નારીસંપદાઃ વિવેચન/લોકગીત અને સમાજશાસ્ત્ર

૬૪. લોકગીત અને સમાજશાસ્ત્ર

સંજના પરમાર

માનવજીવનના સાંસ્કૃતિક ઈતિહાસ સંદર્ભે લોકસાહિત્યને મૂલવી શકાય, એટલે કે માનવસંસ્કૃતિના એક અભિન્ન અંગ તરીકે લોકસાહિત્ય આજદિન સુધી વિકસતું આવ્યું છે માટે માનવજીવન અને તેની સંસ્કૃતિના પ્રતિબિંબ લોકસાહિત્યમાં જ ઝીલાય છે. આવા લોકસાહિત્યને લોકકથા, લોકગીત, લોકનાટ્ય અને લોકોક્તિ જેવા પેટાવિભાગોમાં પણ વહેંચી શકાય. આ લોકસાહિત્યનો અન્ય વિદ્યાશાખાઓ સાથેનો અનુબંધ પણ અભ્યાસ અને અધ્યયનનો મહત્ત્વનો અંશ છે, તેથી લોકગીતને પણ આવા અન્ય વિદ્યાશાસ્ત્રો સાથે સામ્યવૈષમ્ય સંદર્ભે અભ્યાસી શકાય. પરંતુ અહી મારો ઉપક્રમ લોકગીત અને સમાજશાસ્ત્રના વિદ્યાશાખા તરીકે તપાસવાનો છે. સમગ્ર માનવજીવન અનેક સંવેદના, ઊર્મિ, લાગણીઓથી પ્રભાવિત છે અને તેની અભિવ્યક્તિ લોકગીતોમાં વ્યક્ત થયેલ છે. આ લોકગીતોમાં જ મનુષ્યોના જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક પ્રસંગો તેમજ સામાજિક માન્યતાઓ, પરંપરા, રીતરિવાજો વગેરેનું આલેખન પણ લોકગીત નિમિત્તે વ્યક્ત થાય છે. આ દરેક પાસાઓમાં માનવ સમાજના વિભિન્ન પાસાઓ જાણે- અજાણે, વત્તા- ઓછા પ્રમાણમાં લોકગીતોમાં પ્રગટેલા અનુભવાય છે. જેમકે, જીવનચક્ર આધારિત ગીતો, ઋતુચક્ર આધારિત ગીતો, સંસ્કારગીતો વગરે આમાં જે- તે સમાજની, જે- તે પ્રદેશની તાસીર પ્રગટેલી અનુભવાય છે, જેના દ્વારા જે- તે સમાજની માન્યતા, પરંપરાઓનો ખ્યાલ આવે છે. સાથે-સાથે અન્ય સમાજના સામ્ય- વૈષમ્યનો પણ ખ્યાલ પ્રસ્તુત થાય છે એટલે જ કહી શકાય કે લોકગીત નિમિત્તે પણ સમાજશાસ્ત્રનો ખ્યાલ પ્રસ્તુત કરી શકાય છે. અને લોકગીતનો સમાજશાસ્ત્ર સાથેનો અનુબંધને નકારી શકાય નહિ કારણ કે બંને પરસ્પર પૂરક છે. લોકસાહિત્યને અપૌરુષય સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સવિશેષ લોકગીતો માધ્યમે સ્ત્રીઓની સંવેદના પ્રગટ થતી હોય છે, જેમાં આપણા સમાજની પરંપરાઓ, માન્યતાઓ, અંધશ્રદ્ધા, રૂઢિઓ, રીત-રિવાજો વગેરે સહજતાથી લોકગીતમાં વણાઈને આવે છે. જેમકે, લોકગીતોમાં જીવનચક્ર આધારિત ગવાતા ગીતો, ઋતુચક્ર આધારિત ગવાતા ગીતો અને સંસ્કાર ગીતોનો મુખ્યત્વે સમાવેશ થાય છે, જેમાં જીવનચક્ર આધારિત ગવાતા ગીતોમાં વ્યક્તિના જન્મથી માંડીને મુત્યુ સુધી જે –જે પ્રસંગો આવે તે દરેકના અનુસંધાને ગીતો ગવાય છે. જ્યારે ઋતુ આધારિત ગીતોમાં વાવણી, કાપણીના ગીતો સવિશેષ ગવાય છે. સંસ્કારગીતોમાં હિંદુ ધર્મ પ્રમાણે જે સોળ સંસ્કારો છે તેની દરેક વિધિ અનુસાર ગવાતા ગીતોનો સમાવેશ થાય છે, જેનો મોટાભાગે જીવનચક્ર આધારિત ગવાતા ગીતોમા સમાવેશ થઇ જાય છે. લોકગીતોમાં સામાજિક રીત-રિવાજો, માન્યતા, પરંપરા, અંધશ્રદ્ધા, રૂઢિઓ વગેરેનું ચિત્રણ થયેલું જોવા મળે છે, જેમાં બાળકના જન્મથી માંડીને મૃત્યુ સુધીના સામાજિક રીત-રિવાજો પ્રમાણે વિધિઓ થતી અને વિધિઓ પ્રમાણેના ગીતો ગવાતા હતા, જેમાં હાલરડાંમાં માતાના વાત્સલ્યભાવ સાથે બાળકનું પારણામાં જ સંસ્કાર સિંચન તો થતું જ પરંતુ સાથે-સાથે તેને કુંટુંબિજનોના સ્વભાવનો પરિચય પણ આ હાલરડાં દ્વારા આપવામાં આવતો. જેમકે એક હાલરડાંના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો,

“હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઈની માસીનો,
માસી ગ્યા છે માળવે,
ભાઈના પગલા રે જાળવે......હાં ....હાં..હાલા.”
આ લોકગીતમાં મામીના સ્વભાવનો બાળકને પરિચય કરાવે છે જે જોઈએ,
“ભાઈને દેશો નૈ ગાળ,
ભાઈ તો રિસાઈ જાશે મોસાળ,
મોસાળે મામી છે જૂઠી ,
ધોકો લઈને રે ઉઠી,
ધોકો પડ્યો છે વાટમાં,
ને ભાઈ રમે રે હાટમાં....હાં....હાં...હાલા.”

ઉપરોક્ત હાલરડામાં બાળકને પોતાના મામા-મામીના સ્વભાવ વિષે અવગત કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ કુંવારી કન્યાઓ સારા પતિની આશમાં ગૌરી વ્રત કરવા પ્રેરાય છે જેથી પોતાને ગમતો, ઇચ્છિત વર મળે તેથી કુંવારી કન્યાઓ ગૌરી (પાર્વતી) ની પૂજા કરે છે વ્રતના અંતની રાત્રીએ જાગરણ વખતે ગીતો ગવાય છે, જેમાં પાર્વતી માતાને પોતાને કેવું સાસરું જોઈએ છે તેમાંય સાસુ- સસરા-નણંદ-જેઠ- દિયર- વર વગેરે કેવા જોઈએ છે તે ગીતોના માધ્યમે લોકગીતોમાં સ્ત્રીઓની વાણીને મોકળાશ મળી છે અને લોકગીતોમાં જ સ્ત્રીઓ પોતાની સંવેદના, લાગણી, ઉર્મિઓ વગેરે મુક્તપણે ખીલવી શકે છે. આ સંદર્ભે ગોરમાનું એક ગીતનું ઉદાહરણ જોઈએ,

“ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા
તમે મારી ગોરમા છો.
ગોરમા, ગોરમા રે સાસુ દેજો ભુખાળવા,
તમે મારી ગોરમા છો.
ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો,
તમે મારી ગોરમા છો.”

આવા સ્વપ્નો, આશાઓ, કામનાઓ, એષણાઓ, ઇચ્છાઓ સાથે જ્યારે કોઈ કન્યા ગૌરી વ્રત કરે છે. અને જ્યારે તે ખરેખર સાસરે જાય છે ત્યારે કપરી યાતનાઓનો શિકાર બનતી કન્યા પોતાએ ધારેલ કે ઈચ્છેલ સાસરું કે સાસરીના લોકો મળતા નથી ત્યારે પોતાના અરમાનો કેવા ચકનાચૂર થાય છે તેનું એક લોકગીતના દૃષ્ટાંત દ્વારા આપણને આપણા દયાહીન, ક્રૂર સમાજના દર્શન થાય છે. જેમકે,

“ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ.
દીકરી કેજો સખદખની વાત જો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.”

ઉપરોક્ત સૌરાષ્ટ્રનું ખૂબ પ્રચલિત લોકગીત છે જે કરુણતાની બધી જ સીમાઓ પાર કરી આપણને અંદરથી હચમચાવી કાઢે તેવી સંવેદના આ લોકગીતમાં ઝીલાયેલી છે. જેમાં એક નવપરણિત કન્યાની ફક્ત એટલી જ ભૂલ કે તેણે પોતાની માતાએ જ્યારે પૂછ્યું કે “દીકરી કેજો સખદખની વાત જો, કવળા સાસરિયામાં જીવવું રે લોલ.” ત્યાં દીકરીએ કહ્યું કે “સખના વારા તો માતા વહી ગયા રે લોલ, દળના ઉગ્યાં છે ઝીણાં ઝાડ જો.” બસ આટલી જ વાત ત્યાં આ વાત તેની નણંદ સાંભળી જાય છે અને ત્યાર પછી આ વાતનું વતેસર થતા-થતા વહુ પર આરોપ લાગી જાય છે કે “વહુ એ વગોવ્યા મોટા ખોરડા રે લોલ.” અને અંતે વહુએ નાનકડી વાત માટે પોતાની જીવનની આહુતિ આપવાનો વારો આવી જાય છે અને અંતે તે સ્ત્રીનું મૃત્યુ થાય છે. આમ, દુખિયારી દીકરીઓએ પોતાના અસહ્ય દુઃખના ગાણા ઢોલના તાલે ગાઈને એને સાર્વજનિકતા બક્ષી દીધી છે. આવું બીજું એક કરુણગીત જેમાં અંતે દુખિયારી દીકરી પોતાનો જીવ આપી દે છે તે ગીત જોઈએ,

“વેલ્યું છૂટીઉં વીરા વાડીના વડ હેઠ
ધોરીડા બાંધ્યા રે વડને વાંકીએ માણારાજ”

ઉપરોક્ત લોકગીતમાં દીકરીને પોતાની સાસરીમાં અસહ્ય ત્રાસનો, સતામણીનો ભોગ બનવું પડે છે. ઘણા વર્ષોથી તેને પોતાના પિયર પણ જવા દીધી નથી તેથી તેની માતાએ તેની ખબર કાઢવા તેના નાના ભાઈને મોકલ્યો ત્યારે બેની પાણી ભરવા ગઈ હતી ત્યાં જ રસ્તામાં પોતાના ભાઈને જોઈ ખુશ થઇ જાય છે પણ જ્યારે તેના ભાઈએ તેના હાલ-ચાલ પૂછ્યા ત્યારે તેનાથી પોતાનું દુઃખ તેને કહ્યા વગર રહેવાયું નહિ અને જ્યારે પોતાને સાસરીમાં પડતા દુઃખ વિષે ભાઈને જાણ થતા ભાઈએ તેને પિયર આવવા કહ્યું ત્યારે બેની કહે છે કે ભાઈ કેટલા દિવસ હું તારા ઘરે રહીશ ? ક્યારેક તો સાસરે પાછુ આવવું જ પડશે ને એમ કહી બહેને ભાદર નદીમાં ઝંપલાવી દીધું. આમ આ લોકગીતનો પણ કરુણ અંત આવે છે જે આપણા સમાજનું વરવું ચિત્ર આપણી સમક્ષ ખડું કાર્ય વગર રહેતું નથી. આ પ્રમાણે જ કન્યાના લગ્ન થઇ ગયા બાદ જો અમુક વર્ષો પછી પણ જે તે સ્ત્રી માતા બની નથી તો તેના જીવનનું સૌથી મોટું સામાજિક મહેણું એટલે વાંઝિયા મહેણું. આવી પરિસ્થિતિ કે મહેણાંથી બચવા અને સંતાન પ્રાપ્તિ માટે સમાજની સ્ત્રીઓ રાંદલ માતાની પૂજા કરે છે અન્વ પોતાને સુંદર સંતાન પ્રાપ્ત થાય તેની મંગલ કામના કરતી હોય છે જેનું એક લોકગીત જોઈએ,

“લીપ્યું ને ગુપ્યું મારું આંગળું,
પગલીનો પાડનાર દ્યો ને રન્નાદે
વાંઝિયા મેણા માતા દોહ્યલાં,
વાવ્યું ને બોર્યું મારું આંગળું
કચરાનો પાડનાર દ્યો ને રન્નાદે”....

આપણા લોકગીતોમાં સમાજના રીત-રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેનું નિરૂપણ થાય છે, જેમાં લગ્નગીતોમાં ફટાણા નામના પેટાપ્રકારના ગીતોમાં મનોરંજન જ નહિ પરંતુ તેની સાથે સાથે કન્યાને પોતાના સાસરિયાના લોકોના સ્વભાવથી પણ અવગત કરાવવા માટે ફટાણા ગવાતા હતા કારણ કે પહેલાના સમયમાં કન્યાને પોતાની ઇચ્છાથી લગ્ન કરવાનો કે વર પસંદગીનો અધિકાર ન હતો તેથી તે તેના સાસરીયાના લોકોથી સાવ અજાણ હતી તેથી તેણે કોની સાથે કઈ રીતે વર્તવું તે સમજાવવા આ ફટાણા ગવાતા અને તેના દ્વારા સામે પક્ષના લોકોના સ્વભાવનો પરિચય થતો. જેમકે,

“રેલગાડી આવી મુંબઈથી માલ લાવી
જુઓ ને મારી બેનો આ રેલગાડી આવી,
ગાડીમાં ભર્યા મગ, જાનૈયા બધા ઢગ
જુઓ ને મારી બેનો આ રેલગાડી આવી”.....

ઉપરોક્ત કડી પ્રમાણે જાનૈયા લોકોને ઢગ કહી તેમની મજાક કરવામાં આવે છે ત્યારે જો જાનૈયા લોકોના મુખ પર હાસ્ય જોવા મળે તો સમજવું કે બધા સ્વભાવે સરળ, હળવા છે. પરંતુ ક્રોધે ભરાય કે મુખની રેખાઓ બદલાય તો સમજવું કે કન્યાએ સાસરિયામાં થોડું જાળવીને રહેવું પડશે. આમ, લોકગીતોનો સીધો જ સંબંધ સમાજશાસ્ત્ર સાથે છે કારણ કે બંને એકબીજાના પૂરક છે. સમાજમાં રહેતા લોકો સામાજિક પરંપરા, રીત-રિવાજો, માન્યતા, રૂઢિઓ વગેરે સાથે જોડાયેલા હોય છે તેના અનુસંધાને જ લોકગીતો પ્રગટતા હોય છે કે રચાતા હોય છે જેમાં તેમની સંવેદના, ઊર્મિ, લાગણીઓને વાચા મળતી હોય છે તેથી લોકગીતો અને સમાજનો અનુબંધ ગાઢ છે.

સંદર્ભ પુસ્તકોની સુચિ:

લોકવિદ્યાવિજ્ઞાન – ડૉ. હસુ યાજ્ઞિક
લોકસાહિત્ય અને સંબંધિત વિદ્યાશાસ્ત્રો- સંપા. પ્રશાંત પટેલ, ભરત ખેની, નિલેશ મકવાણા
લોકગીત-અભ્યાસ અને આસ્વાદ, કંઠસંપદા વિશેષાંક, સંપા. પ્રશાંત પટેલ, ભરત ખેની, નીલેશ મકવાણા
લોકસાહિત્ય(ગુજરાતી લોકગીતો), સંપા.પ્રભાશંકર તેરૈયા, નરોત્તમ પલાણ
ગુજરાતી લોકગીતો, ડૉ. હસુ યાજ્ઞિક
ચાંદો ઉગ્યો ચોકમાં, નીલેશ પંડ્યા