પ્રથમ સ્નાન/ગાઢ આશ્લેષ છૂટ્યા બાદ
Jump to navigation
Jump to search
ગાઢ આશ્લેષ છૂટ્યા બાદ
ખુલ્લી બારી વચ્ચેના અવકાશમહીં કૈં ફરક્યું.
એક વર્તુલે જકડાયેલાં પતંગિયાંઓ બન્ને,
ચાદર પરની ભાત મહીંથી છૂટ્યાં,
પલંગ નીચે પગરખાંની છૂટી છૂટી જોડો માંહે પેઠાં
આ સસ્તી પરશાળ
બની ગૈ, વિશાળ, ભરચક, એવી
એની હર્રાજી ના કરશું તોયે તે અણમૂલ
ટેબલ પરની સ્ક્વોશ તણી ખાલી બોટલ પર,
ચડી ચડીને મિષ્ટ મિષ્ટતા કીડી શોધે
પણ રે’વા દો
શેરી કેરી ચાદરને ખંખેરી નાખો
ને તરત ટપોટપ
વીજળી કેરા તાર ઉપર લટકેલાં ચામાચીડિયાં
થંભા, મકાન, મેડી, વળાંક નાના-મોટા,
સઘળું મરડાઈ મચડાઈ
તૂટી જાશે
આભમહીં આજે બે ધ્રુવના તારા.
બંને ડોલ્યા.
પહેલાં ડોલ્યાં, હવે કશું ના.
હવે કશું નૈ.
શેરી કેરી ચાદરને ખંખેરી નાખો.