નારીસંપદાઃ વિવેચન/વિવેચનની પ્રક્રિયા

૫૬. વિવેચનની પ્રક્રિયા

દર્શિની દાદાવાલા

અંગ્રેજી શબ્દ Criticism ફ્રેન્ચ શબ્દ Critiqueમાંથી ઉદ્ભવ્યો જેનાં મૂળ લગભગ ૧૪મી સદીમાં જોવા મળે છે. ૧૬મી સદીના મધ્યથી, અંગ્રેજી ભાષામાં Critic અને Critical સંજ્ઞાઓ પ્રયોજાયેલી જણાય છે. Criticism સંજ્ઞા ૧૭મી સદીની શરૂઆતથી અંગ્રેજી લખાણોમાં પ્રચલિત થઈ. ફ્રેન્ચ શબ્દ Critiqueનાં મૂળ લૅટિન Criticusમાં રહેલાં છે અને એ પૂર્વે ગ્રીક ભાષાની Kritos સંજ્ઞામાં પણ જણાય છે. અંગ્રેજી Criticism સંજ્ઞાના પર્યાય તરીકે ગુજરાતીમાં વિવેચનસંજ્ઞા વપરાય છે. Criticism સંજ્ઞાના અર્થસંકેતો સામાન્ય રીતે નકારાત્મક બાબતો સાથે જોડાયેલા છે એવી એક બાબત પ્રચલિત છે; બીજી રીતે જોઈએ તો દોષ કે ટીકા કરવાની કામગીરી વિવેચનની છે. પણ તાત્ત્વિક રીતે જોઈએ તો વિવેચનના કાર્યક્ષેત્રને થોડું વ્યાપક અર્થમાં જોવાની જરૂર છે. વિવેચન એટલે માત્ર ટીકા કરવી, દોષ દેખાડવો કે મર્યાદાઓ ચીંધી આપવી એમ જ નથી; પણ જેને જમા પક્ષ ગણાવી શકાય એવી બાબતોનો પણ એમાં ઉલ્લેખ આવશ્યક છે. વિવેચનમાં મૂળ વાત તો - તપાસવાની છે. ગુજરાતી ભાષામાં આ સંજ્ઞાનો યૌગિક અર્થ ‘વિવેક કરવો’ એમ થાય છે. વિવેક કરવાની પ્રક્રિયા જ વિવેચનની પ્રક્રિયા છે. વિવેચનની પ્રક્રિયા સ્વસંવાદની પ્રક્રિયા છે; સામે જે પ્રસ્તુત છે એની સાથે સંબંધમાં જોડાવાની વાત છે. ‘વિવેક કરવો’ એમ કહીએ છીએ ત્યારે એનો સંબંધ ક્ષણે ક્ષણે આપણા જિવાતા જીવન સાથે પણ જોડાય છે. જીવનમાં કોઈ પણ સમય, સંજોગ એવો નથી હોતો જ્યારે આપણે ‘વિવેક કરવાની’ પ્રક્રિયામાં સંડોવાતા ન હોઈએ ! આપણા તમામ નિર્ણયો આ પ્રક્રિયાને પરિણામે જ નીપજી આવતા હોય છે. એક ઇચ્છા (નિર્ણય સુધી પહોંચવાની)થી આ પ્રક્રિયા શરૂ થઈ, સતત ઉત્ક્રાંત રહી આપણને ચોક્કસ પ્રાપ્તિ સુધી પહોંચાડે છે અને આ જ દ્રષ્ટિએ આપણે એને સાહિત્ય સંદર્ભે પણ સમજી શકીએ એમ છીએ. વિવેચનની પ્રક્રિયાનાં મૂળ વાચનમાં પડેલાં છે. વિવેચનની પ્રક્રિયાને પ્રભાવિત કરનારું એક મહત્ત્વનું પરિબળ વાચન બની રહે છે. આ વાચનની પ્રક્રિયા વ્યક્તિગત, સમય- સંદર્ભસાપેક્ષ અને વિકાસશીલ છે. જેટલો સભાન પ્રયત્ન આ પ્રક્રિયાને કેળવવા માટે કરવામાં આવે એટલું સારું પરિણામ વિવેચનમાં પ્રાપ્ત થતું હોય છે ! રસપ્રદ વાચનની પ્રક્રિયામાંથી શરૂ થતી વિવેચનની પ્રક્રિયા પણ એટલી જ રસપૂર્ણ બની રહે છે. વાચનનો અનુભવ તો વૈવિષ્યપૂર્ણ છે અને એમાંથી વિવેચનનું વૈવિધ્ય રચાતું હોય છે. વાચનને પરિણામે થતી પ્રાપ્તિઓ વિવેચનપ્રક્રિયાની સામગ્રી બનતી હોય છે. વાચન વખતે અને એ પછી; ભિન્ન ભાવોનો અનુભવ વ્યક્તિને ભીતર થયા કરતો હોય છે અને કઈ ક્ષણે આપણી ચેતના કયા ભાવને કૃતિને અન્વયે અનુભવશે એનો સીધો સંબંધ એ સમયના આપણા ચિત્તના સંદર્ભો ઉપર આધાર રાખતો હોય છે. આમ, કેટલાંક પરિબળો છે જે આપણી વાચનની પ્રક્રિયાને નિશ્ચિત કરતા હોય છે. વાચનના અનુભવને પ્રભાવિત કરનારું સૌથી મહત્ત્વનું પરિબળ ‘હું’ છે. ‘રખડતો’તો હું વાદળ સમો’ એમ જ્યારે ‘હું’ વાંચું છું ત્યારે ખરેખર તો મારો ‘હું’ જ મારી વાચનની પ્રક્રિયાને માર્ગદર્શિત કરતો હોય છે. જો મારો ‘હું’ અમુક રીતે કેળવાયો હોય તો તે એમ પ્રતિક્રિયા આપે કે ‘હું’ રખડું અને એ પણ વાદળ જેવું ?! અને અથવા કોઈનો ‘હું’ અમુક રીતે કેળવાયો હોય તો એને વાંચતાંની સાથે જ મજા પડી જાય કે આહ ! વાદળ જેવું રખડવાનું, કેવી મજા ! આમ ‘હું’ કેવી રીતે ઘડાયો છે, એની કેળવણી કેવી છે એને આધારે વાચનની પ્રક્રિયા આગળ વધતી હોય છે. સ્વ વિશેનો ખ્યાલ (Self-perception) પણ આ પ્રક્રિયાને ઘણે અંશે પ્રભાવિત કરતો હોય છે. વાચકની ભાવનાત્મક અને બૌદ્ધિક વ્યક્તિતાનું બંધારણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને એની સીધી સંડોવણી વાચનપ્રક્રિયાને સંચાલિત કરતી હોય છે. આમ, મારો ‘હું’ જેવો હોય તેવું મારું વાચન હોય ! આ ‘હું’ના બંધારણમાં જાતિ, સ્થળ-કાળ, ભાષા, ધર્મ વગેરેના સંસ્કારો મૂળભૂત રીતે કાર્યરત હોય છે અને એટલે વાચન ઘણે અંશે આ બધાં તત્ત્વોથી પણ પ્રભાવિત થતું હોય છે. વૈવિધ્યપૂર્ણ વાચનની શક્યતાઓ આ કારણે જ ખૂલતી હોય છે. કેળવાયેલા વાચકો આ ‘હું’ને સ્પષ્ટપણે જોઈ શક્તા હોય છે અને પછી એનાથી ઉપર ઊઠીને આ ‘હું’ને પણ વાંચતા હોય છે; અને આ તબક્કે કૃતિ-દર્શનના ઉઘાડની ક્ષણ આવતી હોય છે ! વિજ્ઞાનમાં થતી સ્વભાવે તટસ્થ પ્રક્રિયાઓની સરખામણીમાં આ અંગત, વ્યક્તિલક્ષી અને સાપેક્ષ પ્રક્રિયા બની રહે છે. વાચનની પ્રક્રિયાને પ્રભાવિત કરનારું એક મહત્ત્વનું પરિબળ આપણા ચિત્તમાં પડેલી સંચિત માહિતી પણ છે. ઉદાહરણ તરીકે, જો ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિનું બહોળું વાચન, ‘રખડતો’તો હું વાદળ સમો’ પંક્તિના પઠન પૂર્વે કર્યું હોય તો તરત જ મનમાં ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’નો સંદર્ભ તાજો થઈ જાય ! અને આ સંજોગોમાં પંક્તિના વાચનને પરિણામે થતી પ્રતીતિ ભિન્ન હોવાની ! આમ, વાચનને કારણે પ્રાપ્ત થતી જાણકારીની હાજરી-ગેરહાજરી; એ પછીના વાચનને હંમેશાં પ્રભાવિત કરનારી સાબિત થવાની, કારણ કે ચિત્તમાં સંચિત માહિતી વાચનની પ્રક્રિયાને અંતે થતી પ્રાપ્તિના સ્વરૂપ અને ગુણને પ્રભાવિત કરતી હોય છે. વાચનની પ્રક્રિયાને પ્રભાવિત કરનારું અન્ય એક મહત્ત્વનું પરિબળ તે રસ અને રુચિ. રસ-રુચિ કેળવાયાં ન હોય એટલે નિરસ બનતું જાય, પઠન ! જોડાણ ન અનુભવાય, સમજ ન પડે અને સરવાળે ઘણી નબળી વાચનની પ્રક્રિયામાંથી પસાર થયેલું ચિત્ત ભાગ્યે જ કશું અંકે કરી શકે! પણ જો ધીરજપૂર્વક સાહિત્યપદાર્થ સાથેનો અનુબંધ જાળવી રાખીને વાચનની પ્રક્રિયા અવારનવાર થાય, સાથે થોડું માર્ગદર્શન મળતું જાય તો રસ-રુચિ કેળવવાં અશક્ય નથી ! કેળવાયેલાં રસ-રુચિને લીધે વાચનની પ્રક્રિયાને અંતે થતી પ્રાપ્તિ અનેકગણી વધીને સમૃદ્ધ કરનારી સાબિત થતી હોય છે જે વિવેચનની પ્રક્રિયાને સીધી જ ઉપકારક સાબિત થતી હોય છે. આની જ સમાંતરે આવશ્યક છે કે અંગત ગમા-અણગમાથી મુક્ત રહીને, પૂર્વગ્રહોથી અંતર રાખીને વાચનની પ્રક્રિયામાં જોડાઈએ તો રસ-રુચિ કેળવવાની પ્રક્રિયાને વેગ મળશે. વાચનની પ્રક્રિયા પ્રભાવિત થતી હોય છે પુનઃવાચનથી ! ફરી ફરીને વાંચવાથી પ્રાપ્તિઓ વધતી જતી હોય છે અને એમાં એક ઊંડાણ અને ઉઘાડ સાંપડતાં હોય છે. ઘણુંબધું જે પાછળના વાચનમાં છૂટી ગયું હોય તે પ્રકાશમાં આવે છે અને શબ્દો વચ્ચેના અર્થો, વાક્યો વચ્ચેના સંદર્ભો અને સર્જનાત્મક અવકાશની વિસ્તૃત એવી અર્થચ્છાયાઓ પ્રતીત થતાં હોય છે અને સરવાળે. વાચનનો અનુભવ સધન, પાસાદાર અને બહુપરિમાણી બનતો હોય છે જે રસ- રુચિની કેળવણીમાં પાયાનું યોગદાન આપે છે. આ રસ-રુચિ કેળવવા માટે સાતત્યપૂર્વકનો પ્રયત્ન; મહાવરો અત્યંત આવશ્યક છે. કેળવણી પણ વાચનની પ્રક્રિયાને સમૃદ્ધ કરતી હોય છે; ઔપચારિક રીતે જો વાચન અંગેની કેળવણી મેળવવામાં આવે તો વાચનની ગુણવત્તામાં ઘણો સુધારો થતો હોય છે જે પરિણામે તો રસ-રુચિના ઘડતરને જ પોષક સિદ્ધ થાય છે. વાચનની પ્રક્રિયાને પ્રભાવિત કરનારું અન્ય મહત્ત્વનું પરિબળ તે પ્રયોજન. વાચન શા માટે કરવામાં આવે છે? જે હેતુથી દોરવાઈને વાચનપ્રક્રિયા શરૂ થતી હોય તે મુજબ એની પ્રાપ્તિઓ જુદી જુદી હોવાની. સ્વાન્તઃ સુખાય અર્થે થતું વાચન જુદી અનુભૂતિ તરફ લઈ જનારું બને ! ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ વિશે વક્તવ્ય આપવાનું હોય તો એમની કવિતાનું મારું પઠન અને — કારણ કે મને ઉમાશંકર જોશી કવિ તરીકે ગમે છે અને માટે બસ એ જ કારણે, – એમની કવિતાનું મારું પઠન-ભિન્ન હોવાનાં ! વાચનનાં પ્રયોજન અંગેની સ્પષ્ટતા વાચનની પ્રક્રિયા માટે ઉપયોગી સાબિત થવાની, જોકે અકારણ વાચનને પણ આપણે અવકાશ આપવો રહે ! વાચનની પ્રક્રિયા તો એકસાથે ઘણુંબધું આપણને પ્રસ્તુત કરી આપતી હોય છે પણ વાચનના હેતુની સ્પષ્ટતાને કારણે બિનઆવશ્યક વિગતોના ભારથી મુક્ત રહેવાતું હોય છે ! જેમ કે, કોઈ રચનાનું સંરચનાવાદી અભિગમથી પઠન અપેક્ષિત હોય તો પછી એ રચનામાં ચર્ચિત નીતિવિષયક બાબતો પર કેટલું ધ્યાન આપવું ઘટે? એટલે વાચનપ્રક્રિયાને; વાચનનું પ્રયોજન દિશા સૂચવી આપતું હોય છે. વાચનની પ્રક્રિયાને પ્રભાવિત કરનારું અન્ય પરિબળ તે વાચકનો પરિવેશ અને સાંસ્કૃતિક સંદર્ભ, દા.ત. તળપ્રદેશમાં ઊછરેલી વ્યક્તિ તળના સાહિત્યને જે રીતે વાંચી શકશે એ જ રીતે નગરસંસ્કૃતિમાં ઊછરેલી વ્યક્તિ નહીં વાંચી શકે, કદાચ વાંચી શકે તોપણ પ્રતીતિમાં તો ફેર રહેવાનો જ ! ચોક્કસ પ્રકારનાં સાંસ્કૃતિક વાતાવરણ વચ્ચે રહેનાર વ્યક્તિની વાચનને લગતી ક્ષમતાઓ સ્વાભાવિક રીતે જ અન્ય પ્રકારના સાંસ્કૃતિક વાતાવરણમાં રહેનાર વ્યક્તિઓની ક્ષમતાઓની સરખામણીમાં ભિત્ર હોવાની ! વાચનને આસપાસના માત્ર સંદર્ભો પણ પ્રભાવિત કરતા હોય છે. આસપાસનું વાતાવરણ જો વાચનની પ્રક્રિયાને પોષક હોય તો વાચન ‘સારી રીતે’ કરી શકાતું હોય છે અને જો એ વિપરીત અસર કરનારું હોય તો ઘણી ખલેલ પહોંચતી હોય છે. પરિણામે ગમે તેટલી સજ્જતા હોવા છતાં વાચનની પ્રક્રિયા પ્રભાવિત થયા વિના રહેતી નથી. સાહિત્યના સંદર્ભે જ્યારે કશું પણ કહેવા આપણે પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે ઉપર ચર્ચેલી પ્રક્રિયામાંથી પસાર થવાનું બને છે. વાચનના અનુભવ પછી સભાનપણે સક્રિય થઈ આપણે નિશ્ચિત કરતા હોઈએ છીએ કે વાચનની પ્રક્રિયાને પરિણામે મેળવેલ પ્રાપ્તિઓને પ્રભાવિત કરનારાં કયાં પરિબળોને મારે ધ્યાનમાં લેવાનાં છે અને કયાં પરિબળોને માટે અવગણવાનાં છે. આપણો પોતાનો એક ઉચ્ચાવચ ક્રમ ગોઠવવાનો હોય છે. સભાન થઈને ગોઠવવા પડતા આ ક્રમને પરિણામે વિવેચનની પ્રક્રિયાને દિશા મળતી હોય છે. ઉદાહરલ તરીકે, Radical Feminist વિચારધારામાં માનનારા વાચક જે દૃષ્ટિથી વાચનમાં પ્રવૃત્ત થાય છે: એની પ્રાપ્તિઓ અમુક નિશ્ચિત પ્રકારની જ હોવાની. એનો ‘હું’ એટલો બધો નિશ્ચિત સીમારેખાઓથી ઘેરાયેલો હોવાનો કે એને રસ પડે એ સિવાયની અન્ય કોઈ બાબતને કદાચ એ ગણકારે જ નહીં. આ પ્રકારના અભિગમના લાભાલાભ બંને છે. શક્ય હોય ત્યાં સુધી જો વાચનની પ્રક્રિયાને બિનંગત-તટસ્થ રીતે થવા દઈએ તો વિવેચન માટે ઘણી દિશાઓ ખૂલવાની શક્યતાઓ રહેતી હોય છે. વાચનની પ્રક્રિયા વખતે Suspension of Selfની વાત પણ જાણીતી છે; પણ એ કેટલે અંશે શક્ય બની શકે, એ તપાસવાયોગ્ય છે. આપણી વાચનની પ્રક્રિયા, વિવેચનની પ્રક્રિયાને નિયંત્રિત કરતી હોય છે અને માટે આપણે વાચનની પ્રક્રિયાને સાવધાનીપૂર્વક નિયંત્રિત કરવાની હોય છે. આમ, વાચન સ્વ સાથેનું જોડાણ છે. આ જોડાણને પરિણામે જે પ્રાપ્ત થાય છે તે, અનુભૂતિ-પ્રતીતિને પછી પ્રગટ કરવી કે અપ્રગટ જ રાખવી એ નિર્ણય વાચક તરીકે આપણે લેવાનો હોય છે અને જો એને પ્રગટ કરવાનું નક્કી કરીએ તો આપણે સીધા વિવેચનનાં કાર્યક્ષેત્રમાં પ્રવેશતા હોઈએ છીએ. ખરેખર તો, આપણા વાચનના અનુભવને; અમૂર્તને મૂર્ત કરવાનો, શબ્દસ્થ કરવાનો પ્રયત્ન વિવેચન-પ્રક્રિયાનો આરંભ છે. એક અર્થમાં ચિત્તમાં થયેલા અનુભવને અનૂદિત કરીને જ આપણે પ્રગટ કરતા હોઈએ છીએ. આમ, સ્વમાં સ્થિર થઈને, એની સાથે જોડાયેલા રહીને જ વિવેચનની પ્રવૃત્તિ શક્ય બનતી હોય છે. અને એટલે, વિવેચન એ સ્વ સાથેની મથામણની નીપજ છે જેને આપણી જ વાચનપ્રક્રિયા માર્ગદર્શન પૂરું પાડતી હોય છે. જેમ જેમ ‘સ્વ’ને વાચનના બળે સમૃદ્ધ કરતા જઈશું તેમ તેમ વિવેચન વધુ ને વધુ અસરકારક રીતે કરી શકીશું. સુરેશ જોષીનું પુસ્તક ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ વાંચવાનું એટલે જ ગમે, કારણ કે એ પુસ્તક આ ભૂમિકાએથી લખાયેલું છે. આપણે ખરેખર શું વાંચતા હોઈએ છીએ? - વિવેચનની પ્રક્રિયા સમજવા માટે આ પણ એક રસપ્રદ પ્રશ્ન છે. આપણે સીધો જવાબ એમ આપતા હોઈએ કે; કવિતા કે વાર્તા વાંચી. પણ ખરેખર એમ હોય છે ખરું ? જે વાંચતા હોઈએ છીએ એ તો રચનાની સામગ્રી છે. જેમ કે, એક રાજા હતો. આ સામગ્રી એ તો વાર્તા નથી જ. એટલે વાર્તા વાંચવી એમ કહેવું ભલે વ્યવહારિક ધોરણે અનુકૂળ જણાતું હોય પણ આપણી વાચનની પ્રક્રિયા દરમ્યાન ચિત્ત તો અનેક બાબતોને એકસાથે ગ્રહણ કરતું હોય છે અને માટે એ બહુપરિમાણી અને બહુઆયામી પ્રક્રિયા બનતી હોય છે જેમાંથી વિવેચન માટેની સામગ્રી ઉપલબ્ધ થતી હોય છે. ઉદાહરણ તરીકે, ‘રખડતો’તો હું વાદળ સમો’ પંક્તિ લઈએ. પ્રથમ વાચને જ એક ઉપમા આંખ સામે છતી થાય ! વાદળ સમો... પછી એમ પણ છતું થાય કે ‘વાદળ સમો હું રખડતો’તો’ એમ નથી, પણ ‘હું’ને પ્રાધાન્ય છે, કર્તૃત્વ સોંપાયું છે એટલે એમ થયું કે ‘રખડતો’તો હું વાદળ સમો’ ! આમ, વાચનથી અભિવ્યક્તિનું સંરચન છતું થતું હોય છે. એટલે કે. એકસાથે, અભિવ્યક્તિની સામગ્રી અને ભાષા દ્વારા રચાતો સંદર્ભોનો પુદ્દગલ પ્રત્યક્ષ થતાં હોય છે. એટલે, ભલે આપણે એમ કહીએ કે ઉમાશંકર જોશીની કવિતા વાંચી, પણ ખરેખર આપણે વાંચતા તો આ બધા ઘટકોને હોઈએ છીએ એટલે, કવિતા એ વાચન કરતાં તો અનુભવનો વિષય બનતો હોય છે, વાચનને અંતે જ તો, આ ઘટકોનાં સંયોજનમાંથી નીપજી આવતો એ અનુભવપદાર્થ - કવિતા ! દરેકનો આ અનુભવ ભિન્ન રહેવાનો! એની તીવ્રતા-માત્રા પણ જુદી રહેવાની ! વાચનનો આ અનુભવ, ભાવનના અનુભવ તરફ લઈ જતો હોય છે. વાચનના અનુભવ પછી, ચિત્તમાં ભીતર ચાલતી, અનુભૂતિની પ્રક્રિયા તે ભાવન! વિવિધ -ભાવોને, લાગણીઓને, અર્થોને, વિચારોને જે ઉદ્ઘાટિત કરી આપે છે તે! આ ભાવનને પરિણામે જે અનુભવાય તે તાદાત્મ્ય. ‘રખડતો’તો હું વાદળ સમો’ ! પંક્તિના ભાવનને પરિણામે કાવ્યપંક્તિનો ‘હું’ અને ભાવકનો ‘હું’ – બંને વચ્ચે એક અનુબંધ રચાવાનો; જે પંક્તિમાં નિહિત કવિની અનુભૂતિને, ભાવકની અનુભૂતિ બનવાની ભૂમિકા રચી આપશે. કારણ કે, આ પંક્તિમાં ‘હું’ પ્રાધાન્ય ભોગવે છે એટલે સ્વાભાવિક રીતે વાચનના કેન્દ્રમાં ‘હું’ આવે, પણ કોઈ ભાવકના અનુભવના કેન્દ્રમાં ‘વાદળ’ પણ આવી શકે અને તો આખી અનુભૂતિ અને પ્રતીતિ જુદી દિશામાં પ્રયાણ કરશે ! કોઈ ભાવક વળી, બંનેની ઉપસ્થિતિને સ્વીકારી ‘રખડવાની’ વાત પર કેન્દ્રિત થાય તો અનુભવની વળી એક નવી દિશા જ ખૂલી જાય ! ચિત્તમાં અનુભવાતું આ તાદાત્મ્ય, અત્યંત સંતર્પક અને સમૃદ્ધ કરનારું હોય છે. સીધી સંડોવણી વિના જ, અવનવા અનુભવોને અંકે કરી લેવાનો અદ્ભુત લ્હાવો આ પ્રક્રિયાને પરિણામે પ્રાપ્ત થતો હોય છે ! તાદાત્મ્યપૂર્ણના અનુબંધ વિના વિવેચન શક્ય નથી. તાદાત્મ્યમાંથી જન્મ લેતા વિવિધ પ્રતિભાવો જ વિવેચન માટેની ભોંય રચી આપતા હોય છે. એટલે વિવેચન, Responseમાંથી આકાર લે છે. આ Response તાદાત્મ્યપૂર્ણ ભાવનમાંથી જ સ્ફુરતો હોય છે અને માટે વિવેચનમાં પ્રવૃત્ત થવા માટેની આ અતિઆવશ્યક એવી શરત છે કે : Reader has to respond! The very response initiates the process of Criticism.તાદાત્મ્યપૂર્ણના ભાવનમાંથી થતું હોય છે ચેતનાનું વિસ્તરણ ! ‘રખડતો’તો હું વાદળ સમો’ ! – પંક્તિના તાદાત્મ્યપૂર્ણ ભાવન પછી મારો ‘હું’ કવિતાનો ‘હું’ થાય અને પછી ‘વાદળ’ પણ બની જાય અને પછી આ અનુભૂતિના અવકાશમાં વિસ્તરણ સધાય, અને ઘણુંબધું અનુભવાય ! યોગાનુભવ અને કલાનુભવનું ભેદકતત્ત્વ તે આ - વિસ્તરણ! માત્ર ભાવનથી જ, બેઠાં બેઠાં વાદળ સમું રખડવું અનુભવાય ! આ વિસ્તરણ જ સમૃદ્ધ કરતું હોય છે, ભાવજગતને ! – આ જ છે. સાહિત્ય સાથેના અનુબંધની પ્રાપ્તિ- વિવેચનની સૌથી મહત્ત્વની સામગ્રી ! આ વિસ્તરણ એકત્વ ભાવકના મનથી એના સ્વ સુધી અને પછી કૃતિસંવેદન સુધીનું...)ની પ્રતીતિ સુધી વિસ્તરતું હોય છે અને એ જ રસાનુભવ કહો કે પછી કલાનુભવ! આ અનુભવ વિશે પ્રવૃત્ત થવાની ક્ષણે વિવેચનનો આરંભ થતો હોય છે. Criticism initiates from the process of reflecting up on the experience of oneness based on the expansion felt by the human consciousness after coming in close contact with the literary text. એટલે વાચનથી અનુભવાતા તાદાત્મ્યથી સધાતું વિસ્તરણ, એકત્વ સુધી લઈ જાય અને પછી એમાંથી પ્રાપ્તિ થતા આનંદ સુધી આપણી ભીતર ચાલતી જે આખી માનસિક પ્રક્રિયા છે તેની અનુપસ્થિતિમાં વિવેચનની પ્રક્રિયા સંભવિત નથી. વિવેચનની પ્રક્રિયાની ગુણવત્તાનો આધાર ભીતર ચાલતી આ પ્રક્રિયા પર આધારિત છે. વાચનની પ્રક્રિયા દ્વિસ્તરીય છે. પ્રથમ વાચન કૃતિનું અને બીજું વાચન એ કૃતિને વાંચી રહેલા સ્વનું ! ‘રખડતો’તો હું વાદળ સમો !’ વાંચ્યું એટલે કૃતિનું વાચન થયું; અને તરત જ સમાંતરે શરૂ થાય પ્રક્રિયા; સ્વના વાચનની, કે કૃતિના વાચનની શું અસર થઈ ચિત્ત ઉપર ? વિવેચનની પ્રક્રિયા માટે આ બંને સ્તરનાં વાચન આવશ્યક છે. એકની પણ ગેરહાજરી વિવેચનની પ્રક્રિયાને થંભાવી દેશે. કૃતિના વાચન પછી તરત જ શરૂ કરવી પડે સ્વના વાચનની ક્રિયા કે આ કૃતિ કેવી લાગી ? આનો ઉત્તર મળવાનો શરૂ થાય એટલે વિવેચનની પ્રક્રિયા શરૂ થાય. અભ્યાસી તરીકે એ જ વિવેચકના લખાણમાં આપણને રસ પડે જેનું લેખન આ પ્રક્રિયામાંથી પસાર થઈને પ્રસ્તુત થયું હોય. સ્વની સાથે જોડાવાથી જ વિવેચનની પ્રક્રિયા આપણામાં પાંગરતી હોય છે. સ્વસંવાદ વિવેચનની પાયાની આવશ્યકતા છે. ‘રખડતો’તો હું વાદળ સમો !’ - એમ વાંચ્યા પછી જો આપણે એ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ કે, અલંકારને કારણે કાવ્યઉક્તિ વધુ પ્રભાવક બને છે, કારણ કે ‘વાદળ સમો’ કહીને કવિએ વિચારને મૂર્તિમંત કરી દીધો; તો આપણી પ્રક્રિયા સિદ્ધાંતવિવેચનની દિશામાં ગતિ કરશે અને જો એમ કહીએ કે આ ‘રખડવું’ એટલે શું? અને આ અભિવ્યક્તિના સંદર્ભો અને અર્થસંકેતો વિશે પ્રવૃત્ત થઈએ તો આપણી પ્રક્રિયા વિવેચનની દિશામાં ગતિશીલ બનશે. એટલે સ્વના અનુભવનું વાચન તો ખરું; પણ સભાનતાપૂર્વક એને પ્રગટ કરવામાં જ વિવેચનની પ્રક્રિયાનો મર્મ રહેલો છે. ઉમાશંકર જોશીનો લેખ ‘સારું કાવ્ય એટલે?’ કે પછી સુરેશ જોષીનો ‘વિવેચન વિશે’ લેખ - આ પ્રકારની સ્વવાચનની જ નીપજ છે અને માટે મૂલ્યવાન છે. આમ, વિવેચનની પ્રક્રિયા આપણા વાચનથી પોષણ પામી, આપણી ભીતર ખીલતી અને પછી પ્રગટ થઈને અન્યનાં ભીતર સુધી પહોંચતી પ્રક્રિયા છે; જે ખરેખર તો સાહિત્યપદાર્થને એકથી અન્ય; અને પછી અનેકને જોડવાનું કાર્ય કરતી; સતત પ્રવાહમાન રહી; સાહિત્યને પ્રોત્સાહિત કરતી રહે છે. વ્યક્તિએ-વ્યક્તિએ અને કૃતિએ-કૃતિએ એનું નાવીન્ય આ પ્રક્રિયાનું સૌથી ધ્યાનાકર્ષક પાસું છે. કલામાત્ર સાથે સેતુ રચી આપતી આ પ્રક્રિયા, સાહિત્યની પરંપરાને, વાચકના ચિત્તને અને જ્ઞાનજગતને સતત ધબકતું રાખે છે અને માટે આગવું મૂલ્ય ધરાવે છે.* (લેખમાં પ્રસ્તુત થયેલ તાદાત્મ્ય, વિસ્તરણ અને એકત્વ-ને લગતાં ગૃહીતો શ્રી આનંદશંકર ધ્રુવની વિચારણાથી પ્રેરિત છે. વધુ સંદર્ભ ‘કાવ્યતત્ત્વવિચાર’)

  • ગુજરાતીનો અધ્યાપક સંઘ પ્રેરિત વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા અન્વયે અપાયેલ વક્તવ્ય, ‘વિવેચનની પ્રક્રિયા : એક સમજ’ને આધારે : ભાવનગર યુનિવર્સિટી, તા. ૧૪-૯-૨૦૧૧

પૃ. ૭૪-૭૯ શબ્દસૃષ્ટિ : ઓગસ્ટ-૨૦૧૫