ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ દ્વિવિદ વાનરની કથા
દ્વિવિદ નામનો એક વાનર હતો. તે ભૌમાસુરનો મિત્ર, સુગ્રીવનો મંત્રી હતો. તેણે જ્યારે જાણ્યું કે શ્રીકૃષ્ણે ભૌમાસુરનો વધ કર્યો છે ત્યારે તે મિત્ર પ્રત્યેનું કર્તવ્ય બજાવવા તત્પર થયો. તે વાનરે મોટાં મોટાં નગર, ગામડાં, ખાણો, આહીરોની વસતીમાં આગ લગાડી. મોટા મોટા પહાડ ઉખાડીને ફેંકીને પ્રાન્તોના પ્રાન્તોનો વિનાશ કરવા માંડ્યો, ખાસ કરીને તેણે આનર્તમાં આ વિનાશ વેર્યો, ત્યાં જ શ્રીકૃષ્ણ હતા. તે વાનરમાં દસ હજાર હાથીનું બળ હતું. ક્યારેક તે સમુદ્રમાં ઊભો રહીને હાથ વડે એટલું બધું પાણી ઉડાડતો કે સમુદ્રકાંઠાના પ્રદેશો ડૂબી જતા. તે દુષ્ટ મોટા મોટા ઋષિમુનિઓના આશ્રમોની સુંદર વનસ્પતિ તોડીફોડીને તેમનો નાશ કરી દેતો. યજ્ઞના અગ્નિકુંડોમાં મળમૂત્ર નાખી અગ્નિને અપવિત્ર કરી મૂકતો. જેવી રીતે ભૃંગી નામનો કીડો બીજા કીડાઓને લઈને પોતાના દરમાં બંધ કરી દે. એવી જ રીતે તે મદોન્મત્ત વાનર સ્ત્રીપુરુષોને ઉપાડી જઈને પહાડોની ઘાટીઓ અને ગુફામાં નાખી દેતો હતો, અને પછી બહારથી મોટી મોટી શિલાઓ વડે ગુફાનાં દ્વાર બંધ કરી દેતો હતો. દેશવાસીઓનો તિરસ્કાર તો કરતો જ હતો. સાથે સાથે કુળવાન સ્ત્રીઓને પણ દૂષિત કરી મૂકતો હતો.
એક દિવસ તે સુંદર સંગીત સાંભળીને રૈવતક પર્વત પર ગયો. ત્યાં જઈને જોયું તો યદુપતિ બલરામ સુંદર યુવતીઓની મંડળીમાં બેઠા હતા. બલરામના શરીરનું એકેએક અંગ સુંદર અને દર્શનીય હતું. તેમના વક્ષ:સ્થળે કમળમાળા હતી. તેઓ વારુણી પીને મધુર ગીત ગાઈ રહ્યા હતા, તેમની આંખોમાં આનંદનો ઉન્માદ હતો. મદોત્મત્ત હાથીના જેવું તેમનું શરીર દેખાતું હતું. તે દુષ્ટ વાનર વૃક્ષની ડાળીઓ પર ચઢીને એમને ધ્રુજાવતો, સ્ત્રીઓની સામે આવીને કિકિયારી કરતો. યુવાન સ્ત્રીઓ સ્વભાવથી જ ચંચળ અને હસવા બોલવામાં રસ લેતી હોય છે. તેઓ આ વાનરના ચેનચાળા જોઈ હસવા લાગી. હવે તે વાનર બલરામના દેખતાં જ તે સ્ત્રીઓનો તિરસ્કાર કરવા લાગ્યો, ક્યારેક તે પોતાની ગુદા દેખાડતો, ક્યારેક ભંવાંં ચઢાવતો, ક્યારેક ગરજી ગરજીને મોં વિકૃત કરતો. બલરામ તેની આ ચેષ્ટા જોઈને ક્રોધે ભરાયા અને તેમણે તેના પર પથરો ફેંક્યો. પણ દ્વિવિદે એ ઘા ચુકાવી દીધો અને મધુકલશ ઉઠાવીને તે બલરામની મજાક કરવા લાગ્યો. હવે તેણે મધુકલશ ફોડી નાખ્યો. સ્ત્રીઓનાં વસ્ત્ર ફાડવા લાગ્યો અને હસી હસીને બલરામને ક્રોધી બનાવવા લાગ્યો, આ બળવાન અને મદોન્મત્ત દ્વિવિદ બલરામને અપમાનિત કરવા તેમનો તિરસ્કાર કરવા લાગ્યો. પછી તેમણે આ મશ્કરી જોઈ, તેના દ્વારા હેરાન થયેલા પ્રદેશોનો વિચાર કરીને તેને મારી નાખવા હળ મુસળ ઉઠાવ્યા. દ્વિવિદ બળવાન તો હતો, તેણે એક હાથે શાલવૃક્ષ ઉખાડીને બહુ ઝડપે દોડીને બલરામના માથા પર ફંગોળ્યું.
બલરામ પર્વતની જેમ સ્થિર રહ્યા. માથા પર પડતા વૃક્ષને હાથ વડે પકડી લીધું અને સુનન્દ નામનું મુસળ તેના પર ફંગોળ્યું. એનો ઘા થવાથી દ્વિવિદનું માથું ફાટી ગયું અને લોહી નીકળવા લાગ્યું. કોઈ પર્વત પરથી ગેરુની ધાર વહી રહી ન હોય એવું લાગ્યું. દ્વિવિદે માથા પરના પ્રવાહની ચિંતા કર્યા વગર ક્રોધે ભરાઈ એક બીજું વૃક્ષ ઉખાડી, તેને પાંદડાં વિહોણું કરીને બલરામના માથા પર ફેંક્યું. બલરામે તે વૃક્ષના સેંકડો ટુકડા કરી દીધા. એવી રીતે ત્રીજા વૃક્ષને પણ તોડીફોડી નાખ્યું. આમ તે વાનર યુદ્ધ કરતો રહ્યો. એક વૃક્ષ નાશ પામે એટલે બીજું વૃક્ષ ઉખાડતો. આમ તેણે આખા વનને વૃક્ષહીન કરી દીધું. જ્યારે વૃક્ષો જ ન રહ્યાં ત્યારે દ્વિવિદ બહુ ક્રોધે ભરાયો અને બલરામ પર મોટી મોટી પર્વતશિલાઓ ફેંકવા લાગ્યો. તેમણે પોતાના મુસળ વડે તે શિલાઓને પણ તોડી નાખી. પછી દ્વિવિદે બાંયો ચઢાવીને બલરામની છાતી પર મુક્કો માર્યો. હવે બલરામે હળ-મુસળ બાજુ પર મૂકી દીધાં અને બંને હાથ વડે તેની હડપચી પર મુક્કો માર્યો. તે વાનર લોહી ઓકતો જમીન પર પડી ગયો. જેવી રીતે ઝંઝાવાત ફુંકાય ત્યારે બધું ધ્રૂજવા લાગે એવી રીતે તેના પડવાથી આખો પર્વત શિખરો સમેત ધ્રૂજી ઊઠ્યો. બધા દેવતાઓ આકાશમાં ઊભા રહીને જયજયકાર કરવા લાગ્યા, બલરામ પર તેમણે પુષ્પવર્ષા કરી. તેઓ જગતભરમાં ઉત્પાત મચાવનારા દ્વિવિદને મારીને દ્વારકા આવ્યા. ત્યારે નગરજનોએ બલરામની ભારે પ્રશંસા કરી.