બે હજાર ચોવીસ સમક્ષ/પ્રેમપદારથ – કિશોર જિકાદરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કવિતા

‘પ્રેમપદારથ’ : કિશોર જિકાદરા

ચૈતાલી ઠક્કર

પ્રેમપદારથની ગઝલો

‘રહે છે ડર મને, કાલે ગઝલ કરમાઈ જાશે તો!
નથી અશઆરમાં એવી નજાકત લાવવી મારે.’
(પૃ. ૧૦૧)

સાંપ્રત ગુજરાતી ગઝલકારોમાં કિશોર જિકાદરા થોડો નોખો અવાજ છે. પ્રસ્તુત ગઝલસંગ્રહના ઉપર્યુક્ત શેરમાં એમનો મિજાજ વરતાઈ આવે છે. છે તો પ્રેમની વાત, પરંતુ નજાકત અને કરમાવાની વાત અનાયાસપણે ગઝલમાં ફૂલ જેવી કોમળતા અને લાલિત્યને ઇંગિત તો કરે છે, પણ કવિ આયાસપૂર્વક દૂર રહેવા ઇચ્છે છે આ નજાકતથી, ને વળી કારણ પણ એમાં જ બતાવી આપે છે. આમ તો સાંપ્રત ગુજરાતી સાહિત્યિક લેખનના પ્રવાહમાં જેનો ફાલ અવિરત ઊતર્યા કરે છે તે ગઝલલેખન અને બાદમાં તેનું પુસ્તકપ્રકાશન એ બંને ગઝલસર્જકને ગઝલકાર સ્થાપિત કરતું બાહ્ય પાસું ગણાયું હોય, પણ ખરો આનંદ તો તે તે સર્જનપ્રક્રિયા અને તેમાંથી નીપજતા શેર કે સમગ્ર ગઝલને આસ્વાદતાં જ મળે. વર્તમાન સમયમાં પ્રેમ જેવા ઊંડા અને ઉચ્ચ ભાવને વ્યક્ત કરતી ગઝલોમાં સપાટી પરની વાત કે ઉઘાડો શૃંગાર કે પછી મુખરતા સવિશેષ જોવા મળે છે; ત્યારે ‘પ્રેમપદારથ’ ગઝલસંગ્રહમાં પ્રમાણમાં સંયતપણે પ્રેમ કે તેની આસપાસના ભાવો ચિત્રિત થયા છે. ૨૦૦૧થી જેમણે ગઝલક્ષેત્રે કલમ ચલાવી છે તેવા સર્જક પાસેથી આ અગાઉ ચાર ગઝલસંગ્રહો મળ્યા છે. પ્રસ્તુત ગઝલસંગ્રહમાં એકસો ને એક ગઝલો છે. ગઝલસંગ્રહના શીર્ષક પરથી કહી શકાય કે પ્રેમવિષયક ગઝલો અહીં કેન્દ્રસ્થાને છે. ‘પ્રેમ’નો ભાવ સામાન્ય રીતે મોટાભાગના સર્જકોને માટે સદૈવ પ્રિય વિષય રહ્યો છે. ‘પદારથ’ શબ્દથી એક લોકબોલીનો સંસ્પર્શ અહીં પછી ગઝલોમાં પણ જળવાયો છે. મોટાભાગની ગઝલો ભાવક સાથે, પ્રિયજન સાથે, કહેવાતા હિતેચ્છુઓ સાથે સંવાદરૂપે જાણે સેતુ રચતી હોય તે રીતે લખાઈ છે. આરંભે જ કહે છે,

‘છેવટ તમને સમજાયું છે, એનો પણ
સંતોષ ઘણો છે,
પ્રેમપદારથ શું છે એ કૈં સૌને ન સમજાય,
ખરું ને?’
(પૃ. ૪)

પ્રથમ તો અહીં પ્રેમપદારથ સમજાયાની વાત જ થોડી તાત્ત્વિક છે. પ્રેમ સમજાય છે કે પછી અનુભવાય છે? કે બંને ક્રિયાઓ થાય છે? શું બંને શક્ય છે? સર્જકને એ વાતનો સંતોષ છે કે પ્રેમ સમજાયો તો છે. પુસ્તકમાંથી પસાર થતાં જણાય છે કે અહીં પ્રેમના વિવિધ સ્તરની વાત થઈ છે અને આ સ્તરોમાં સમાવિષ્ટ છે – જે પ્રેમ પામી નથી શકાયો, જે પ્રેમ સફળ નથી થયો, પ્રેમમાં છળનો અનુભવ, જે પ્રેમ શૃંગારરૂપ ધારણ કરતાં વિચ્છેદાયો છે, પ્રેમનો છદ્મવેશ, એકપક્ષીય પ્રેમની કે એમાંય સ્વીકારની કે અસ્વીકારની, પરિપૂર્ણ થવાની ઇચ્છાવાળો પ્રેમ અપૂર્ણ રહેતા જીવનની ફિલસૂફી તરફ વળી-ઢળી જતી ગઝલો અહીં જોવા મળે છે. એકમાત્ર પ્રેમરૂપી પદાર્થ જ નથી મળ્યો, જે ભાવ અભાવ સરજી દે છે એ જ કદાચ શીર્ષક બન્યાનું કારણ હોઈ શકે. અહીં પ્રણયના કોમળ ભાવો આગવી રીતે રજૂ થયા છે. જેમાં પ્રણયનું આલેખન એક અધૂરી આશ તરીકે તો ક્યાંક એકપક્ષીય પ્રેમના ભાવને વ્યક્ત કરે છે. સખીને સંબોધતાં કહે છે,

‘ઓ સખી, મારા ખભે માથું મૂકીને રડ નહીં,
સાવ કાચા ઘર ઉપર વરસાદ થઈને પડ નહીં.’
(પૃ. ૭૦)
‘આગોતરું કહ્યું’તું, ના હેળવો તમે બહુ,
કબજાનો પ્રશ્ન થયો ને! હૈયું હળ્યા પછીથી.’
(પૃ. ૭૩)

પ્રણયસુખ અને તેમાં પણ એક આછી કસક છે. તો હૈયાના હળવા વિશે વાત કરતા સર્જક પ્રણયમાં ‘હું’ના ઓગળવાની વાત કરી ભાવિમાં એકત્વની આશ વ્યક્ત કરે છે. ચિત્તમાં કેડી પડ્યાના કારણ માટે પ્રિયજનની યાદને જવાબદાર ઠેરવવી એ તો ભાવની મૃદુતાને બખૂબી વ્યક્ત કરે છે. જીવનમાં કોઈ કરુણતા તો છે જ, સાથે પ્રિયજનને આંખોમાં સમાવવા અંગેનો એક શેર જોઈએ,

‘શરૂમાં લાગશે થોડું અજાણ્યું આંસુઓને કારણે,
થશે તમને પછીથી ઘરસમો અહેસાસ
મારી આંખમાં (પૃ. ૨)

પ્રિય આંખમાં સમાયા પછી આંસુઓનું સ્થાન તો છે જ, કદાચ પ્રિય આંખમાં જ સમાઈ શકે છે એ જ કસક હોઈ શકે. આંસુની વાત થોડી જુદી તરાહે આગળ આવે છે. પ્રણયમાં – સંબંધોમાં દુઃખનું આવવું સહજ છે, પણ આંસુઓનું આ નિમિત્તે વહી શકવું એ પણ કવિને મન એક સાહ્યબી છે, ત્યારે કવિ આ ભાવોને આ રીતે વ્યક્ત કરે છે,

‘આંખમાં કાજળ હવેથી આંજવાની ટેવ પાડો,
આંસુઓની સાયબી નાહક કદી નજરાઈ જાશે.’
(પૃ. ૨૫)

સૂક્ષ્મ ભાવસ્પંદન બખૂબી અહીં ઝિલાયેલું જોઈ શકાય છે. આંખમાં કાજળથી શૃંગારની ચેષ્ટા તો વ્યક્ત થઈ જ થઈ પણ નજરાવવાની વાત એક ચોક્કસ સામાજિક પરિવેશને રજૂ કરે છે. આ સિવાય પણ કેટલીક રચનાઓ આ જ પરિવેશ નિમિત્તે કોઈ સૂક્ષ્મ ભાવને રજૂ કરી જાય છે. ‘પંડમાં આવવાની વાત’ હોય કે અન્ય કોઈ ઉલ્લેખ ગ્રામ-પરિવેશને પ્રતિબિંબિત કરતું જણાય છે. સાથેસાથે પૌરાણિક પાત્રોના સંદર્ભો જુદાજુદા સ્થાને ગઝલના લેખનમાં પ્રયોજાય છે. જેના ઉદાહરણો જોઈએ,

‘તમે વિશ્વાસની વીંટી સિફતથી સેરવીને,
કર્યું છે પાપ જળમાં ઝાંઝવાઓ ભેળવીને.’
(પૃ. ૫૩)
‘નથી કીધી અમે હઠ બહુ વરસથી ચંદ્રમાની,
હવે આદત પડી ગૈ જોઈને રાજી થવાની.’
(પૃ. ૨૬)

અહીં બંને શેરમાં શકુંતલા અને રામના સંદર્ભ આવે છે. બંને શેરનો વિષય પરસ્પર નોખો છે. ભિન્ન ગઝલના આ શેર રચનારીતિની દૃષ્ટિએ જુદા તરી આવે છે. આવા કેટલાક ચયન કરેલા શેર વિશે વિસ્તારથી વાત કરી શકાય. મોટેભાગે ગઝલસંગ્રહમાં મુસલસલ ગઝલની સરખામણીએ ગેરમુસલસલ ગઝલ વિશેષ જોવા મળે છે. જેમાં વિષયવૈવિધ્ય ધરાવતા કે સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતા શેર ધ્યાનપાત્ર છે. જીવનના દુઃખોને, કઠિન પરિસ્થિતિને સ્વીકારી લેતા શેર અહીં છે, તો વળી ‘સુખને કહેજો રાતી જાજમ પાથરવાનું બંધ કર્યું છે’ – એવી કેટલીક પંક્તિમાં રહેલો મિજાજ સ્થાનેસ્થાને આ સંગ્રહમાં જોવા મળે છે. ઈશ્વરને બાનમાં લેતા હોય તેમ આંતરિક કરુણરસની વેધકતામાંથી વિષાદમાં લઈ જાય છે,

‘જરા નોખો પડું છું શિવ કરતાં એક મુદ્દે હું,
નથી મેં કંઠમાં રાખ્યું, હળાહળ મેં પચાવ્યું છે.’
(પૃ. ૮૦)

જાત સાથે સંવાદ, જાતને જ શિખામણ, હિતેચ્છુઓ સાથેનો સંવાદ માર્મિક રીતે ગઝલના વિષય તરીકે આવે છે. વક્રવચન ગઝલ નિમિત્તે જીવનના કટુ અનુભવોને લીધે કહેવાઈ ગયા છે. દુઃખના સ્વીકારની અને સુખના અભાવને વ્યક્ત કરવાની રીતિ કાબિલે દાદ છે :

‘નથી તૈયાર થાતું ખ્વાબમાં પણ આવવા એ,
બતાવે છે મને સુખ નિત નવાં કેવાં બહાનાં?’
(પૃ. ૮૧)

‘કામ કર્યું છે એક તમે આ અર્થ વગરનું,
પાછું લઈ લો જીવન આ દુઃખદર્દ વગરનું.’
(પૃ. ૩૭)

સુખના સરનામાની બાદબાકીનો વ્યંગ્યાત્મક સ્વીકાર તો સાથે ક્યાંક સુખની તીવ્ર ઇચ્છા પણ વ્યક્ત થાય છે અને એટલે જ સુખનો ટુકડો ચાલાકીથી તડવીને લાવવાની વાત એક શેરમાં થઈ છે; પરંતુ આખરે તો વિષમ પરિસ્થિતિને – દુઃખને સ્વીકારવાનું જ વલણ જોઈ શકાય છે. આ ઉપરાંત જીવનમાં થયેલ છળ વિશે, તે દ્વારા થયેલ આઘાતો વિશે પણ ગઝલો રચાઈ છે. ‘મીઠું પણ ભભરાવી જજો’, ‘ધ્રુવને હટાવવામાં’ મુસલસલ ગઝલની સાથોસાથ વ્યંગને રજૂ કરે છે. ખુદની નાદાની કે નરી નિખાલસતા કેવી તો કનડી છે! અને ક્યાંક સત્તા કે રાજકારણ પર પણ ગોપિત કટાક્ષ વર્ણવાયો છે. જિંદગીના અઘરા સવાલો માટે તેને થોડી દયા રાખવાનું પણ એકાદ શેરમાં સર્જક કહી ઊઠે છે. આ સ્વભાવ જ નડ્યો છે કે જેને કારણે દગાનું ભોગ બનવાનું આવ્યું છે ને એ પણ કહેવાતા સ્વજનો પાસેથી અને એટલે જ કરુણ અહીં ઘેરો બન્યો છે,

‘ઝાંખોપાંખો યાદ રહ્યો છે
તેમ છતાં પણ એમ કરો ને,
પીઠ અને ખંજરનો કિસ્સો
પાછો યાદ કરાવી જાજો.’ (પૃ. ૭)

આટલું પૂરતું ન હોય તેમ વારેવારે સંબંધોમાં છળને લીધે આવતી ક્ષીણતા – બે ઝાટકા વચ્ચે સમયનો ગાળો રાખવાનું કહેતો શેર વ્રણને ઉઘાડો કરી મૂકે છે શૃંગારનાં નિરૂપણો કેટલેક સ્થાને મુખર થઈને આવતાં હોવાને કારણે સપાટી પરનાં જણાય છે, તો એ ‘નથી જોતા તમે’ કે એવી અન્ય કેટલીક રચનાઓમાં બહુ ઊંચાઈએથી આરંભાયેલી વાત સાવ નિમ્નસ્તરે ઊતરી જતી જણાય છે. કેટલાક શબ્દોની પસંદગીનું ધોરણ સચવાયું હોત તો સહૃદય ભાવકને એ શબ્દો કઠત નહીં. આવા શબ્દો શેરને નબળો પાડી નાખનાર બન્યાં છે. જેમ કે, ‘ભાંડવાનો’, ‘ઘઘલાવશું’, ‘મસ્ત’, ‘ટાંટિયો’ વગેરે. થઈ, લઈ, ગઈ, જઈ વગેરે સૌરાષ્ટ્રી બોલીના સ્પર્શે પામેલ શબ્દ તરીકે જુદી રીતે ઉચ્ચારણની – બોલીની ભૂમિકાએ રચાયાં છે. ‘વૃથા સંકોચ ન કરશો’, ‘તું ચિંતા ન કર’, ‘જરા કઠિન છું’ જેવી લાંબી રદીફની સામે ‘છે’ ‘ને’ – જેવી એકાક્ષરી રદીફ પણ અહીં છે. સામાન્યતઃ સર્જકે લાંબી બહેરમાં આલેખન કરવું મુનાસિબ નથી માન્યું. પોતે જ એક શેરમાં જાણે કબૂલાત કરી કહે છે,

‘શું કરું, મજબૂર છું, ટૂંકાવવા હું આ ગઝલ,
હું નિભાવી ના શકત લાંબી બહેર જો હોત તો.’
(પૃ. ૩૫)

આવી એક શક્યતાની વાત કરીને ગઝલ નિમિત્તે જાત સાથે સંવાદ કરતા આ સર્જક જોઈ શકાય છે કે માત્ર જાત સાથે જ સંવાદ કરતા નથી. તેમાં કવિત્વનો ચમકાર પણ ભળે છે સાંપ્રત સમયમાં ગઝલના ક્ષેત્રે જે ખેડાણ થઈ રહ્યું છે, તેમાં જૂજ કહી શકાય તેવી રચનાઓમાં આ સંગ્રહની ગઝલો એક આગવી દિશા સૂચવે છે. બાકી તો ઉત્તમના અવતરણ માટે દરેક સર્જકની એક રાહ રહેતી હોય છે. અહેમદ ફરાઝે કહ્યું છે ને –

‘સબ ખ્વાહિશેં પૂરી હો ‘ફરાઝ’ ઐસા નહીં હૈ,
જૈસે કઈ અશઆર મુકમ્મલ નહીં હોતે.’

[ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ]