પૂર્વાલાપ/૭૦. પરિષત્સત્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૦. પરિષત્સત્કાર


[ઝૂલણા ગીત]

નવલ યુગનો દીસે સૂર્ય આજે ઉદિત,
હિંદ સંતાન ઉલ્લસિત ફરતાં :
બાલ વીરો અને પ્રૌઢ વીરો સહિત,
વીરા માતા તણાં વૃંદ સરતાં!

આદરો સંઘનું કાર્ય ઉછરંગમાં,
આર્યસંસારનું સુખ વધારો :
પૂજીએ પરિષદે પુનિત પગલાં અમે,
બંધુઓ ને બહેનો, પધારો!

પરિષદો છે પુરાણી પ્રથા આપણી,
નવલ આનંદ શો આજ રેલે!
સર્વનાં નયનમણિ દીપ્તિમય ભાસતાં,
હૃદયના રંગ શા રાસ ખેલે!

કેળવો દેશમાં દિવ્ય શિશુવાટિકા,
સજ્જનો! પ્રથમ નિજ ઘર સુધારો!
પૂજીએ પરિષદે પુનિત પગલાં અમે,
બંધુઓ ને બહેનો, પધારો!