પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પન્નાલાલ પટેલ

‘આમેય હું આદર્શવાદી કે ભાવનાવાદી કે સાહિત્યવાદી લેખક નથી. પહેલેથી જ છેક કંકુ લખી ત્યારથી મને માનવીના જીવનમાં જ રસ છે ને બહારની વાસ્તવિકતા મારફત ભીતરની વાસ્તવિકતા સુધી પહોંચવાની મને અભિલાષા હોય છે.’

– પન્નાલાલ પટેલ
‘ગ્રંથ’ મે, ૧૯૭૭

આપણે આ અગાઉ નિર્દેશ કરી ગયા છીએ તેમ, પન્નાલાલે પહેલવહેલી કલમ ઉપાડી ત્યારે આરંભ તો કાવ્યલેખનથી કર્યો. પણ કવિવિવેચક સુંદરમ્‌ તેમની એકે રચનાથી સંતુષ્ટ થયા નહિ ત્યારે, પન્નાલાલને સમજાઈ ગયું કે પોતાની કવિતામાં કશું હીર ઊતર્યું નથી, અને કવિતાને માર્ગે પોતે ફાવશે નહિ. તરત ટૂંકી વાર્તા તરફ તેઓ વળ્યા. અને સદ્‌ભાગ્યે તેમાં સંતોષકારક પરિણામ આવ્યું. સુંદરમ્‌ અને રામનારાયણ પાઠક બંને વિવેચકોએ ઉષ્માભર્યા હૈયે તેમની વાર્તાઓને આવકારી. બહુ ટૂંકા ગાળામાં તેઓ વાર્તાલેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા. તેમનો લેખક તરીકે આત્મવિશ્વાસ પણ એથી દૃઢ બંધાવા પામ્યો. એ પછી મોટા ફલકની કથાવસ્તુ રજૂ કરવા માટે લઘુનવલ અને નવલકથા જેવાં સ્વરૂપો તેમણે સ્વીકાર્યાં. અને એમાં ય ધારી સફળતા મળી, એટલે એ સ્વરૂપોમાંય કામ કરતા થયા. પણ, ધ્યાનપાત્ર મુદ્દો એ કે લઘુનવલ અને નવલકથાની સાથોસાથ આરંભમાં અનુકૂળ નીવડેલું ટૂંકી વાર્તાનું સ્વરૂપ પણ તેઓ એકધારી ગતિએ ખેડતા જ રહ્યા. એ માટે કથાવસ્તુની તેમને ભાગ્યે જ ખોટ વરતાઈ હશે. લોકજીવનના તરેહતરેહના અનુભવોનો ખજાનો તેમની પાસે હતો જ. ગામડાંનાં ને શહેરનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના સંઘર્ષો અને તેમની વિટંબણાઓ બધું તેમણે જોયું હતું. અનુભવ્યું હતું. આમેય ટૂંકી વાર્તા લઘુ કદનું કળાસ્વરૂપ છે. જીવનની એકાદ રહસ્યભરી ઘટના કે ભાવપરિસ્થિતિ કે માનવહૈયાંની ઊંડી ગૂંચ કે મનના ખૂણાનું વેધક દર્શન પણ એને માટે પર્યાપ્ત નીવડી શકે. લોકસૃષ્ટિના કોઈ પણ પાસાનું એકાદ જીવંત ક્ષણનું ચિત્ર પણ એમાં નિમિત્ત બની શકે. અપેક્ષા છે સર્જકની એક વેધક દૃષ્ટિની જે સ્થૂળ વાસ્તવિકતાને કંપાવી શકે, આંદોલિત કરી શકે. પન્નાલાલે, આ ક્ષેત્રમાં તેમને પ્રથમ સફળતા મળી એ પછી, આજ સુધી, અવિરતપણે એ સ્વરૂપનું ખેડાણ જારી રાખ્યું. ‘સુખદુઃખના સાથી’ (૧૯૪૦), ‘જિંદગીના ખેલ’ (૧૯૪૦). ‘જીવો દાંડ’ (૧૯૪૧), ‘લખચોરાસી’ (૧૯૪૪), ‘પાનેતરના રંગ’ (૧૯૪૬), ‘સાચાં સમણાં’ (૧૯૪૯), ‘વાત્રકને કાંઠે’ (૧૯૫૧), ‘ઓરતા’ (૧૯૫૪). ‘પારેવડાં’ (૧૯૫૬), ‘મનના મોરલા’ (૧૯૫૮), ‘તિલોત્તમા’ (૧૯૬૦). ‘દિલની વાત’ (૧૯૬૨), ‘ધરતી આભનાં છેટાં’ (૧૯૬૨), ‘ત્યાગી અનુરાગી’ (૧૯૬૩), ‘દિલાસો’ (૧૯૬૪), ‘ચીતરેલી દીવાલો’ (૧૯૬૫). ‘મોરલીના મૂંગા સૂર’ (૧૯૬૬), ‘રંગમિનારા’ (૧૯૬૭), ‘માળો’ (૧૯૬૭), ‘વટનો કટકો’ (૧૯૬૯), ‘અણવર’ (૧૯૬૯). ‘કોઈ દેશી કોઈ પરદેશી’ (૧૯૭૧), ‘આસમાની નજર’ (૧૯૭૨). ‘બિન્ની’ (૧૯૭૩), ‘દેવનો દીધેલ’ (૧૯૭૫), ‘છણકો’ (૧૯૭૫), ‘ઘરનું ઘર’ (૧૯૭૯) – આમ, પન્નાલાલના સત્તાવીસ જેટલા વાર્તાસંગ્રહો અત્યાર સુધીમાં પ્રકટ થઈ ચૂક્યા છે. એમાંથી ચૂંટેલી વાર્તાઓનાં પાંચ સંપાદનો – ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૫૮), ‘કડવો ઘૂંટડો’ (૧૯૬૦), ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ (૧૯૬૩), ‘પન્નાલાલની વાર્તાઓ’, (૧૯૬૪), (લોકમિલાપ) અને ‘વીણેલી નવલિકાઓ’ (૧૯૭૩) – પણ પ્રકટ થયાં છે. આમ, માત્ર સંખ્યાદૃષ્ટિએ જોઈએ તો પણ પન્નાલાલની ટૂંકી વાર્તાઓનો જથ્થો ઓછો નથી. આપણા વાર્તાસાહિત્યમાં ભાગ્યે જ કોઈ લેખકે આટલું વિપુલ લેખન કર્યું હશે. પણ આવી સ્થૂળ ગણતરીથી આપણે દોરવાઈ ન જઈએ તે લક્ષમાં રાખવાનું છે. મહત્ત્વનો મુદ્દો તો તેની કલાત્મક ગુણવત્તાનો છે, સર્જકતાના અપૂર્વ ઉન્મેષોનો છે. અને, આ દૃષ્ટિએ, તેમની સમગ્ર ટૂંકી વાર્તાની પ્રવૃત્તિનો ખ્યાલ કરતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, કારકિર્દીના આરંભમાં ઠીક ઠીક સંખ્યામાં ઉત્કૃષ્ટ વાર્તાઓ તેમની પાસેથી મળી, પણ પછીથી મૂળ સર્જકતાની ઝાંખી કરાવતી કેટલીક રચનાઓના અપવાદ સિવાય મોટા ભાગની રચનાઓ નીરસ અને વાસી બની જતી જણાય છે. ખરેખર તો તેમની વાર્તાકલા સમય જતાં બંધિયાર બની જતી દેખાય છે. કથાવસ્તુમાં નાવીન્ય આણવાના પ્રયત્નો, અલબત્ત, તેમણે કર્યા છે. વર્તમાન સમાજજીવન અને રાજકારણની વિષમતાઓને સ્પર્શતા કેટલાક નવા પ્રશ્નો અને પરિસ્થિતિઓને તેઓ સ્પર્શ્યા છે. પણ એટલા માત્રથી તેમની વાર્તાકલામાં નવી પ્રાણશક્તિ આવી શકી નથી. અને, ટૂંકી વાર્તામાં તેમણે જે કંઈ ઉત્કૃષ્ટ સર્જન કર્યું છે તેના મૂળમાં તેમની નિજી સંવેદનશીલતા રહી છે, તેમ તેમની આગવી કથનકળાનું અસાધારણ પ્રકટીકરણ રહ્યું છે. દેખીતું છે કે તેમના ટૂંકી વાર્તાના સાહિત્યમાં ઠીક ઠીક મોટા ભાગની ઉત્કૃષ્ટ કૃતિઓ જાનપદી જીવનની છે. હકીકતમાં, તેમની લાંબી વાર્તાઓ અને નવલકથાઓ જોડે એ વાર્તાઓને ઊંડો માર્મિક સંબંધ રહ્યો છે. ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’, ‘ભાથીની વહુ’, ‘એળે નહિ તો બેળે’, ‘ધરતી આભનાં છેટાં’, ‘રેશમડી’, ‘મહેણાંની મારેલી’, ‘મશાણિયે વડલે’, ‘સાચી ગજિયાણીનું કાપડું’ જેવી ગ્રામજીવનની વાર્તાઓમાં પ્રેમ લગ્નસંબંધ અને કુટુંબજીવનની કોઈ ને કોઈ ગૂંચ રજૂ થઈ છે. ‘કંકું’, ‘વળામણાં’ અને ‘સાચાં સમણાં’ જેવી લાંબી વાર્તાઓ અને ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’, ભાંગ્યાના ‘ભેરુ’, ‘ના છૂટકે’, ‘મનખાવતાર’, ‘કરોળિયાનું જાળું’ અને ‘મીણ માટીનાં માનવી’ જેવી નવલકથાઓ જોડે આ વાર્તાઓ ઘણી રીતે મૂળગત સામ્ય પ્રકટ કરે છે. એમ લાગે કે પન્નાલાલની આગવી એવી Prime sensibilityમાંથી એ સર્વ કૃતિઓ જન્મી આવી છે. જાનપદી જીવનનાં સુખદુઃખની કથાઓ લેખે જ માત્ર નહિ, વાર્તાકથનની રીતિ, ભાષાશૈલી ને રચના-પ્રયુક્તિઓના સ્તરેય એમાં પાયાની એકરૂપતા વરતાય છે. લોકબોલીનાં તત્ત્વોને આત્મસાત્‌ કરીને વિકસેલી તેમની કથનશૈલીનું આગવું એવું સ્વરૂપ બંધાયેલું છે, અને એ જાતની કથનશૈલીનું લઘુનવલ અને નવલકથામાં તેમ ટૂંકી વાર્તામાં એકસરખું અનુસંધાન રહ્યું છે. એ રીતે જાનપદી નવલકથાઓ અને જાનપદી ટૂંકી વાર્તાઓમાં રચનાકળાનાં ઘણાં તત્ત્વો સમાન હોવાનું જણાશે. જો કે કળાપ્રકાર લેખે ટૂંકી વાર્તા સ્વતંત્ર અને આત્મપર્યાપ્ત કથાપ્રકાર છે, અને પન્નાલાલે એવી આંતરસૂઝથી જ એના સંવિધાનનું કામ કર્યું છે... તેમની ઠીક ઠીક સંખ્યાની સુરેખ કંડારાઈ આવેલી વાર્તાઓ આ વાતની સાક્ષી પૂરે છે. પણ અહીં એમ સ્પષ્ટ કરવું જોઈએ કે સાહજિક વાર્તાકથનની જે રીતિ તેમણે સ્વીકારી અને ખીલવી છે તે સમય જતાં એકવિધતામાં સરી પડે છે, અને છેવટે એ કથનરીતિ તેમની મર્યાદા બની ગઈ છે. પન્નાલાલની લઘુનવલો અને નવલકથાઓને મુકાબલે તેમની ટૂંકી વાર્તાઓની કથા કંઈક વૈવિધ્યવાળી હોવાની છાપ પાડે છે. તળ ગામડાંમાં તેમ શહેરના ભદ્રસમાજનાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં જીવતાં માનવીઓની જે બધી વાર્તાઓ તેમણે કહી તેમાંય, અલબત્ત, તરુણ હૈયાંના પ્રેમસંબંધો, લગ્ન કે દાંપત્યજીવનની ગૂંચો, માતૃત્વના પ્રશ્નો કે એવા બીજા કૌટુંબિક સંઘર્ષો ફરીફરીને રજૂ થયા છે. પણ આ જાતની વિષયવસ્તુવાળી વાર્તાઓમાં મુખ્ય પાત્રોની પરિસ્થિતિ જુદી, દરેકની માનસિક ભૂમિકા જુદી, આંટીઘૂંટીય જુદી, અને એ રીતે એનું વસ્તુવૈવિધ્ય તરત આપણા ધ્યાનમાં વસી જશે. ઉપર જે ઉલ્લેખ કર્યો તે ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’, ‘એળે નહિ તો બેળે’ જેવી દરેક જાનપદી વાર્તા એ રીતે પરસ્પરથી નિરાળી છે. ગામડાંના કશીય અસાધારણ ઘટના વિનાના સમથળ વહેતા લાગતા લોકજીવનમાં પણ અંદરથી કેવી તો ઊથલપાથલ ચાલી રહી હોય છે. તે પન્નાલાલ વેધક દૃષ્ટિએ જોઈ શક્યા છે. પણ, ટૂંકી વાર્તાના ફલકમાં, પ્રેમ અને લગ્નની ગૂંચો સાથે સંકળાઈને કે તેથી અલગપણે, જીવનની બીજી કેટલીક વિષમતાઓ અને વ્યથાઓય રજૂ થઈ છે, તે પણ નોંધવું જોઈએ. ‘સુખદુઃખના સાથી’માં શહેરની ફૂટપાથો પર રઝળતી જિંદગી ગાળતાં ભિખારી-ભિખારણની કથા રજૂ થઈ છે. ‘મા’ વાર્તામાં ગામડાની દારુણ ગરીબાઈ અને કંગાલિયતનું ચિત્ર રજૂ કર્યું છે. કુટુંબના નિભાવ અર્થે નવજાત પાડાને દૂર વગે કરી ભરણપોષણનો રસ્તો શોધતી જાલમ ખાટની પત્નીનું એમાં હૃદયદ્રાવક બલકે સંક્ષોભક ચરિત્ર આલેખાયું છે. ‘નેશનલ સેવિંગ’માંય દૂર સીમાડા પરની ભીલ પ્રજાની કારમી ગરીબાઈનું જ ચિત્ર રજૂ થયું છે, અને વ્યંગવિનોદની રગમાં આલેખાયું હોવાથી તો તે વધુ ચોટદાર બન્યું છે. ‘વનબાળા’, ‘લાઈનદોરી’ અને ‘બલા’ જેવી કેટલીક બીજી વાર્તાઓ પણ ભીલસમાજનાં પાત્રોની આસપાસ રજૂ થઈ છે. ‘એક રાતે’ અને ‘બોલતો બહેડો’ જેવી રચનાઓ લોકમાનસને ગાઢ રીતે સ્પર્શી જતા ભૂતપ્રેતના ખ્યાલોને ગૂંથી લઈને ચાલે છે. બીજી બાજુ ‘નાદાન છોકરી’, ‘મનહર’, ‘વાતવાતમાં’, ‘રંગ વાતો’, ‘પખાલીને ડામ’ અને ‘તિલોત્તમા’ જેવી વાર્તાઓ શિક્ષિત સમાજનાં પાત્રો અને તેમના આગવા પ્રશ્નો પર આધારિત છે. ‘બાપુનો કૂતરો’માં ઠાકોરના પાલતું કૂતરાની કથા નિમિત્તે અસ્ત પામતાં રજવાડાંની પોલી દુનિયાનું આલેખન થયું છે. અલબત્ત, વિષયોનું વૈવિધ્ય છતાં જાનપદી અને ભદ્રસમાજની વાર્તાઓ અલગ ઝાંય રચે છે. બલકે અલગ ધારા જેવી પ્રતીત થાય છે. એમાં ભદ્ર વર્ગની પણ કેટલીક સમર્થ વાર્તાઓ મળે છે. પણ પન્નાલાલની સર્જકતાનો વધુ સઘન સંસ્પર્શ તો તેમની જાનપદી વાર્તાઓમાં જ અનુભવાય છે. લોકજીવનનું બારીકમાં બારીક નિરીક્ષણ એમાં લેખે લાગ્યું છે, પણ એથીય લોકજીવનનો જીવંત પરિવેશ રચવામાં તેમને ઘણી મોટી સફળતા મળી છે. જો કે આ પરિવેશની વ્યાખ્યા કરવાનું ઘણું મુશ્કેલ છે; તેને વાર્તાઓમાં ક્યાંય પણ આંગળી મૂકી બતાવી શકાતું નથી. માત્ર સહૃદયોને તેમની ઉત્કૃષ્ટ વાર્તાઓમાં (તેમ લઘુનવલો અને નવલકથાઓમાં) તેની હાજરી વરતાઈ આવે છે. ‘વાત્રકને કાંઠે’, ‘મા’, ‘નેશનલ સેવિંગ’, ‘ધરતી આભનાં છેટાં’, ‘સાચી ગજિયાણીનું કાપડું, ‘બાપુનો કૂતરો, ‘બલા’ કે ‘મહેણાંની મારેલી’ – કોઈ પણ વાર્તા લો, એમાંનાં પાત્રો, પ્રસંગો, લાગણી, પ્રવાહો, સ્થળકાળ બધુંય એના આગવા પરિવેશમાં ઓતપ્રોત છે, અને એ પરિવેશમાં એ બધું જીવંત અને વાસ્તવિક લાગે છે. પ્રકૃતિની, સીમસીમાડાની, ઘરગામફળી અને પાદરની, કે કૂવા તળાવની નગણ્ય લાગતી વિગતો કેવળ આંતરસૂઝથી જ તેઓ રજૂ કરે છે, અને એમાંથી લીલયા આખો પરિવેશ છતો થઈ જાય છે. આપણે એકથી વધુ સંદર્ભે સ્પષ્ટ કર્યું છે કે વાર્તાકાર પન્નાલાલની નજર વિશેષતઃ માનવમનનાં સંચલનો પર ઠરેલી છે. તેમનું જે કંઈ કથયિતવ્ય હોય છે, તેમાં મનના બનાવોનું વિશેષ સ્થાન છે. બહારની દુનિયાના સંજોગોને, અલબત્ત, એની આંટીઘૂંટીઓ સાથે ઉપાડે છે ખરા, પણ અંતે તો એ સર્વ ભીતરના વાસ્તવને ખુલ્લું કરવાને નિમિત્ત બને છે. માનવમનના ખૂણાનું વેધક દર્શન કરાવવું. ગૂંચવાયેલા મનની લાગણીઓને તંગ કરીને વળ આપ્યે જવું, દ્વિધાગ્રસ્ત દશામાં ગહનતર સ્તરેથી ઊઠતાં ઊલટાસૂલટી વહેણો પકડવાં, અને આ રીતે માનવમનની સંકુલતાને પકડમાં લેવી, એ જાતનો તેમનો ઉપક્રમ રહ્યો છે. કથાવસ્તુ લેખે ઘણીય વાર રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓ તેમને પૂરતી થઈ પડી છે. આવી સામાન્ય જિંદગી જીવતાં અબુધ ગામડિયાંઓ પણ હૃદયજીવનની કેવી કેવી ઊથલપાથલોમાંથી, બલકે કેવાં કેવાં ઘમસાણોમાંથી પસાર થતાં હોય છે તે વાત વાર્તાકાર પન્નાલાલે બરોબર પ્રત્યક્ષ કરી આપી છે. ‘વાત્રકને કાંઠે’ના અંતમાં નવલનું ગહન આત્મમંથન, ‘મા’માં જાલમ ખાંટની પત્નીનું દારુણ સંઘર્ષમાં ભીંસાતું માતૃહૃદય, ‘મહેણાંની મારેલી’માં નિઃસંતાન લાડુને ભીંસમાં લેતી પરિસ્થિતિ અને તેનું ઊંડું મંથન, ‘સાચી ગજિયાણીનું કાપડું’માં લખુડાની અંતની દ્વિધાગ્રસ્ત દશા, ‘રંગ વાતો’માં રંજનાના ચિત્તમાં જ જન્મી પડતો સંઘર્ષ – આ જાતના સંદર્ભોમાં પન્નાલાલની વાર્તાકળા પાંગરી ઊઠતી દેખાય છે. પણ આવી ઉત્કૃષ્ટ પ્રાપ્તિ છતાંયે તેમની પાત્રસૃષ્ટિ અમુક રીતે સીમિત રહી છે. ખાસ કરીને જાનપદી જીવનની વાર્તાઓ વિશેષ તો પ્રેમલગ્ન અને માતૃત્વના પ્રશ્નોની આસપાસ ગૂંથાઈ છે. તેમાં પાત્રોનું ભાવજગત, તેનાં અમુક ઊર્મિસંચલનો, મૂળભૂત આવેગો અને વૃત્તિઓના આલેખનને અવકાશ મળ્યો છે. પણ આ પાત્રો સભાનપણે પોતાના કે અન્યના પ્રશ્નોનો વિચાર કરે – બૌદ્ધિક સ્તરેથી પ્રશ્નની તાત્ત્વિક ભૂમિકા ઓળખવા મથે કે વ્યાપક વિશ્વજીવનના સંદર્ભે પોતાની (તેમ અન્યની) જીવનગતિનો ખ્યાલ કરવા મથે – એ જાતનું પરિમાણ અહીં ખાસ ઊપસતું નથી. જાનપદી સૃષ્ટિની એ રીતે અહીં અમુક મર્યાદા રચાય છે. પન્નાલાલના સમગ્ર કથાસાહિત્યમાં, તેમની ટૂંકી વાર્તાઓ, લઘુનવલો અને નવલકથાઓમાં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, તેમની આગવી રીતે વિકસેલી કથનશૈલીનો વિનિયોગ થયો છે, અને એનું વધુ લાક્ષણિક સ્વરૂપ તેમની જાનપદી કથાઓમાં જોવા મળે છે. મૌખિક વાર્તાકથનરીતિનાં કેટલાંક વિશિષ્ટ કળાતત્ત્વોનું એમાં સંયોજન થયેલું છે. પાત્રો અને પ્રસંગોના કથનવર્ણનમાં તેમ જ માનવમનના આલેખનમાં બોલચાલની વાણીની લવચિકતા, પ્રવાહિતા અને ગતિશીલતા તેમાં ઊતરી આવ્યાં છે : તેની વિવિધ છટાઓ અને લહેકાઓ ભાષાશૈલીમાં અવનવા જીવંત મરોડો રચતા રહ્યા છે. ઈશાનિયા પ્રદેશની બોલીના આગવા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો અને કાકુઓ એમાં વિશેષ બળ પૂરે છે. સભાનપણે ‘સાહિત્યિક’ અલંકારો ગૂંથવાની કે ગદ્યશૈલીને પ્રયત્નપૂર્વક ‘સાહિત્યિક સ્તરે’ ઊંચકવાની તેમણે એવી કોઈ વૃત્તિ રાખી નથી. અલંકારો, અલબત્ત, તેમના ગદ્યમાં અનેક સંદર્ભે દેખા દે છે, પણ એમાં યે ઘણુંખરું તો જાનપદી પરિવેશમાંનાં પરિચિત ઉપમાનો જ યોજાયાં હોય છે. અલબત્ત, ધરતીનાં, આકાશનાં, સીમ-વગડાનાં કે ઋતુચક્રોનાં દૃશ્યપટોના વર્ણનમાં તેમની રંગદર્શી કલ્પના ખીલી ઊઠે છે, અને એવે પ્રસંગે તેઓ લીલયા જ રમણીય ચિત્રો આંકી દે છે. પણ એવાં ચિત્રોમાંય પ્રયત્નપૂર્વક અલંકારોથી ગદ્યને મઢી લેવાનું વલણ બહુ ઓછું દેખાય છે. પણ, આ જાતની કથનશૈલી પછીથી સ્થગિત બની ગઈ છે. તેમની કારકિર્દીના ઉત્તરકાળમાં એ શૈલી વધુ ને વધુ સપાટ અને લીસ્સી બની જતી હોવાનું સમજાય છે. આ રીતે બંધિયાર બની જતી કથનશૈલીને કારણે પાછળના સમયની અનેક વાર્તાઓ નીરસ બની ગઈ છે. પન્નાલાલની કલાદૃષ્ટિ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં કેવી રીતે કામ કરે છે તેનો કંઈક વધુ નિકટતાથી પરિચય મેળવવાને આપણે હવે તેમની એક ઘણી જાણીતી વાર્તા ‘વાત્રકને કાંઠે’નું અવલોકન કરીશું. પન્નાલાલની, પૂરેપૂરા અર્થમાં એ એક જાનપદી વાર્તા છે. અઠ્ઠાવીસેકની ઉંમરની એક ગ્રામીણ નારી નવલના લગ્નજીવનની વિષમ કરુણ કથા એના કેન્દ્રમાં રહી છે. અભિજાત હૃદયની એ સ્ત્રીના ભાગ્યમાં બબ્બે વારનાં લગ્ન પછીયે પતિસુખ નથી. પહેલી વારનો તેનો પતિ હતો તો છેલછબીલો પણ નવલના માસા જોડે એકાદ નાનકડી વાતમાં વાંકું પડતાં રીસાઈને ચાલી નીકળ્યો હતો. બીજી વારનો પતિ વળી મેળામાં નવલની છેડતી કરનાર કોઈ યુવાનનું ખૂન કરીને ભાગી છૂટ્યો હતો. (એ નાસભાગમાં એક પગ ભાંગતાં તે લંગડો બની ચૂક્યો હતો.) એ બંને પતિઓએ પછીથી સાધુવેશ ધારણ કર્યો હતો. જોગાનુજોગ એ બંને સાધુઓ ક્યાંક પરસ્પરને ભેટી ગયા હશે અને વાતવાતમાં નવલ જોડેના સંસારનો ઉલ્લેખ નીકળ્યો હશે. એટલે નવલનો સંસાર ફરીથી મંડાય અને કદાચ નવલ ઇચ્છે તે તેની સાથે રહે અને તેને સુખી કરે. એવી સમજણ કેળવી હશે. એટલે એક આથમતી સાંજે બંને નવલના ઘર આગળ આવી ઊભે છે. આ પ્રસંગથી વાર્તાનો આરંભ થાય છે. નવલના માસા-માસી જોડે તેઓ જે વાતચીત કરે છે તેમાંથી નવલના બંને પતિઓની પૂર્વકથની, ટૂંકા પણ જરૂર જેટલા ઉલ્લેખો સાથે રજૂ થાય છે. એ રીતે વીતી ગયેલા પ્રસંગોનું ઘણી કુશળતાથી પન્નાલાલે સંકલન કરી લીધું છે. અને રાજના પોલીસો બંને સાધુઓને પકડી જાય છે, તે સાથે જ વાર્તાની કેન્દ્રવર્તી ઘટના એકદમ ઊઘડી આવે છે. નવલને સુખી જોવાની શુભ વાસના બંને સાધુઓના અંતરમાં ઊગી નીકળી છે, એટલે મુખીના દીકરાના ખૂનનો અપરાધ બંને જણ સ્વીકારે છે. પણ કોર્ટ લંગડા સાધુની વાત મંજૂર કરતી નથી. પહેલી વારના સાજા પતિને જેલ મળે છે. નિરુપાય બનીને લંગડો પતિ નવલના ઘરે આવે છે. પણ ...ત્યારે નવલનું હૃદય તેને આવકારી શકતું નથી. નવલ પોતાને સ્વીકારતી નથી એ વાત એ લંગડો સાધુ તરત કળી જાય છે. અને ફરીથી તે નવલને છોડીને દૂર મુલકમાં ચાલી નીકળે છે...હા નવલના હાથમાં આવેલું હેવાતન ફરીથી ખોવાય છે. કદાચ હંમેશને માટે. પન્નાલાલે માનવમનની એક અકળ ગૂંચ અહીં રજૂ કરી દીધી છે. બંને સાધુઓ પકડાયા ત્યાં સુધી બંનેય પતિ માટે નવલને સરખી લાગણી હતી. પણ જ્યારે લંગડા સાધુને છૂટી આવેલો જોયો ત્યારે તો કોણ જાણે કેમ જેલમાં ધકેલાયેલા સાજા પતિ માટે તેની તીવ્ર ઝંખના જાગી પડી. નવલ જેવી તરુણીના મનની ઊંડી ગતિનો તાગ મેળવવાનું અલબત્ત ઘણું મુશ્કેલ છે. લંગડા સાધુએ કોર્ટમાં જે રીતે પોતે અપરાધી હોવાનું કબૂલ્યું હતું તેની તો નવલને જાણ નથી. પણ એ સાધુ-પતિ સ્વાર્થી છે, દાંપત્યસુખની કોઈ એક લાલસાથી આવ્યો છે, અને એને કારણે સાજા સાધુ-પતિને સહન કરવાનું આવ્યું છે એવા કોઈ ઊંડા ઊંડા ભાનથી; કે પછી પહેલી વારનો સાધુ-પતિ લાંબા ગાળા સુધી, કદાચ જીવનભરને માટે પોતાની પાસેથી છિનવાઈ જતાં એ પુરુષ હવે દુર્લભ બની ગયો એવા કોઈ ભાનથી, કે ગમે તેમ, નવલનું મન પેલા લંગડા પતિને સ્વીકારી શક્યું નહિ. બીજી બાજુ લંગડો સાધુ તેને છોડીને ચાલી નીકળ્યો ત્યારે નવલના અંતરમાં રહી રહીને આશાનો સંચાર થાય છે. ‘ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને પાછો બોલાવી લાવે!” – માનવમનની આ જ તો અળવીતરાઈ છે! લંગડો સાધુ તેને આંગણે પ્રત્યક્ષ આવી ઊભો ત્યારે તેનું મન તેને વળગી શક્યું નહિ, અને હવે તે નજર સામેથી દૂર થયો છે ત્યારે તેનું અવલંબન શોધે છે! અહીં રજૂ થતી માનવપરિસ્થિતિમાં કરુણ વક્રતા એ વાતની છે કે બંને સાધુઓ નવલને માટે સ્વાર્પણ કરવા ચાહે છે, બંને શુભવૃત્તિથી પ્રેરાઈને વર્તે છે, અને છતાં નવલના ભાગ્યમાં લખાયેલી એકલતા ટળી શકતી નથી! નવલના દ્વિધાગ્રસ્ત હૈયાની ચરમ સીમાએ પન્નાલાલે વાર્તા પૂરી કરી છે. માનવીની આ જ તો નિયતિ છે, એમ તેમને સૂચવવું છે. આમ તો બે સાધુઓ અને માસા-માસી એમ બીજાં ગૌણ પાત્રોના વૃત્તાન્તોય અહીં કુશળતાથી ગૂંથાઈ ગયા છે. પણ નવલના ભાવજગત પર જ પન્નાલાલની સતત નજર ઠરેલી છે. વાર્તાના આરંભથી જ નવલના મનનાં સંચલનો અને સંવેદનોને તેમણે ઉપસાવી આપ્યાં છે. એ રીતે આ વાર્તાને એની સુરેખ અને સમપ્રમાણ આકૃતિ મળી છે. પન્નાલાલની કથનશૈલી અહીં અસાધારણ સામર્થ્ય બતાવે છે. આખીયે વાર્તા જાનપદી પરિવેશમાં ધબક્યા કરે છે. નારીહૃદયની ગૂઢાતિગૂઢ ઊર્મિઓ, ઝંખનાઓ અને તૃષ્ણાઓ પન્નાલાલે જેટલી કુશાગ્રતાથી પોતાની કથાઓમાં આલેખ્યાં છે તેટલી કુશાગ્રતાથી આપણા બીજા કથાસર્જકો બહુ ઓછી વાર આલેખી શક્યા છે. કથાવસ્તુ લેખે તેમણે તરુણ હૈયાંઓની પ્રેમની ગૂંચનો પ્રશ્ન ઉપાડ્યો હોય, પતિપત્ની વચ્ચેના કોઈ સામાજિક કે માનસિક અંતરાયોનો મુદ્દો હોય, માતૃત્વની કૂટ સમસ્યા હોય કે કુટુંબજીવનની કોઈક વિષમતા હોય, પણ આવા કોઈ પણ સંદર્ભે નારીના મનનાં ગહનતર રહસ્યો ઉકેલવા તરફ તેમની દૃષ્ટિ રહી હોય એમ તરત સ્પષ્ટ થશે. એ રીતે પન્નાલાલની પાત્રસૃષ્ટિનાં નારીપાત્રોનું, વિશેષ કરીને ગામડાંની નારીઓનું, આલેખન ધ્યાનપાત્ર બની રહે છે. ‘વાત્રકને કાંઠે’માં, એક રીતે, નવલનું પાત્ર જ કેન્દ્રમાં રહ્યું છે. વાત્રકને કાંઠે વસતી એ ગ્રામયુવતીનું જીવન નદી સાથે ઓતપ્રોત થયું છે એટલું જ નહિ, એ નદીના જળપ્રવાહની ગહરાઈ નવલના વ્યક્તિત્વમાં વરતાઈ આવે છે. લંગડા પતિને તે આવકારી શકતી નથી, તેના મૂળમાં કશીક ઉદાત્ત વાસના છે, એમ પણ કહી શકાય. સંસારના સ્થૂળ ઉપભોગોથી પર થઈને ગતિ કરતી કશીક સૂક્ષ્મ કામના, ઝંખના તેનામાં સક્રિય બને છે. અને આવી કશીક ઉદાત્તતાની ભૂમિકાને કારણે એ નારીનું વ્યક્તિત્વ આપણને પ્રભાવિત કરી જાય છે. ‘ઓરતા’ વાર્તામાં તરુણ બલકે નાદાન પતિ-પત્ની વચ્ચેના માનસિક અંતરાયની કથાવસ્તુ રજૂ થઈ છે. અઢારેકની ‘અલ્લડ’ પાનુ બે વાર સાસરે ગઈ અને બંને વાર પતિના હાથનો માર ખાઈને પાછી આવી. બંને પ્રસંગે પાનુનો કંઈ એવડો ગંભીર ગુનો નહોતો. એમાં તો કિશોર વયની પાનુનું નર્યું રમતિયાળપણું જ છતું થતું જોઈ શકાય છે. આ રીતે પાનુ હજી સાસરવાસનો આરંભ કરે ન કરે ત્યાં તો તેને પિયરમાં પાછું ફરવું પડ્યું. અહીં એકલતામાં ઝૂરતી પાનુ લગ્નજીવનના ઓરતા કરતી રહી. એવામાં શહેરમાં વસતા પિયરના જ એક પરિણીત યુવાનને નાદાનિયતમાં જ તે પ્રેમપત્ર લખી બેસે છે. પાનુના કાગળની વાત સાચી માની એ યુવાન ગામમાં આવે છે ત્યારે તો એ આખી વાતને પાનુ કેવળ મજાકમાં હસી કાઢે છે. સદ્‌ભાગ્યે, એ યુવાનના પ્રયત્નથી જ પાનુનો પતિ તેનું ફરીથી આણું કરે છે અને ત્યાં વાર્તા પૂરી થાય છે. અહીં, ખરેખર તો, ઘટના કરતાંય પાનુનું ભાવજગત વધુ ધ્યાન ખેંચે છે. મુગ્ધ વયની નવોઢાના ઊર્મિતંત્રને પન્નાલાલે ઠીક ઠીક નજાકતથી ખુલ્લું કર્યું છે. ‘શાને ઊઠે, શાના ઊઠે ઑરતા, જાણું ના ઝંખું ના તોય ઊઠતા!’ – એ પંક્તિઓમાં પાનુનું હૃદ્‌ગત સરસ રીતે વ્યક્ત થઈ ઊઠ્યું છે. પાનુના અંતરમાં કેવળ સ્નેહની ઝંખના છે. નિર્મળ ઉદાત્ત એવા પ્રેમની સૂક્ષ્મતમ આરત છે. રાધાકૃષ્ણનાં પદોમાં તેનું મન રાચે છે. પ્રાકૃત અને રીઢા ગ્રામજનો વચ્ચે પાનુની આરત એક વિષમતા માત્ર છે. સાસરથી તરછોડાયેલી પાનુ વિશે લોકો જુદા જુદા તર્કવિતર્કોય કરે છે. પણ પાનુના હૃદયની ગહનતમ ઝંખનાને સમજવા એ લોકો શક્તિમાન નથી. અલબત્ત, પેલા પરિણિત યુવાનને નિમિત્ત બનાવી પાનુ જે રીતે હૃદયની લાગણીઓને વાચા આપે છે તેમાં ક્યાંક ઊંડી મનોગ્રંથિનું સૂચન પણ જોઈ શકાય. તેની અજ્ઞાત સ્તરની જાતીય લાગણીઓ અને વૃત્તિઓ એ નિમિત્તે પ્રકટ થઈ ગઈ છે. પાનુ અને ગગલના લગ્નસંબંધ પર અમુક હદ સુધી તણાવ ઊભો કરી પન્નાલાલે ગગલની લાગણીઓનેય વળ આપ્યો છે, અને અંતે તેના મનની ગૂંચ દૂર થતાં બંનેનું સુખદ પુનર્મિલન યોજ્યું છે. આ રીતે લગ્નજીવનની વિષમતાની ક્ષણોમાં તરુણ દંપતીનું લાગણીજગત જે રીતે ઘૂમરીઓ લે છે તેમાં પન્નાલાલે રસપ્રદ કથા શોધી લીધી છે. પાનુનું હૃદયતંત્ર, અલબત્ત, એમાં વિશેષ કેન્દ્રમાં આવ્યું છે. ‘એળે નહિ તો બેળે’માંય જાનપદી જીવનની કથા રજૂ થઈ છે. તરુણ પતિપત્નીના લગ્નજીવનમાં અહીં પણ અંતરાય ઊભો થાય છે અને દૂર થાય છે. પણ તે વળી જુદી જ રીતે. કોદર અને રૂખી વચ્ચે રૂખીની મા, કેવળ સ્વભાવની જડતાને કારણે કે કશાક અહંભાવને કારણે, અણજાણપણે જ અંતરાય બની રહે છે. કોદરે અનેક વાર રૂખીનું આણું કર્યું છે. પણ રૂખીની મા રૂખીને મોકલતી નથી. દીકરીના હૃદયના કોડ તે સમજતી નથી. કદાચ સમજવા માગતી નથી. રૂખીના ઑરતા તો લગ્નસુખના છે પણ તે માની ઉપરવટ જઈ શકતી નથી. આવી વિષમ પરિસ્થિતિ છતાં કોદર એક સપરમા દિવસે પોતાના સાથીદાર ભગાને લઈને આણું કરવા જાય છે, અને આ વેળા કંઈક અણધારી રીતે જ રૂખીનું આણું કરવામાં સફળ થાય છે. અહીં પન્નાલાલે માનવમનના ખૂણાઓને જુદી જ રીતે છતા કર્યા છે. ‘તારી વહુએ નક્કી કાંક મોયણી કરી છે’ એવી ભગાની ટકોરથી કોદરનો અહમ્‌ ઊંડે ઊંડે ઘવાય છે, તેથી અજ્ઞાતપણે જ તે જાણે કે મક્કમ બનવા મથી રહે છે. બીજી બાજુ, સાસરામાં રૂખી પણ જરાક છાનીછપની રીતે ટોણો મારે છે. ‘હાધા, હાધા, હવે ચોટલો! વીસ વખત ધક્કા ખાધા પણ એક વખત તો એ હાઈ જોવો તો!’ – અને રૂખીના એ ધારદાર શબ્દો કોદરના અહંભાવ પર બલકે તેના પૌરુષેય પર જ સીધો ઘા કરે છે. એટલે રોષે ભરાયેલો કોદર પછી તો સાસુની કે આસપાસ ઊભેલા ફળીના લોકોની પરવાહ કર્યા વિના રૂખીને ચોટલે ઝાલીને આગળ કરે છે, અને રૂખીનેય મનમાં ગમતું હોવાથી કોઈ પણ જાતના પ્રતિકાર વિના ઝડપથી તે પગલાં માંડતી જાય છે. આજ સુધી તેની મા તેને રોકી રહી હતી, આજે એ અંતરાય તે ઓળંગી જઈ શકી હતી. તેના પતિ કોદરે આખરે મર્દાનગી બતાવી હતી! પતિને ઉશ્કેરી મૂકવામાં તે સફળ થઈ હતી, અને એ માટે તેના હાથનો માર ખાવાનું તેણે આવકાર્યું હતું! બલકે, પોતાનો પતિ આજે જે રીતે રોષે ભરાઈને વર્તી રહ્યો તેથી તેના દેહ પ્રાણ અને મનમાં ઊંડે ઊંડે કશુંક તૃપ્તિ આપી રહ્યું હતું. આ જાનપદી વાર્તામાં રજૂ થતો બનાવ, આમ જુઓ તો, સાવ ક્ષુલ્લક બાબત છે. પ્રાકૃત સમાજની જડતા કે અણઘડતા પણ એમાં જોઈ શકાય. પણ પન્નાલાલની વિશેષતા એ કે માનવમનના અગોચર ખૂણાનું તેમણે એમાં વેધક દૃષ્ટિએ દર્શન કરાવ્યું છે. ભગાના મ્હેણા-ટોણાથી કોદરનું મન અમુક રીતે મક્કમ થાય છે એ એક રહસ્યભરી ઘટના ખરી; પણ તેથીય વિશેષ, રૂખી જેવી તરુણ સ્ત્રી પતિને મહેણું મારી છંછેડે, અને તેના પૌરુષેયનો પ્રતાપ ખમી તેની સાથે ચાલી આવે, એમાં વળી નારીના અંતરની અકળ બાજુ ખુલ્લી થાય છે. લોકજીવનની કઠોર વાસ્તવિકતાનું અનુસંધાન આ વાર્તામાં થયું છે તેથી એમાં નક્કરતાનો રણકો પ્રતીત થાય છે. કોદર, ભગો, રૂખી, રૂખીની મા અને જમના સર્વ પાત્રો અહીં ખૂબ સુરેખ રીતે કંડારાઈ આવ્યાં છે. અને વાણીવર્તનમાં એકદમ જીવંત અને સાચુકલાં પ્રતીત થાય છે. પ્રસંગોની યોજના પણ એટલી જ સુરેખ અને સુગ્રથિત થઈ છે. ‘ભાથીની વહુ’ પણ જાનપદી કથા છે, પણ વળી જુદી જ તરેહની. લગ્નજીવનની વિષમતા અહીં જુદી રીતે ઊપસી આવી છે. નાનપણમાં જ ભાથીનાં માતાપિતા ગુજરી ગયાં હતાં. એટલે નાનપણથી તે એકલોઅટૂલો હતો. તેનું લગ્ન પણ લેવાઈ ચૂક્યું હતું એટલે વહુનું આણું કરવા તે ખૂબ ઇંતેજારી કરી રહ્યો અને જ્યારે તેની વહુ સાચેસાચ તેને બારણે આવી ઊભી ત્યારે તો, અણધારી રીતે જ, ભાથીજીનું જીવન ભારે દુઃખમય બની ગયું. સાસરે પગ મૂક્યો ત્યારેય એ છેલછબીલી પોતાના સ્વપ્નની દુનિયામાં વિહરતી હતી. ડગલે ને પગલે તે ભાથીનું અપમાન કરતી રહી. — જોકે શય્યામાં સહભાગી બનતાં તે પૂરેપૂરી પોતાને સમર્પિત થઈ જતી, એમ ભાથીએ સ્વીકાર્યું છે, અને એ રીતે એ નારીનું ‘ચરિત્ર’ ખરેખર અકળ બની જાય છે – પણ, ભાથીને કોણ જાણે કેમ, એ સ્ત્રી માટે પોતાનેય કદાચ ન સમજાય તે રીતે ઊંડી માયા બંધાઈ હતી. એ સ્ત્રીને ધાકથી, લાડથી, સમર્પણથી વશ કરવાના તેના બધાય પ્રયત્નો નિષ્ફળ જાય છે. ત્યારે તે તેની ઘોર અવગણના કરી સામે થાય છે. એ પછી એ સ્ત્રી શહેરનો વૈભવ માણવા કોઈ કંપાઉન્ડર જોડે નીકળી જાય છે. અને કેટલાંક વર્ષો પછી કુટિલ દુનિયામાં ઠોકરો ખાઈને પાછી ફરે છે... પણ ત્યારે તો ભાથી પણ ઘરબાર છોડીને ક્યાંક ચાલી ગયો હોય છે. અંત ભાગમાં, ભાથીની વહુ જે રીતે ભાથી પ્રત્યે કાગળમાં લાગણી પ્રકટ કરે છે અને જે રીતે તેની પ્રતીક્ષામાં દિવસો ગુજારે છે તેમાં તેના માનસનું એક નવું જ અંતર્દલ છતું થતું દેખાય છે. પન્નાલાલે, આમ જુઓ તો, આ વાર્તામાં દાંપત્યજીવનની એક ઊંડી ગૂંચ રજૂ કરવા ધારી છે. એ સંદર્ભે, સ્વાભાવિક રીતે જ, પતિપત્ની બંનેનાં પરસ્પરનાં ગૂઢ વૃત્તિવલણો અને સંબંધોની જટિલતા આલેખવાનો ઉપક્રમ રાખ્યો છે. પણ એમાં ભાથીની વહુનું ચરિત્ર વધુ ઉઠાવદાર નિપજી આવ્યું છે. સાસરામાં પગ મૂકતાં જ પતિને તુચ્છકારતી, ગાળો ભાંડતી અને વાતવાતમાં અપમાન કરતી, અક્કડ મિજાજથી વર્તતી, શહેરની વિલાસી જિંદગીનાં સ્વપ્નોમાં રાચતી દિવસભર પતિ પર વર્ચસ્‌ જમાવતી, ઝઘડીને પતિના હાથે મૂઢ માર ખાતી અને છતાં રાત્રે શય્યાભાગિની બનતાં તરત પૂરેપૂરી પોતાની જાત સમર્પિત કરી દેતી, શહેરી લોકના ફંદામાં ફસાઈને ઠોકરો ખાતી તો અધિકારપૂર્વક પોતાના ઘરનો કબજો લેતી, એ જ અસ્સલ મિજાજ ખુમારી અને અક્કડપણું દાખવતી અને આતુરતાપૂર્વક પોતાના પતિની રાહ જોતી – એ નારી સ્વયં એક રહસ્યમૂર્તિ જેવી લાગે છે. સાચું છે : નારી ગ્રામસમાજની હો યા શહેરના ભદ્ર સમાજની, શિક્ષિત હો યા અશિક્ષિત, તેના બાહ્ય ચહેરામહોરા નીચે પ્રચ્છન્નપણે આવી રહસ્યમયી સંતાયેલી હોય જ છે. પન્નાલાલને એ રહસ્યમયીની નિકટની પહેચાન છે એમ આ ભાથીની વહુ જેવા નારીપાત્રને જોતાં સમજાય છે. આ પાત્ર આખીયે વાતમાં પ્રબળપણે છવાઈ ગયું છે. તેનું મોહક છેલછબીલું રૂપ છતાં તેની પ્રાકૃત રીતભાત, તોછડાં વાણીવર્તન – એ બધાંની પાછળ માનવપ્રકૃતિની કૂટ અને દુર્ભેદ્ય સત્તાનો સઘન સંસ્પર્શ અનુભવાય છે : જીવનના ખરેખરા પ્રશ્નો જ્યાંથી જન્મે છે તેવી જડ પ્રાકૃત સત્તાનો એ અનુભવ છે : એટલે જ પન્નાલાલનાં આ પાત્રો અત્યંત પ્રાણવાન અને વાસ્તવિક લાગ્યા કરે છે. ‘કંકુ’ વાર્તામાં નાયિકા કંકુના લાંબા જીવનપટ પર બનતી નાનીમોટી ઘટનાઓ, સમયની ગતિવિધિ, અને એમાં પ્રવેશતો વ્યાપક સામાજિક સંદર્ભ એ બધાંની સમગ્ર છાપ ટૂંકી વાર્તા કરતાંયે વધુ તો લઘુનવલ કે લાંબી વાર્તાની પ્રતીત થાય છે. ગ્રામીણ સંસારની જ આ કથા છે. પણ અહીં એની સમસ્યા જુદી છે. ભરજુવાનીમાં પતિ ગુજરી ગયો ત્યારે કંકુનું યૌવન તો હજી ખીલી રહ્યું હતું. છતાં કંકુએ દૃઢ મનોબળ કેળવી એકના એક પુત્ર હરિયાને જતન કરીને મોટો કર્યો. અનેક લગ્નવાંછુ યુવાનોનાં આમંત્રણો તેણે મક્કમપણે પાછાં ઠેલ્યાં. એ રીતે તે પોતાની જુવાનીને જાણે કે અજબ શક્તિથી જેરવી ગઈ. પણ વિધિની વક્રતા એ હતી કે દીકરાનું લગ્ન કરવાના પ્રસંગે તેને પૈસાની ભીડ પડી, એને માટે મલકચંદ શેઠ સમક્ષ આજીજી કરવી પડી, અને આવી કપરી નાજુક ક્ષણોમાં કંકુ એ શેઠને કંઈક અભાનપણે કંઈક સભાનપણે પોતાની જાત સમર્પી બેઠી. કંકુને હમેલ રહ્યા તેથી તેની સ્થિતિ કફોડી બની. છેવટે કાળુનાં લૂગડાં પહેરી કંકુએ તેનો સંસાર માંડ્યો. આ વાર્તાના સંવિધાનમાં જ એક કરુણ વક્રતા રહી છે. ‘જો ન કરે નારાયણ ને હું મરી જઉં તો તું તારો ભવ ન બગાડતી... સપૂતનું ઘર ખોળી લેજે...!” — મરણને ખાટલે પડેલા ખુમાએ પત્નીની ભરજોબનમાં પાંગરતી રાતીમાતી કાયાને નજરમાં નોંધીને જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા! છતાં, કંકુએ વૈધવ્યનું શીલ જાળવવાનો દૃઢ સંકલ્પ કરી લીધો હતો. વર્ષો સુધી તેનું તપ જારી રહ્યું. પણ જીવનની એ અતિ નિર્બળ ક્ષણોમાં તે જાતીય સ્ખલન નોતરી બેઠી. માનવજીવનની નિર્બળતાનું અહીં કરુણ વેધક ચિત્ર ખડું થઈ જાય છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે જાતીય સ્ખલનનો ભોગ બનતી કંકુ વાચકોની પૂરી સહાનુભૂતિ મેળવે છે. પન્નાલાલે તેના સ્ખલનની ઘટનાને સામાજિક, આર્થિક અને માનસશાસ્ત્રીય એમ અનેક પરિમાણોમાં વિસ્તારી છે. દીકરો મોટો થતાં તેને પરણાવવાની કંકુમાં પ્રબળ ઝંખના બલકે ઘેલછા જ જાગી પડી. મલકચંદની પેઢી જોડે આમ તો તેના કુટુંબને ઘણો જૂનો વ્યવહાર હતો. પ્રસંગે પ્રસંગે વિધવા કંકુને પૈસા ધીરીને કે બીજી રીતે તે સહાય કરતો રહ્યો છે. એ રીતે એ ગ્રામીણ સ્ત્રી તેના ઋણ નીચે રહી છે. બીજી બાજુ, વર્ષો પહેલાં મલકચંદની વહુ ગુજરી ગઈ છે તેથી તેનું જીવન પણ ખાલીખાલી વહેતું રહ્યું છે. સંભવતઃ મલકચંદના મનમાં અજ્ઞાત ખૂણે કંકુ માટેની કામના સુષુપ્ત રૂપમાં જન્મી પડી છે. કંકુ જોડેના તેના વ્યવહારમાં પ્રસંગે તેની લિપ્સા પ્રકટ પણ થઈ છે. લગ્નના બેત્રણ દિવસ અગાઉ વખારમાં ગોળનો રવો તોલાવતાં મલકચંદ અને કંકુ ત્યાંના અંધારભર્યા એકાંતમાં જે રીતે અસ્વસ્થ બની જાય છે તે ઘટના અત્યંત સૂચક છે. એ ક્ષણોમાં બંને પોતપોતાના અસ્તિત્વ વિશે સભાન બની રહે છે. અંદરથી અણધારી રીતે જે કશુંક વૃત્તિજન્ય બળ અદમ્યપણે ઊઠી રહ્યું છે, તેની બંનેને ભીતિ લાગી રહી છે. પોતાની જાત માટે સમત્વ જાળવવાનું મુશ્કેલ બની રહ્યું હોવાનું બંને માટે મુશ્કેલ બને છે. જોકે એ દિવસે તો બંને નિર્બળ ક્ષણોને ઓળંગી જાય છે. પણ અંદરનું શીલ એકદમ તૂટવા આવ્યું છે. એટલે જાન ઊઘલવાને આગલે દિવસે કંકુ ફરી વાર પૈસા લેવા આવી ત્યારે અંદરોઅંદર અરધી તો તે ઓગળી ચૂકી હતી. વૃદ્ધ માએ મલકચંદના એકાકી દુઃખી જીવનની વાત કાઢી, તેથી કંકુનું આતંરિક બળ વધુ ને વધુ ઓગળતું જ રહ્યું. આજે કપરા સંજોગોમાં મલકચંદ પોતાને માટે કેટલો શ્રમ લઈ રહ્યો છે, અને કેવી તો કૃપા વરસાવી રહ્યો છે, એ જાતનું ભાન પણ કંકુના મનોભાવને સંકોરતું રહ્યું. એ પછી ખાસ કોઠીમાંથી પૈસા કાઢી આપવા નિમિત્તે મલકચંદ કંકુને પોતાની હવેલીના સૌથી ઉપરના મજલે દોરી ગયા ત્યારે તો એ આખીય બાહ્ય પરિસ્થિતિ જાણે કે તેની સામે કાવતરું કરી બેઠી હતી! ઓરડામાં ઓરડો ને તેમાંય વળી ઓરડો... બધેય છલોછલ અંધારાં... એમાંય ઊંચેની કોઠીમાંથી પોટલી કાઢવા મલકચંદનું ઊંચા સ્ટૂલ પર ચઢવું, ને ત્યાંથી લથડી પડતાં કંકુના ખભા પર આવી પડવું, એ ઘટના બંનેના અજ્ઞાત મનની જાતીય વૃત્તિને એકદમ સંકોરી આપે છે. પછી રૂપિયા ગણતા શેઠને—‘હાસ્તો! ભાર છે તો કન્યાની કેડે છે પછી તમે શા માટે...’ એવી મર્માળી ઉક્તિ કંકુ સંભળાવે છે – જાતીય ઉપભોગ અર્થે પેલા પુરુષને અર્ધસભાનપણે કે અભાનપણે જ કદાચ તે આમંત્રી રહે છે – અને તરત જ તેનું સ્ખલન એક કઠોર વાસ્તવિક ઘટના બની જાય છે. આ રીતે સ્ખલનમાં સપડાયા પછીની કંકુની મનોદશા પન્નાલાલે અજબ કુશળતાથી આલેખી છે. તેની અંદર જન્મી પડેલો અપરાધબોધ તેના વાણીવર્તનમાં ક્ષણે ક્ષણે વ્યક્ત થઈ જાય છે. કંકુના વ્યક્તિત્વનું એક અકળ પાસું તે એ કે પોતાના સ્ખલનમાં સહભાગી બનેલા પુરુષનું નામ તે છેવટ સુધી છુપાવતી રહે છે. આ વાર્તામાં કંકુની કથા નિમિત્તે એક નાનકડો ગ્રામીણ સંસાર ખડો થઈ ગયો છે. અનેક વર્ષોના પ્રસંગો એમાં સહજ રીતે ગૂંથી લેવાયા છે. પાત્રોના મનોવ્યાપારોનું સૂક્ષ્મતર આકલન કરવાની પન્નાલાલની શક્તિ અહીં ઘણી પ્રભાવક નીવડી છે. ‘કંકુ’ની જેમ ‘સાચાં સમણાં’ને ય હું લાંબી વાર્તા કે લઘુનવલ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરું. કથાનાયક મથુરના જીવનની નાનીમોટી અનેક ઘટનાઓનો કંઈક વિસ્તારી પટ, કથાપ્રસંગોના જુદા જુદા વળોટ, અને ખાસ તો એમાં પ્રવેશતા વ્યાપક સમાજસંદર્ભને લક્ષમાં લેતાં એની આ રીતે ઓળખ વાજબી લાગે છે. આ પણ છે તો જાનપદી કથા, પણ એની પરિસ્થિતિ વળી નિરાળી, એનો પ્રશ્ન ય નિરાળો. પન્નાલાલની વાર્તાકથનની કળાનો ખરેખર વિરલ ઉન્મેષ એમાં જોઈ શકાય. માનવમનની લીલા આલેખવામાં તેઓ ઊંડી સૂઝ બતાવે છે, એમ આપણે ફરી ફરીને સ્પષ્ટ કર્યું. પણ અહીં તેમની એ સૂઝ અનન્ય વિસ્મયકારી પરિણામ લાવી શકી છે. પચ્ચીસેકની ઉંમરના યુવાન પરિણીત મથુરના હૃદયજીવનની આ વિષમ કરુણ કથા છે. નાનકડા ગામમાં મથુરનું ઘર સુખી, સારી રીતે ખાતુંપીતું, પણ બહુ આગળ પડતું તો નહોતું જ. પણ આ વર્ષે કોદરાની ખેતીમાં મબલખ ફસલ ઊતરી હતી. એટલે વધારાનું ધાન્ય વેચીને મથુરને ટૂંપિયો (સોનાનો દાગીનો) લેવાની ઇચ્છા થઈ. તેની શાણી ઘરરખુ પત્ની રતનને કોણ જાણે કેમ મથુરની આ જાતનો વેપલો પસંદ નહોતો જ, પણ છેવટે પતિની ઇચ્છામાં પોતાની ઇચ્છા ભેળવી દીધી, અને એ રીતે મથુરની ઝંખનાનો મોંઘોમૂલો ટૂંપિયો ખરીદાયો ય ખરો. તેના ઘરમાં આ પ્રસંગ જાણે કે ઉત્સવ બની રહ્યો. અને અહીંથી મથુરના હૈયાની ગૂંચ જન્મી પડી, અથવા એમ કહો કે મનના ઊંડાણમાં જન્મેલી ગૂંચ એકદમ સપાટી પર આવી ગઈ. આ ખરીદી પહેલાં થોડાક દિવસ અગાઉ જ મથુરની સાળી મણિ (રતનની દૂરના સંબંધે થતી બહેન) એને ત્યાં આવી હતી. ખીલતી યુવાનીને લીધે તેનું ભર્યું ભર્યું બદન કોઈ પણ યુવાનના બલકે પ્રૌઢના હૃદયનેય છંછેડી મૂકે તેવું કામણગારું હતું. ગામના પંચાતિયાઓએ જ્યારે હળવાં ટોળટપ્પાં મારતાં મથુરને બીજી સ્ત્રી કરવાનું સૂચન મૂક્યું ત્યારે, ખરેખર તો, મણિ જ તમની નજરમાં નોંધાયેલી હતી. સુખા જેવો યુવાન તો આવી મજાક કરતો છતાં મનોમન મણિની કામનામાં રાચવા લાગ્યો હતો. કંચન અને કામિની આમેય માનવમનની શાશ્વત નિર્બળતાઓ ઠર્યાં છે. વિધિના લેખ હોય તેમ મથુરના જીવનમાં બંને નિર્બળતાઓ સાથે દેખા દે છે. બલકે, તેના આંતરિક સંઘર્ષમાં બંને સાથે ભાગ ભજવે છે; એકરૂપ બનીને ભાગ ભજવે છે. એ રીતે આ વાર્તાનું સંવિધાન નોંધપાત્ર બને છે. પંચાતિયાઓએ મથુરને એમ પણ યાદ દેવડાવ્યું કે તેના કુટુંબમાં બે બૈરાંની રસમ અગાઉથી ચાલી આવે છે. પણ આ જાતનાં વચનોથી તો મથુર વધુ ને વધુ અસ્વસ્થ બનતો જાય છે. સંભવતઃ મણિ માટે તેના અજ્ઞાત મનમાં કશીક કામના આ અગાઉ જન્મી ચૂકી હતી; પણ રતન જેવી સુશીલ પત્નીનો દ્રોહ થાય એવી અપરાધબોધની ગ્રંથિ ય વળી તેના મનમાં ઊંડે ઊંડે બંધાઈ રહી હતી. એટલે જ પંચાતિયાઓ તરફથી આવતું સૂચન તેને પોતાનેય ન સમજાય તે રીતે ઊંડે ઊંડે સંક્ષુબ્ધ કરી જાય છે. હકીકતમાં, આ જાતનું સૂચન તેને પોતાની જ અંદરની ગૂંચ વિશે એકાએક સભાન બનાવી દે છે. અને અહીંથી આરંભાય છે તેના આંતરમનનો તીવ્ર સંઘર્ષ. પન્નાલાલે આ સંઘર્ષ માટે પરિસ્થિતિનેય શક્ય તેટલી તંગ કરી મૂકી છે. મણિનું લગ્ન થયેલું છે, પણ સાસરામાં તેને બિલકુલ સુખ નથી. તેનો ગમાર પતિ સતત મારઝૂડ કરતો રહે છે. એટલે એવી દુઃખદ પરિસ્થિતિમાંથી તે કોઈ પણ રીતે ભાગી છૂટવા આતુર છે તે મથુર જાણતો હતો. એટલે મણિને પોતાના ઘરમાં બેસાડવાનું તેને માટે આમ તો જરીકે મુશ્કેલ નહોતું. બીજી બાજુ પોતાના કુટુંબમાં બે બૈરાં કરવાની રસમ ચાલી આવતી હતી. એટલે પોતાની ઇચ્છાને સહજ જ કૌટુંબિક પરંપરાનું – તેમ આસપાસના ગ્રામીણ સમાજનું – સમર્થન મળી જતું હતું. તો પછી મથુરના મનની ખરેખર આંટી ક્યાં છે? મને એમ લાગે છે કે આ પ્રશ્ને તેના અંતરમાં ઊંડે ઊંડે સંઘર્ષ જન્મી પડ્યો હતો? રતન જેવી શાણી અને પ્રેમાળ પત્નીને તે દુભવી જ શી રીતે શકે? પોતાના તરફની તેની નિર્વ્યાજ લાગણીનો દ્રોહ તે કેવી રીતે કરી શકે? અને છતાં મણિની કંચનવર્ણી કામ્ય કાયાનું આકર્ષણ કંઈ જેવુંતેવું નહોતું. રતનની દુબળી નિસ્તેજ કાયાની સામે મણિમાં તેને મોહિનીરૂપ પ્રત્યક્ષ થાય છે. પણ એ મણિની હાજરીમાં જ તે એકદમ અસ્વસ્થ બની જાય છે! તે દિવસે તે ખેતરમાં ભાગી છૂટ્યો અને મણિ તેને બોલાવવા આવી ત્યારેય દેખીતા કોઈ કારણ વિના જ તે રોષે ભરાયો હતો. વળી ફળીની સ્ત્રીઓ ટૂંપિયો જોવા ભેગી મળી ત્યારે નિર્દોષભાવે જ મણિએ એ ટૂંપિયો પહેરી જોયો, ત્યારે તો એ શણગારથી વધુ દીપી નીકળેલી મણિની કામણગારી કાયા જોઈ તે વધુ આકળો બની ઊઠ્યો હતો. મણિ પોતાની નજર સામેથી દૂર થાય એમ વારંવાર તેનું એક મન ઝંખી રહ્યું. પણ રતનની પ્રસૂતિના દિવસોમાં ઘરકામમાં સહાય કરવાને મણિને જ બોલાવવી પડી. પણ ત્યારે તો મથુર ચાહીને તેનાથી દૂર રહ્યો, અને જ્યારે પણ નજીક આવવાનું બન્યું ત્યારે વિના કારણ દાંતિયાં કરતો રહ્યો. બીજી બાજુ રતનનેય મથુરનું આ જાતનું વર્તન અકળ લાગ્યું. આમ, મણિ અને રતન, બંનેય સ્ત્રીઓ તરફ, મથુર જે રીતે વર્તતો રહે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં જે રીતે આઘાતપ્રત્યાઘાત પાડતો રહે છે. તેમાં અણજાણપણે જ તેના આંતરમનનો સંઘર્ષ તરી આવતો દેખાય છે. તેમાંય મણિ જોડેનું તેનું વર્તન તેના મનની સંકુલ પણ સંદિગ્ધ ગતિવિધિઓનો સૂચક અણસાર આપે છે. મણિ માટે તેને પ્રબળ આકર્ષણ જાગ્યું છે. પણ તેની હાજરી તેને સંક્ષુબ્ધ કરી મૂકે છે. બલકે વિના કારણ તે છેડાઈ પડે છે. એકીસાથે પ્રિયજન માટેનું આવેગભર્યું આકર્ષણ, અને તેના તરફનો રોષ એ એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક કોયડો છે. પણ એ રોષના મૂળમાં કદાચ અપ્રાપ્તિ કે અતૃપ્તિ કે અસહાયતાનું ભાન છે – રતન પ્રત્યેના વર્તનમાં તેને ઊંડે ઊંડે પ્રતીત થતી અપરાધબોધની લાગણી છે. પન્નાલાલની વિશેષતા રતન, મણિ અને મથુરની ત્રણેની આગવી મનોભૂમિકા નિભાવવામાં રહી છે. મણિ તો એક સ્વપ્ન માત્ર છે, જ્યારે રતન તેને માટે સત્ય છે, એ રીતે મથુરે પોતાનું મન મનાવી જોવાના પ્રયત્નો કર્યા. પણ પોતે જો મણિને ઘરમાં બેસાડી ન શકે તો તો એ દુઃખી સ્ત્રી ગમે ત્યારે સુખાના ઘરમાં બેસવાની, એ વિચારથી તે વધુ ને વધુ અસ્વસ્થ બની રહ્યો : ઘડીક વળી મણિ તેના ઘરમાં નક્કી આવવાની છે. વિધિના લેખ લખાઈ ચૂક્યા છે; અને હવે કોઈ પણ વ્યક્તિ, પોતેય સુધ્ધાં, તેને ખોટા પાડી શકવાનો નથી. એમ તે દૈવનું શરણ લઈ સમાધાન કેળવે છે! ટૂંપિયાના રૂપમાં મણિ તેને લુબ્ધ કરે છે. સ્વપ્ન અને વાસ્તવની વચ્ચે મથુર ઘૂમરી ખાતો રહે છે. શકરા ભગત પાસેથી ય ભાવિના સંકેત જાણવા મથે છે. અંતે અધરાતે મધરાતે ફળીના છેવાડે લખાકાકાની સહાયથી તેના એકલાઅટૂલા ઘરમાં મથુર મણિને પરણી જાય છે, તેનું ‘સમણું’ ‘સાચું’ પડતું જુએ છે, છતાંય હૃદયનો ઓથાર તો હઠતો જ નથી. ‘માથાના વાઢનારાનાંય આવાં સમણાં સાચાં કદી પડો નહિ – પડશો નઈં!’ – એમ તે બબડી પડે છે. શા માટે? એટલા જ માટે કે પોતાનામાં જન્મી પડેલા અપરાધબોધથી તે મુક્ત થઈ શક્યો નથી. બલકે એ જાતનો ભાવ હવે તીવ્ર બન્યો છે. જે મણિને પામવા તેનું મન પ્રબળપણે તલસી રહ્યું હતું, તેની જોડેનું લગ્ન એક નક્કર વાસ્તવિકતા બની ચૂકી છે. અને છતાં એ ઘટના તેને સ્વપ્નવત્‌ લાગ્યા કરે છે. વિષમ કરુણતા તો એ વાતની છે કે મણિને મેળવવાની ઝંખના જેમ જેમ બળવાન બનતી ગઈ તેમ તેમ નક્કર વાસ્તવિકતાથી તે વધુ ને વધુ અળગો થતો ગયો. તે રાત્રે લગ્નવિધિ માટે લખાકાકાને ત્યાં જવાનું ગોઠવ્યું ત્યારેય તેનું મન તો ઊંડી દ્વિધામાં ગ્રસ્ત હતું. અને લખાકાકાના આગ્રહથી, જાણે કે અનિચ્છાએ ધકેલાતો હોય એમ તે ઊઠ્યો, અને ઘરમાં કપડાં લેવા ગયો ત્યારેય એ ક્ષણે રતન તેને વારે એવું તેનું મન વિચારી રહ્યું હતું. થાકીપાકી રતન તો ઊંઘના ઘારણમાં હતી. મથુરે તેને છંછેડી ય ખરી : ‘રાં...ડ! જરા પૂછ તો ખરી કે હું આ નવાં લૂગડાં લઈને ક્યાં જાઉં છું!’ પણ મથુરના આ જાતના વર્તનને તેનું વિચારમૂઢ મન ત્યારે સમજી શક્યું નહિ, સમજી શકે એ સ્થિતિમાંય નહોતું. અને રતનની આ મૂઢ દશા સામે મથુર અણધારી રીતે દાંતિયાં કરે છે. તેને ગળે ભીંસ દે છે : ‘ના કહું છું તોય પાછી બૂમ? આ હેંડ્યો લે; રોયા કરજે તારાં માબાપને આખોય ભવ!’ અને તે ચાલતો થાય છે : જતાં જતાંય – ‘તારો કાઢ્યો જઉં છું પછી તું જાણે. પાછળથી મને દોષ દઈશ એ નહિ બને રે ભાઈ’ – એમ કહેતો જાય છે. આ આખીય ઘટનામાં મથુર મનોમન ભારે દ્વિધામાંથી ગુજરતો હોવાનું સમજાશે. પોતે આ પ્રસંગમાં પોતાની સંકલ્પશક્તિ પોતાના પૂર્ણ આત્મબળથી યોજી શકતો જ નથી. તેનું એક મન સતત મણિની લાલસા કરતું રહ્યું, લગ્નની યોજનામાં કામે લાગ્યું. ત્યારે બીજું મન પીછેહઠ કરતું રહ્યું. લગ્ન જેવા ગંભીર પ્રશ્નમાં નૈતિક જવાબદારીથી અળગું રહ્યું. છેલ્લે છેલ્લે તે નિર્માણ થનારી પરિસ્થિતિ માટે રતનને દોષિત ઠેરવે છે! વિધિની વક્રતા એ કે ઊંઘના પડળ નીચે રતન વિચારમૂઢ દશામાં હતી એટલે આખીય પરિસ્થિતિનો જાગ્રતપણે તે વિચાર કરી શકતી નથી. છેવટે મથુર પરણી જાય છે. તેના અંતરના ઓરતા પૂરા થાય છે. પણ તેના મનને કોઈ શાંતિ, સમાધાન કે પ્રસન્નતા નથી. માનવજીવનની આ પણ એક એબ્સર્ડિટી ખરી ને? પન્નાલાલે, ખરેખર તો, માનવમનના સંઘર્ષનું આલેખન કરતાં તેની નિયતિનો ગંભીર પ્રશ્ન અહીં છેડ્યો છે. માનવીનું જીવન મને કરોળિયાના જાળા જેવું લાગે છે એવી તેમની સમજ આ જાતની વાર્તામાં પૂરી પ્રતીત થાય છે. વાર્તાનાયક મથુરના જીવનમાં જે કંઈ બને છે, જે કંઈ વીતે છે, તેના મૂળમાં માત્ર તેની પોતાની એકલાની ઇચ્છાઅનિચ્છાનો પ્રશ્ન રહેતો નથી; જ્ઞાતઅજ્ઞાત બીજાં અનેક પરિબળો તેમાં ભાગ ભજવી જાય છે. ‘મળેલા જીવ’માં પન્નાલાલે કાનજીના મનોસંઘર્ષને જે રીતે એના મૂળમાંથી પકડ્યો છે, તે જાતનું આલેખન અહીં મથુરના પ્રશ્નમાં યે જોવા મળે છે. વાર્તાકથનની પન્નાલાલની આગવી શૈલી અહીં ખીલી ઊઠે છે. જાનપદી પરિવેશ રચી તેમાં પાત્રો, પ્રસંગો અને ભાવભાવોર્મિઓને જીવંત રીતે આલેખવામાં તેમને અહીં અસાધારણ સફળતા મળી છે. તેમની દૃષ્ટિ વધુ તો મથુરના ભાવજગત પર કેન્દ્રિત થઈ છે, એટલે કથયિતવ્ય પણ એકદમ સુરેખ અને સુગ્રથિત બન્યું છે. ‘ધરતી આભના છેટાં’માં પન્નાલાલે, જાનપદી જીવનમાંથી એક લગ્નવિચ્છેદની સમસ્યા લઈ, એ નિમિત્તે માનવસંબંધોની એક જુદા જ રંગ અને જુદા જ મિજાજની કથા કહી છે. લગ્નવિચ્છેદ એ એક સામાજિક બાબત છે. વિચ્છેદ પછી પતિપત્ની વચ્ચે સામાન્ય રીતે વૈયક્તિક અને સામાજિક સ્તરે કોઈ સંબંધ રહેતો નથી. પણ ઠીક ઠીક લાંબા સમય સુધી સહજીવન ભોગવી ચૂકેલાં પતિપત્ની જ્યારે આ રીતે છૂટાં થાય ત્યારે તેમની વચ્ચે પાંગરેલા જીવંત લાગણીતંતુઓ કંઈ એકદમ તૂટી જતા નથી. બલકે, આ વાર્તાની નાયિકા ઝૂમી એવા જીવંત તંતુને આધારે પોતાનું એકાકી જીવન ટકાવી રાખતી દેખાય છે. ઝૂમી મોંઘજીની પહેલી વારની પત્ની હતી. પણ લગ્ન પછી વર્ષો સુધી તેની શેર માટીની ભૂખ પ્રભુએ ન પૂરી ત્યારે હૃદયની ઉદારતા કેળવીને, સામે ચાલીને, ઝૂમીએ પતિને બીજું લગ્ન કરવા આગ્રહ કર્યો હતો. અને એટલે જ, મોંઘજીએ બીજું લગ્ન કર્યું હતું. પણ ‘નવી’ ઘરમાં આવી તે પછી ઝૂમીને એ ઘરમાં સમાવાનું મુશ્કેલ બન્યું. તે સ્વમાનભેર ખુમારીથી પિયર જઈ વસી. અને પછીથી છૂટાછેડા લઈ લીધા. પિયરમાંય ભાઈ-ભાભીથી અલગ થઈ. રાત દિવસ શ્રમ કર્યો. ભેંસો પાળી, આર્થિક સમૃદ્ધિય મેળવી. અઠ્ઠાવીસની ઉંમરેય તેની કાયા એટલી જ ભરાઉ અને કામણગારી હતી એટલે તેના હાથનું માગું કરનારાય કંઈ ઓછા નહોતા. પણ નવેસરથી સંસાર માંડવાના તેને કોઈ ઓરતા રહ્યા નહોતા. સંસારનું મિથ્યાપણું તેને જાણે કે સમજાઈ ચૂક્યું હતું. પણ કર્મની ગતિ ન્યારી હોય છે. ઝૂમી અલગ થઈ તે પછી મોંઘજીના જીવનમાં પડતી દશા આવી. ‘નવી’નો પાંચેક વર્ષનો પુત્ર ગુજરી ગયો. તે પછી રાહ જોવડાવીને બીજો પુત્ર જન્મ્યો. પણ પછી તો ‘નવી’ બીમાર પડી. ઘરકામનો બોજ મોંઘજીને જ વેંઢારવો પડતો હતો. ખેતીના કામમાંય તે એકલો હોઈ પહોંચી વળી શકતો નહોતો. ચંદુ શેઠને ત્યાં તેનું દેવું વધતું જતું હતું. તેની આ પડતી દશા જોઈ ચંદુ શેઠ પોતે જ ચિંતામાં પડી ગયા હતા. એટલે ઝૂમી તેમને ત્યાં થાપણ મૂકવા આવી ત્યારે શેઠે ચાહીબૂઝીને જ તેની સમક્ષ એ વાત કાઢી. લગ્નજીવનની શરૂઆતમાં મોંઘજી ઝૂમીની બેલડી કેવી તો શોભતી હતી, અને બંને વચ્ચે કેવો તો હૈયાનો બંધ હતો તે યાદ દેવડાવ્યું. આ વાતમાં ખેંચાતા ઝૂમીએ મોંઘજી જોડે પોતાને હવે કોઈ સંબંધ રહ્યો નથી એ જ દલીલ આગળ ધરી, પણ તેના હૃદયમાં મોંઘજી માટેની લાગણી ભરી હતી—અને એનું આલંબન લઈને જ તો તે એકાકી જિંદગી ગુજારી રહી હતી—એટલે ચંદુ શેઠની વાતથી ભીતરમાં તેનું હૈયું દ્રવી રહ્યું. તેના હૃદયમાં આ જીવંત અંશને જ શેઠે સીધી અપીલ કરી. એટલે, છેવટે, મોંઘજીના ઘરને સહાય કરવા ઝૂમી તૈયાર થઈ. દુનિયાની નજરે તો તેને મોંઘજી જોડે, મોંઘજીના ‘ઘર’ જોડે, કોઈ સંબંધ નહોતો, પણ તેનું હૃદય ઊંડે ઊંડેથી કહેતું હતું કે, ના. એ સંબંધ તૂટ્યો નથી. ઝૂમીએ વીસેક દિવસ મોંઘજીના ઘરની સેવાસરભરા કરી. કેવળ નિર્વ્યાજ લાગણીથી પ્રેરાઈને, અને કશીય કોઈ લોકપરવાહ કર્યા વિના. અને આખુંય કુટુંબ હસતુંરમતું કરી નાના મથુરાને લઈ પોતાને ગામ ચાલી નીકળી. કેટલાક લોકોને વહેમ આવ્યો હતો કે આ રીતે ઝૂમી મોંઘજીના ઘરમાં ફરી સ્થાન લેવા આવી છે, પણ સૌની એ માન્યતાને તેણે ખોટી પાડી. જે રીતે અનાસક્તિ કેળવીને તે આવી હતી તે જ જાતની અનાસક્તિ સાથે તેણે વિદાય લીધી. અલબત્ત, નાના દીકરાને તે વહાલથી તેડી જાય છે. સ્વાભાવિક છે કે નાના મથુરામાં તેને મોંઘજીની છબી પ્રત્યક્ષ થઈ હોય. અને એય સમજાય તેવું છે કે તેની માતૃત્વની અધૂરી રહેલી ઝંખના પણ એ રીતે સંતોષાઈ હોય. આમ પતિથી અલગ થઈ સ્વતંત્ર ઉદ્યમી અને સ્વમાનભર્યું, ખુમારી અને મિજાજભર્યું જીવન સ્વીકારતી, દુન્યવી દૃષ્ટિએ મોંઘજી જોડેનો સંબંધ ફોક થયો હોવા છતાં હૃદયના સંબંધને આગળ ધરીને પતિની અને શોક્યનીય સેવા કરતી ઝૂમી પન્નાલાલનું સાચે જ એક તેજસ્વી નારી પાત્ર છે. તેમનાં સમસ્ત નારીપાત્રોમાં તેનું વિરલ સ્થાન છે. પન્નાલાલે અતિ નજાકતથી તેના હૃદયને આપણી સમક્ષ ખુલ્લું મૂક્યું છે. ચંદુ શેઠ, મોંઘજી અને નવી – એ બીજાં પાત્રોય એટલાં જ સુરેખ પણ સૂક્ષ્મ રેખાઓમાં કંડારાયેલાં છે. વાર્તાકથનની તેમની શૈલી પણ એટલી જ સામર્થ્યવાળી નીવડી આવી છે. રચના એકદમ સુરેખ અને સુકેન્દ્રિત છે. ‘સાચી ગજિયાણીનું કાપડું’ એ પન્નાલાલની એવી જ બીજી સમર્થ જાનપદી વાર્તા છે. વીસેકની ઉંમરનો લખુડો, જેને માટે સાચી ગજિયાણીનું કાપડું ખરીદવા આતુર છે અને જેને માટે શિવલાલ શેઠ ચોપડામાં નામું માંડ્યા વિના જ મોંઘું કાપડું ફાડી આપે છે, તે ‘નમાયી છોડી’ તો કેવળ સૂચિત પાત્ર તરીકે જ અહીં રજૂ થાય છે. પન્નાલાલની વાર્તા-કળાની મોટી ખૂબી એ કે નમાયી છોડી જોડેનો શેઠનો સંબંધ ગર્ભિત રીતે સૂચવાઈ ગયો છે. વાર્તાને અંતે લખુડાને હજીય મનમાં ભારે મૂંઝવણ રહે છે, પણ વાર્તાનો ભાવક તો આખીય પરિસ્થિતિનું રહસ્ય પામી ચૂક્યો હોય છે. લખુડો તો બિલકુલ નિર્દોષ ભાવે જન્મની અને તેની રંડાપાની દશામાં જન્મેલી દીકરીની વાતને ઉલ્લેખે છે. ત્યાં શિવલાલનું મન ભારે અસ્વસ્થતામાં સરતું જાય છે. કાપડું બતાવતાં ક્ષણ બે ક્ષણ અન્યમનસ્ક બની પોતાના ભૂતકાળની એ ઘટનાને જાણે કે તાગી રહે છે. અને તેનું મન પછી તો ક્ષણે ક્ષણે જે રીતે આઘાત-પ્રત્યાઘાતો પાડતું જાય છે તેમાંથી તેના મનમાં ઊંડે ઊંડે અપરાધભાવ જાગી પડ્યાનું સમજાય છે. છોડી નમાઈ છે એવા લખુડાના શબ્દો સાંભળી વિચિત્ર રીતે જ તેઓ એકદમ આકળા બની જાય છે. એ છોડીની પૂરી કથા જાણવા તેનું એક મન ઇંતેજાર છે, પણ પોતાનો અપરાધભાવ છતો ન થઈ જાય તે માટે તે પ્રત્યત્નપૂર્વક બેફિકરાઈ ધારણ કરવા ચાહે છે. અંતે જમનીના પેલા ‘ભરત ભરેલા કાપડા’નો લખુડો ઉલ્લેખ કરે છે ત્યાં શેઠને અંદર તાળો મળી જતો લાગે છે, અને વાચકને પણ ત્યાં એ વાર્તાનું રહસ્ય પકડમાં આવી જાય છે. વાર્તાની રચનામાં સાદ્યંત એક પ્રકારનો નાટ્યાત્મક વ્યંગ રહેલો જોઈ શકાશે. લખુડાનું હૃદય પેલી નમાઈ છોડી માટે જુદી જ રીતે આસક્તિ ધરાવે છે. તેને માટે મોંઘું કાપડું ખરીદવાની તેની ઊંડી આરત છે, પણ પાસે પૈસા નથી. એટલે શેઠ પાસેથી એવી મોંઘી વસ્તુ મેળવવા તે શેઠની લાગણીને ભીંજવતો રહે છે. બીજી બાજુ શેઠ પોતાના મનની અસ્વસ્થતા ઢાંકવા પ્રયત્ન કરતા રહે છે. પરિસ્થિતિની વક્રતા એ વાતની છે કે છેવટ સુધી શેઠના મનનું રહસ્ય તે કળી શકતો નથી. ‘લખવું ભૂલી ગયા એમ જ સમજ લખુડા! નકર તું જ કે’ આ નમાયી છોડીને ને શેઠને શું? – એટલે એ તો – ચોપડામાં ભલે ન બોલ્યું બાકી પેલી પે’રનારીના કાળજામાં તો લખાઈ જ ગયું છે ને કે લખુડાએ જ ગોઠીપણાની યાદમાં સાચી ગજિયાણીનું કાપડું –બસ ત્યારે’ શેઠના સ્વગતોક્તિ શા આ ઉદ્‌ગારોમાં જે પરિસ્થિતિની કરુણ વક્રતા છતી થઈ જાય છે. આમેય સંવાદો અને સ્વગતોક્તિઓ જેવી પ્રયુક્તિઓને પન્નાલાલ ખૂબ માર્મિક રીતે યોજી જાણે છે. પણ આ વાર્તામાં તો અનોખા સામર્થ્યથી તેમણે તે ખપમાં લીધી જણાશે. કથયિતવ્યનો મુખ્ય તંતુ બરોબર પકડમાં હોવાથી રચના સરસ રીતે કંડારાઈ આવી છે. અહીં પણ જાનપદી પરિવેશ જાદુઈ છટાથી તેમણે ખડો કરી દીધો છે. ‘જીવતર પર ખોયણું’, ‘મહેણાંની મારેલી’, ‘રેશમડી’, ‘મશાણિયે વડલે’ અને ‘પીઠીનું પડીકું’ જેવી બીજી અનેક જાનપદી વાર્તાઓ તેમની આ જાતની વાર્તાકળાનો સુખદ પરિચય કરાવે છે. એમાં ગામડાંનાં માનવીઓનાં સુખદુઃખોની કથાઓ જ છે : તરુણ હૈયામાં બંધાતા પ્રેમસંબંધો, લગ્નજીવનની આંટીઘૂંટીઓ, માતૃત્વની ઝંખના કે એવા બીજા કુટુંબજીવનના પ્રશ્નો ઘણુંખરું એના મૂળમાં હોય છે. ગામડાંના જીવનની રોજિંદી ને પરિચિત લાગતી ઘટમાળમાંથી તેમને વાર્તાનું બીજ શોધી લેતાં વાર લાગતી નથી. અને બનાવો ય ભલે ખપમાં લેવાના રહે, પન્નાલાલને તો એ બનાવો સાથે જોડાયેલાં માનવીઓના મનમાં વધુ ઊંડો રસ છે. અને કોઠાસૂઝથી જ તેઓ એ બધાં માનવમનની આરપાર જાણે કે તાગી રહે છે. ‘જીવતર પર ખોયણું’માં રતનનું પાત્ર, ‘મહેણાંની મોરલી’માં લાડુનું પાત્ર, ‘રેશમડી’માં રેશમનું, ‘મશાણિયે વડલે’માં અવલનું અને ‘પીઠીનું પડીકું’માં કીકીનું – એ બધાં નારીપાત્રો, વાર્તા પૂરી કર્યા પછીયે, લાંબા સમય સુધી મનનો કબજો લઈ લે છે. માનવમનનું કશુંક ગહન તત્ત્વ એમાં સ્પર્શક્ષમ બનીને છતું થાય છે. ‘મા’ વાર્તામાં, અલબત્ત, ગામડાંની ગરીબાઈ અને કંગાલિયતનું ચિત્ર ધ્યાન ખેંચે છે, બલકે સંક્ષુબ્ધ કરી મૂકે છે. જાલમ ખાંટની સ્ત્રી. ઘરમાં ભેંસે પાડાને જન્મ આપતાં, ભેંસને એ વિશે જરીક પણ અણસાર આવે તે પહેલાં તેને દૂરના સ્થાને નિકાલ કરે છે. એ જાતની કથાવસ્તુ અહીં રજૂ થઈ છે. કુટુંબનાં બાળકો અને પતિની વર્ષભરની દૂધ-ઘીની માંગ એ ઘરરખુ સ્ત્રી સારી રીતે સમજે છે. તેનો અનુભવ એવો છે કે પાડા સામાન્ય રીતે ઝાઝું જીવે નહિ. અને વિયાયેલી ભેંસ જો એક વાર નવજાત પાડા જોડે હેવાઈ જાય અને પછી મહિના બે મહિનામાં પાડો મરી જાય તો ભેંસ દૂધ દેતી અટકી જાય. એટલે એકદમ કઠણ હૈયું કરીને તે આ જાતનું કૃત્ય આચરે છે. ખરેખર તો પાડાના નિકાલનું કામ તે તાજેતરમાં આણે આવેલી પુત્રવધૂને સોંપે છે. પણ એ નવોઢા આવું કઠોર કામ કરવાની સ્પષ્ટ ના પાડે છે. ત્યારે – ‘હમણાં તો તને દયાની પૂછડીને કાંઈ નથી કે’તી, પણ ભગવાન જો દાયકો જીવાડે તો તો ભાળું છું કે કેટલે તોલે મણ થાય છે, કેમ કરીને પેટના લોચા ઉછેરાય છે. રાજના વેરા ભરાય છે ને વાણિયાના વે’વાર...’ એવા શબ્દો સાથે તે અંધારામાં પાડાવાળું ટોપલું ઊંચકીને ચાલી નીકળે છે. આ છે નરી વાસ્તવિકતા, ક્રૂર કઠોર માનવીય પરિસ્થિતિ. અસ્તિત્વ ટકાવવાની આ ઘોર મથામણ છે. સામાજિક-આર્થિક કોઈ વિચારસરણી કે વાદનું આલેખન જોવાની અહીં જરૂર નથી. પન્નાલાલમાં એવો કોઈ ‘વાદ’ તેમના સર્જનનું પ્રેરક બળ બન્યો નથી. જો કોઈ વાદને તેઓ અનુસર્યા હોય તો તે ‘માણસ-વાદ’ને. અસ્તિત્વના મૂળભૂત સંઘર્ષમાં ધકેલાયેલા કેવળ ‘માણસ’ની તેમની ઓળખ છે. ‘મા’ શીર્ષકમાંય, આમ જુઓ તો, કરુણ કટાક્ષ રહ્યો છે. ‘નેશનલ સેવિંગ’ પન્નાલાલની એક જુદી જ તરેહની જાનપદી કથા છે. ભીલપ્રજાની ગરીબાઈ અને કંગાલિયતનું ચિત્ર અહીં તેમણે આલેખ્યું છે. અને હળવી વ્યંગવિનોદભરી શૈલીને કારણે એ કઠોર વાસ્તવિકતા વધુ મર્મવેધી બની આવી છે. હકીકતમાં, આ કોઈ એકલદોકલ વ્યક્તિની કથા નથી : આખાય સમાજજીવનનું ચિત્ર એમાં અંકિત થઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધને કારણે એ સમયની અંગ્રેજ સરકારને જે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ હતી તેને લગતો એમાં સંદર્ભ પડેલો છે. સરકારે એ વેળા પ્રજામાંથી નાણાં એકત્ર કરવા નેશનલ સેવિંગનો જોરશોરથી પ્રચાર આદર્યો હતો. સરકારનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારીઓ છેક છેડાનાં ગામડાંઓ સુધી પહોંચ્યા હતા. પન્નાલાલે આ વાર્તામાં, સરકારી અધિકારીઓ ગરીબ ભીલોને કંઈક સમજાવીપટાવી કંઈક લાલચમાં ફોસલાવી ને છેવટ ધાકધમકી બતાવી જે રીતે સર્ટિફિકેટો ધરાવી દે છે તેનું, અને વળી સર્ટિફિકેટની સામે ચૂકવવાના પાંચદસ રૂપિયા જે રીતે ઘરવખરી વેચીને કે બીજીત્રીજી રીતે મેળવે છે તેનું નર્મમર્મભરી શૈલીમાં આલેખન કર્યું છે. ક્યાંયથી પૈસા લાવી ન શકતા એક ભીલને ધમકાવતાં અધિકારી તાડૂકી ઊઠે છે : ‘ઊઠ સાલા ડુક્કર! ન હોય તો બૈરું વેચી આવ પણ – ’ અને તેના ઉત્તરમાં – ‘પણ સાબ, બૈરુંય મરી ગયું હે, હું વેચું!’ એમ બબડી જાય છે, ત્યારે સહૃદય ભાવક ઘડીક સ્તબ્ધ બની જાય છે. આ પ્રસંગ પર હસવું કે રડવું – તેનો કોઈ સ્પષ્ટ પ્રતિભાવ તે પાડી શકતો નથી. અને આ રીતે ધાકધમકીથી ધરાવાયેલાં સર્ટિફિકેટોને બાર વરસ સુધી સંઘરવાં ક્યાં, એ જાતના પ્રશ્ને વળી એ અબુધ લોક જે રીતના તર્ક-વિતર્ક શરૂ કરે છે તેમાં સપાટી પરથી તો વિનોદનો ભાવ પકડાય છે. પણ, હકીકતમાં, આખીય વિષમ પરિસ્થિતિ વિશેનું કશુંક દર્દ એમાં ઊંડેઊંડે સળકી ઊઠે છે. રાવજી જેવાએ તો જે દુકાનદાર પાસેથી ઘડીબેઘડી પહેલાં જ બે રૂપિયા ઉપાડેલા તેની સામે આ ‘કાગળિયું’ વેચતાં અઢી રૂપિયા ઉપજાવી કાઢ્યા હતા! તેની આ ઉતાવળ સામે બીજાઓ વાંધો લે છે, ત્યારેય – ‘બાર બાર વરહ લગી તમે બધા આ કાગળિયાને હંગરી કીં (ક્યાં) રાખહો!’ એવા તેના પ્રશ્નથી સૌ અવાક્‌ બની જાય છે. કોઈ કને કાગળિયું સંઘરવા જેવું કશું સાધન જ નહોતું. ‘અરે વાંહડાની (વાંસની) ભૂંગળીમાં ઘાલી રાખહું!’ એમ કહેવા જતા ભીલને પોતાને જ બીજી ક્ષણે એ ભૂંગળીને વળી સંઘરવી ક્યાં એવો મૂંઝવણભર્યો પ્રશ્ન સતાવી રહ્યો! અને છેવટે – ‘અચ્છેર સૂકો (તમાકુ) આલહે તો ય ઘણો!’ એવી મનોમન ગણતરી કરતા બધાય પોતપોતાનું ‘કાગળિયું’ વેચવાની પેરવી કરતા ત્યાંથી ઊઠી પડે છે! આ આખીય પરિસ્થિતિ ઘણી રીતે સંક્ષોભક છે. ગામનો દુકાનદાર, જોકે, આ કાગળિયાનું સાચું મૂલ્ય સમજતો લાગતો નથી. ‘નોટના જેવું ચિત્રામણ અને અંગ્રેજ રાજનો સિક્કો’ જોઈને જ તે આ કાગળિયું ખરીદવાનું સાહસ કરે છે, છતાં એ વ્યવહારમાં શોષણનું તત્ત્વ તો છે જ. પણ એથી યે વધુ વિષમતા તો સરકારીતંત્રની જડ રીતિનીતિમાં રહી છે. પ્રજાનો એક મોટો સમૂહ આ રીતે રંક અને દીન દશામાં જીવતો હોય એ જાતની પરિસ્થિતિ જ શાસકોની સામે ક્રૂર ઉપહાસ કરે છે તો એમ કહેવું જોઈએ. આ જાતની તીવ્ર સામાજિક સંપ્રજ્ઞતાવાળી વાર્તાઓ પન્નાલાલ પાસેથી તેમ બીજા ગુજરાતી લેખકો પાસેથી પણ આપણને ઓછી જ મળી છે. ‘બલા’ વાર્તામાં ભિન્ન ભિન્ન બે પરિસ્થિતિઓ ગૂંથી લેવામાં આવી છે. એમાં એક સ્તરે ખાતરા ભીલની કંગાલ દશા રજૂ થઈ છે. બીજા સ્તરે ખાતરાની એક સાતેક વર્ષની દીકરી કોદરીની તેની પાળેલી બિલાડી માટેની લાગણી આલેખાઈ છે. શેઠનો દેવાદાર બનેલો ખાતરો શેઠની માગણી થતાં કોદરીની જાણ બહાર તેની બિલાડી આપી દે છે. શેઠે એવો વાયદો કર્યો છે કે પોતાના અનાજના કોઠારોમાં ઉંદરોનો અંત આવશે ત્યારે તે બિલાડી પાછી આપી દેશે. આ બાજુ કોદરી તેની બિલાડી માટે જીવ બાળતી રહે છે. શેઠ પાસેથી બિલાડી પાછી મેળવવા ખાતરો ફરી ફરીને શેઠને યાચના કરે છે. ‘– પણ ખપ નહિ હોય ત્યારે જ હું તને કહીશ. લઈ જજેને મારે એ બલાને શું કરવી છે?” એવો શેઠ ઉત્તર આપતા રહે છે. અને વાર્તાનું સમાપન કરતાં પન્નાલાલ લખે છે : ‘– પણ શેઠના કોઠારમાંથી ધાન ખૂટતું નથી. ઉંદર ઓછા થતા નથી ને બિલાડી મળતી નથી.’ અહીં આ વર્ણનમાં પરિસ્થિતિની વિષમતા કરુણ રણકા સાથે તીવ્રતાથી ઊપસી આવી છે. એક આદિવાસી બાલિકાની બિલાડી માટેની લાગણીનો પ્રશ્ન, આમ તો, સાવ નગણ્ય લાગે. અને પન્નાલાલને એટલું જ બતાવવું હોત તો તો કદાચ એમાં એટલું ઊંડું રહસ્ય જોવાનો પ્રયત્ન જ નકામો બની રહેત. પણ શેઠના કોઠારોનું અખૂટ ધાન પેલા ગરીબ ખાતરાનો ક્રૂર ઉપહાસ કરી રહ્યું લાગશે. અને એ કોઠારોની જાળવણી માટે કોદરીની બિલાડી રોકી રાખવામાં આવે, એમાંય એક જાતની એબ્સર્ડિટી જ છતી થઈ જાય છે! પન્નાલાલ અહીં બિલકુલ સાહજિક રીતે જાણે કે માસ્ટર સ્ટ્રોક મારી જાય છે. ‘બાપુનો કૂતરો’ વાર્તામાં પન્નાલાલે અસ્ત થતાં રજવાડાંની એક જુદી જ તરેહની કથા કહી છે. બાપુનો અત્યંત વહાલો કૂતરો ‘સિલુ’ અહીં વાર્તાના કેન્દ્રમાં છે : ‘વાળથી ભરેલું, લાંબા લાંબા કાન, અને ટૂંકા ટૂંકા પગવાળું બરફ સરખું સફેદ’ – એવું એ પ્રાણી વિલાયતથી તેઓ પકડી લાવ્યા હતા. બાપુ પોતાના સિલુ સાથે એક ગામની મુલાકાતે આવે છે, તે પ્રસંગનું નિરૂપણ પન્નાલાલે અહીં કંઈક વ્યંગવિનોદભરી શૈલીમાં કર્યું છે. બાપુ ગામમાં આવે તે પહેલાં, તેમના અને સિલુના માનપાન અર્થે બરોબર વ્યવસ્થા કરવાને, ઉપરથી ફરમાનો છૂટ્યાં હતાં. બાપુને લઈ જીપગાડી આવી પહોંચી ત્યારે તો ખુદ બાપુ કરતાંયે સિલુ જ સૌના કુતૂહલ અને આશ્ચર્યનો વિષય બની રહ્યો! દીનદયામણી રૈયતે આવું કૌતુક અગાઉ ક્યારેય જોયું નહોતું. ત્યાં તો ગામ આખાનાં રખડુ કૂતરાંઓ ભસતાં ભસતાં બાપુના ઉતારા આગળ એકત્ર થઈ જાય છે. એ કૂતરાંઓને કાંઈ બાપુ માટે કે તેમના સિલુ માટે ક્યાં આદરમાન હતાં જે? ખરેખર તો, બાપુનો સિલુ જ તેમના હુમલાનું લક્ષ્ય બન્યો. આસપાસ ઊભેલા અધિકારીઓ, ચાકરો અને લોકોમાં હોહા થવા લાગી. પણ રખડુ કૂતરાં કંઈ હઠ્યાં નહિ. અને પછી તો ત્યાં દંગલ મચી ગયું. બાપુએ ક્રોધે ભરાઈને પોતાની બંદૂક ઉપાડી અને ક્ષણ બે ક્ષણમાં જ ગોળીઓ વર્ષાવી. ટપોટપ બેચાર કૂતરાંઓ ત્યાં જ ઢળી પડ્યાં. દરમ્યાન પેલાં રખડુઓએ બાપુના સિલુને જીવલેણ ચૂંથી કાઢ્યો હતો. અંતે સિલુ મૃત્યુ પામ્યો. તેના પર કફન તરીકે ઓઢાડવા ત્યાં આવી ચઢેલા એક ગરીબ જણની પછેડી ખૂંચવી લેવામાં આવી. બાકીનાં રખડુ કૂતરાંઓનો નાશ કરવા શેરીઓ વચ્ચે તેમને ગોંધવાનો બાપુએ આદેશ આપ્યો. પણ એ રખડુઓ તો ક્યાંક ભાગી છૂટ્યાં હતાં. બાપુએ ગામમાંથી વિદાય લીધી ત્યારે ત્યાં મસાણ જેવી ભેંકારભરી શાંતિ વ્યાપી રહી હતી. અંતનું દૃશ્ય અત્યંત મર્મવિદારક બની આવ્યું છે : ‘મુખીના ફળિયામાં પેલાં આડાં પડેલાં આઠ કૂતરાં સિવાય કોઈ જ ન હતું. કાગડાની ઊડાઊડ અને અધમૂઆંના તરફડાટ સિવાય કશું જ હલનચલન પણ નો’તું દેખાતું. હૃદય-વિદારક આર્તનાદો નીકળતા હતા. છતાંય આખા ફળિયાને કોઈક શાન્તિ જાણે ભરખી રહી હતી. આવી પહોંચેલો ગામનો ભંગી, ચલમ ફૂંકતો ફૂંકતો છેલ્લી ચીસો નાખતાં કૂતરાંના મરવાની વાટ જોતો સ્મશાનમાં ભૂત ભમે તેમ ભમી રહ્યો.’ અલબત્ત, અહીં પ્રાણીઓની કથા નિમિત્ત માત્ર છે : દેખીતો સંઘર્ષ પ્રાણીઓ વચ્ચે રજૂ થયો છે. પણ અહીં એ બધી ઘટનાઓ વચ્ચેથી માનવપરિસ્થિતિની વિષમતાનો કરુણ ધ્વનિ જ તીવ્રતાથી રણકી ઊઠે છે. સામંતશાહી યુગની જુલમી શાસનરીતિનો સંકેત એમાં પડ્યો છે. પણ પન્નાલાલ સામે તો એથીય વધુ જટિલ એવી માનવસમસ્યા છે. પેલા પછેડીવાળા જુવાનનો ભગવાન સમક્ષ આટલો એક જ પ્રશ્ન છે : ‘અરે ભગવાન બીજું બધું તો ઠીક પણ મેં શું ગુનો કર્યો હતો કે દંડમાં આ પછેડી આલવી પડી?’ એ જુવાનના વ્યથાભર્યા ઉદ્‌ગારો સૂચક છે. વ્યક્તિના શ્રેયને ક્રૂરપણે ઉવેખીને જે અંધ સત્તા અહીં કામ કરી રહી છે, તેની સામેનો ચિત્કાર એમાં સંભળાય છે. વિષમ જીવન-વ્યવસ્થા વચ્ચે અસહાયપણે રહેંસાતાભીંસાતા માનવીનો એમાં આક્રોશ છે. પન્નાલાલની વાર્તાકળાનું આ એક ઉત્તમ સર્જન છે એમ કહેવું જોઈએ. પન્નાલાલના ટૂંકી વાર્તાના સાહિત્યમાં, શહેરી સમાજના જુદા જુદા વર્ગોનાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં જીવતાં માનવીઓની કથાઓય ઠીક ઠીક મોટી સંખ્યામાં દેખાય છે. તેમની આ વિષયની વાર્તાઓમાંય તેમની નજર વિશેષતઃ પાત્રોના મનોવ્યાપારો પર ઠરેલી છે. માનવમનની અકળ ગતિવિધિઓમાં, તેની આંટીઘૂંટીઓમાં કે માનવ-પ્રકૃતિના પ્રચ્છન્ન આવિર્ભાવોમાં તેમની ઠીક ઠીક ઊંડી પહોંચ રહી છે. એ રીતે મનના આંતરિક બનાવોમાંથી કથાવસ્તુ નિપજાવી લેવાનું તેમને અહીં પણ એટલું જ ફાવ્યું છે. પણ જાનપદી વાર્તાઓ કરતાં અહીં તેમની કથનભાષાનું પોત બદલાય છે. જાનપદી વાર્તાઓમાં લોકબોલીના રૂઢ પ્રયોગો, કહેવતો અને લહેકાઓ આદિ તત્ત્વોનો સબળ વિનિયોગ રહ્યો છે, અને પાત્રના મનોનિરૂપણમાં તેથી વિશેષ રીતની ચોટ અને અસરકારકતા સિદ્ધ થયાં છે. શહેરી જીવનની કથાઓમાં શિક્ષિત વર્ગને પરિચિત પણ શિષ્ટ સ્વરૂપની ભાષા જોડે કામ પાડવાનું આવ્યું છે, અને એમાંય જોકે અનેક સંદર્ભે અભિવ્યક્તિની સૂક્ષ્મતા અને વ્યંજકતા સિદ્ધ થયાં છે. તો પણ ‘વાત્રકને કાંઠે’, ‘સાચી ગજિયાણીનું કાપડું’, ‘ધરતી આભનાં છેટાં’, ‘કંકુ’ કે ‘સાચાં સમણાં’ જેવી જાનપદી કથાઓની કથનરીતિની શક્તિ તેમાં આવી છે કે કેમ એ વિચારણીય રહે છે. વળી જાનપદી વાર્તાઓમાં અનાયાસ, લીલયા જ, પરિવેશ રચી દેવાની જે અનોખી શક્તિ તેમણે દાખવી છે, તે આ નગરજીવનના આલેખનમાં એટલા પ્રમાણમાં જોવા મળતી નથી. છતાં આવી કેટલીક રચનાઓ માનવમનના સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણને કારણે પણ નોંધપાત્ર બની શકી છે. પન્નાલાલે શિક્ષિત સમાજનાં પાત્રો લઈને રચેલી વાર્તાઓમાં ‘રંગ વાતો’ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. માનવમનનાં સૂક્ષ્મ સંચલનો પકડવાની તેમની કોઠાસૂઝ અહીં ઘણું પ્રભાવક પરિણામ લાવી શકી છે. એનો મુખ્ય કથાતંતુ આ જાતનો છે. રંગપુરના ભારતીય કન્યાઆશ્રમના આચાર્યે એ સંસ્થામાં રહીને ભણતી બેત્રણ કન્યાઓ જોડે વ્યભિચારી સંબંધ બાંધ્યો છે, એવા બહાર આવેલા આક્ષેપોની જાતતપાસ કરવાને મુંબઈના એક યુવાન સેવાભાવી કાર્યકર અને સાપ્તાહિકના તંત્રી કીકુભાઈ એ જ આશ્રમની બીજી એક વિદ્યાર્થિની રંજના સાથે નીકળ્યા છે. નમતી સંધ્યાએ બંને સ્ટેશને ઊતર્યાં ત્યારે તેમને જાણવા મળ્યું કે રંગપુર પહોંચવાને બીજી સવાર સુધી કોઈ સાધન મળે એમ નથી, એટલે આવી અણધારી પરિસ્થિતિમાં અહીં ક્યાંક વીશી – લોજમાં રાત ગાળવાનું વિચારે છે. ઘોડાગાડીવાળો જ જાણે કે તેમનો રસ્તો કાઢે છે. ત્યાંની એક વીશીમાં બંનેને લઈ જાય છે. ઘોડાગાડીમાં સ્થાન લેતાં જ કીકુભાઈ પોતે પરપુરુષ હોવાની સભાનતા જાગતી કંઈક સંકોચ અનુભવે છે અને વળી પોતાને વિશેનો એ સંકોચ ખંખેરીય નાખે છે. પણ, હકીકતમાં, બંનેય અજ્ઞાત સ્તરે પરસ્પર વિશે સૂક્ષ્મ પ્રતિભાવ ઝીલવા લાગે છે. તરુણ તેજસ્વી અને સંસ્કારી લાગતી રંજના પોતાને વિશે શું ધારશે એવી સભાનતાથી તે સ્વસ્થપણે વર્તવા મથે છે. પણ આજની સાંજે આખી પરિસ્થિતિ જ તેમની સામે જાણે કે કાવતરું રચી બેઠી છે! તેઓ જે વીશીમાં આશરો લે છે, તેનું વાતાવરણ દેખીતી રીતે, કીકુભાઈને અસ્વસ્થ કરી મૂકે છે. વીશીમાં સામાન મુકાવડાવી બંને નજીકના વગડાઉ બગીચામાં લટાર મારવા નીકળે છે ત્યાં બંને એકબીજાની શારીરિક ઉપસ્થિતિ વિશે સભાન બની રહે છે. શિયાળાની સાંજની ગુલાબી ઠંડીમાં કીકુભાઈ રંજનાની કાયાને સંકોડાતી જોઈ એકદમ સહાયભૂત થવા જાય છે તેમાં રંજના માટેની તેમની અજ્ઞાતપણે વધતી જતી આસક્તિ જોઈ શકાશે. પછી તો અહીંના શાંત એકાંતભર્યા વાતાવરણમાં વિહરતાં બંને અણજાણપણે જ. એકબીજાના અંગત જીવનમાં ઊતરી પડે છે. રંગભરી વાતોમાં બંનેનું મન બહેકવા માંડે છે. ખબર પણ ન પડે એ રીતે પરસ્પરનાં માનમર્યાદાનું આવરણ તૂટી પડે છે. રંજના કીકુભાઈના બ્રહ્મચર્યવ્રતની મજાક ઉડાવવા લાગે છે. કીકુભાઈ પણ રંજનાની અપરિણીત દશાના ખ્યાલમાં જકડાય છે. ઘડીભર પોતાના સ્થાન ને માનમોભા વિશે કીકુભાઈ સભાન બને છે, કંઈક ગંભીર ભાવે પોતાની જાતને રોકવા મથે છે, પણ તેમની એ જાતની જાગૃતિ રંજનાએ સર્જેલા માદક વાતાવરણમાં તરત જ લુપ્ત થઈ જાય છે. કીકુભાઈ જાણે કે આ આખી અસ્વસ્થ કરનારી પરિસ્થિતિમાંથી બહાર નીકળી આવવા મથતા હોય તેમ વાતોનો દોર બદલવા જાય, અને અણધારી રીતે જ પેલા આચાર્યના વ્યભિચારનો, તેના પુરાવાઓનો, મુદ્દો છેડે છે – જોકે અજ્ઞાતપણે તેમનું મન એવા કામાચારના મુદ્દાની ઓથે રંજનાને એવા જાતીય જીવનના વહેણમાં ખેંચવા ઝંખી રહ્યું હોય એમ પણ જણાશે – અને એ ઉલ્લેખ સાથે જ આચાર્યના નિર્લજ્જ વ્યવહારના ફોટાઓમાં રંજનાનું મન જકડાઈ જાય છે. આશ્રમની કન્યાઓ જોડે વ્યભિચારી વર્તનમાં રાચતા આચાર્યની તેણે ચોરીછૂપીથી છબી લીધી હતી, અને આ ક્ષણે જાણે એ આખુંય દૃશ્ય તેના મનની સામે તગતગી રહે છે. અને સંભવતઃ રંજનાની મનોવૃત્તિય ઊંડે ઊંડે આવા જાતીય સહચારની લિપ્સા કેળવી રહે છે. રંજનાનું શીલ એ રીતે શિથિલ બને છે, પોતાની જાત પરનો કાબૂ સરકવા લાગે છે. વીશીમાં પાછાં ફરતાં કીકુભાઈને અહીંના વિલાસી અને સ્વચ્છંદી વાતાવરણની પૂરી ખાતરી થઈ જાય છે. અજ્ઞાત ભયથી તેમનું મન જકડાઈ જાય છે. જમ્યા પછી કમરાના એકાંતમાં વાતે વળગવા જાય છે ત્યાં એ એકાંત જ બંનેને અસ્વસ્થ કરી મૂકે છે. કમરામાં સિંગલ અને ડબલ કોટની ગોઠવણી વળી કીકુભાઈના મનને ભારે પજવણી કરે છે. બંનેયની વૃત્તિઓ જાણે કે ચકચૂર બની છે. રંજના તો સાનભાન ભૂલવા આવી છે. કન્યાઓ સાથેની કામક્રીડામાં રત આચાર્યની કઢંગી દશાની છબીઓ જોઈ તે પછી તેનું મન અને તેનો દેહ, અંગેઅંગ, અણુએ અણુ અંદરના આવેગમાં વિહ્‌વળ બન્યું છે. પુરુષના પ્રગાઢ આશ્લેષમાં સમાવા તેનું સમગ્ર અસ્તિત્વ જાણે કે તલસી રહ્યું છે. અસહાય દશામાં તે સ્વિચ ઑફ કરે છે ત્યાં તો કમરાના અંધારાનો તેને ભય લાગે છે. કીકુભાઈ સ્વયં અંધારું બનીને વીંટાઈ વળતા હોય એવો ભાસ થાય છે. ક્ષણ બે ક્ષણ તો તેને પગરવ સંભળાય છે. પણ આવી કારમી ક્ષણે તે વમળમાંથી બહાર નીકળી આવે છે. સ્ખલનની ક્ષણમાંથી તે માંડ બચી ગઈ હોય છે. તરત જ તે વીશીમાંથી ચાલી જાય છે. વાર્તાના સંવિધાનમાં મૂળથી કરુણ કટાક્ષની યોજના છે. બીજાંઓનાં વ્યભિચારી કૃત્યો ખુલ્લાં પાડવા નીકળેલાં – અને એ રીતે આખા સમાજને રાષ્ટ્રને અનીતિમાંથી ઉગારવા નીકળેલાં – આ આદર્શઘેલાં યુવકયુવતી પોતે જ અણધારી રીતે જાતીય સ્ખલનની ગર્તા સુધી ધકેલાઈ જાય, એમાં જ માનવઅસ્તિત્વનું કરુણ રહસ્ય છતું થઈ જાય છે. કીકુભાઈ અને રંજના, બંનેયના જીવનની, એ કારમી પળ સુધીની માનસિક ઘટનાઓ ક્ષણેક્ષણના આઘાત પ્રત્યાઘાત સાથે પન્નાલાલે અજબ કુશળતાથી આલેખી છે. વાતાવરણની તેમ બાહ્ય સંજોગોની એકેએક વિગત અહીં ઉદ્દીપનવિભાવ લેખે દક્ષતાથી ખપમાં લેવાઈ છે. એ સાંજે વીશીમાં બની ગયેલા બનાવથી સાવ અણજાણ એવો ઘોડાગાડીવાળો ‘– હું તો હોટેલનું પૂછતાં’તાં ત્યારથી જાણતો’તો કે ‘રંગપુર’ ને ‘મોટર’ એ બધી રંગવાતો છે!’ – એમ બબડી ઊઠે છે, ત્યારે તેના એ શબ્દો વાર્તાની સમગ્ર ઘટનામાં જુદી જ રીતે નાટ્યાત્મક વક્રતા છતી કરે છે. તો, અંતમાં, એકલા પડેલા કીકુભાઈ પણ કંઈક આવું જ વિચારતા રહી જાય છે. ત્યાં વળી એ સાંજની ઘટનાને નવો જ ધ્વનિ પ્રાપ્ત થાય છે. ‘રંગ વાતો’ શીર્ષક એ રીતે વધુ વ્યંજનાસમૃદ્ધ બને છે. ‘મનહર’નું કથાનક સ્નેહલગ્નથી જોડાયેલાં તરુણતરુણીના જીવનની એક રસિક ગૂંચ રજૂ કરે છે. કૉલેજમાં અભ્યાસ કરતાં મંજુ અને મનોહર પ્રથમ પ્રેમના તાંતણે બંધાયાં ત્યારે એ મુગ્ધ આત્માઓ ન્હાનાલાલનાં જયા-જયંતની જેમ કોઈ ભાવનાલોકમાં વિચરતાં હતાં. ‘મને નથી લાગતું કે આપણે ફક્ત વિષયવાસનાની તૃપ્તિ અર્થે જ જોડાઈ રહ્યાં છીએ?’—એ શબ્દો લગ્ન પહેલાં મંજુએ મનહરને કહ્યા હતા. એટલે લગ્નની સોહાગરાતે મંજુના એ શબ્દોને ચુસ્તપણે વળગી રહીને મનહરે અલગ પથારી કરી હતી. અને પછીય એ ક્રમ ચાલતો રહ્યો. મંજુને તો લગ્ન સાથે જ દાંપત્યસુખની પ્રબળ ઇચ્છા જાગી હતી. પણ સોહાગરાતે જ તેને નિરાશ થવું પડ્યું. મનમાં ને મનમાં તે રિબાતી રહી. તેના ચહેરા પર ઊપસતી દુઃખની રેખાઓ જોઈ મનહર વળી એમ વ્યથિત થઈ ઊઠતો કે મંજુ શ્રીમંત ઘરમાં ઊછરી હોવાથી અહીં તેને અગવડો સાલતી હશે. તેને સુખી જોવા તે અવનવી ચીજો વસાવતો જ ગયો. જોકે મંજુના ચહેરા પર, બલકે તેની આંખોમાં જાતીય સહચારનું ઇજન તે કેટલીક વાર વાંચી શકતો. છતાંય પોતાનો ખ્યાલ ખોટોય હોય એમ માની તે અળગો ને અળગો જ રહ્યો. અંતે એક ચાંદનીભરી રાતે અગાશીમાં મંજુએ રુસણાં લીધાં અને અબુધ મનહર તેને રીઝવવા મથ્યો, ત્યાં અંદરથી સમસમી રહેલી મંજુએ તેને જોરથી લપડાક લગાવી ત્યારે એકાએક જ મનહરની આંખ ખૂલી ગઈ. લાગણીઓની પ્રચંડ ભીંસમાં પછી તો મહિનાઓના વિજોગ શમી ગયા. ભાવનાની ઘેલછામાં તરુણ દંપતી કેવી રીતે દુઃખમાં ધકેલાયું તેનું પન્નાલાલે કંઈક રમૂજભર્યું અને મર્માળું આલેખન કર્યું છે. મન, મોતી ને કાચ, ભાગ્યા પછી ફરી કદીય સંધાય નહિ, એ વિચારનું કલાત્મક રૂપ તેમની ‘વાતવાતમાં’ નામની વાર્તામાં મળે છે. વસંત અને સુરબાળાએ સ્નેહલગ્ન કરેલું. શ્રીમંત ઘરની સુરબાળાએ ખૂબ સાદગી અને કરકસરથી તેમ નિષ્ઠા અને જવાબદારીથી ઘર ચલાવ્યું. મિત્રો અતિથિઓ જોગવ્યા. વસંતને ખબર ન પડે તે રીતે તેણે મહેનતમજૂરીય કરી. પોતાની મર્યાદિત આવક છતાં સુરબાળા ઘરને સરસ રીતે જોગવી રહી છે. એ વિશે ક્વચિત્‌ વસંતને સુખદ્‌ આશ્ચર્ય થયું હતું. એવામાં વસંતના મિત્રે તેને સ્ટેશન પર મોપાસાંની એક વાર્તા સહજ નિર્દોષ ભાવે કહી. (એમાં પેલા ગરીબ શિક્ષકની પત્ની વ્યભિચાર કરીને ઘરનો વૈભવ પોષતી હતી, એવો સંદર્ભ હતો.) વસંતને એકાએક એમ લાગ્યું કે મિત્રે એ વાર્તા પોતાને ચેતવણીરૂપે જ કહી છે. પોતાની પત્નીય એવા જ વ્યભિચાર દ્વારા ઘર ચલાવી રહી હશે. એમ તેનું નિર્બળ મન વિચારી રહ્યું. કહો કે તેના મનમાં સંદિગ્ધપણે જન્મેલી શંકાને એથી પોષણ મળ્યું. એકાએક જ તેણે સુરબાળા પાસેથી હિસાબ માગ્યો. અને તરત જ એ કુલીન બાઈએ રોજેરોજનો ચોખ્ખો હિસાબ તેને ગણી બતાવ્યો. સુરબાળા જ સાચી નીવડી. વસંતને તેના પર વહેમ લાવવા માટે ખૂબ પસ્તાવો થયો. પણ અવિશ્વાસના આઘાતથી સુરબાળાનું મન તો હંમેશ માટે નંદવાઈ ચૂક્યું હતું! પન્નાલાલે બંનેય પાત્રોનાં માનસિક સંચલનોનું, પરસ્પરની ક્રિયા-પ્રતિક્રિયાઓનું, સુરેખ અને માર્મિક નિરૂપણ કર્યું છે. ‘નાદાન છોકરી’ની વાર્તા વળી એક જુદી જ માનસશાસ્ત્રીય ગૂંચની આસપાસ ગૂંથાઈ છે. સ્વતંત્ર મિજાજની શીલા જાહેર જીવનમાં સક્રિય ભાગ લઈ રહી હતી. કુમારિકા અવસ્થામાં અણધાર્યા સંજોગોમાં તે જાતીય સ્ખલનમાં સપડાઈ અને સગર્ભા બની ત્યારે તેને પોતાની તેજસ્વી કારકિર્દીનો એકાએક કરુણ અંત આવી જતો લાગ્યો. એવી અત્યંત નાજુક કટોકટીની પળોમાં સાચે જ અલગારી સ્વભાવના યુવાન કાર્યકર અલગારીએ તેને છૂપા ગર્ભપાતના કૃત્યમાં સહાય કરી અને કલંકમાંથી ઉગારી લીધી. પછીથી શીલાનું શ્યામ જોડેનું લગ્ન પણ અલગારીએ કેવળ નિસ્પૃહી વૃત્તિથી ગોઠવી આપ્યું. પણ લગ્નજીવનના આરંભ પછી શીલાના અજ્ઞાત મનમાં અલગારી પ્રત્યે ગ્રંથિ બંધાતી રહી. લગ્ન પૂર્વેના પોતાના જીવનમાં બનેલી ગર્ભપાતની ઘટનાનો તે સાક્ષી હતો. પોતાના કલંકનું રહસ્ય તે છુપાવી બેઠો હતો અને કોઈ પણ ક્ષણે પોતાનું પાપ તે ખુલ્લું કરી શકતો હતો. એટલે અલગારીનું નિર્દોષ વર્તન પણ પોતાને દબાવવા થતું હોય એમ તેને લાગવા માંડ્યું. અલગારી માટે તેને નફરત બંધાઈ ગઈ. તેની ઉપસ્થિતિ માત્ર અસહ્ય થઈ પડી. શ્યામને અલગારીના ઉદાર નિસ્પૃહી જીવનની ઊંડી પ્રતીતિ હતી. એટલે શીલાનું અલગારી પ્રત્યેનું વલણ તે કળી શક્યો નહિ. બલકે શીલાના વર્તનથી ત્રાસી ગયો; એટલે, સ્વાભાવિક, રીતે જ શીલા પ્રત્યેનું તેનું વર્તન બદલાયું. ત્યારે તો શીલાની ભયગ્રંથિ ઘણી બળવાન બની રહી. અંતે શીલાનું મન દુષ્ટ વિચારમાં જકડાયું. લાગ જોઈને તેણે અલગારીને ચાના કપમાં ઝેર ભેળવી આપ્યું. પણ દૈવયોગે અલગારીને ઝાઝી અસર થઈ નહિ. બીજી બાજુ અપરાધબોધથી પીડાતી શીલા પોતે જ મૂર્ચ્છિત થઈને ફસડાઈ પડી. ઉદાર દિલના અલગારીએ તેને ક્ષમા આપી કરીથી ઉગારી લીધી. શ્યામ, શીલા અને અલગારી એ ત્રણેય પાત્રોનું પન્નાલાલે સ્વચ્છ સુરેખ નિરૂપણ કર્યું છે. શીલાની માનસગ્રંથિનું નિરૂપણ તેમની ઊંડી કોઠાસૂઝ બતાવે છે. ટૂંકી વાર્તાઓ માટે, આમ તો, પન્નાલાલે આરંભથી જ શહેરી જીવનની સામગ્રી ખપમાં લીધી હતી. આરંભની ઘણીખરી વાર્તાઓમાં પ્રણય લગ્નગૂંચ કે એવા વૈયક્તિક પ્રશ્નો રજૂ કરવાનું તેમનું વલણ રહ્યું છે. પણ છઠ્ઠા-સાતમા દાયકાની વાર્તાઓમાં સ્વાતંત્ર્યોત્તર સમાજ, રાજકારણ, આંદોલનો, પ્રવૃત્તિઓ આદિનું તેમ બદલાતી પરિસ્થિતિઓનું ચિત્ર આલેખવાના પ્રયત્નો તેમણે કર્યા દેખાય છે. ‘ચીતરેલી દીવાલો’, ‘મોરલીનાં મૂંગા સૂર’, ‘માળો’, ‘કોઈ દેશી કોઈ પરદેશી’, ‘બિન્ની’ અને ‘છણકો’ જેવા સંગ્રહોની વાર્તાઓમાં આ જાતનું વલણ સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલીક વાર તો લેખક વર્તમાન પરિસ્થિતિ કે પ્રશ્નો વિશે ટીકાટિપ્પણી કરીને કથામાં સીધા સંડોવાયા ય જણાય છે. કોઈ પણ રસપ્રદ બનાવ કે કિસ્સાને વાર્તારૂપે મૂકવાનો આગ્રહ વધતો રહ્યો છે. કથનશૈલી પર પણ સરસ હાથ બેસી ગયો છે. પણ આરંભકાળની વાર્તાઓની તાજગી, પ્રાણશક્તિ ને ગહરાઈ હવે ઓછી વાર જોવા મળે છે. ‘ચીતરેલી દીવાલો’, ‘ઊંધી પૂતળી’, ‘ઉત્તરાર્ધ’, ‘છેલ્લો પ્રવેશ’, ‘પગચંપી’, ‘અધૂરી યાત્રા’, ‘રોટલો’ અને ‘કૂકડીનું ઈંડું’ જેવી કેટલીક વાર્તાઓમાં મૂળ પન્નાલાલીય મિજાજનું દર્શન થાય છે ખરું, પણ તેમનો સર્જકસ્રોત જાણે આછરી રહ્યો છે એવી એક લાગણી આ બધી પાછળની વાર્તાઓ એકસાથે વાંચતાં રહી જાય છે.