પરકીયા/મિલન
સુરેશ જોષી
રસ્તા બધા ઢંકાયલા છે બરફથી
છાપરાંઓની ઉપર પણ બરફ જામ્યો છે થોકથોક;
લંબાવવાને પગ જરા હું નીકળું છું બહાર –
જોઉં તને, ઊભી અઢેલી દ્વાર.
એકલી, શરીરે લપેટી કોટ ઊનનો
માથું ઉઘાડું, નગ્ન ચરણો;
મોંમહીં મમળાવતી તું કણ બરફના
ને મથે છે સ્વસ્થ થાવા.
વૃક્ષો અને સૌ વાડ –
આંધળી દૂરતા મહીં ના રે કશો આભાસ.
હિમવર્ષામાં અટૂલી
તું પણે ખૂણે ઊભી.
રૂમાલથી નીતર્યા કરે પાણી,
બાંયમાં જાતું સરી,
ઝાકળ સમું ઊઠતું ઝગી
તુજ કેશમાં.
લટ એક ઉજ્જ્વળ કેશની
અજવાળી દે
મુખ, આકૃતિ તારી,
રૂમાલ, ગંદો કોટ ઊનનો.
પાંપણો પર હિમકણી,
આંખો મહીં છે વેદના –
તેજાબમાં બોળેલ છીણી
મારા ઉરે રે કોતરે તારી છબિ –
મુખ પર છવાઈ દીનતા
હૈયામહીં અંકાઈ રહેશે રે સદા;
ને હવે આ વિશ્વના પાષાણ શા હૈયા વિશે
સાવ છું હું બેતમા.
તેથી તો આ બરફછાઈ રાત થાય બમણી,
તારી ને મારી વચ્ચે
દોરી ન શકું ભેદરેખા.
પણ આપણે તે કોણ? ને આવ્યા ક્યાંથી આપણે?
જે વીત્યાં વર્ષો બધાં
વાતો વિના રે શું બચ્યું છે આખરે?
ને આપણું આ વિશ્વમાં ના સ્થાન ક્યાંયે શું અરે?