પૂર્વાલાપ/૩૩. મિત્રને આમંત્રણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૩. મિત્રને આમંત્રણ


તપની શાને, મૂરખ! તાપે સુકલ ઘાસમાં રે!
ગુરુબાની ગંભીર સરોવર શીતલ પાસમાં રે!

સ્નેહી છે માટે સમજાવું :
નહિ આ જડ પાણીનું ન્હાવું :
જ્ઞાનસ્વરનું ગાવું આતમ વાસમાં રે!

દોલત ને કીરત બે મીઠી,
ઝરણી તેં માયાની દીઠી;
મોહાધીન પડયો તું વ્યર્થ પ્રવાસમાં રે!

જ્ઞાન સમી શાંતિ ના તેમાં :
ભોળા રે! ભરમાયો શેમાં?
શું બેઠો દૃગ ખોઈ અવિદ્યાધ્યાસમાં રે!

ચાલ, સખે! હાવાં તો સાથે :
બોલાવ્યા બંનેને નાથે!
હેતે ગ્રહશે હાથે નિર્મલ હાસમાં રે!