નિરંજન/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન
પહેલી આવૃત્તિ

આ વાર્તા `જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી. આજે `નિરંજન' પુસ્તકનો અવતાર પામે છે. એ નવા અવતારમાં વાર્તાની થોડીએક રેખાઓ સંપૂર્ણ પરિવર્તન પામી છે, તેટલું ન જણાવું તો વાચકોનો વિશ્વાસભંગ કર્યો કહેવાય. અસલ લખાણમાં `નિરંજન'ને મેં સરયુ જોડેના લગ્નને પણ વિસર્જન દેતો આલેખ્યો હતો. આવો અંત નથી મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બંધબેસતો, કે નથી વાર્તાની વસ્તુ-સંકલના જોડે મેળ ખાતો, એવો ઠપકો મને `નિરંજન'માં ખૂબ બારીક રસ લેનારાઓએ આપ્યો: કેટલાકે લખીને અને કેટલાકે રૂબરૂ મળીને. એ વસ્તુ મારા અંતરમાં મહિનાઓ સુધી ઘોળાતી રહી. મારી ભૂલ મને પણ હૈયે વસી. પરિણામ વાચકોની પાસે છેલ્લાં બે પ્રકરણોમાં રજૂ થાય છે. `નિરંજન' લખ્યા અગાઉ લાંબી વાર્તાઓ બે લખી છે, પણ તેની પછવાડેની ભૂમિકા મને તૈયાર મળેલી. તદ્દન સ્વતંત્ર ભૂમિકા પર રચાયેલી આ મારી પહેલવહેલી નવલકથા છે. આ તો કેવળ માહિતી આપું છું; એને પ્રથમ પ્રયાસ લેખાવીને વાચકોની દયા જન્માવવાનો બિલકુલ આશય નથી. વાચકોના ઊર્મિતંત્રની તેમ જ વિચારતંત્રની કડક તુલામાં જ `નિરંજને' તોળાવાનું છે. એ જીવવાલાયક હોય તો જ જીવે. અરધે પહોંચ્યા પછી સાંભળેલું હતું કે આ જ નામની એક ઉપન્યાસકથા મરાઠીમાં છે. મરાઠી `નિરંજન' મેં હજુ પણ જોયું નથી. ભળતા નામનો લાભ અથવા ગેરલાભ ઉઠાવવાની સ્થિતિ કઢંગી છે. પુસ્તકનું નામ બદલી નાખવાની ઇચ્છા એ જ વિચારને લીધે અટકી રહી – કે જે જે વાચકોને છાપામાં આવેલું `નિરંજન' ન ગમ્યું હોય તેમને માટે નવું નામ છેતરામણું બનશે. મુંબઈ: ૧૫-૯-૧૯૩૬

બીજી આવૃત્તિ

સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન' મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે. જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડ્યું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય હતો. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો સમજવો. બેએક વર્ષ પર જ્યારે મહારાષ્ટ્રીયન કવિ અને વિદ્વાન શ્રી માધવ જ્યુલિયનનું અવસાન થયું ત્યારે હું મુંબઈમાં હતો. એમના વિશે માહિતી મેળવવા મહારાષ્ટ્રી નાટ્યકાર શ્રી મામા વરેરકર પાસે જતાં, પહેલી જ જે વાત મામાએ મને કહી તે આ હતી કે, તારું `નિરંજન' સ્વ. માધવરાવે વાંચેલું અને બહુ વખાણેલું. તે પછી મામાએ મને સ્વર્ગસ્થની આપવીતીનો ઇતિહાસ સંભળાવ્યો ત્યારે મને સ્વર્ગસ્થનો `નિરંજન' પરનો અનુરાગ વધુ સમજમાં આવ્યો. આ કથામાં પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિનું આળ ઓઢાડવામાં આવે છે. સ્વ. માધવ જ્યુલિયન પણ મહારાષ્ટ્રની એક કૉલેજના પ્રોફેસરપદે હોવા દરમિયાન અમુક જાતીય આરોપના ભોગ બનેલા, અને કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા. `નિરંજન'ની આખી વાર્તાનું મેં ભાષાદૃષ્ટિએ ઠીક ઠીક સંસ્કરણ કર્યું છે. તદુપરાંત `મિનારા પર' તેમ જ `ભર્યો સંસાર' એ બે પ્રકરણોમાં તો સુનીલાના પાત્રની મેં મૂળ કરેલી પામર દશાનું નિવારણ પણ કર્યું છે. – ઝવેરચંદ મેઘાણી
રાણપુર: ૨૫-૯-૧૯૪૧