ભાર્વોમિ/આ થોડાંક છીપલાં...
શમણું તો સાહિત્યકાર થવાનું સેવેલું પણ વાટમાં ગાંધી મળી ગયા. પછી તો નિજાનંદમાં ડૂબવાને બદલે સર્વાનંદના સાગરમાં તરવા માંડ્યું, પણ ‘પડી ટેવ તે તો ટળે કેમ ટાળી’? વચ્ચે વચ્ચે નિજાનંદમાં ડૂબકાં ખાઈ લઉં. શિક્ષકનો સ્વભાવ. વિદ્યાર્થીઓ સાથેની ગોઠડીમાં ભણાવતાંભણાવતાં, નાના, ભણતાંભણતાં કાંઈક સ્પર્શી ગયું, તો લીલયા લખાઈ ગયું. મહાન સાહિત્યસ્વામીઓના અક્ષરદેહની સંગતિ સેવતાંસેવતાં, એમનાં મોતી ચણતાંચણતાં અંદર કશીક હલબલ હલાવી જાય ત્યારે કાગળ-પેનની રમત રમાઈ જાય. આમ જે છીપલાં વીણાયાં તેમાંનાં થોડાંક આ થાળમાં, આપ સહૃદય સાથીઓની સેવામાં. મને બરાબર ખબર છે કે આમાંનાં જે મારાં લખાણો છે તે મોતી નથી, છીપલાં છે; છતાં મારા આત્મીય ડૉ. વસંત પરીખ જેવા સાહિત્ય મર્મજ્ઞ સાહિત્યકારે આ નવા નિશાળીયાને ચ્હાનો ચડાવવા બિરદાવ્યો છે. એમનો આભાર માનું તો એમને ન ગમે એટલે આનંદ વ્યક્ત કરું છું. લો ત્યારે તમ સમા મારા ભાવકોને આ મારી ‘ભાવોર્મિ’, તમારી ભાવોર્મિને પણ કાંઈક ઝણઝણાવે એવી અભ્યર્થના!
વિશ્વ મંગલમ્
૩૮૩૦૦૧
– ગોરા