બે હજાર ચોવીસ સમક્ષ/કબુ કબુ આ જા(બાળવાર્તા) –હસમુખ બોરાણિયા
બાળવાર્તા
નટવર પટેલ
સીધા બોધ વગરની ટચૂકડી વાર્તાઓ
મૂળ અમરેલીના પરંતુ હાલ અમદાવાદમાં રહેતા નિવૃત્ત શિક્ષક હસમુખ બોરાણિયાનું બાળવાર્તાનું પ્રથમ પુસ્તક ‘ચકલીનો માળો’. એને બાલસાહિત્ય અકાદમીનું અને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ સોની પારિતોષિક પ્રાપ્ત થયેલાં. ‘કબુ, કબુ, આજા, આજા!’ એમનો બીજો બાળવાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાંની ૨૬ વાર્તાઓમાંથી મોટા ભાગની દોઢ-બે પાનાં જેવડી નાનકડી છતાં રસપ્રદ છે. વાર્તા ૮થી ૧૫ અને ૧૭માં બાળપાત્ર રીષિકા વાર્તા કહે છે. ને તેના અંત ભાગમાં દાદીમા પ્રશ્ન પૂછે છે : ‘પછી શું થયું?’ અને રીષિકા જે ઉત્તર આપે એમાં જ વાર્તાની ચમત્કૃતિનાં દર્શન થાય ને વાર્તા પણ પૂરી થાય! અહીં બાળભોગ્ય ભાષા છે; વાક્યો ટૂંકો, સરળ અને ભાવવાહી છે. આ વાર્તાઓનાં પાત્રો સવિશેષે પશુ-પંખી છે. વળી એમાં ક્યાંક પ્રાણીપ્રેમ, પંખીપ્રેમ, પર્યાવરણ- જાગૃતિ, સ્વચ્છતા, પાણીબચાવ વગેરે વિષયો પરની વાર્તાઓ રસાળ વાર્તા બની રહે છે. ક્યાંય પ્રત્યક્ષ બોધ નથી ને છતાં અશક્ત-ભૂખ્યાંને ભોજન આપવું, મિત્રને મદદ કરવી, ગરીબ પ્રત્યે દયાભાવ રાખવો, પરોપકારની ભાવના સેવવી વગેરે શીખવા જેવા સદ્ગુણોનો ધ્વનિ સંભળાય છે. તો વળી ક્યાંક બાળકોને નિર્દોષ આનંદ આપી મોજ કરાવે એવી વાર્તાઓ (વાર્તા ૧૯, ૨૫, ૨૬) પણ અહીં છે. ફાસ્ટફુડ રોજેરોજ ખાઈએ (જોકે તે ક્યારેય ન ખવાય) તો તબિયત બગડે – એવો સંદેશ ‘ચકીબહેનની ખીચડી’માંથી મળે છે. બહુ અભિમાન સારું નહિ, – એવી ગાંઠે બાંધવા જેવી શીખ સહજ રીતે ‘ફ૨કડીનું અભિમાન’ વાર્તા વાંચ્યા પછી સમજાય. ગરોળી, વંદો, કૂતરાથી ડરતાં બાળકોના ડરને વડીલો કઈ રીતે ભગાડી શકે તે ‘બંદા બહાદુર’ વાર્તા શીખવી જાય છે. તો ‘મીઠું મીઠું... ગળ્યુંગળ્યું...!’માં દાદા પૌત્રને ચોકલેટ કરતાં ગોળ ખાવો સારો એ સહજ રીતે શીખવે છે. આ તમામ વાર્તાઓ સીધી નિશાનને તાકે છે. લેખક બિનજરૂરી પિષ્ટપેષણમાં પડ્યા જ નથી. દરેક વાર્તા શિક્ષણ-વિષયક કે જીવન-વિષયક કોઈ ને કોઈ બાબતને સ્પર્શે છે. તેમ છતાં આમાંની કેટલીક વાર્તાઓ હજી વધુ સારી બનાવી શકાઈ હોત. રીષિકાએ કહેલી નવેક વાર્તાઓમાં દરેકમાં પ્રથમ ફકરો સરખો જ રહે એ સ્વાભાવિક છે. દાદી પાસે એકઠાં થયેલ બાળકોને રીષિકા વાર્તા સંભળાવે છે. લેખકે આ એક નવી ટેક્નિક અપનાવી છે. પરંતુ અહીં કેટલીક વાર્તાઓ તર્કસંગત જણાતી નથી. મોટા ભાગની વાર્તાઓ ઘરની આસપાસ જ ગૂંથાયેલી છે. એ બધું કંઈ દાદીમાથી અજાણ્યું ન હોય. તો દરેક વાર્તાને અંતે દાદીનો રૂઢ પ્રશ્ન ‘પછી શું થયું?’ કેટલે અંશે તર્કસંગત કહી શકાય? જેમકે ‘ટેડી અને વાંદરાની વાર્તા’માં વાંદરો ફરી ન આવે તે માટે લોખંડની જાળી નખાવી દીધી છે. દાદીનો પ્રશ્ન ‘હવે વાંદરા ઘરમાં કેમ નથી આવતા?’માં દાદીનો પ્રશ્ન અને રીષિકાનો ઉત્તર – ‘અમે જાળી નખાવી દીધી છે એટલે...’ સુસંગત નથી. એવું અન્ય વાર્તાઓ વિશે પણ કહી શકાય. આ વાર્તાઓનો રીષિકા શાળામાં રિસેસમાં તેની બહેનપણીઓને કહેતી હોય એમ ગોઠવીએ તો આવી શંકાઓ ન જન્મે. ‘પોપટની સંભાળ’ વાર્તામાં રીષિકાનો ઉત્તર જોડકણાં સાથેનો ઘણો લાંબો છે, જે જામતો નથી. વાર્તાક્રમાંક ૧૫, ૧૬ને ૧૭ રીષિકા વગર પણ કહી શકાય એવું વિષયવસ્તુ ધરાવતી વાર્તાઓ છે. અહીં કેટલીક વાર્તાઓ સાથે ચિત્રો મૂક્યાં નથી. દરેક વાર્તામાં એકાદ ચિત્ર હોય તે બાળકના વિસ્મય માટેે જરૂરી ગણાય. અહીં ક્યાંક આલંકારિક અને હાસ્યપ્રચુર વાક્યો વાચકનું ધ્યાન ખેંચે એવાં છે, જેમ કે – – કચરાપેટીની આસપાસ થયો ઢગલો! જાણે પેટીએ પહેર્યો ગંદો ડગલો! (વાર્તા-૭) – બળદ માથું હલાવે તો ચકલીને હીંચકા જેવું લાગે. (વાર્તા-૨૨) – એક હતો પહાડ ઊંચો ઊંચો. જાણે આકાશે આંબે એવડો ઊંચો! (વાર્તા-૨૫) – માજી જમે ને ઓડકાર મને આવે! (વાર્તા-૧૩) વાર્તા-૧૬ ‘ચી..ચીં ચકલી!’માં જોડકણાં જોવા મળે છે, એવું અન્ય વાર્તામાં પણ ક્યાંક મૂક્યાં હોત તો? કવિકર્મ પણ બાળવાર્તાની શોભા વધારે છે. તો ‘ઘર લેસન’ (પૃ. ૬)ને બદલે ‘ગૃહકાર્ય’ કે ફક્ત ‘લેસન’ શબ્દ પણ ચાલત. બાલમંદિરના વર્ગમાં બાળક ટીચરને બહુ લાં...બો જવાબ (પૃ. ૨૪) આપતાં ડરે, જ્યારે અહીં ઉત્તર લાંબો છે, આજનાં બાળકોને ‘આકડે મધ ને માખી વગરનું’ (પૃ. ૪૧) અને ‘કારી ફાવી નહિ (પૃ. ૪૧) – જેવાં કહેવત-રૂઢિપ્રયોગ સમજાશે ખરાં? વાપરીએ જરૂર પણ અહીં સંવાદ-પ્રયુક્તિ કે અન્ય ટેક્નિક દ્વારા અર્થ સ્પષ્ટ કરીએ તો? ‘વૃક્ષોને નવજીવન’ (વાર્તા-૨૦)માં વર્ણનો લાંબાં હોવાથી નાની વાર્તાય ભારેખમ થઈ ગઈ છે. એનું શીર્ષક પણ નિબંધ જેવું લાગે છે. ‘ચકલીનો બચાવ’ વાર્તામાં અંતે છેલ્લાં બે વાક્યો જરૂરી નથી લાગતાં. તો વળી, ઊડણખટોલના માપ ને કદ પ્રમાણે (વાર્તા ૨૫) એમાં સસલું, કોયલ, કૂતરો, કાગડો, મોર વગેરે તો બેસી શકે, પરંતુ સિંહ અને હાથી એમાં કઈ રીતે સમાઈ શકે? એ માટે લેખકે નવી પ્રયુક્તિ વિચારવી પડે. ‘વાંદરા સાથે દોસ્તી’ વાર્તામાં રાજ અને વાંદરા વચ્ચે ‘બોલી અને પૂંછડીની આપલે થાય છે. અહીં ‘બોલી’ શબ્દ યોગ્ય નથી, ત્યાં ‘વાચા’ શબ્દ જોઈએ. રાજ પોતાની બોલવાની શક્તિ ‘વાચા’ વાંદરાને આપે છે, જેથી વાંદરો માણસ જેવું બોલી શકે છે. હસમુખભાઈ પાસેથી ભવિષ્યમાં હજી વધુ વાર્તાઓ મળતી રહેવાની છે એટલે તેમની પાસેથી વધુ અપેક્ષા રહે છે.
[વિક્રેતા ગૂર્જર, અમદાવાદ]