બે હજાર ચોવીસ સમક્ષ/હાથીભાઈ તો હૅન્ડસમ(બાળવાર્તા) – કિરીટ ગોસ્વામી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

બાળવાર્તા

‘હાથીભાઈ તો હેન્ડસમ!’ : કિરીટ ગોસ્વામી

નટવર પટેલ

ઉત્તમ બાળકથાઓમાં માવજતની થોડીક ઉણપો

બાળસાહિત્યક્ષેત્રમાં સતત પ્રવૃત્ત એવા કિરીટ ગોસ્વામીનું નામ આદર સાથે લઈ શકાય એટલું અને એવું એમનું પ્રદાન રહ્યું છે. એમનાં પુસ્તકો સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પોંખાયાં છે. એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ મળ્યો છે. આ સંગ્રહમાં સચિત્ર, રંગીન, મોટા ટાઇપમાં સુઘડ પ્રિન્ટિંગથી ઓપતી પાંચ બાળવાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘હાથીભાઈ તો હેન્ડસમ!’-માં જંગલમાં કેટલાંક પ્રાણીઓ રમતાંં હોય છે ત્યાં નાનકડા હાથીભાઈ આવે છે (અહીં મદનિયું શબ્દ યોગ્ય રહે.) અને પોતાને રમાડવા રીતસર કરગરે છે. સૌ કોઈ તેની સૂંઢની મશ્કરી કરી તેની ઉપેક્ષા કરે છે. પણ વાંદરાની સમજાવટ પછી સૌ હાથીને રમાડવા રાજી થાય છે. વાર્તાઓના વિષય બાલપ્રિય, પરંતુ ક્યાંક દલીલો તર્કયુક્ત નથી, જેમ કે લાંબા બેડોળ હોઠવાળું ઊંટ કહે છે (પૃ. ૪) : ‘તારી સૂંઢ તો જો! કેવી વાંકી છે!’ સસલું, ખિસકોલીના કહેવા મુજબ હાથી જાડોભમ્મ છે. સૂંઢાળો છે; તો બાળસહજ રીતે હાથી પણ સામે જે-તે પ્રાણી વિશે આવી ખોડ વિશે કહી શકે. વાંદરો સૌને ‘ખબરદાર! જો કોઈ એક પણ શબ્દ હાથીભાઈ વિશે બોલ્યું છે તો!’ (પૃ. ૧૦) કહે છે, તો બાળસહજ રીતે હાથી પણ ગુસ્સામાં આવી આવું-તેવું કહી શકત, પરંતુ લેખકે અહીં હાથીને ડાહ્યોડમરો બતાવ્યો છે. વાર્તામાં ક્યાંક સંકુલ વાક્યો છે. એના ટુકડા કરી બે-ત્રણ વાક્યો ન મૂકી શકાયાં હોત? જેમ કે (પૃ. પ) ‘રડતા-રડતા હાથીભાઈ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં સામે એક વાંદરો મળ્યો.’ એને બદલે ‘હાથીભાઈ જતા હતા. રસ્તામાં વાંદરો મળ્યો.’ વાર્તાને અંતે વાંદરો હાથી વિશેનું જોડકણું બોલે છે તે બધાં પ્રાણીઓ આખ્ખે-આખ્ખું ભૂલ વગર એક સાથે કઈ રીતે બોલી શકે? વાંદરો બોલે ને સૌ પાછળ ઝીલે એવી યુક્તિ યોગ્ય ૨હે. વાર્તાનો સુખદ અંત બાળકોને અવશ્ય ગમશે. બીજી વાર્તા – ‘બે બિલાડાનો ઝઘડો’માં બંને બિલાડાનાં નામ પાડવાં ઉચિત થાત, જેથી વારંવાર ‘ચટ્ટાપટ્ટાવાળો બિલાડો’ કે ‘ટપકાંવાળો બિલાડો’ એમ લાંબું ન બોલવું પડે. અહીં કથામાં ‘હું રાજા છું’નો ઝઘડો ખરો પણ ક્યાંનો રાજા, કોનો રાજા એવો ઉલ્લેખ જરૂરી. આ ઝઘડા વખતે વાંદરો પસાર થાય, ને પછી તે કાજી બની ન્યાય તોળવા બેસે ને એ જે યુક્તિ કરે છે તે વાર્તાને રોચક બનાવે છે. તેથી બાળવાચકની જિજ્ઞાસા સંતોષાય છે. બિલાડાના મુખે મુકાયેલાં જોડકણાંમાં પંક્તિઓ ચાર-ચાર સરખી ન રાખી શકાય? વાંદરો ઉપાય કરવા સિંહની ગુફામાં જાય, ઊંઘતા સિંહના નાકમાં સળી કરે, સિંહ ગર્જે, વાંદરો ભાગે ને બહાર દૂર ઊભેલા બિલાડા છૂ થઈ જાય. વાંદરો બહાર આવી ભાગતા બિલાડાની મશ્કરી કરતો સંવાદ બોલે. પરંતુ આ બધી ક્રિયામાં ઘણો સમય જાય ને બિલાડા ઝાડીમાં દેખાય પણ નહીં તો વાંદરો એમની સાથે સંવાદ કઈ રીતે કરી શકે? ‘બોરનો ઠળિયો’માં ઉપેક્ષિત બોરના ઠળિયાના દુઃખના નિસાસા ને પછી આકાશી વાદળી દ્વારા તેને મળતા આશ્વાસનની સહજ રજૂઆતવાળી વાર્તા છે. છેવટે ઠળિયો બોરડી થઈ ઊગે ને ચહેરા પર લીલાંછમ પર્ણ જેવી ખુશી લહેરાય. વારંવાર મૂડલેસ થઈ જતા બાળકને આશા બંધાવે તેવી સારી વાર્તા છે. વાર્તાના પ્રારંભમાં, પસાર થતી બાળટોળીનાં બાળકોનાં નામ મૂકીએ તો? જેથી સંવાદો જામે. બાળવાર્તામાં વાક્યો જેટલાં નાનાં એટલું ઉપકારક. અહીં (પૃ. ર૪) એક વાક્ય ૨૮ શબ્દોનું છે! – ‘ખરેખર તો બોર ખવાઈ જાય એટલે એ ત્યાં જ ખતમ થઈ જાય છે, જ્યારે તારામાંથી તો એક સરસ નવી બોરડી ઊગવાની અને ફરીથી ઘણાંય બોર જન્મવાની તાકાત છે!’ આવાં વાક્યનાં ભાવવાહી ત્રણ-ચાર વાક્યો બનાવવામાં જ લેખકની કસોટી છે. ‘શૂન્યનો વરઘોડો’ વાર્તામાં ૧થી ૯ અંકો વચ્ચે ‘મોટું કોણ?’ એ બાબતે વાદ-વિવાદ થાય છે. બાળકને સહજ રીતે સમજાય કે ૧થી ૯માં કિંમતની દૃષ્ટિએ ૯ જ મોટો છે. છતાં લેખક અહીં અંકની સાથે અન્ય બાબતો જોડી વિશેષ વાત પીરસે છે. આ ટેક્‌નિક ગમે, છતાંય બધે આ અંકોની દલીલો તર્કયુક્ત લાગતી નથી. છેલ્લે લેખકે શૂન્યનો પ્રવેશ કરાવ્યો છે. તે કહે છે – ‘જેની પાછળ હું લાગું તેની કિંમત વધી જાય.’ બધાંને શૂન્યની આ વાત સમજાય છે. પણ શૂન્ય જે લાંબું ભાષણ કરે છે તે બાળવાચકને ન જ ગમે! એમાંય વળી શૂન્યનું તત્ત્વજ્ઞાનસભર આ વાક્ય (પૃ. ૨૯) – ‘આ સૃષ્ટિ આખી મારામાંથી જ તો સર્જાઈ છે!’ બાળવાચકો આમાં શું સમજશે? ‘જલેબી અને જાંબુ’માં જલેબી અને ગુલાબજાંબુ વચ્ચે હુંસાતુંસી જામે છે. બંનેમાં મસ્ત, મીઠું ને મોટું કોણ? એમ બંનેની વચ્ચે વાદવિવાદ ચાલતો હતો; એ રસોડામાં પડેલી એક બરણીમાં બેઠેલી ખાંડબહેન સાંભળી ગયાં!’ (પૃ.૩૨) ને છેવટે બંને કરતાં ખાંડ જ મીઠી ને મોટી ઠરે છે. છેલ્લો સંવાદ જલેબી અને જાંબુ એકસાથે બોલે છે જે ૧૭ અક્ષરવાળો છે. એવું કઈ રીતે શક્ય છે? એકથી વધુ પાત્રો ટૂંકા સંવાદ જેવા કે – ‘હાજી’, ‘નાજી’, ‘બરાબર’, ‘મંજૂર’, ‘જય હો’, ‘ઝિંદાબાદ’ વગેરે એક સાથે બોલે તે સમજી શકાય. અહીં સમાવિષ્ટ પાંચેય વાર્તાનાં પાત્રો, વિષયવસ્તુ બાલભોગ્ય છે એટલે બાળકો તે વાંચવા પ્રેરાશે, છતાં દરેક વાર્તા હજી માવજત કરવાથી વધુ સારી બની શકે એવો અવકાશ છે.

[ઝેન ઓપસ, અમદાવાદ]