બારી બહાર/૨૯. અમે અંધારું શણગાર્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. અમે અંધારું શણગાર્યું

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠયું;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું!
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાં યે વ્રત થાતાં :
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને યે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…