નારીસંપદાઃ વિવેચન/સર્જન, ભાવન અને વિવેચન
મનીષા દવે
પ્રથમ સર્જન, પછી એનું ભાવન અને પછી એમાંથી રચાતું એનું વિવેચનનું શાસ્ત્ર. આ પાસાંઓ વિશે વિદગ્ધજનોમાં થતી ચચર્ચાવિચારણાનાં મૂળ પૂર્વમાં ભરતની રસવિચારણામાં અને પશ્ચિમમાં એરિસ્ટોટલમાં છે એ સુવિદિત છે. આ સંદર્ભે જે નવ્ય ચિંતનો ઉદ્ભવ્યાં તે પણ અંતે તો આ વિચારણાઓ સામેના વિદ્રોહમાંથી પ્રગટ્યાં છે. એ મહત્ત્વની વાત પણ ધ્યાન બહાર ન જવી જોઈએ. કલાનું સર્જન માનવીય પુરુષાર્થ છે. કલાસર્જનનો આ પુરુષાર્થ સ્થાપત્ય-શિલ્પ-ચિત્ર-સંગીત- સાહિત્યમાં જોઈ શકાય છે. દરેક કલામાં સર્જન, ભાવન અને વિવેચનની વિચારણા અને તત્સંલગ્ન પ્રશ્નો ઊભા થાય જ છે. રસ સૌન્દર્ય કલાસર્જક સર્જકતા સર્જનવ્યાપાર ભાવક ભાવનશક્તિ ભાવનાવ્યાપાર કલાનુભવ ઈ. સાથે કલા અવિચ્છિન્ન રીતે સંકળાયેલી છે. કળાના પ્રાગટ્યમાં સર્જનશીલ આત્મસ્ફુરણા રહેલી છે. સર્જકતા એવી કશીક વસ્તુને જન્મ આપે છે, જેમાં ‘સૌન્દર્ય’ રહેલું હોય છે. જેમ લેખક અને વાચક, અને, લેખન અને વાચન એક સિક્કાની બે બાજુ જેવાં છે, તે જ રીતે સર્જક, ભાવક અને વિવેચક અને સર્જન, ભાવન અને વિવેચન-આ એક સિક્કાની બે બાજુ જેવાં છે. આ કારણે અહીં મેં સર્જન, ભાષન અને વિવેચનને પ્લેખન અને વાંચન તરીકે ઘટાવીને ચર્ચા કરી છે. અને એ રીતે, સર્જન, ભાવન અને વિવેચન એ વિશે અહીં કરાયેલો વિચાર મુખ્યત્વે સંસ્કૃત સાહિત્યમીમાંસાને અવલંબીને છે. સર્જન, ભાવન અને વિવેચન અથવા સર્જક, ભાવક અને વિવેચક એ સાહિત્યમીમાંસાની પાયાની વિભાવનાઓ છે. પણ આ સંપ્રત્યયો વિશે કેટલાક ગૂંચવાડા પ્રર્વતે છે, જેમ કે, સર્જન એટલે શું? ભાવન એ કેવી પ્રક્રિયા છે? વિવેચન એ કલા છે કે શાસ્ત્ર છે? અથવા તો સર્જકને કે ભાવકને શા માટે વિવેચનની જરૂર છે? કયો સર્જક શ્રેષ્ઠ કે કેવો ભાવક ઉત્તમ કહેવાય? વગેરે.
સર્જન:
સર્જનનાં મુખ્ય બે અંગો કહેવાય છેઃ દર્શન અને વર્ણન. આંખ બધા પાસે છે, પરંતુ બહુ ઓછા પાસે દૃષ્ટિ હોય છે. સર્જનનું મુખ્ય લક્ષણ તે એની દર્શનશક્તિ છે. ભટ્ટ તૌત પણ કહે છે કે ઋષિ ન હોય તેવો કોઈ કવિ નથી. કવિ દ્રષ્ટા હોય એ, આમ પહેલી શરત છે. પણ કાવ્ય કેવળ દર્શનથી નથી થતું. તેનું વર્ણન પણ આવશ્યક છે. રાજશેખર કહે છે કે દર્શન-વર્ણનથી કવિ થવાય છે. જો કવિ દર્શન કરી શકે પણ વર્ણન ન કરી શકે તો તે હૃદયકવિ છે. કાવ્ય એ કંઈક વિશિષ્ટ છે એની પ્રારંભિક ચર્ચા ભામહ પાસેથી મળે છે. ‘સૂર્ય અસ્ત પામ્યો છે. ચંદ્ર પ્રકાશે છે. પક્ષીઓ માળામાં પાછા જઈ રહ્યા છે’, વગેરે શું કાવ્ય છે? એ તો માહિતી આપી કહેવાય. અર્થાત્, સ્થૂળ વર્ણન કાવ્ય ન બની શકે. છાપાના સમાચાર કાવ્ય નથી બનતા કે આસપાસની ઘટનાઓ કે વ્યવહાર જીવનના અનુભવો કાવ્ય નથી બની શકતા જેમ કે પાડોશની ગાંડી દીકરી અને તેની સેવા કરતી મા આપણે કદાચ રોજ જોતા હોઈએ અને આપણી લાગણી, સંવેદનાનાં તે અધિકારી પણ બનતાં હોય તો પણ એનું સ્થૂળ વર્ણન સાહિત્ય ન બને પણ જવારે આ જ મા અને આ જ દીકરી ઈશ્વર પેટલીકરની કલમે આવે છે. કહેવાનો અર્થ સર્જકનો સંસ્પર્શ પામીને વાર્તામાં આવે છે ત્યારે, ‘લોહીની સગાઈ’નો ખરો ખ્યાલ આવે છે. અન્ય ઉદાહરણ તરીકે આપણે જલન માતરીનો આ શેર લઈ શકીએ. “કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.” કન્યાવિદાયનો પ્રસંગ કોના માટે અણદીઠ્યો- અજાણ્યો છે? પણ માત્ર કવિ જ આ અનુભૂતિ આવી સરસ રીતે પ્રગટ કરી શકે આથી જ મણિલાલ નભુભાઈ કહે છે કે, ‘કવિનું કામ સાધારણ માણસથી વિલક્ષણ છે. જેમાં સાધારણ માણસને જોવા યોગ્ય કોઈ નથી જણાતું તેમાં પણ કવિને કાંઈ અવર્ણ્ય ખૂબી માલુમ પડે છે, ને જેવી તે પોતાના મનમાં ઉતારે છે તેવો તે સામાના મનમાં ઉતારી પોતાને મળ્યો તેવો જ આનંદ સહૃદયના હૃદયમાં ઊપજાવે છે. (સુદર્શન ગદ્યાવલી, પૃ.૧૦૬)
કવિ વિશે:
સંસ્કૃત અલંકારાન્તમાં કવિ કોણ થઈ શકે, એને માટે હતી પ્રતિમા આવશ્યક છે. એ પ્રતિભા કેમ મેળવી શકાય તેની સવિસ્તર ચર્ચા જોવા મળે છે. કવિ માટે ઉપકારક બુદ્ધિ ત્રણ પ્રકારની કહેવાય છે: સ્મૃતિ, મતિ, અને પ્રજ્ઞા. સ્મૃતિનો સંબંધ અતીત સાથે, મતિનો વર્તમાન સાથે, અને પ્રજ્ઞાનો સંબંધ અનાગત સાથે છે. અનાગત એટલે કે જે આવ્યું નથી તે, અથવા તો અપ્રત્યક્ષ આ ‘અનાગત’ને જોનાર શક્તિને રાજરોખર પ્રતિભા કહે છે. (કવિને આર્ષદ્રષ્ટા કહ્યા છે તે પણ આ જ કારણથી!) રાજરોખર આ પ્રતિભાના બે પ્રકાર ગણાવે છે. કારયિત્રી અને ભાવયિત્રી કારયિત્રી પ્રતિભાના પુનઃ ત્રણ પ્રભેદ છે. સહજા-પૂર્વજન્મના સંસ્કારવાળી, આહાર્યાં- આ જન્મના સંસ્કારોથી યુક્ત, અને ઔપદેશિકી-મંત્રતંત્રના ઉપદેશાથી ઉત્પન્ન. સર્જનપ્રતિભાનું મહત્ત્વ વામન, દંડી, મમ્મટ આદિ સ્વીકારે છે. આ પ્રતિભા રહસ્યમય, અવર્ણનીય અને સૂક્ષ્મતમ તત્ત્વ છે. કારયિત્રી પ્રતિભાના આ ત્રણ ભેદને આધારે રાજશેખર કવિઓના પણ ત્રણ પ્રકાર પાડે છે: જેનામાં સહજ પ્રતિભા છે તે સારસ્વત કવિ; જેનામાં આહાર્ય પ્રતિભા છે તે આભ્યાસિક કવિ; અને ત્રીજો તે ઔપદેશિક કવિ. રાજશેખરના મતે કવિ જો આ ત્રણેય પ્રતિભાથી યુક્ત હોય તો કવિરાજનું પદ તેના માટે સુલભ બને છે. રાજશેખર પૂર્વેના આચાર્યોના મતે પ્રથમ બે પ્રકારની પ્રતિભા ધરાવનાર કવિને મંત્રતંત્રાદિની આવશ્યકતા પડતી નથી. અન્યત્ર પણ રાજરોખર કવિઓના ત્રણ મુખ્ય વર્ગ પાડે છેઃ શાસ્ત્રકવિ, કાવ્યકવિ, અને ઉભયકવિ ઉપરાંત, રાજરોખર કવિ અને ભાવકને સમકક્ષ નથી ગણતા. એ કાલિદાસનો મત ટાંકી કવિત્વ અને ભાવકત્વ વચ્ચે સ્વરૂપગત-મૂળગત તફાવત જુએ છે. પ્રથમ (કવિ) સોનું ઉત્પન્ન કરનાર પારસ છે, તો બીજો (ભાવક) તેની કસોટી કરનાર નિકષ છે (અધ્યાય-૪), રાજશેખરને મતે, જે મહાકવિ છે તેને સુષુપ્તાવસ્યામાં પણ સરસ્વતી શબ્દ અને અર્થનું જ્ઞાન કરાવે છે. મમ્મટ કહે છે કે, સર્જન માટે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ એ ત્રણે વાનાં જરૂરી છે (ઉલ્લાસ ૧). એનો અર્થ એ કે કેવળ પાંડિત્યથી, એટલે કે વ્યુત્પત્તિથી જ કાવ્ય સિદ્ધ નથી થતું, પ્રતિભા પણ એટલી જ, બલકે વધુ જરૂરી છે. સાહિત્ય-સર્જનના ઉદ્ભવના કારણમાં પ્રતિભા જ મહત્ત્વપૂર્ણ છે. માણસ કદાચ અભ્યાસથી પંડિત થઈ શકે પણ કવિ નહીં. આનંદવર્ધન આ વિશે ટિપ્પણ કરતાં સ્પષ્ટ કરે છે કે પ્રતિભા વ્યુત્પત્તિ કે અભ્યાસના દોષો ઢાંકી દે પણ પ્રતિભાનો અભાવ કોઈથી પુરાય નહીં. વામન કહે છે તેમ પ્રતિભા કાવ્યબીજ છે. કવિ જયદેવ પણ આ સંદર્ભે કહે છે કે બીજ માટી અને પાણીથી યુક્ત હોય છે. તો તેમાંથી લતા ઉદ્ભવી શકે છે તેમ વ્યુત્પત્તિ ને અભ્યાસયુક્ત પ્રતિભાથી કવિતા ઉદ્ભવી શકે. બ. ક. ઠાકરે પણ સૂચવ્યું છે કે કાવ્યવ્યાપારમાં મોટો હિસ્સો કાવ્યકૌશલ-કલાકારીગરી-કલાગત ઓજારો રોકે છે. બીજો ભાગ તે આધ્યાત્મિક ભાવાત્મક બૌદ્ધિતંત્રનો છે, અને તે નાની હોવા છતાં ચડિયાતો છે. પ્રથમ ભાગ કલાગત છે. તો બીજો ભાગ પ્રતિભાગત છે. એ સ્વાભાવિક જ છે કે આ બેનું સાયુજ્ય ઉત્તમ કાવ્યમાં જોવાય છે. - કાવ્ય કરવાનો અધિકારી કોણ હોઈ શકે તે નિમિત્તે વામને કવિની ચર્ચા કરી છે. વામન વિવેચનશીલતા-અવિવેચનશીલતાના આધારે, અથવા વિવેક - અવિવેકના આધારે કવિઓના બે પ્રકાર પાડે છે.
સર્જનપ્રક્રિયા વિશે:
કાવ્યને નિર્મિતિ, રચના, ઘાટ કહેવાઈ છે; કવિ સર્જક કર્તા કાવ્યસંસારનો પ્રજાપતિ કહેવાયો છે; અને સર્જનાત્મક્તા એ કાવ્યનો (=વ્યાપક અર્થમાં) વ્યાવર્તક ગુણધર્મ મનાયો છે. સર્જનમાં કંઈક નવું ઉપજાવવાનો અર્થ રહેલો છે: જે પૂર્વે નહોતું તે, અપૂર્વ, નૂતન આવિષ્કાર, કલાકારની સર્જકતા એટલે કંઈક અપ્રતિમ વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ. અને એ શક્તિને ક્રિયમાણ કરાતાં સર્જન સાંપડે છે. સર્જન આ રીતે એક ક્રિયા, પ્રક્રિયા બને છે, એથી એનો આરંભ હોય અને ક્યાંક એનો અંત પણ હોય આ સર્જનપ્રક્રિયાઓ સર્જકોમાં સમાન હોય છે કે પછી ભિન્ન તેવો પ્રશ્ન ઊઠે છે. સર્જન કઈ રીતે પ્રગટે છે એ અનાદિકાળથી માનવજાત માટે કૃતૂહલનો વિષય રહ્યો છે. સર્જકની આસપાસ દિવ્યતા, રહસ્યાત્મકતાનો એક આલોક છે. એથી જ કવિતાને મિસ્ટિરિયલ અનુભવ કહેવામાં આવ્યો છે ને કવિઓને લગભગ પયગંબરના સમકક્ષ ઓળખાવાયા છે એટલું જ નહીં, તેમની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં પણ ચઢિયાતી ગણાવાઈ છે. (આનાથી તદ્દન વિપરીત છેડે, બે મહાયુદ્ધો વચ્ચે પાંગરેલા દાદાવાદ અને સરરિયાલિઝમ આંત્યંતિક કક્ષાએ જઈને માને છે કે કવિતા બલકે કવિતા એ યાંત્રિક પ્રક્રિયા છે. એમના ‘સર્જન’ વિશેના પ્રયોગો જાણીતા છે. દાદાવાદીઓએ કુંચીઓ પાછડીને ‘સંગીત’ પેદા કર્યું. તો શબ્દના કટિંગ ભેગા કરીને એક પછી એક પછી શબ્દ ઉપાડીને, ‘કવિતા’ પણ રચી. જોકે એનું કારણ એ હતું કે દાદાવાદીઓ દ્વારા મુખ્યત્વે તો કલાવસ્તુના સર્જન, આસ્વાદ અને વિવેચન વિશે ગંભીર આશંકાઓ ઊભી કરવામાં આવી રહી હતી. પોતાના ચિત્રવિચિત્ર પ્રયોગો દ્વારા એમણે પહેલી વાર અનુભૂતિનાં સંકુલ પરિમાણો પ્રત્યે ક્લાવિવેચકોનું ધ્યાન દોર્યું હતું) કલાકારોએ સર્જનપ્રક્રિયા અંગે આપેલી કેફિયતોના આધારે એ પ્રક્રિયા એકવિધ છે કે અનેકવિધ એ સમજી શકાય. આ પ્રકારની કેફિયતો તપાસતાં સર્જકે સર્જકે વિચારો જુદા બલકે, વિરોધી હોય છે. તે જોવા મળે છે. સર્જકો શા માટે સર્જનપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેનો પણ કોઈ યોગ્ય કે સંતોષકારક ઉત્તર મળી શકતો નથી. દાખલા તરીકે, શ્રી અરવિંદ કહે છે કે સઘળું રાર્જન અંતરતમ પ્રક્રિયાના રહસ્યમાં જોવા જોઈએ તો એક અગમ્ય ઘટના છે. સર્જનના આવા અલશોનું કેવળ પૃથક્કરણ કરી શકાય; એથી વધારે કશું નહીં કવિ એવો જાદુગર છે જે પોતાના જાદુનું રહસ્ય ભાગ્યે જ જાણતો હોય છે. અધ્યાત્મ દિવ્યશક્તિનો આવેગ કવિમાં નિક્ષિપ્ત થતાં તે સર્જન કરે છે. સર્જનનો સમગ્ર વ્યાપાર સંકુલ છે. જટિલ છે. એમ એમનું કહેવાનું તાત્પર્ય છે પણ બધા સર્જકો શ્રી અરવિંદની આ વિચારણાને માન્ય રાખશે નહીં. સર્જક પોતે ભાવક હોવો પણ જરૂરી છે. એથી આગળ વધીને કહીએ તો સર્જકની પ્રતિભાને એની પોતાની ભાવક તરીકેની પ્રતિભાનો સંસ્પર્શ થાય ત્યારે જ તે સક્રિય બને છે. મહર્ષિ વાલ્મીકિએ રતિરત કૌંચયુગલમાંથી એકનું હનન થતાં જોવું, અને એ દૃશ્યથી તેમની ભાવક તરીકેની ચેતના ઝંકૃત થઈ. અને એ બનાવને પરિણામે જન્મેલા શોકમાંથી તેમની સર્જનપ્રક્રિયા -cee efv<eeo વગેરે- આરંભાઈ. એથી ‘વાલ્મીકિનો શોક શ્લોકત્વને પામ્યો ત્યારે રામાયણ રચાયું’ એમ કહેવાય છે, ભવભૂતિએ આ અદ્ભુત ઘટનાને cebelflesseb mebmeej અર્થાત્, આ સંસાર વિભૂષિત થયો, કહી વર્ણવી.૨ સર્જનપ્રક્રિયા વેળા કવિના ચિત્તની કેવી સ્થિતિ હોય છે એ વિશે પણ ઘણી અસ્પષ્ટતાઓ છે. એ સિવાય, કૃતિના સ્વરૂપ અને માધ્યમ અનુસાર પણ સર્જનપ્રક્રિયા વિભિન્ન રહેવાની. આચાર્ય કુન્તકે સર્જન વિશે જણાવ્યું છે કે કાવ્યરચના સમયે કવિના ચિત્તમાં એક સ્પંદન જાગે છે, તેને લીધે આ જગતના પદાર્થો પોતાના બાહ્ય જડ સ્વભાવને છોડી દઈને કવિના અંતરમાં ભાવમય રૂપ ધારણ કરે છે. અને એ રીતે એ પદાર્થો કવિની વિવક્ષાને યોગ્ય ભાવમય અર્થ બની જાય છે અને પછી એ પરિસ્પંદનને લીધે એ ભાવમય અર્થને બરાબર અભિવ્યક્ત કરી શકે છે (વક્રોક્તિવિચાર, અનુ. નગીનદાસ પારેખ, પૂ ર૩) સર્જકકવિની પ્રતિભામાં ઊઠેલા કોઈ પરિસ્પંદનને લીધે બાહ્ય જગતનું પોતાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેઓ જેવા બહારના જગતમાં હોય છે તેવાને તેવા કવિસૃષ્ટિમાં રહેતા નથી; કોઈક અલૌકિક પરિસ્પંદનને લીધે આ બાહ્ય જગતના પદાર્થો કવિચિત્તમાં ભાવમયરૂપે પ્રત્યક્ષ થાય છે, અને તેને પરિણામે જ કવિ એને સારી રીતે અભિવ્યક્ત કરી શકાય તેવું શબ્દસામર્થ્ય દાખવી શકે છે. કાવ્યજગતમાં ભૌતિકજગતનાં પદાર્થો લાગણીઓ-વિચારો આવતાં હોવા છતાં એ કેમ સૌંદર્યમય લાગે છે તેનો ખુલાસો કુન્તકની આ વિચારણામાં સાંપડે છે. કવિમાં પ્રતિભા હોય તો કવિચેતનાનો વિસ્તાર કરી શકાય. કાવ્યાદિમાં આપણે આગળ જોયેલો, બ. ક. ઠાકોરે સૂચવેલો, કલાગત ઓજારોનો મોટો હિસ્સો પ્રમાણમાં મૂર્તતત્ત્વનો હોવાથી એમાં કાવ્યજ્ઞની દેખરેખ હેઠળ કાવ્ય રચવાનો ઉદ્યમ કરી નિપુણતા મેળવી શકાય. વામને એની કાવ્યચર્ચામાં બાહ્યથી અંતર તરફના સાત સોપાનોની વિગતે વાત કરી છે. અન્ય કવિઓએ રચેલાં કાવ્યોનું પરિશીલન પ્રારંમિક તબક્કો છે. જાતે કાવ્ય રચવાનો ઉદ્યમ બીજું સોપાન છે. જાતે કાવ્ય રચવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે કાવ્ય રચવામાં તથા તેનું શિક્ષણ આપવામાં નિપુણ કાવ્યગુરુની મદદ વડે કાવ્યપ્રક્રિયાને સંમાર્જિત કરતી એ ત્રીજું સોપાન છે. કાવ્યસર્જનની પ્રક્રિયા દરમ્યાન પોતાને ઈષ્ટ એવા અર્થ માટે એક અને અનન્ય શબ્દોનું ચયન કાવ્યકૃતિને પ્રૌઢિ અર્પે છે- આ ચોથું સોપાન જન્માંતરથી અર્જિત વાસનારૂપ સંસ્કારવિશેષને નિર્બધ રીતે પ્રકટવા દેવો એ કાવ્યરચનાનું પ્રતિભા નામનું પાંચમું સોપાન છે. કાવ્યપ્રતિભાના નિર્મલ અને નિર્બધ વિલાસ અર્થે કાવ્યવસ્તુનો સાક્ષાત્કાર કરતી ચિત્તની એકાગ્રતા એ કાવ્યસર્જન પ્રક્રિયાનું અંતિમ અને પરમોચ્ચ સોપાન છે. મનોવિજ્ઞાને આ પ્રક્રિયાને અચેતન મને સાથે અને એ રીતે ‘રહસ્ય’ સાથે સાંકળી છે. આ રહસ્યને સાદી રીતે કહીએ તો પ્રેરણા કહી શકાય. અલબત્ત, સર્જન પ્રેરણાપ્રાપ્ત છે એ વાત સ્વીકારવા છતાં સાથેસાથે એ પણ સ્વીકારવું રહ્યું કે આ પ્રેરણાને સંસ્કારવી પડે છે. એ પ્રેરણાને સંમાર્જિત કરવી પડે છે. ભાવ જેવા જન્મે એવા ને એવા એમને આલેખી શકાતા નથી. બલકે, વર્ડ્ઝવર્થ કહે છે તેમ, એ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફીલિંગ્સને ટ્રેકિવલિટીમાં કલેક્ટ કરવી પડે. એટલે કે, આવેગના નીરને શાંત પાડવા પાંડે; લાગણીને સંસ્કારિતા અર્પવી પડે ઉશનસે પણ કહ્યું જ છે કે કવિતા આષાઢી જળ નથી, પણ શરદનાં પ્રસન્નનીતરાં જળ છે. ઘણી વાર એકાદ પંક્તિ સ્ફૂરે અને એ પછી કવિ સ્વપ્રયત્ને બીજી પંક્તિઓ એમાં જોડી દે. ફારસી કાવ્યશાસ્ત્રમાં આ માટે બે સરસ શબ્દો પ્રયોજાય છે: આમદ અને આવુર્દન, આમદ એટલે આવવું અને આવૃર્દન એટલે લઈ આવવું સ્ફૂરેલી પંક્તિ આમદ છે અને એ સ્ફૂરેલી પંક્તિઓ પરથી બીજી પંક્તિઓ બનાવી કાઢવી તે આવુર્દન સર્જન આમ બે પ્રકારે થઈ શકે; અથવા સર્જનપ્રક્રિયાને આમ બે રીતે સમજાવી શકાય. ક્યારેક કોઈ પંક્તિ એક વાર આવે એ પછી ફરીને પાછી આવી શકતી નથી, અથવા એ કાવ્ય આગળ વધી શકતું નથી. જેમ કે, સુંદરમ્ પોતાની ‘કેફિયત’માં કહે છે કે, ‘તને મેં ઝંખી’તી યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’ દોઢ પંક્તિની મારી આ રચના તો પોતાને બળે જ ઘણી જાણીતી થઈ ગઈ છે. પણ ‘આને માટે કશું જ બાહ્ય નિમિત્ત ન હતું. મારી પ્રેમાનુભૂતિને ગાવી છે એવો પણ કોઈ સંકલ્પ કે સ્ફુરણા ન હતી, પણ મારા સમસ્ત સ્વરૂપમાં આવી વસ્તુ જામીને પડેલી તો હતી. જ પણ તેની તીવ્રતા અને વિરાટતા આવો આવિર્ભાવ પામશે એવી કલ્પના ન હતી... તે આમ આ ક્ષણે ચિત્તની નરી નિસ્પંદ વિચારમુક્ત સ્થિતિમાં, ચિત્ત કરતાંયે વિશેષ તો અંતરાત્માની, આંતર ચિતિની અને તેને ગૂઢ પ્રકટ રીતે આવરી લઈ તેમાં સંચારિત થતી વિશ્વચેતનાની એક ગતિરૂપે પ્રગટ થઈ.’ આ જ વાત તેઓ પોતાની અન્ય એવી જ સુખ્યાત પંક્તિ-જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’-વિશે કહે છે. એક નાનકડી કન્યા મારી પાસે હસ્તાક્ષર લેવાને આવેલી અને મને કહેલું કે એક કડી લખી આપો. તેના ‘કડી’ શબ્દને પકડીને ઉપરની પંક્તિ આવી ગઈ.. આના અનુસંધાનમાં એની પૂર્તિ કરતાં બીજી કડી પછી ઘણા વખતે, વર્ષો બાદ, આ પ્રમાણે આવી! ‘કડી એ લાધતી જ્યારે પ્રભુની આવતી ઘડી.’ અર્થની રીતે, ‘કડી-ઘડી’ના અંકોડામાં જોડાઈને આવતી આ પંક્તિ સુરુચિર તો છે, પણ પહેલી પંક્તિની તાજગી જાણે એમાં નથી. ચિનુ મોદીએ પણ કાવ્યસર્જન વિશે કહ્યું છે કે, ઘણી વાર કાવ્યની પંક્તિઓ કુરાનની આયાતોની માફક ઊતરી આવે છે એમની ગઝલ ‘શ્વાસમાં છલકાય છાની ગંધ તો’ ના ચાર શેરમાં. જે ગ્રંથાલયમાંથી વિદ્યાપીઠ જતા રસ્તામાં લખાયા અને પાંચમો એવો ઉત્તમ શેર તો ક્યારેય ના લખાયો. અને જે લખાયો તે સાવ વાહિયાત. ઉમાશંકર જોષીએ તેમના કાવ્ય મંથરા સંદર્ભે આ જ વાત નોંધી છે. રાજેન્દ્ર શાહની અત્યંત પ્રસિદ્ધ રચના – ‘તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી’માં આ પ્રથમ બે પંક્તિઓનું કવિકર્મ જુઓ અને એને એ પછી લખાયેલી અન્ય પંક્તિઓમાંના કવિકર્મ સાથે સરખાવી જુઓ:
‘વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી
તું તો છે સંધ્યાની શોભા સોહામણી
લોચને ભરાય તોય દૂર દૂર ધામની
પોઢેલો મૃગ મારા મનનો મરુવને
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને,
સીમ સીમ રમતી તું ના’વતી જરી કને’
અહીં પ્રથમ બે પંક્તિઓમાં જે ઊર્મિ આવેગ, લાલિત્ય, સૌંદર્ય, રંગ અનુભવાય છે એ પાછળની પંક્તિઓમાં શોધ્યાંય જડતાં નથી અને જે છે તે સાયાસ, કૃતક! (પહેલી બે પંક્તિમાંના વર્ણાનુપ્રાસને પોઢેલા મૃગ મારા મનનો મરુવને’નાં ‘મ’નાં આવર્તનો સાથે સરખાવી જુઓ.) અર્થાત્. આ પાછળની પંક્તિઓ આવર્તન પ્રકારની છે.
ભાવન:
સાહિત્યનું સર્જન જેમ વિશિષ્ટ વ્યાપાર છે તેમ ભાવન પણ વિશિષ્ટ વ્યાપાર છે. આ બે પરસ્પર સંબદ્ધ છે. જેમ સર્જન માટે વિશિષ્ટ પ્રતિભાની આવશ્યકતા છે તેમ ભાવક માટે પણ એક વિશિષ્ટ શક્તિની પ્રતિભાની જરૂર પડે છે. સર્જનની પ્રતિભા કારયિત્રી છે તો વિવેચકને ઉપકારક થતી પ્રતિભા ભાવયિત્રી છે. આને કારણે કવિનું વ્યાપારરૂપી વૃક્ષ ફરકે છે. રાજરોખર ભાવકનું બહુમાન કરતાં કહે છે કે કવિવિવેચક હોય તો તેવો કવિ અધમ દશાને પામતો નથી. એટલે કે, સર્જકે પોતે પણ વિવેચકની ભૂમિકા ભજવવી રહી, જો અધમ દશાને ન પામવી હોય તો. શબ્દાર્થ સહિતનું જે હોય તે કાવ્ય એમ કહીએ છીએ ત્યારે આપણે શબ્દ અને અર્થના સહિતત્ત્વને જોવાનું છે. શબ્દ =કવિ અને અર્થ=ભાવક એવું અર્થઘટન પણ કરી શકાય. શબ્દ કવિ કહે છે અને એનો અર્થ ભાવક સમજે છે, અને અન્ય સુધી પહોંચાડે છે. આમ, સર્જનને એક છેડે કર્તા છે ને બીજે છેડે ભાવક છે. આમ, રચાયેલી કૃતિની સાર્થકતા એના ભાવનમાં છે, એથી ભાવકની પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સવિગત ચર્ચા કરાઈ છે.
ભાવકની કોટિઓ:
સર્જકને એઈ સમસંવેદનશીલ ભાવકની જરૂર હોય છે. (કર્તા પોતે એની કૃતિનો પ્રથમ ભાવક હોય છે. પણ એ બીજી વસ્તુ થઈ ) પોતાની પ્રારંભિક કૃતિઓને મળેલા ઠંડા આવકારથી વ્યથિત ભવભૂતિ પોતાની જાતને સાંત્વના આપતાં કહે છે કે આ કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે. એથી ક્યારેક તો મારી કૃતિઓને પિછાની શકે, માણી શકે, સમજી શકે તેવો સમાનધર્માં વાચક તો મળી રહેશે. કોઈ પણ કવિને ભાવકની જે અપેક્ષા હોય છે તે આવા સમાનધર્માં વાચકની જ. બાકી તો, એક સુભાષિતમાં કવિએ યોગ્ય જ વિનંતિ કરી છે કે અરસિકની સમક્ષ કાવ્યનિવેદન કરવાનું મારા ભાગ્યમાં કદી. ન લખીશ. ન લખીશ ન લખીશ. એટલે કે, અરસિક ભાવક હોય તેના કરતાં તો ભાવક જ ન હોય તે શ્રેયસ્કર આનંદવર્ધને આવા સમાનધર્માં વાચકની વાત કરતાં કહ્યું છે કે કાવ્યનું વારે વારે અનુશીલન કરવાને લીધે સ્વચ્છ થયેલા જેમના મનોમુકુરમાં વર્ણનીય વિષયમાં તન્મય થવાની યોગ્યતા હોય એવા સ્વહૃદયસંવાદવાળા એટલે કવિના હૃદય સાથે પોતાના હૃદયનું તાદાત્મ્ય સાધી શકે એ સહૃદય, ભાવક જો સહૃદય હોય તો જ એ સર્જકની અનુભૂતિને ગ્રહણ કરી શકે તો અને તો જ સર્જકે જે આનંદ માણ્યો છે. તે અનુભવી શકે. ભાવકે આમ સર્જકની કક્ષાએ પહોંચવાનું છે. સહૃદય ભાવક માટે કાવ્યશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોનું જ્ઞાન આવશ્યક છે. દંડીના મતે કાવ્યના અધિકારી ભાવક ગુણદોષ આદિ કાવ્યના શાસ્ત્રીય જ્ઞાનથી પરિચિત હોવા જોઈએ તેમણે એ માટે રાતદિવસ શ્રમપૂર્વક કાવ્યવિદ્યાની ઉપાસના કરવા પર ભાર મૂક્યો છે. આમ કરવાથી તેને કવિત્વશક્તિ કદાપિ ન મળે તો પણ વિદગ્ધગોષ્ઠિમાં તો સહૃદય ભાવક તરીકે વિહાર કરવાને તો તે સમર્થ થશે એમાં શંકા નથી એમ દંડી કહે છે (૧.૧૦૫) નેત્રહીન વ્યક્તિ જેમ સૌંદર્ય કે કુરૂપતાને પામી શકતી નથી, તેમ કાવ્યશાસ્ત્રની જ્ઞાનરહિત વ્યક્તિ કાવ્યનાં ગુણદોષ કે જમાઉધાર પાસાં સમજી શકતી નથી. આમ, કાવ્યશાસ્ત્રનું જ્ઞાન કવિ અને ભાવક ઉભય માટે નેત્ર સમાન છે. કવિ નિમિત્તે કાવ્યાધિકારીની વિચારણા વામને સૌપ્રથમ વાર કરી છે. વામનની આ ચર્ચા પાછળથી કુંતક અને રાજરોખરમાં જોવા મળે છે. પૂર્વસૂરિઓને અનુસરીને રાજરોખર ભાવકના બે પ્રકાર સ્વીકારે છે અને પોતાના તરફથી બીજા બે ઉમેરીને કુલ ચાર પ્રકાર પાડે છે. આ પ્રકારોની ચર્ચા કરતો પૂર્વે એ સ્પષ્ટ કરે છે કે કેટલાક ભાવક વાણીના ભાવક હોય છે, કેટલાક હૃદયની સંવેદનાના, કેટલાક સાત્ત્વિક, અને કેટલાક આંગિક અનુભાવોના આ ચાર પ્રકાર બહુ જ પ્રાથમિક છે; આ ચાર ભાવક શાસ્ત્રજ્ઞ હોતા નથી. રાજશેબરને જે ચાર ભાવકોની વાત કરવી છે તે શાસ્ત્રજ્ઞ હોય છે. તે આ પ્રમાણે છેઃ
અરોચકી - જેને કશું સામાન્ય ન રૂચે.
સતૃણાભ્યવહારી- જેને તૃણ જેવી ક્ષુલ્લક રચના પણ ગમી જાય.
મત્સરી જેના ગમાઅણગમામાં અંગત રાગદ્વેષ નિર્ણાયક હોય.
તત્ત્વાભિનિવેશી જે તાત્ત્વિકતાનો આગ્રહી હોય. આ ભાવક લાખોમાં એક હોય છે. કેટલાક ભાવકો ગુણદર્શી હોય છે તો કેટલાક દોષદર્શી આ બંને પ્રકારના ભાવકો ઉત્તમ ભાવકો નથી. જોકે રાજશેખરના આદર્શ પ્રમાણે ભાવકે ગુણનો વિશેષ આદર કરવો જોઈએ. (મનસુખલાલ ઝવેરીએ આનંદશંકર ધ્રુવની વિવેચના વિશે કહેલું કે, ‘ગુણોનો નિઃશેષ સ્વીકાર અને દોષોનો આત્યંતિક પરિહાર એ આચાર્યશ્રીની સાહિત્યભાવનાનું વિશિષ્ટ લક્ષણ છે. દૃષ્ટિકોણ પૃ. ૧) દરેક ભાવકનો કાવ્યાનુભવ સ્વતંત્ર - જુદો હોય છે. અહીં એથી એક પ્રશ્ન ઊભો થાય છે કે એક જ કૃતિ સાથે એકથી વધારે અર્થ જોડાતા હોય ત્યારે કયા અર્થને સ્વીકારવો? સહૃદય ભાવક વિશે પુષ્કળ ચિંતન થયું છે. પણ સામાન્ય ભાવક વિશે બહુ વિચાર થયો નથી. આવો વાચક માત્ર અને માત્ર આનંદ ખાતર વાંચે છે એને કૃતિ અને એની સાથે જોડાયેલા પ્રશ્નો સાથે કંઈ ખાસ લેવાદેવા નથી. એ બહુ બહુ તો કૃતિ કેવી લાગી. એનું કથાવસ્તુ કેવું છે અથવા સર્જક સાથે એનો સંબંધ કેવો છે એ વિશે વિચારે છે. રૂપવાદીઓને મતે સાહિત્યનો અર્થ કૃતિમાં ‘ફોસીલાઈઝ્’ડ થયેલી હતી; અર્થ એ રીતે કૃતિમાં રતને કૃતિનો એ ભાગ હતો. રીડર રિસ્પોન્સ થિયરી મુજબ અત્યાર સુધી જે ભાવક નિષ્ક્રિય મનાતો હતો. એ હવે સક્રિય બને છે. કૃતિ object બને છે, ને ભાવક subject બને છે. યાઉસના મતે કૃતિનો અર્થ સમયાંતરે બદલાતો રહે છે. ભાવક એને નવા સંદર્ભમાં સમજે છે. ઈઝર માને છે કે કૃતિ અપૂર્ણ હોય છે. તેમાં ખાલી જગ્યાઓ હોય છે, જે વાચકે પોતાની રીતે ભરવાની હોય છે. ફીશ પણ અર્થ કૃતિમાં નથી. હોતો કહીને એનું આરોપણ વાચકમાં કરે છે. આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ‘રાત પડી’ એ એક વાક્ય એક કૃતિ છે. હવે ભાવક તરીકે આપણે એને કઈ રીતે જોઈશું? સામાન્ય ભાવક તરીકે એનો ’સૂર્ય આથમ્યો’ એમ અર્થ સમજી લઈશું. પણ આ જ વાકયને યોગી, ભોગી, ચોર, ગણિકા, અભિસારિકા, કારીગરના સંદર્ભે જોઈએ તો ભાવક તરીકે આપણે એના વિવિધ અર્થો પામી શકીએ. આ વિચારણા મુજબ દરેક ભાવક કૃતિ પાસે પોતાની સાહચર્યો લઈને જાય છે, અને તેને અર્થ આપે છે.૩ આ અર્થો એ વાક્યના સર્જકને અભિપ્રેત ન પણ હોય, બલકે ન જ હોય આ રીતે જોઈએ તો કૃતિનો અર્થ હવે કૃતિમાં જ કેન્દ્રિત ન રહેતાં, કૃતિની બહાર વાચકમાં વિશેષરૂપે સ્થિર થવા પામ્યો છે. કૃતિ અને વાચક વચ્ચેના transaction આદાનપ્રદાનમાંથી તે જન્મે છે. આમ, સર્જક-ભાવકનો સહિયારો પુરુષાર્થ એટલે કૃતિ વાચક અને કૃતિ=અર્થ ભાવન કૃતિ અંગેનો પ્રતિભાવ છે, કૃતિને સમજવાનો ઘટાવવાનો અનુભવ-પ્રતિભાવ. એલન રોડવે આ અર્થમાં જ કહે છે કે કાવ્ય ‘હોતું’ નથી. ‘બનતું’ હોય છે, ભાવકપક્ષે. એટલે કે, ભાવકના પક્ષે વાચન કરતી વખતે કાવ્યની રચના થાય છે. ભાવક પુનઃ સર્જક કે અનુસર્જક પણ હોઈ શકે છે. ઘણી વાર ભાવક કવિધારણાથી વિપરીત અને ઉત્તમ રીતે કંઈ નવીન સૌંદર્ય શોધી લાવે છે, કારણ કે ભાવકને પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાને અભિપ્રેત અર્થઘટન કરવાનો અબાધિત અધિકાર છે. ગીતા, રામાયણ, મહાભારત વિશે કેટલાં નવા નવા અર્થઘટનો આપણી પાસે છે! આ ત્રણેયના સંબંધ વચ્ચે પ્રત્યાયનની વાત મહત્ત્વની બને છે. કવિનો ઉદ્દેશ પોતાની અનુભૂતિને ભાવક સુધી પહોંચાડવાનો છે. પણ ક્યારેક એ પ્રત્યાયન ન થઈ શકે ત્યારે ભાવકને કોઈ કૃતિ ન સમજાય, એ સંદિગ્ધ છે એમ લાગે ત્યારે સર્જક પોતાને અભિમત અર્થનું પ્રત્યાયન નથી કરી શક્યો એમ સમજવાને બદલે જે તે ભાવક કૃતિનો અર્થ પામી શકે એટલી સમજ નથી ધરાવતો તે પણ શક્યતાનો વિચાર કરવો જોઈએ. અલબત્ત, કોઈ જ ન સમજી શકે તેવી એવી અભિવ્યક્તિ પ્રશ્નો ઊભા કરે જ. વિદ્રોહાવસ્થામાં ક્યારેક સર્જક કોઈ અર્થનું જ પ્રત્યાયન કરવા માગતો હોતો નથી, જેમ કે ‘રે મઠ’ના કવિઓ કહેતા કે અમારી કવિતા અમે સમજીએ છીએ એવું નથી!
વિવેચન:
કાવ્યપઠન નાટ્યપ્રયોગ જેવા ઉપક્રમોમાંથી સાહિત્યચર્ચાનો ઉદય થાય છે. કૃતિનું ભાવન કરનાર અધિકારી અને પ્રતિભાશાળી ભાવક પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસને બળે કૃતિમાં વ્યક્ત થયેલા ભાવને અથવા ગૂઢ અનુભૂતિને સમજી પ્રમાણીને જ્યારે સાચો સંવાદ સાધવા પ્રયત્નશીલ બને છે. ત્યારે વિવેચનનો પ્રારંભ થયો ગણાય છે. કૃતિ સાથે તાટસ્થ્યપૂર્વક કાવ્યવ્યાપાર અંગે સંવાદ રચવો એ વિવેચન છે. કૃતિની ભાવક પર થતી અસર તપાસવી તે પણ વિવેચન છે. કૃતિના ભાવનમાં વિવેચનની અપેક્ષા નથી. કૃતિનું ભાવન થયે એ પ્રક્રિયા પણ પૂર્ણ થાય છે. ૫ણ જ્યાં કૃતિ વિશે ભાવક, ઉપર જણાવેલી દૃષ્ટિએ કાંઈ કહે છે ત્યારે તે વિવેચન બને છે. સર્જક પોતે જેમ પ્રથમતઃ ભાવક હોય છે તેમ વિવેચન પણ પહેલાં ભાવક જ હોય છે ભાવક વિવેચક હોય એ જરુરી નથી. પરંતુ વિવેચકે ઉત્તમ ભાવક હોવું અનિવાર્ય છે. વિવેચકનું મૂળભૂત કાર્ય અર્થધટન કરવાનું અને એને અન્યો સુધી સંક્રમિત કરવાનું છે. હર્શના મતે વિવેચક જ્યારે કૃતિનું મૂલ્યાંકન કરે છે ત્યારે તે પોતાના વિશે વાત કરે છે, પોતાના યુગનો પ્રતિનિધિ બને છે; જવારે તે અર્થઘટન કરે છે ત્યારે ને કવિ વિશે વાત કરે છે. વિવેચનનો વિષય છે. કૃતિ તેણે મલ્લિનાથ કહે તેમ નામૂલં લિખ્યતે કિંચિત્ ને અનુસરવાનું છે. વિવેચનની આ પ્રથમ શરત છે. ભાવકે આવી તેવી શરતોને અધીન રહેવાનું નથી. એ પોતાની અનુભૂતિને બહુ બહુ તો વાણી દ્વારા પ્રગટ કરી શકે. પણ સર્જનવ્યાપારને એણે સમજાવવાનો નથી. એ કામ એનું નથી. એ કામ વિવેચકનું છે. કવિની સૃષ્ટિ જુદી છે. કવિને આખા વિશ્વમાં ફરવાની છૂટ છે-તેની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા, આહ્લાદકમયી, ને અનન્યપરતંત્રા છે-; વિવેચકને નથી. વિવેચકને સર્જકની જેમ સ્વાયત્તતા પ્રાપ્ત થતી નથી; એનું વિશ્વ સર્જનસીમિત છે; સર્જકને ભાવક સુધી પહોંચાડવાના એક સેતુ તરીકે ભૂમિકા ભજવવાનું એનું કામ છે. એનો વ્યાપાર બૌદ્ધિક છે, તાર્કિક છે. શાસ્ત્રીય છે. ભાવનમાં કેવળ સહ-અનુભૂતિ છે. સહ -ભાગીપણું છે. ને અનુભવાતો આનંદ છે. કૃતિના ગુણદોષની ચર્ચા ભાવકના તબક્કામાં આવતી નથી. સહદય ભાવક કૃતિનું ભાવન કરીને એ વિશે પ્રાપ્ત થયેલા આનંદને મમળાવે છે. જ્યારે વિવેચક તો મળેલા આનંદ સાથે કૃતિના ગુણદોષની ચર્ચા પણ કરે છે. એથી વિવેચન બેધારી તલવાર જેવું બને છે. સર્જક સાથે સારા સંબંધ હશે તો વિવેચક એની કૃતિ વિશે સ્વાભાવિક જ ઉત્તમ ઉદ્દગારો કાઢશે; પણ સર્જક અને વિવેચક વચ્ચે જો દ્વેષ હશે, કોઈ શત્રુતા હશે તો એ કૃતિ ઉત્તમ હોવા છતાં વિવેચક એમાં દોષ સિવાય બીજું કશું નહીં જોઈ શકે. આપમેળે કૃતિનું ભાવન ન કરી શકતા બાલભાવકો માટે વિવેચન આશીર્વાદરૂપ હોઈ આવો વિવેક વિનાનો વિવેચક ભાવકને તો ગેરમાર્ગે તો દોરે જન્મણ સાથે સાથે સર્જકને પણ એ અન્યાવકર્તા બને છે. વિવેચકની જવાબદારી એથી અનેકગણી વધી જાય છે. ક્યાંક વિવેચક અને સર્જકને એકસમાન ગણાવવાના પ્રયત્નો પણ થયા છે. વિશ્વનાથ ભટ્ટ વિવેચક સર્જક જેવો જ કલાકાર છે એમ કહે છેઃ ‘કોઈ પદાર્થ કે વિષયના સંસ્પર્સથી પોતાના ચિત્તમાં ઉદ્ભવતી ઊર્મિઓને અન્યના ચિત્તમાં સંક્રાંન્ત કરી શકે એવી કોઈ કૃતિનું નિર્માણ કરનારને આપણે ક્લાકાર કહીએ છીએ અને વિવેચક પણ એવો કલાકાર નથી? એ પણ સાહિત્ય કે કલાની કૃતિના સંસ્પર્શથી એના દર્શન, વાંચન, અધ્યયન, મનન, આદિરૂપ સંસ્પર્શથી-પોતાના ચિત્તમાં ઉદ્ભવેલી ઊર્મિઓને અન્યના ચિત્તમાં સંક્રાન્ત કરવાની જ પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો પછી એને સર્જનશીલ કલાકાર શા માટે ન કહેવો?’ આનો ઉત્તર આપતાં રા.વિ પાઠક કહે છે કે, વિવેચન કલા નથી. ‘કલા નવું નિમાર્ણ કરે છે. એ કસોટીથી કસી જોતાં વિવેચન જે છે તે તેને કથવાનું કામ કરે છે. વિવેચન કાવ્યમાં બતાવે છે કાવ્યમાં શું શું છે, અને કેવી રીતે છે.’ (સાહિત્યવિમર્શ, પૃ. ૪૦) સાહિત્ય વિવિધ હોય છે (જેમ કે, પ્રતિબદ્ધ સાહિત્ય, દલિત સાહિત્ય, શ્યામ સાહિત્ય, વગેરે), તેની પ્રયોજનો વિવિધ હોય છે, તેના ભાવક વાચક પણ વિવિધ હોય છે, અને એથી તેનાં વાચનો-વિવેચનો પણ વિવિધ હોય છે, જેમ કે, માર્ક્સવાદી, નારીવાદી, સાંસ્થાનિક, વગેરે. સાહિત્યસર્જન અને એના વિવેચનનું આ ક્ષેત્ર અગાધ, અતળ છે, પણ જગ્યાના અભાવને કારણે તેમ જ મારી પોતાની મર્યાદાઓને કારણે આ બધા વિશે વિગતે વાત કરવી શક્ય નથી.
(પૃ. ૮૪-૯૩, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, સંયુક્તાક બે)