેખન કરે છે. પરધર્મીના લગ્નનાં ઉમદા ભાવ ને ખોલવવાની ખેવના સાથે રચાયેલી વાર્તામાં શિથિલ ઘટનાઓ રસક્ષતિમાં પરિણમે છે. અન્ય વાર્તા ‘સુવર્ણ’ નારી નાના આવિષ્કારને રજૂ કરે છે. સંપત્તિવાન, આકર્ષક, તેજ હોવા છતાં વિદ્યારહિત જડ પતિ તરફના આંધળા સખીભાવને સ્થાને દેશપ્રેમને મૂલ્યવાન ગણતી સુવર્ણાની પાત્ર રેખા જે રીતે ક્રમિક વિકાસ પામે છે, તે આસ્વાદ્ય છે. ભૌતિકતામાંથી ધીમે-ધીમે સૂક્ષ્મતા દ્વારા પોતાના વ્યક્તિત્ત્વની આર્વિભાવ ઝંખવાનો ભાવ-વાર્તારસને જમાવી રાખે છે. ફ્રેંચ નવલિકાકાર ગા દ મોંપાસાની ‘Simon’s Papa’ નામની વાર્તા આધારે કેશવ પ્રસાદ દેસાઈએ ‘બટુક નો બાપ ક્રોણ ?’ નામક વાર્તા રચી છે. ગામમાં આવેલી એકલી,સ્ત્રી અને તેનો પુત્ર, ગામ લોકોની કુથલીનો કેવો ભોગ બને છે, તે વાર્તામાં રસપ્રદ રીતે બતાવ્યું છે. વાર્તામાં સુખાંત લાવવા કુથલીથી ત્રાસી કુવો પૂરવા જતી નાયિકાને કારખાનેદાર મણિલાલ માત્ર બચાવે છે એટલું જ નહિં, બટુકના બાનું નામ ‘બટુક મણિલાલ’ નામ આપે છે, તે દર્શાવી અહિં પૂર્નલગ્નનો મુદ્દો કુશળતાથી ચર્ચાયો છે. મૂળ વાર્તાનું દેશીકરણ એવું કુશળતાથી થયું છે કે ખુદ સંપાદકશ્રીને પણ પ્રથમ સંગ્રહ વખતે તે અન્ય કૃતિથી પ્રભાવિત થઇ લખાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું નહોતું. જે તેમણે બીજા સંગ્રહની નોંધમાં જણાવ્યું છે. ‘શો ન્યાય મળશે?’ આમ તો સંગ્રહની નબળી કૃતિઓમાંની એક છે. તરછોડાયેલો અનૌરસ પૂત્ર આક્રોશ અનુભવી, ઉશ્કેરાટમાં માતાપિતાની હત્યા કરી નાંખે છે, આ કર્થાનક નાટકીય પ્રસંગો અને આઘાતજન્ય અંતને કારણે સુરુચિપૂર્ણ લાગતું નથી, બલકે વાર્તાકારની ન્યૂનતાનો અનુભવ કરાવે છે. જગજીવનદાસ કોઠારી એટલે કે ‘ઓલિયા જોષી’ આમ નર્મમર્મ હાસ્યના ચાહક રહ્યાં છે. ‘ઘરવટ’ વાર્તામાં તેમની હાસ્યકલાનો સારો પરિચય મળે છે. ઉધરાણી માટે રાખેલી હજારની નોટ ગૂમ થતાં તેને શોધવાના પ્રયત્નરૂપે, વાર્તાનાયક જે રીતે ટપાલ માસ્તરના ઘરે જોઈ ખોટી ઓળખાણોનો ઘરોબો દેખાડે છે. જો હાસ્યરસને પ્રેરે છે. આવો જ, માનવ સ્વભાવની નબળાઈઓને પારખતી તેમની દ્રષ્ટિનો ચમકારો મોટી ઉધરસમાં પણ જોવા મળે છે. નવી-નવી માતા બનેલી પત્ની ખાંસતાં બાળકને જોઈ એટલી ચિંતાતુર બની જાય છે કે પતિને મને કમને અનેક નુસ્ખાઓમાં જોતરતી રહે છે. અંતે બાળકના ગળામાં સોપારી ભરાઈ ગઈ હોવાનું ડોકટરનું તારણ ‘મોટી ઉધરસ’ નું રહસ્ય છતું કરે છે. વાર્તાનાં બંને વાર્તાઓમાં હાસ્ય સ્થૂળ હોવા છતાં, વાર્તારસને જાળવી રાખે છે. રમણલાલ નિલકંઠની હાસ્યકટાક્ષ વૃત્તિનો પરિચય ‘ભદ્રંભદ્ર’ દ્વારા તો મળ્યો જ છે. અહિં સંગ્રહસ્થ ‘ચીઠ્ઠી’ વાર્તામાં નજીવા કારણોસર ચીઠ્ઠી લખાવવા, વાર્તાનાયક પાસે આવતાં લોકોના પ્રસંગો દ્રારા ભલામણ કરાવવાની સહેલી રીત અનુસરતા લોકો પર તેમણે કટાક્ષ કર્યો છે. તેમની અન્ય વાર્તા ‘તૈયાર છે’ માં તરંગી માણસના કલ્પનાની સૃષ્ટિ વાસ્તવિક્તા કેટલી વેગળી હોય છે તેના પર કટાક્ષ કરવામાં આવ્યો : શેખચલ્લીવૃત્તિથી કલ્પનાની સૃષ્ટિથી બધું જ. યોજનારૂપે તૈયાર છે’ કહેવાતાં વાર્તાના પાત્ર પાસે વાસ્તવમાં કોઈ સમસ્યાના ઉકેલનો હલ નથી તે દર્શાવી મનુષ્ય સ્વભાવની સ્વાર્થ વૃત્તિ અને પ્રમાદ ભાવ તરફ તેમણે વ્યંગ કર્યો છે. ધનસુખલાલ મહેતાની સંપાદકશ્રીએ સંગ્રહમાં પાંચ વાર્તાઓ ગ્રંથસ્થ કરી છે. જેમાં ‘સૌ સરખા’ ‘પ્રેમના પાયશ્ચિત’, ‘ભૂતનાં ભડકા’ ધ્યાનપાત્ર છે. ‘સૌ સરખાં’ માં લેખકે માનવમનની ‘પારકે ભાણે મોટો લાડુ’ અનુભવવાની વૃત્તિ પર કટાક્ષ કર્યો છે. પોતાના કરતાં અન્યોન્યને સુખી અનુભવતાં મી. મહેતા અને મગનલાલ શેઠ પરસ્પરની ઇર્ષ્યા કરતાં દુઃખી થતાં રહે છે. પરંતુ જ્યારે બન્નેને ખબર પડે છે કે સુધારાવાદી પત્ની હોવા છતાં મી. મહેતા અને ઘરરખુ પત્ની હોવા છતાં મગનલાલ શેઠ બન્ને સમદુઃખિયા જ છે. આમ, પોતાનો પત્નીને કારણે દુઃખી હોવા છતાં બન્નેમાં સમદુઃખિયા હોવાનો સમાનભાવ જે હાશકારો અનુભવાવે છે, તે હાસ્યમિશ્રિત કરુણરસને વ્યંજિત કરે છે. અન્ય વાર્તા ‘પ્રેમના પાયશ્ચિત’ માં વાર્તાનાયક મધુસુદનનો વાગદત્તા વાસંતીને મળવાં માટેનો તરફડાટ લેખકે રંગદર્શીપીંછીંથી આલેખ્યો છે. રૂઢિમાં જકડાયેલ ઉભય હૈયા નો તલસાટ, અને સખી કુટુંબીજનોના વાગ્બાણો સહન કરવા છતાં યથપ્તથ મળવાની નાયકની પ્રણયઉન્માદ, રસાળ શૈલીને કારણે માણવા લાયક બન્યો છે. ‘હું અને સરલા’ પણ તેમની ધ્યાનાર્હ વાર્તા છે. બે યુવા પ્રેમી-નાયક અને સરલાને પરસ્પરની સાથે રહેવા દેવાને બદલે, સમગ્ર ઘટનાચક્ર પોતાની જ ધરી પર ઊભું રહે તેવો શોભનાપતિ સ્નેહવદનનો દુરાગ્રહ કેવો સર્વ પર મંડાય છે તે દર્શાવી, ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરી છૂટવાની મનોવૃત્તિ પર લેખકે માર્મિક હાસ્ય નીપજાવ્યું છે. ‘બીજવર’ હૃદય ઝંઝાવાત પર ઉભેલી કથા છે. બીજી વાર લગ્ન કરવાં તૈયાર થયેલાં વાર્તાનાયકના મનમાં ઝળકતી મૃતપત્ની ચંદ્રિકાનું પ્રથમ દર્શન, તેની સાથે વીતાવેલી મેઘલ સાંજ અને અન્તિમ દર્શનની સ્મૃતિયાત્રા-માંહ્યરામાં પગ મૂકવાની સાથે તૂટે છે. મનની સંકુલ અવસ્થાને કારણે ઊઠતાં અવસાદને હડસેલી ઉલ્લાસના વાતાવરણમાં ક્રમને જોડાવાની નાયકની સ્થિતિ કુશળ કલાકારની અદાથી તેમણે ચીતરી છે. ‘ભૂતનાં ભડકા” કરુણ પ્રણયકથા છે. અલબત્ત, લેખકે વાતાવરણ હળવાશનું જ રાખ્યું છે. વાર્તામાં સતત ખુશમિજાજ રહેતા જગમોહનની દિલની કિતાબનું એક કરૂણ રહસ્ય અનાયાસે વાર્તાનાયક પાસે ખૂલે છે, એ કાંઈક આવું છે. બાળપણથી સાથે ઉછરેલા પ્રકાશિકા અને જગમોહન અગમ્ય આકર્ષણમાં ખેંચાતાં જતા હોય છે. તેવામાં આગ લાગતાં પ્રકાશને બચાવવા જગમોહન જીવના જોખમે કુદે છે, મરણોન્મુક સ્થિતિમાં બને એકબીજા માટેની પ્રચંડ લાગણીનો એકરાર કરે છે. પરંતુ આગમાંથી બચ્યા બાદ પ્રકાશિકાના પિતા નિદર્યતાથી જગમોહનને ઘડિયાળ ભેટમાં આપે છે, જેના પર લખ્યું હોય છે : “મારા પ્રાણ બચાવવા જે ભાઈએ પોતાનો પ્રાણ જોખમમાં નાખ્યો હતો તે ભાઈ કિશોરને આમ, બળજબરીથી નામ આપાયેલા સંબંધની રીશ, જગમોહનના વાર્તાકથનમાં સ્પષ્ટ રીતે અનુભવાય છે. ભૂતકાળની આગના ભડકાંની હમેશા દઝાવતી લાહ્ય દર્શાવવા છતાં અચાનક વર્તમાનમાં પાછાં ફરતાં, પત્નીના આગમનને મસ્તીથી આવકારતો જગમોહનનો મિજાજ- વાર્તાનાં ઊંડાણને લાગણીધેલા બન્યાં વિના પણ ચોટદાર રીતે વ્યકત કરે છે. આમ, ધનસુખલાલ મહેતાને સંપાદકશ્રી પ્રથમ પંક્તિના મર્મવિદ્ ગણે છે, કારણ કે તેઓ માત્ર સ્થૂલ ભૂમિ પર હાસ્ય કે કરુણરસ નીપજાવવાને બદલે માનવસ્વભાવના ઊંડા નિરીક્ષણથી વાર્તારસને ગૂંથે છે. તેમનું હાસ્ય પણ સૂક્ષ્મરસની કોટિએ પહોંચે છે. મુનિકુમાર મણિશંકર ભટ્ટની વાર્તા ‘એક ઐતિહાસિક મૃત્યુ’ અફવા ફેલાવવાની મનોવૃતિ કટાક્ષ કરે છે. પોલીસે ચોર સમજી મારેલાં ગધેડાનો, જૈન સંધ દ્વારા વિરોધ એ કક્ષાએ પહોંચે છે કે ઓફિસના ક્લાર્ક, પ્રુફરિડર અને છેલ્લે અખબાર સુધી પોંહચતા તો તે મિ. ડોનીની હત્યા અને સુખદ સહાનુભૂતિની નોંધરૂપે બ્હાર આવે છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પોંહચતી સાદી વાત કેવી વિકૃત કક્ષાએ જાય છે તે અહિં હાસ્યના ઢોલ સાથે કહેવાયું છે. બીજાની ભૂલ માટે રજનું ગજ કરતી મનુષ્યની માનસિકતા પર અહિં કટાક્ષ કરવામાં આવ્યો છે. હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટની ‘પરદુઃખભંજન પ્રજા’ પણ આવી જ કટાક્ષિકા છે. અતિશય પ્રમાણમાં સદ્ગુણો ધરાવતી ટાપૂની ‘શામૂશા’ પ્રજા જાપાનીઓની મિત્રાચારી નિભાવવા કેવું સ્વબલિદાન આપી સ્વવિનાશે પહોંચે છે, તેનું વ્યંગાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. ‘અતિની નહિ ગતિ’ના ન્યાયે વધુ પડતી ભલમનસાઈ પણ કેટલી નકામી છે તે કાલ્પનિક કથાવસ્તુ હોવા છતાં, લેખકે સુક્ષ્મ દૃષ્ટિથી આલેખી બતાવ્યું છે. ‘મલયાનિલ’ની સમકક્ષ ગણતાં ‘નારદ’ ની વાર્તાકલા વિકાસની ગતિએ ચાલતી હોવાનો સંપાદશ્રીને સંતોષ છે. ‘હું કેમ પરણ્યો’ પ્રસંગ પ્રધાન વાર્તા છે. જેમાં યુવતી લક્ષ્મી સ્વપસંદગીના લગ્ન કરવા કથાનાયકને કેવી રીતે આંતરે છે. તે દર્શાવ્યું છે. અલબત્ત કથા વાર્તાનાયકના કથન-કેન્દ્રથી કહેવાઈ હોવાથી પ્રણયગાથા રહસ્યાત્મક બની છેલ્લે વાતનો તાળો મેળવવામાં સ્ફોટ પામે છે. પ્રેમમાં જીત એ જ હાર કે પછી હાર એજ જીતની રીતિનો જ અંતે તો વિજય થાય છે. વાર્તારસ અહિં સાદ્યંત જળવાયો છે. નાત-જાતના બંધનોમાં લેખક માનતા નથી આ વાત તેમની ‘અનુલોમ વિ. પ્રતિલોમ’ ની કથામાં જોવા મળે છે. આ પણ પ્રસંગ ખચિત છે. વાત ચંદ્રકાંતની છે. વાર્તાકથક મિત્રપત્ની છે. જેમાં ચંદ્રકાત પોતાનાથી ઊંચા કૂળની કોલેજની અત્યંત તેજસ્વી યુવતી જયા પરમારને ઠુકરાવે છે, પણ અંતે પસંદ કરેલી માલવિકા નિમ્ન જ્ઞાતિની જ નીકળે છે. આમ, જ્ઞાતિભેદ નહિ ગુણોની જ ખરી મોટાઈ છે, તે વિચારણા તથા પુનઃવિવાહની વિચારણા પણ લેખકે કુનેહપૂર્વક ગૂંથી છે. ‘બાહુક’ની ‘ઝાંઝવા’ વાર્તામાં બે મિત્રદંપતીના જીવન વળાંકોની વાત આલેખવામાં આવી છે. અંતે ભૌતિક મહત્વાકાંક્ષાને સ્થાને અધિભૌતિક જીવનના મૂલ્યની વાર્તાકાર કદર દર્શાવે છે. માણસને સોનાથી પણ વધુ મૂલ્યવાન પટ પ્રાપ્તિનું લક્ષ્ય ચીંધવાનો સુંદર ઉપક્રમ ધરાવતી વાર્તા ગઠનની દૃષ્ટિઓ શિથિલ લાગે છે. વાર્તાકાર અને વ્યક્તિ બને પાસાથી મુનશીના ચાહક હોય સંપાદકશ્રી મુનશીનો સવિસ્તાર પરિચય આપે છે. મુનશીની વાર્તાકાર તરીકેની ખાસિયત નોંધતા તેઓ લખે છે કે: મુનશી “આદર્શ પાત્રોને બદલે કસાતાં પાત્રો રજૂ કરે છે. શ્રી મુનશીની નવલ તેમજ નવલિકાઓમાં એવાં જ મંથનવાળા પાત્રો આપણે જોઈએ છીએ. ’’(પૃ. ૪૨) ‘સંવાદ કળામાં પૂરેપૂરી પ્રવીણતા શ્રી મુનશીની છે (પૃ. ૫૮) બન્ને સંગ્રહમાં થઈ મુનશીની કુલ પાંચ વાર્તાઓ સ્થાન પામી છે. ‘શામળશાનો વિવાહ’ બાળવિવાહ અને તત્કાલીન સમાજની બદીઓ કટાક્ષના ટોનમાં રજૂ કરે છે. શામળશા શેઠના કદરૂપા દેખાવનું, જાનનું અને અંતમાં છ વર્ષની બાળા સાથેના ઘરડાખખ શેઠનું સંવવન દૃશ્ય એકી સાથે બિહામણું અને કરુણ ભાસે છે. કથા સતત હાસ્ય રસ વહાવતાં જ વાર્તાને રજૂ કરે છે. મુનશીની વર્ણનશક્તિ, સંવાદ કળા અને વાતાવરણ જમાવતી પરિપકવ શૈલીનો સમાસ અનુભવી શકાય છે. ‘ખાનગી કારબારી’ સંબધોની મનોલીલાના તરંગોમાં અટવાતાં અને છેલ્લે તૂટતાં, ખાનગી કારોબારી મધુપર્ક શાસ્ત્રીની વ્યંગિકા છે. શેઠની માંદી પત્નીને શેઠ વતી કાગળ લખી મનમાં અંકાયેલુ મનોરમાનું મુલાયમ ચિત્ર ‘મુઓ વનિયો’ કહી ગળે ઝાલતી ડાકણ જેવી મનોરમા ને જોઇ એવું તો વીંખાય જાય છે કે શાસ્ત્રી ખૂદ મજાક બની જાય છે. અન્ય નવલિકા ‘શંકુતલા અને દુર્વાસા’ માં પ્રણયરસમાં રત શકુન્તલા દુર્વાસાનો આદર સત્કાર કરવાનું ભૂલી જઈ શાપનો ભોગ બને છે, તેવી જ રીતે પતિ-સ્નેહમાં ઘરડા સસરાને અવગણતી કથા નાયિકા પૂત્રને ખોઇ, શરાબી પતિને જોઈ-પોતાને પણ શંકુતલા જેવો શાપ લાગ્યો હોવાનું અનુભવે છે. ‘ફોજદાર સાહેબ’ પાત્રપ્રધાન વાર્તા છે. જેમાં બ્રિટીશ સલ્તનતના વફાદાર ફોજદાર સાહેબનું દિનેશનો પ્રેમાળ ઘર સંસાર જોઈ થતું હૃદયપરિવર્તન દર્શાવ્યું છે. દિનેશના મનમાં ઊઠેલી પોતાની મા અને ફોજદાર સાહેબ વચ્ચેના ભૂતકાળના કોઇપણ જાતના સંબંધ વિશેની ગેરસમજ ટાળીને, તેનાં મનમાં પિતૃવત્સલ છબી ઊભી કરે છે. નોકરી પ્રત્યેની ફરજ કરતાં પણ માનવીય ફરજ પ્રત્યેનો પ્રેમાળ પક્ષપાત અનુભવતાં ફોજદાર સાહેબનો અંદરનો માણસ જાગી જાય છે. તેમની ‘અગ્નિહોત્રી’ વાર્તા ભારતીય સંસ્કારો પર પશ્ચિમી સંસ્કારોની અધકચરી અસર કેવો વિનિપાત સજર્યો, તેનો ચિતાર આપે છે. બટુભાઈ લાલભાઈ ઉમરવાડીયાની કલાવૃત્તિ માટે સંપાદકશ્રીનો અભિપ્રાય ઘણો ઊંચો છે. તેઓ મુનશી કરતાં પણ વિકાસક્રમમાં આગળ ભાસે છે. જો કે તેમની વાર્તા ‘જુલીયા’ અને ‘છેલ્લીવાર’ને દૃષ્ટાંતરૂપે જોતાં આ અભિપ્રાય એટલો પ્રમાણભૂત માની શકાતો નથી. ‘જુલીયા’ વાર્તા પવિત્ર પ્રેમની પ્રતિષ્ઠા કરવા લખાયેલી છે. પણ ઉર્દૂમિશ્રિત ભાષા અને પ્રસંગોની ગૂંથણી નિષ્પ્રાણ ભાસે છે. ‘છેલ્લી વાર’ પ્રસંગપ્રધાન વાર્તા છે. સુખી ઘરસંસારમાં મગ્ન જયવતિને અચાનક કોલેજકાળના મિત્ર પ્રફુલ્લનો ભેટો થાય છે. અને છેલ્લીવાર તેને એકલા મળવાનું સ્વીકારે છે, પણ છેક છેલ્લી ઘડીએ શાળાએથી પાછા ફરેલા પુત્રને જોઈને તેને તેના કર્તવ્યભાન : થાય છે. આમ ‘સતી હારી ને માતા જીતી’ નો ગર્વ તેને ભૂતકાળ દફનાવી દેવા પ્રેરે છે. લીલાવતી મુનશીની પાંચ વાર્તાઓ સંપાદકશ્રીએ સંગ્રહમાં સમાવી છે. મુનશી દંપતી માટેના અહોભાવ છતાં લીલાવતીની વાર્તાઓમાં વધુ પડતી ઊર્મિલતા કથાવિધાનમાં કેટલી વિઘ્નરૂપ બને છે, તે પણ તેમણે તટસ્થતાથી નોંધ્યું છે. તો સાથોસાથ જ્યાં ક્લમનો ચમકારો અનુભવ્યો છે, તે પણ વખાણ્યો છે. લીલાવતી મુનશીની ‘પાંચ પત્રો’, ‘ઝાંઝવાનું જળ’, ‘ઉપકાર’, ‘સુપર્ણ’ આદિ સુદીર્ધ વાર્તાઓ સંગ્રહમાં જોવા મળેલ ‘પાંચ પત્રો’ પત્રશૈલીમાં લંખાયેલી માલવિકાની જીવનકથા છે. પત્રોમાંથી માલવિકાનું નારીવાદી, લાગણીધેલું, કંઈક અંશો ઉર્દૂડ પાત્ર-મકરંદના જીવન સ્પર્શથી કેવું ભાવમય બની જાય છે. તે દર્શાવ્યું છે. અંતમાં મકરંદના અવસાનથી સ્વયં પ્રાણત્યાગ કરતી તેની કરુણ મધુર છબી સહાનુભૂતિનું ભાજક બને છે, જો કે વધુ પડતી લાગણી, ઘેલછાનો પ્રસ્તાર વાર્તાના પ્રવાહને રૂંધે છે. અન્ય વાર્તા ‘ઝાંઝવાના જળ’ પ્રસંગ પ્રધાન છે. નારીની અસ્મિતા માટે ઝઝૂમનાર કળા જીવનના એક તબક્કે પ્રેમમાં પડે છે. પણ અચાનક તેને ભાન થાય છે કે તે પુરુષ તેના પ્રેમમાં નથી, બલકે તેને હરાવવા-ગર્વ તોડવા માટે આવેલો છલપુરુષ છે. ઝાંઝવાના જળનું ભાન થતાં સમગ્ર પુરુષજાત માટે અનુભવતી જોઇએ, તે નફરત પોતાનાં પ્રેમાળ પિતાને જોઇ પ્રેમાળ કરુણામાં પલટાઇ જાય છે, જે વાર્તામાં ચોટદાર બને છે. અવસાન ‘દેહના અને દિલના માં’ શરીર અને મનની ચોટ કથાનાયિકાના જીવનમાં કેવો શૂન્યાવકાશ ફેલાવે છે, તે દર્શાવે છે. પતિના અવસાનથી દેહનુ અવસાન અનુભવતી નાયિકાને પ્રો. કિશોરી પ્રત્યે આકર્ષણ થાય પરંતુ પૂત્ર શાન્તનુના અણધાર્યા અવસાનથી તેના દિલનું પણ અવસાન થાય, એવું કથાવસ્તુ છે. જે તાર્કિક દૃષ્ટિએ બહુ પ્રભાવક જણાતું નથી. વાર્તાનો ધ્વનિ કે ધારેલો અર્થ એટલી અસરકારકતા સાથે અનુભવી શકાતો નથી. તેમની ‘ઉપકાર” ભરચક ઘટનાઓથી ભરેલી વાર્તા છે. જે પ્રેમ, ઇર્ષ્યા, સ્પર્ધા જેવા મૈત્રી સંઘર્ષમાં અટવાતા બે મિત્રોની કથા કહે છે. માનવ મનનાં સંકુલભાવોને ઝીલવામાં લેખિકા કંઇક અંશે સફળ થયા હોવાનું જણાય છે. ‘ઘડપણની લાકડી’ માં બીજવસ્ને પરણી આંતરિક અને બાહ્ય બન્ને સુખથી વંચિત રહેતી પ્રેમદાની કરુણકથા છે. માતાપિતાએ સમૃદ્ધિની લાલચમાં પરણાવેલી પ્રમદાને અંતમાં નથી સંપત મળતી કે નથી મળતું સુખ સ્ત્રી જીવનની લાચાર અવસ્થાનો અને સામાજિક કુરિવાજનો ભોગ બનતાં અરમાન ભર્યા જીવનનો હાસ-વ્યથાને કરુણ રસથી ઘેરી બનાવે છે. અહિં ઉપરોકત, છેલ્લી બન્ને વાર્તામાં-રૂઢિની બેડીમાં અકળામણ અનુભવતા સ્ત્રીપાત્રોની દશા, તત્કાલીન સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. ‘ગુણસુંદરી’ માસિકના સંપાદકશ્રી જયકૃષ્ણ નાગરદાસ વર્માની વાર્તા ‘પતિના વતનમાં” ગ્રામજીવનનો મહિમા દર્શાવતી પ્રસંગ પ્રધાન કૃતિ છે. પુસ્તકથી પણ વિશેષ માનવ પ્રેમી પ્રો. ચન્દ્રકાન્ત અને તેમની સગર્ભા પત્ની સુધીની વતન મુલાકાત કેટલાં બધાં સ્નેહ સંબધોનું ભાથુ બાંધે છે, તે અહીં દર્શાવ્યું છે. ધોધમાર વરસાદ વચ્ચે સુધાને વેણ ઉપડતાં ગ્રામવાસીઓ એકમેકની સહાયથી કેવી રીતે પૂત્રજન્મ કરાવે છે, તે દર્શાવી લેખકે ગામડાં પ્રત્યેનો પોતાનો પ્રેમાળ પક્ષપાત પણ ગૂંથી દીધો છે. પ્રસંગ ટૂકડે-ટૂકડે નોંધ્યા હોય તેવા જણાતાં, એકધારી અસર નીપજાવવામાં કર્તા એટલા સફળ રહેતા નથી. ગોકુળદાસ રાયપુરા મેઘાણી પહેલાંનાં, લોકસાહિત્યની અસરથી લખતાં-નોંધપાત્ર સર્જક હોવાનું સંપાદકશ્રી જણાવે છે. ‘સાજણ’ વાર્તાની નાયિકા-લોકવાર્તાના પાત્રોની માફક ખુમારી ટેક અને ઊંચુ ચારિત્ર્ય ધરાવે છે. એટલે જ તેનાં પવિત્ર વ્યક્તિત્ત્વને દાજીરાવથી બચાવવા, રતનપુરના રાજવી સ્વયં સાજણની જગ્યાએ પહોંચીને, દાજીરાવના કુશાસનથી રૈયતની રખેવાળી કરે છે. ‘પનઘટ’ માં ઝવેરભાઈના વિલાસી અને ઊછાંછળા વ્યક્તિત્ત્વનો મલિનતા ગંગા કેવી રીતે ધોઈને તેને પવિત્ર બનાવી દે છે, તે દર્શાવ્યું છે. લેખકને અહિં તેજીલી નારીશક્તિનો મહિમા પણ ગાવો છે. ‘પૂરી આયરાણી’માં પણ આવું જ તેજતરાર નારીપાત્ર આલેખાયું છે. આખલા સામે પણ નિર્ભયતાથી ઝઝુમનાર, પૂરી સાચા પ્રેમની સામે હારી જવાની સ્ત્રીસહજ વૃત્તિ પણ દાખવે છે. આમ, અહીં દર્શાવેલાં તમામ વાર્તાના સ્ત્રીપાત્રોની ખુમારી, ટેક અને નિર્ભયતા- વાર્તાવિષય બને છે. લોકસાહિત્યના ખોળિયામાં પ્રાણ પૂરી વીર, શૃંગાર અને કરુણ રસની હેલી વર્ષાવતા ઝવેરચંદ મેઘાણીની શૈલીથી સંપાદકશ્રી પ્રભાવિત થયા છે. તેમની છ વાર્તાઓમાં સંગ્રહસ્થ ‘સોરઠની ગાંધારી’ માં ઉમરલાયક પતિને પરણેલ જુવાન કાઠીયાણી કમરીબાઇ પોતાના આદર્શ માટે જીવનભરનાં અરમાનો કેવા હસતાં મુખે હોમી દે છે, તે દર્શાવ્યું છે. ઘરડાં પતિની ચાવવાની તકલીફ સમજવાં, હસતા મુખે બધાં દાંત પડાવી નાખતાં કાઠિયાણીના જીવનનું કરુણ્ય વર્ણવવાં, લેખક તેમના ‘રાતા રાતા હોઠ વચ્ચેનું ઘોર અંધારુ’ દર્શાવ્યું છે. ‘ઘોડી અને ઘોડેસ્વાર’માં રજપૂતનો પત્ની માટે ઊઠતો શૃંગારભાવ વરસાદી પૂરમાં પણ સામાકાઠે પહોંચવાનું જોખમ ઊઠાવવા તૈયાર થાય છે. ઊછળતાં ધસમસાટ પાણીમાં- માણકી ઘોડી જીવન સટોસટ જંગને અંતે, માલિકના કુટુંબ તો સહિસલામત નદી પાર કરાવે છે, પરંતુ પોતે જાન ખોઇ દે છે. આમ મેઘ સાથે તપ્ત થતો શૃંગાર રસ અંતે કરુણ રસમાં પલટાઈ જાય છે. ‘સુહિણી-મેહાર’ નું પ્રચલિત કથાવસ્તુ મેઘાણીની હથરોટીને કારણે રસાળ અભિવ્યક્તિ પામ્યું છે. પ્રણયની ઘેલછા અને ન્યૌછાવરીમાંથી પ્રગટતો કરુણરસ દહાઓને સંગાથ, મેઘાણીએ અદભૂત જમાવ્યો છે. ‘બહારવટિયો’ અને ‘દસ્તાવેજ’ બન્નેમાં ટેક અને પરસ્પરના પ્રેમની ઉદાત ભાવનાનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતી ટૂંકીવાર્તામાં રંગદર્શી અને અદ્દભૂત તત્વ ધરાવતી વાર્તાની જે ખોટ લાગતી હતી. તે મેઘાણી દ્વારા ભરપૂર થઇ હોવાનું જણાય છે. ઇન્દુલાલ યાજ્ઞિકની બે વાર્તા ‘મધુરીનું બલિદાન’ અને ‘કુસુમનો કોમાર્યભાવ’ બંને જીવનરેખા પ્રકારની ચરિત્ર વર્ણવતી વાર્તા હોવાનું લાગે છે. સ્ત્રીના ઉદાત્ત વ્યકિતત્વની રેખામાં પ્લાવિત થતાં બંને કથાના નાયકો દ્વારા સ્ત્રીની સમર્પિતા તરીકેની ભવ્ય છબીનો મહિમા લેખક કરવા માંગે છે. અલબત્ત, નવલિકા સ્વરૂપ વિભાવના સાથે જીવનચરિત્ર વર્ણવવાની લંબાણભરી રીતિ એટલી સુસંગત બનતી નથી. ધૂમકેતુને સાહિત્યના સર્વોત્તમ વાર્તાકાર માનતાં સંપાદકશ્રીનો અભિપ્રાય ખુદ તેમનાં જ શબ્દોમાં : "ધૂમકેતુ તો ઉપર જણાવેલ વિષયોના આલેખન અને નવલિકાના કલાવિકાસને લીધે આપણા નવલિકા સાહિત્યમાં સિંહાસને બીરાજે છે. કારણ કે એમના જેવી કલાયુકત નવલિકાઓ આપણા સાહિત્યમાં જૂજ જ છે.”(પૃ. ૩૭) સંગ્રહસ્થ સાત વાર્તાઓ પૈકિ પ્રથમ ‘પોસ્ટ ઓફિસ’ આપણી જાણીતી વાર્તા છે. પુત્રી પ્રેમના કારુણ્યની પરકાષ્ઠા એ પહોંચતાં અલીડોસા પ્રાણ ત્યજે, પરંતુ તેમની ખરી પીડા-પોતાની દીકરીના પત્રની રાહ જોતા પોસ્ટ માસ્તરને જ્યારે સમજાય ત્યારે ઘણું મોડુ થઇ ગયું હોય છે. બીજાના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો બૌધ બોલકો બન્યો ન હોત તો વધારે રુચત. ‘પૃથ્વી અને સ્વર્ગ’ માં સુમેરુ એ સુકેશીને મેળવવા વસ્તુ, વૈભવ અને સત્તા સ્થાયી સ્વર્ગ જેવી પૃથ્વીને સ્પર્ધા અને ઈર્ષ્યાથી ખદબદતી કરી દીધી. તેથી જ આ પૃથ્વી ભજી પોતાનાં સ્વર્ગ શોધવા સુકેશી-આરણ્યક અન્ય પ્રયાણ કરે છે. કથામાં આવતાં પ્રકૃતિ વર્ણનોમાં ધૂમકેતુની કલમ ખીલી છે. ‘કલ્પનાની મૂર્તિ’ ધૂમકેતુની, રંગદર્શી વાતાવરણમાં ખીલતી લાગણીશીલ કથા છે. ડોસો, વિઘુશેખર અને સીતારા તાજની પાછળ નદીના કિનારે વસંત ત્રણ કલાપ્રેમી જીવો છે. ડોસો વર્ષોથી ‘જલસુંદરી’ને શોધે છે જે વિધુશેખરને જળમાં ન્હાતી સીતારામાં દેખાય છે. પરંતુ સીતારા લૌકિક વ્યક્તિ છે, કલ્પનામૂર્તિ નહિ. એ પ્રતીતિ તેને જળમાં જ વિલોપન કરવા પ્રેરે છે. મેઘાણીના સાહજિક પ્રાણ દેતાં પાત્રોની માફક પોતાના માનેલા આદર્શ કે કલ્પના પાછળ ધૂમકેતુના પણ ઘણાંબધાં પાત્રો મરણ સાહજિક પણ અપનાવે છે, જેનું એક ઉદા. વિનુશેખરના પાત્રમાં જોવા મળે છે. ‘રતિનો શાપ’ માં પૌરાણિક વાતાવરણ અને કાવ્યય શૈલીનો પરિપાક ધ્યાનાર્હ રહે છે. ખાસદારની શંકામાં ખાસદાર કૂતરાની નજરેથી વાર્તા રચી સ્ત્રી પુરૂષના સંબંધની છલના, એકદમ નવા દૃષ્ટિકોણથી રજૂ કરી છે. ‘સરયુના કિનારે’ બાળમાનસને રજૂ કરતી કૃતિ છે. કુમા ફુલ જેવો પ્રસન્ન વદન ભણતરના બોજથી છૂટવા- તરંગોની દુનિયામાં જવા માટે પોતાના પિતા પાસે ‘સરયુ નદીના કિનારે...’ વાળી વાર્તા સાંભળવા ઇચ્છે છે પરંતુ કામના ભારણ હેઠળ દબાયેલા પિતાની વાર્તા ક્યારેય આગળ જ વધતી નથી. જે નાના બાળકની માટે કેટલી નિરાશાજનક બની જાય છે, તે સમભાવપણે આલેખાયું છે. ‘એક ટૂંકી મુસાફરી’માં બ્હારથી આપવડાઈ કરતાં કાળુના જીવનનું કારુણ્ય લેખકે સચોટ ઉપસાવ્યું છે. ધૂમકેતુની વાર્તામાં પાત્રાલેખન, વાતાવરણ અને સંકલન ચૂસ્ત હોય છે. અત્યારે બોલકુ લાગતું બોધપ્રધાન તત્ત્વ પણ તે સમયે તો ખટક્યું ન્હોતું જ, તેવું વાર્તાઓના વિવેચન પરથી જાણી શકાય છે. સંગ્રહના અંતિમ સંગ્રહસ્થ સર્જક છે. રા. વિ. પાઠક ‘દ્વિરેફ’. તેમની ‘મુકુન્દરાય’ વાર્તામાં યુવાન મુકુન્દરાયનું તોછડું વર્તન ઘરડા પિતા અને બ્હેન ગંગાના જીવનમાં કેટલુ કારુણ્ય પ્રગટાવે છે, કે ડોસા ‘માંગુ એક નખ્ખોદ’નો વિમલ રાજાનો કથાસાર યાદ કરી. મૃત્યુ જેવી પીડા અનુભવે છે. દ્વિરેફને ધૂમકેતુની લગોલગ માની તેમની પ્રશંસા કરતાં સંપાદકશ્રીને દ્વિરેફની આડકથા તથા અન્ય ટીકાઓ વાર્તામાં ગૂંથવાની ટેવ જરા ખૂંચે છે. છતાં ઝીણવટથી વર્ણન કરવાની તેમની રીતિ પ્રભાવક જણાય છે. સમગ્રતયા, વાર્તાના પટનું અવલોકન તે જમાના સાથેનું વાચકોનું સાહજિક સંધાન કરી આપે છે. ઉપસંહાર રૂપે આ વાર્તામાંથી પસાર થતી વેળાએ મળેલાં કેટલાક તારણો સાથે જ સમાપન કરીએ.

  • એ સમયની સ્ત્રીઓની અવદશા અને તેમાં સુધારણા લાવવાનો ઉપક્રમ લગભગ મોટાભાગનાં સર્જકોએ સેવ્યો છે. જે રામમોહનરાય દેસાઇ, કેશવ પ્રસાદ દેસાઈ, લીલાવતી મુનશી, રણજીતરામ મહેતા, નારદ આદિની વાર્તાઓમાં જોઇ શકાય છે.
  • કયારેક કટાક્ષથી ‘શામળશાનો વિવાહ’, કયારેક દયા-સહાનુભૂતિથી (‘ઘડપણની લાકડી’, ‘સુવર્ણા’) ક્યારેક ઉગ્ર બનીને (‘કાયદાનો ન્યાય’) વિધવાવિવાહ, વયભેદથી રચતાં કજોડા અને પરાણે રૂઢિઓનાં વહનમાં હોમાતી જતી સ્ત્રીઓની અવદશા લગભગ સરેરાશ સર્જકચેતના તંત્રને ઝંકારતી રહી છે.
  • લોકવાર્તાના Motif દ્વારા મનુષ્યના સદ્ગુણો અને જીવનની ઉદાત્ત – ભાવનાને આલોકિત કરવાનો પ્રયાસ મેઘાણી, રાયચુરા આદિની નવલિકાઓમાં જોવા મળ્યો છે.
  • હાસ્ય અને કટાક્ષ દ્વારા મનુષ્ય સ્વભાવની વિસંગતતાને અને જીવનની કડવી વાસ્તવિકતાઓને હળવાશથી કહેવાનો કિમિયો ધનસુખલાલ મહેતા, રમણલાલ નિલકંઠ, કનૈયાલાલ મુનશી આદિમાં પ્રશંસનીય રીતે જોવા મળ્યો છે.
  • લાગણીના અતિશય અવલંબનથી ધૂની, તરંગી, હઠીલા અને સ્વકેન્દ્રી પાત્રો ધૂમકેતુ, લીલાવતી મુનશીની વાર્તામાં વિશેષ જોવા મળ્યાં છે.
  • મનુષ્ય સહજ વિજાતિય આકર્ષણ, સામાજિક રૂઢિઓનો વિદ્રોહ અને ગામડા માટેનો પક્ષપાત વાર્તાઓમાં વણાયેલો રહ્યો છે. નર્મ-નર્મ હાસ્યરસ પણ વાર્તાકારોને આલેખવો ગમ્યો છે.

‘નવલિકા સંગ્રહ ભાગ - ૧ અને ૨’ સંપાદક : રામચંદ્ર શુકલ. બીજી આવૃત્તિના સંપાદક : જયેશ ભોગાયતા પ્રકાશકઃ ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્ર. આ. : ૨૦૧૧; પ્રથમ ભાગ – પૃ. સંખ્યા : ૩૬૮, મૂલ્ય : ૧૮૫ /- બીજા ભાગ - પૃ. સંખ્યા : ૪૪૮, મૂલ્ય : ૧૮૫/-)

(પૃ. ૪૬-૫૭ • પરિવેશ • વર્ષ-૩ અંક-૩-૪ સળંગ અંક -૮-૯ જુલાઈ.. . . ડિસેમ્બર -૨૦૧૪)