બહુરંગી/‘આશ્વાસન’ તો નહીં, પણ...!!!

‘આશ્વાસન’ તો નહીં, પણ...!!!

ભારતી સોની

આજે તો કલમ-મંચની બેઠકમાં હરખની હેલી ચડી હતી. બધી બહેનો દેખાતી હતી. મેં બેઠક લેતાં કહ્યું, ‘આજે શું વાત છે? કલમને મોટો ઍવોર્ડ મળવાનો છે કે શું?’ ‘હા, એક નામાંકિત સંસ્થાએ આપણી કલમની બહેનોને નવલિકા હરીફાઈમાં લખવા માટે આમંત્રણ આપ્યું છે. પહેલું ઇનામ અઢી હજારનો પુરસ્કાર છે. આમાં ત્રણ ઇનામો છે, આશ્વાસન ઇનામ પણ છે.’ અઢી હજાર સાંભળી બહેનો અડધી ઊંચી થઈ ગઈ! સૂત્રધારે ઇનામની જાહેરાત કરતાં જ હું મનમાં જ બોલી, ‘અમારી બહેનોને અશ્વાસન નહીં, પણ નંબર જોઈએ, કલમની બહેનો લખવામાં પાછી પડે એવી નથી.’ દિનાબહેનનું મોં મલકતું હતું, જાણે મીઠાઈનો થાળ આવી ગયો. તેમને દિમાગમાં સતત વાર્તાનું વાતાવરણ રમતું હોય. નવલિકા લખીને આઠ દિવસમાં રવાના કરવાની હતી. દિનાબહેન બોલ્યાં, “ભારતીબહેન, તમે વાર્તા લખવાનું શરૂ કરી દેજો. દિવસો થોડા છે. હું તો આજે રાત્રે જ નવલિકા લખવાનું શરૂ કરી દઈશ.” કલમ-મંચમાં પ્રતિભાબહેન મને પરાણે પોચે ચડાવતાં બોલ્યાં, “ભારતીબહેન લખવા માંડજો. નંબર તો તમારો આવવો જોઈએ..." મેં તો મણનો નિઃસાસો નાખ્યો. ‘અરે....રે .... હાસ્યકથા લખવાની સ્પર્ધા રાખી હોત તો. મારો નંબર નહીં, તોપણ આશ્વાસન ઇનામ તો મને જરૂર મળે. એમાંય રાજી! નવલકથા લખવાના મંડાણ કરું ત્યાં નવલિકા થઈ જાય ને નવલિકામાંથી લઘુકથા, એ સાવ...ના...ની... અત્યારે કેટલીય લેખિકાઓ લખવાના મેદાન મારી રહી છે. એમાંય મારો નંબર તો ન જ આવે... આશ્વાસનનો હાથ ફેરો પણ મારા વાંસામાં ન ફેરવે!’ જિજ્ઞાબહેન જોશમાં બોલ્યાં : ‘ભારતીબહેન, હારી ન જવાય, લડ્યા પહેલાં. આ તો સ્પર્ધાનું મેદાન છે.’ હું શબ્દ સાથે યુદ્ધ કરવા લાગી - કાગળ અને કલમ લઈને. હાર-જીતનો દોર... તો કોના હાથમાં છે તે ન કહેવાય. બધાંએ છાની રીતે હસી લીધું. પણ મારે લખવું ક્યાં? એકેય અલાયદો રૂમ નથી. મારા ઘરમાં રૂમો તો આગગાડીના ડબ્બાની જેમ સીધા છે. રાત્રે લખવા બેસું, લાઇટો ચાલે તો ‘એ’ લાઇટો બંધ કરી નાંખે. દીકરીના રૂમમાં બેસું તો કહેશે ‘રસોડામાં બેસ. મારે સૂઈ જવું છે.’ ને રસોડામાં બેસું ત્યાં તો ‘એ’ વારંવાર પાણી પીવાને બહાને ડોકાં મારે. હજુ કલમ પકડું ત્યાં તો ‘શબ્દોની ચોપાટ ચપટ થઈ જાય.’ હેમાબહેન દુઃખી દુઃખી થઈ ગયાં. બોલ્યાં, ‘સ્ટોરરૂમમાં લખોને. તમે તો કવિતા અને ગઝલ પણ લખો છો. નવલિકા લખો. તમે નવલિકા લખી છે કોઈ વાર?’ હા, ઘણા મહિના પહેલાં લખી હતી નવલિકા તે એક મૅગેઝિનમાં મોકલી હતી. છપાઈ હતી. ને મને શુકનના અગિયાર રૂપિયાનો મનીઑર્ડર કર્યો હતો. સાથે લખ્યું હતું, અમે નવા મૅગેઝિનનું મુહૂર્ત કર્યું છે, એટલે તમને નિરાશ કર્યાં નથી. નવા મૅગેઝિનમાં નવા લેખકો લેવા પડે છે, હવે તસ્દી ન લેશો.’ મને તો એવો આઘાત લાગ્યો કે મૅગેઝિન બરાબર પૅક કરીને સંતાડી દીધું. પણ અગિયાર રૂપિયા ઘણા વહાલા લાગ્યા, જાણે આઘાતના ઘા ઉપર મલમ! નવલિકા લખવાનું બંધ. હાસ્યકથા લખ્યું રાખું છું. સ્ટોર કરતી જાઉં છું. નવલિકાનું સાભાર પરતનું દુઃખ હાસ્યકથામાં વેરતી જાઉં છું, પણ મારે લખવું ક્યાં? મારા માટે જગ્યા જ નથી ઘરમાં. ‘ભારતીબહેન, એકાંત ગોતી કાઢો.’ મારું દુઃખ હેમાબહેનથી જોવાયું નહીં. કલમની બહેનો પ્રોત્સાહિત કરવામાં પાછી પડે એમ નથી, એટલે તો બધાંની કલમ સડસડાટ ચાલે છે. લખો, લખ્યું રાખો. ભલે ‘સાભાર પરત’નું પોટલું થાય. હું માંદા સ્વરે બોલી, ‘હા, કલમ, કાગળ લઈને એસ.જી. હાઈવેના જંગલમાં બેસી જાઉં તો લખાય. પણ જંગલમાં બીક લાગે. બીકમાં ને બીકમાં શું લખવું તે સૂઝે નહીં. ઘરમાં ન લખી શકવાનું દુઃખ, પણ દુઃખમાંથી તો ઘણું લખી શકી છું. (સાભાર પરત).’ બહેનો મધુર મધુર હસી લે છે ને હું! હસી શકતી નથી. ‘તો બપોરે તમારે ટાઇમ હોય છે ને તો મંડી પડો લખવા.’ કપુબહેને લખવા માટે આંગળી ચીંધી... લાગણી છે ને! હું બોલી, ‘હા એ ફાવે, પ...ણ....’ મારે સવારની રસોઈમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હોય. વધેલી રસોઈ હોય તેને મિક્સરમાં કચ્ચરઘાણ કરી, તેલ-ઘી રેડારેડ કરી નવી વાનગી બનાવ્યે રાખું. પછી ગાયને ધરી દઉં! કારણ મને જ આ નવી ઊપજ ભાવે નહીં. અનોખી જ આઇટમ બને! આ નવીન વાનગી જોઈ ગાય પણ મોં ફેરવી લે! ગાયને પણ ખબર પડી જાય, વેસ્ટમાંથી બેસ્ટ છે, છતાં હિંમત હારતી નથી, અખતરા કર્યે રાખું છું. દીકરી બૂમો પાડે, મમ્મી રહેવા દે, મોંઘાં ઘી-તેલ ના બગાડ. આખી બપોર મારે વેસ્ટ જ જાય. પણ મારે નવલિકા લખવી જ છે. એમાં હિંમત રાખી નંબર લાવવો જ.’ કપુબહેન મારી એકોક્તિ સાંભળીને સજ્જડ થઈ ગયાં! ઘેર જઈને નક્કી કરી લીધું કે હવે નવલિકા લખવી જ. કટકે કટકે લખીશ, પણ લખવી ખરી. બધું કામ પતાવી દીધું. મારી ચિંતા તો દિવસે ન વધે તેટલી રાત્રે વધવા લાગી... વજન ઘટતું જતું હતું. મેં નવી શોધ કરી. ચિંતા એ મોટી મારી ડાયેટ છે. મારી સોનેરી સલાહ – ‘વજન ઉતારવાની ચિંતા કરીને વજન ઉતારો.’ મારી પૂ...રી... ગૅરંટી! આપણો દેશ પણ ચિંતાપ્રધાન દેશ છે ને! રાત્રે રસોડામાં બેઠી. શું લખવું? યાદ જ ન આવે. કયો વિષય લેવો? મૂઠી ભરીને બદામ ખાધી પણ બદામે પણ અસર ન કરી. લખવા માટે બદામ મોંઘી પડે! ના.. ના લખાવવા માટેની કલમનું પ્રોત્સાહન પૂરતું જ છે. ઊંઘે તેનો ખોળો ફેલાવ્યો. ચા પીધી. ચાએ અસર ન કરી. આવું તો પહેલી વાર થયું કે ચાએ જાગવા માટે નશો ન ચડાવ્યો હોય! નવલિકાનો પહેલો ફકરો વિચાર્યો, પણ મુદ્દા મળે નહીં. વચ્ચેની વાર્તા રિસાઈ. વચ્ચેની વાર્તા પછી પણ અંતમાં શું લખવું? ચમત્કારી ફકરો શોધી કાઢ્યો. પણ, વચ્ચેનું શું? આમ ને આમ બે વાગ્યા. મારી આજુબાજુ ભૂતકાળની અધકચરી નવલિકા, રડતી હાસ્યકથાઓ મારી હાંસી ઉડાવતી હસી રહી હતી ને ગઝલ ગાંગરતી હતી ધીરે ધીરે! હાઈકુના હોશ ઊડી ગયા હતા. મને થયું મારી મોંઘી મહેનત, વર્ષોની આકરી તપવાનું આ ફળ? મને શરમ આવી, મેં ભૂમિશયન કર્યું. આમ ને આમ બીજા બે દિવસ વહી ગયા. દિનાબહેને ફોન કર્યો, ‘ભારતીબહેન, ક્યાં સુધી પહોંચી તમારી નવલિકા? મારે તો લખાઈ ગઈ! તમે લખી નાંખો. હવે થોડા દિવસ છે. તમારો નંબર આવવો જોઈએ.’ મેં શોકાતુર શબ્દોમાં જવાબ આપ્યો, ‘મારો તો શેમાંય નંબર નથી આવતો! હું તો નંબર વગરની છું, તોય પ્રયત્નો ચાલુ છે. હારેલો યોદ્ધો બમણું રમે એવી સ્થિતિ છે મારી, ચાલો ત્યારે મૂકું.’ હવે તો હું શુભ ચોઘડિયામાં શરૂઆત કરીશ. પણ મને એમ ખબર ન પડી કે હું નવલિકામાં નંબર લાવવા માટે કે નવલિકા કેમ લખવી તેની મહેનત કરું રામ જાણે? આ નવલિકા સ્પર્ધાએ ઊંઘ હરામ કરી નાંખી. ઊંઘ જ ન આવે? વગર ચાએ. નવલિકા લખવી ખરી ભલે નંબર ન આવે. મારે તો આશ્વાસન પણ પૂરતું છે! નંબર ન આવે તો મને બધાં આશ્વાસન તો જરૂર આપશે, કહેશે એમ હારી ન જવાય, લખો. વધુ લખો. આશ્વાસનથી તો આગળ અવાય. રવિવારની રજા હતી. વહેલી ઊઠી ગઈ, લખવાની લાયમાં! રવિવાર સારો વાર છે, બધું કામ પતાવીને પતિને કહ્યું, ‘આજે તમારે રજા છે, તો ખીચડી વઘારી નાંખજો ને.’ પતિ ભડક્યા, ‘કેમ અત્યારે ક્યાં જવાનું છે? કલમ કે પરિષદમાં કે વાનગી હરીફાઈમાં કે જમવા?’ હું પૂરી નરમાશથી બોલી (પતિ પાસે કામ કઢાવવા માટે) : ‘હા, મારે નવલિકા સ્પર્ધામાં ભાગ લેવાનો છે. બે-ત્રણ દિવસ બાકી છે. મારે રસોઈમાંથી રજા જોઈએ.’ પતિ બોલ્યા, ‘મારે રવિવારે આરામ હોય ત્યારે તને સૂઝે છે. રોજ બપોરે ઊંઘી જાવ છો તો લખી નાખતી હોય તો?’ રસોઈ તો બરાબર થતી નથી ને વાર્તા લખવા જઈ રહ્યાં છો!’ હું બોલી, ‘આજનો દિવસ. અમે સ્ત્રીઓ તો ઘર પણ ચલાવીએ, કમાઈએ પણ ખરી...’ બોલતી અટકી ગઈ. થયું પાછા સાવ નહીં કરે. તેમને માખણ ચોપડવું જ પડશે. ‘વાર્તામાં નંબર લાવીશ જ. ને નંબર આવશે તો બધાંને કહીશ કે પતિના પ્રોત્સાહનના કારણે આવી.’ પતિ તો ફુલાયા. કામ થઈ ગયું. પતિનાં વખાણ (ખોટા) કો ને આગળ આવો. દીકરી પણ પપ્પાના રસોડાના સંગ્રામમાં જોડાઈ. હું રૂમમાં મારી વહાલી સામગ્રી લઈને બેઠી. બધી જૂની સાભાર-પરત, નવલિકા, કવિતા, હાસ્યકથાઓની ફાઈલો કાઢી. આ બધું જોઈને થયું આટલું બધું સરસ લખ્યું તો પણ ‘સા..ભા....ર....પ...ર....ત...’. રડવા જેવી થઈ ગઈ. હવે તો નક્કી કર્યું. હવે સાભાર પરત તો નહીં જ. કાગળ લીધો, કેટલીય પેનો લીધી. આમ ને આમ બાર વાગ્યા. પતિ થાળી વગાડીને બોલ્યા, ‘મેરી સપનોં કી રાની કબ આયેગી તૂ?’ મેં કહ્યું, ‘આ શું બનાવ્યું છે? નવી વાનગી બનાવી છે કે શું?’ પતિ જોશમાં આવી કહે, ‘આ તો ઊંધિયું, ભાખરા છે, સાથે ચટણી ચટાકેદાર!’ હું જમવા બેઠી. એક શાકનું ઊંધિયું? ને ભાખરા ચોકઠામાં ચોંટી ગયા. ઊંધિયું ગળે ઊતર્યું નહીં. બધું બહાર મૂકી આવી, છાનીમાની. નહીંતર બીજી વાર કરે નહીં, પતિ તો જમતા જાય ને પરાણે વખાણ કરતા જાય! બધું કામ પત્યું. વાર્તાના વિચારમાં જ સાંજ પડી ગઈ. વાર્તામાંના નિયમો પાછા અઘરા આપ્યા છે, પણ કેવી વાર્તા લખવી? પતિએ બાળકોને લઈને બહાર જવાનું રાખ્યું. જાહેર રજા! બધાં બહાર છે. રૂમમાં ગઈ. ચશ્માં લીધાં. બરાબર લૂછ્યાં. પાછા બધા કાગળ લીધા. કલમના કામણ કરેલા! કાગળો, પેનો બધી સા...ભાર પરતનું આણું પાથર્યું. હું વચ્ચે બેઠી. આના કરતાં હાસ્યકથાની સ્પર્ધા રાખી હોત તો સારું હોત. ઘણી લખેલી પડી છે, જે રડી રહી છે. (સાભાર પરત) હાસ્યકથા વાંચીને હસી લઉં છું. (મને ટોનિક મળે છે શરીરનું.) મને મહેનતનું ફળ ક્યારે મળશે? મારે તો ધીરજનાં ફળ મીઠાં થયાં જ નથી. હવે મૂરત કરું. હે ગણપતિ બાપા, સરસ્વતી મા મારી કલમમાં વસો અને સડસડાટ ચલાવજો નિર્વિઘ્ને! કોરો કાગળ લીધો : ‘શ્રી’ લખ્યું. પ્રણામ કર્યાં. ગોળની ગાંગડી ખાધી. કોરો કાગળ ને પેન લીધાં. લખવાની બરાબરની ચટપટી ઊપડી. ભૂતકાળની નવલિકાઓ મારી સામે કરુણાથી જોઈ રહી ને જાણે કહી રહી હતી. કે અમને પણ એક તક આપો! વિચાર કર્યો. કંઈક સૂઝ્યું. કલમથી કાગળ પર લખવા માંડી. મંડી પડી. લખવાનું ઝનૂન ચડ્યું! ત્યાં તો બહારથી બધાં આવ્યાં. મને જોઈ દીકરો બોલ્યો, ‘શું મંડી પડી છે લખવા? તારી હાલત જો!’ પતિ હસતા બોલ્યા, ‘તેને નવલિકાનું ભૂત વળગ્યું છે. કાગળ-કલમ લઈને ઊંધું ઘાલીને ધૂણે રાખે છે બે-ત્રણ દિવસથી. ભૂત ક્યારે ઊતરશે?’ મેં કહ્યું, ક્યારેય નહીં, હવે તો વધારે ધૂણશે!’ દીકરો ચા ને ગાંઠિયા લઈ આવ્યો, ‘મમ્મી, ખાઈ લે. લખવાની તાકાત આવે.’ (ચાલોટો ભરીને) રૂમ બંધ કરતાં બોલી, ‘કોઈએ રૂમ ખખડાવવો નહીં, આજે મારે કટોકટીનો દિવસ છે કલમનો ધ્યાનભંગ ન કરાવશો.’ મારા દીકરાએ અટ્ટહાસ્ય કર્યું, બોલ્યો, ‘મમ્મી, તું આટલી મહેનત કરે છે વર્ષોથી છતાંય સા...ભા....ર... કેટલીય લેખિકાઓનાં નામ આવે છે પણ તારું ક્યાંય નામ વાંચવામાં આવતું નથી. રહેવા દે ને આ લખવાના ધમપછાડા! અમેય કંટાળી ગયા ને તું રૂમ રોકી રાખે છે!’ મને ખૂબ લાગી આવ્યું ને શરમ પણ આવી. પણ હવે બતાવી દઉં કે હું લેખિકા બની શકું છું ને નંબર પણ... રૂમ બંધ કર્યો. પેન લીધી કાગળ ભરાવા લાગ્યા. ચાર-પાંચ કાગળ ભરાયા. નવલિકા પૂરી કરી, સરસ શીર્ષક આપ્યું. મારો હરખ માતો નથી. નવલિકામાં જાણે ‘કભી ખુશી, કભી ગમ’ ભરી દીધાં. વાર્તા વાંચી. છતાં વખાણવા જેવી લાગી નહીં. પાછા ફેરફાર કર્યાં. હજી શું ખૂટે છે? ચા પીધી. હવે તો નિર્ણાયક જ ફેરફાર કરવાનું કહેશે! વિચારતાં રાતના એક વાગ્યો. બે વાગ્યા. હવે બધે જાણે બધું ઊંઘમાં થતું હોય એમ લાગ્યું. આ નવલિકા જ ઉત્તમ છે. હવે પૅક કરી દઉં. કવર લેવા ઊભી થઈ. ખુલ્લી બારીમાંથી જોરદાર પવન આવ્યો. કાગળો બધા એક થવા લાગ્યા, જૂના ને નવા બધાએ સંપ કર્યો હોય તેમ! એક બાજુ ઊંઘ હુમલો કર્યા કરે આંખ ઉપર! ને મગજ ઉપર નવલિકા. આંખ ઊઘડે ને બંધ થાય! ચાર-પાંચ કાગળ ભેગા કર્યા. ચશ્માં વગર, વંચાયું પણ નહીં. લાલ અક્ષરે મારું નામ લખ્યું. કાગળને પીન મારી. કવરમાં મૂક્યા. હવે કવર ખોલવું નથી. નહીંતર પાછો ફેરફાર! બધું ઠેકાણે મૂકી લાઇટ બંધ કરી. સૂવાની જગ્યા જડે નહીં. સોફામાં જ સૂઈ ગઈ. રંગીન સ્વપ્નો ચાલુ થઈ ગયાં. હું તો આંખ બંધ કરી જોતી જ રહી. હૉલમાં પરિણામ જાહેર થવાનું છે. કેટલીય સંસ્થાની બહેનો, ભાગ લીધેલ બહેનો, મહેમાનોથી, ‘કલમ’ની બહેનોથી ભરચક છે. થોડું પ્રવચન – થોડી સાહિત્યચર્ચા. સ્પર્ધાનું પરિણામ જાહેર થયું. ભારતીબહેન પ્રથમ નંબરે! અરે વાહ! આ તો ધીરજનાં ફળ મીઠાં થયાં! બધાં અભિનંદનની વર્ષા કરવા લાગ્યાં. (વાદળ વગરના) તાળીઓ બંધ થતી નથી. હું બોલવા ઊભી થઈ. ધડામ્! સોફા ઉપરથી. બધાં જાગી ગયાં. બોલી ઊઠ્યાં, ‘આ તો લખવા માટે અમારું લોહી પી ગઈ. અમને સૂવા પણ દેતી નથી.’ પણ આ તો સ્વપ્ન હતું. સવારના પાંચ વાગ્યા હતા. સવારનાં સપનાં સાચાં પડે છે. મેં નવલિકા રવાના કરી શુભ ચોઘડિયામાં... ઘણા દિવસો વહી ગયા. આજે સાંજે પરિણામ જાહેર થવાનું હતું. હું સરસ તૈયાર થઈ. ભલે ઉંમર થઈ ગઈ. સુંદર સાડી પહેરી. હોઠે લાલી લગાવી. ઢગલાબંધ બંગડીઓ પહેરી! દહીં લીધું. દીકરો બોલ્યો, ‘મમ્મી બેસ્ટ લક.’ સરસ્વતીજીને પ્રણામ કર્યાં. ગાયના શુકન થાય તો સારું. ઝાંપા બહાર નીકળતાં ગાય પાછી જતી રહી. પણ આ તો અંધશ્રદ્ધા કહેવાય! હું હૉલ ઉપર પહોંચી. બધી બહેનો ખુશ હતી. મહેમાનો-નિર્ણાયકો આવી ગયા હતા. સ્વાગત, પ્રવચન, નવલિકા સ્પર્ધાનું પરિણામ જાહેર. બધી બહેનો સજ્જડબંબ! બધાંને એમ જ હતું કે મારો જ નંબર આવશે. મારી નવલિકા ઉત્તમ છે. પહેલા નંબરની જાહેરાત થઈ, બીજો, હું તો સાવ સૂનમૂન! ત્રીજામાં પણ નહીં! હજુ આશ્વાસન બાકી છે ને! આશા કરતી ગઈ, એમાંય રાજી. પણ એમાંય નહીં. રડાય તો નહીં જ. આટલા દિવસોની મહેનત, ખાધા-પીધા વગરની મંડી પડી હતી. નંબર લેનાર બહેનો ખુશ હતી. મને થોડી ઈર્ષ્યા આવી. એમાંય નહીં! ચૂપચાપ નીચું મોં રાખી બેસી રહી. નિર્ણાયકગણ કંઈક વિશિષ્ટ ચર્ચા કરી રહ્યા હતા. દસ મિનિટ પછી નિર્ણાયકગણે જાહેર કર્યું કે, ‘અમે એક સ્પેશિયલ વિજેતા જાહેર કરીએ છીએ. કારણ આ લખાણ અમને ખૂબ પસંદ આવ્યું છે. બધાંને ગમ્યું છે. તે છે હાસ્યકથા. અમને આ હાસ્યકથા હાથમાં આવતાં નવાઈ લાગી. નવલિકામાં હાસ્યકથા કેવી રીતે આવી? કદાચ ભૂલમાં આવી ગઈ હશે. અમે વાંચી. અમને ખૂબ હસાવ્યા છે. અમને પુરસ્કૃત કરવાનું મન થઈ ગયું છે. તે બહેનને અભિનંદન. તે છે ભારતીબહેન.’ મેં તો માથું ઊંચું કરીને જોયું. તાળીઓના ગડગડાટ... બધાં ખૂબ ખુશ થયાં. આ કેવી રીતે બન્યું? તે રાત્રે પવન ખૂબ હતો. પવનના કારણે કાગળો.... ઊંઘમાં જ સીલ થઈ ગયેલા. બધાંએ અભિનંદનની વર્ષા વરસાવી મનની વાદળીથી. છતાં વિચારતી જ રહી : આ હાસ્યકથાના કાગળો કેવી રીતે પૅક થયા? એય ચશ્માં વગર! કલમ પણ કમાલ કરે છે. મને નિરાશ તો ન જ થવા દીધી! મારી ‘કલમ’ તો ચમત્કાર કરતી જ રહે છે!

ભારતી સોની
‘કલમ-૫’માંથી