ભાર્વોમિ/પ્રેમઅંશનું અવતરણ

૭. પ્રેમઅંશનું અવતરણ

જો કોઈ પ્રેમઅંશ અવતરે
પ્રેમરસ તેના ઉરમાં ઠરે

ગરવી ગુર્જર ભૂમિ ઉપર ગિર્વાણગિરા ગુજરાતીમાં પ્રેમરસનું પાન કરાવવા માટે એક ‘પ્રેમઅંશ’નું અવતરણ થયું. એનું નામ દયારામ. પ્રભુએ એમના પ્રેમરસનું આપણે પાન કરાવવા દયારામને મોકલ્યા. દયારામ એક છેલબટાઉ, અલ્લડ યુવાન. નજર લાગે એવું રૂપ. મોહી પડીએ એવો મધુર કંઠ. કવિતા દેવી એમના પર પ્રસન્ન. આ બધું તો ખરું પણ એમનું આગવું પોતીકું સંવિત્ શું? કવિતા. પણ ‘દયારામ’ની તો પ્રતિજ્ઞા કે કૃષ્ણ વિના બીજા કોઈની કવિતા ન કરવી. આવી એમની અવ્યભિચારિણી ભક્તિ. મીરાં તો સ્વંય નારી હતાં અને એમણે ‘મીરાં દાસી જનમ જનમની’ થઈને એમના ગિરધર નાગરને ગાયા, પણ દયારામે તો પુરુષ દેહમાં રહીને પણ ગોપીભાવે જે ગાન કર્યું તે તો અનન્ય છે. બંસીબોલના ગાયક ‘દયારામ’ની ગરબી પાછળ ગુજરાતણ ઘેલી. દયારામની ગરબીના બોલ કાને પડતાં જ એના પગમાં નર્તન થૈઈ-ફૈઈ કરવા માડે. એનાં ઝાંઝર ખણખણી ઊઠે. એની કટિમેખલા મરોડ લે ત્યાં તો બંને હાથ તાળી લેવા તલસી રહે. અંબોડાનું ફૂલ જાણે છોડ પરથી ખરતું હોય એમ ખરી પડે તો કો’કની વેણીમાંની મોગરાની માળ લચક લેતી મઘમઘી ઊઠે. કોકિલ કંઠ કૂંજી ઊઠે અને ગાન શરૂ થાય.

હાં રે વૃંદાવનમાં થનકાર થૈ થૈ થૈ!
રાધા કૃષ્ણ રમે રાસ, ગોપી લહી લહી લહી રે!
બીજુ કાંઈ નહીં નહીં રે!

પણ ભટ્ટજી ભેટી ગયા ને એમણે સમજાવ્યું કે પ્રેમ કરવો તો માત્ર પ્રભુને જ કરવો, બીજા પ્રેમ તો તકલાદી. જરીક આંધી આવી તો દીવો ગૂલ. દયારામને જાણે ટકોરાની જ જરૂર હતી. એમણે પોતાની જાત શ્રીકૃષ્ણને સમર્પી દીધી. પુરુષભાવ ગળી ગયો. ગોપીભાવે, દાસીભાવે જીવનભર કૃષ્ણને સેવ્યા. ‘દયાદાસી’ બનીને જીવ્યા. એ સ્વંય ‘પ્રેમઅંશ’ થઈને અવતર્યા હતા એટલે પ્રેમરસ એમના ઉરમાં ઠર્યો હતો. પ્રભુએ જેમ એમને પ્રેમનો વર આપ્યો હતો તેમ એમને બીજો પણ એક વર આપ્યો હતો અને તે કવિતા. દયારામનાં તો અઢળક પદ છે. જેમાં રાધાકૃષ્ણની, ગોપીકૃષ્ણની પ્રેમલીલાનું ગાન છે. એનો રસ કેવો છે? નરસિંહ મહેતાની ભાષામાં કહીએ તો –

એ રસનો સ્વાદ ગોપી જાણે
કાંઈક જાણે નરસૈંયો ભોગી રે.

નરસિંહની જેમ દયારામે પણ ગોપી થઈને એ રસ ચાખ્યો. આપણે નસીબદાર કે આ ત્રણે નરસિંહ, મીરાં, દયારામે આપણા પર કૃપા કરીને ‘એ રસ’ આપણને પણ ચખાડ્યો છે. શરત એટલી કે જેટલે અંશે આપણે‘ગોપીભાવ’ ભાવી શકીએ તેટલે અંશે એનો મર્મ પામી શકીએ. દયારામે તો રસની ગંગા વહાવી છે. એ બધાનું પાન કરવાનું તો આપણું ગજુ નહીં પણ આપણામાં પણ કંઈક‘પ્રેમઅંશ’ હોય તો થોડાંક બૂંદ આવો આપણે પણ ઝીલીએ. ગોપી કહે છે –

‘મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા!’
‘કાનકુંવર કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!’
‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો?’
અને હવે જુઓ એ નટખટની આ નખટાઈ,
‘ફરી મળતાં રંગ અદલાબદલી
મુજ મોરો તુજ તોરો!’

ગોપી પકડાઈ ગઈ એટલે કહે છે ‘તમે સાચે જ આવી અદલાબદલી કરશો?’ કૃષ્ણ ‘હા’ કહે છે. ગોપી કહે છે. ‘અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો સર પાઉં.’ ‘અધરસ’ પીને એ કાળિયો ફરી અડકયા વિના ભાગી જાય તો ગોપીની શી વલે થાય? એટલે સમ ખવડાવે છે. ગોપીને એટલો ભરોંસો તો છે કે સમખાધા પછી તો ‘પ્રણતપાલ ભગવંત’ કરી નહીં જાય. દયારામનું આ એક અત્યંત પ્રસિદ્ધ અને પ્રિય પદ છે.

શ્યામરંગ સમીપે ન જાઉં,
આજ થકી શ્યામરંગ સમીપે ન જાઉં.

ગોપી નીમ લે છે કે આજથી હવે મારે કોઈપણ પ્રકારના શ્યામરંગ સમીપે જ નથી જવું ને! એ કહે છે કે જેમાં જેમાં કાળાશ એ બધા જ કપટી! એટલે એ નક્કી કરી લે છે કે કાળી કસ્તૂરીની બિંદી ન કરવી, આંખમાં કાજળ ન આંજવું, કોકિલા કાળી એટલે ભલે એનો કંઠ મધુર તોય એને નહીં સાંભળું. ન તો કચુકી પહેરું કે ન તો શ્યામજળ જમુનામાં નહાઉં, એના મસ્તક પરના મણિને કે આકાશના કાળા મેઘ સામે દૃષ્ટિ નહીં કરું. જાંબુ કે રીંગણ નહીં ખાઉં... આમ એક ખાસ્સી લાંબી કાળી વસ્તુઓની યાદી કરી એનો સંગ ન કરવાની વાત કરે છે. પણ હવે આ કાવ્યની ચમત્કૃતિ તો જુઓ! દયારામનો ‘વિશેષ’ હવે નાટ્યાત્મક અને કલાત્મક બને છે. છેલ્લે કહે છે કે જે જે ન કરવાનો નીમ લીધો છે તેને, મારું મન કહે છે કે ભલે તેં આ બધા નીમ લીધા પણ હું તો એને પલક વાર પણ નિભાવીશ નહીં! કારણ દયાદાસીનું મન તો ‘શ્યામરંગ’ સમીપમાં જ હરપળ-હરદમ રહે છે, તેનું શું? એટલે શ્યામરંગની સમીપ ન જવાનો નીમ કરીને કવિ કળા તો એવી કરે છે કે જાણે મન એવો નીમ લે છે કે જાણે નિત્ય નિત્ય શ્યામરંગ સમીપે જ રહેવું. એવું જ દયારામનું જાણીતું પદ છે.

‘મોહનમાં મોહિની’
કિયે ઠામ મોહની ન જાણી રે મોહનજીમાં
કિયે ઠામ મોહની ન જાણી?

અને પછી અંગ પ્રત્યાંગમાં કયાં કયાં કેવી તો મોહિની જોવા મળે છે, તેની રસિક વલ્લભ વાત વિસ્તારથી કરે છે. ભ્રૂકુટિની મટકમાં, ભાળવાની લટકમાં, વાણીમાં, ખિટળીયાળા વાળ-કેશમાં, મદમોહન વેશમાં, મોરલીમાં, મુખાર્વિંદમાં, ફસાવે એવા મંદ હાસ્યમાં, કટાક્ષમાં, લલિત ત્રિભંગી અંગની એક એક છટામાં, ચપળ રસિક નૈનમાં, છાની છાની સાન કરે એમાં, પાણી પાણી કરી દે એવા જોબનના રૂપમાં.... આવું છે એનું મોહિની સ્વરૂપ. ‘દયાદાસી’ કહે છે કે મારા પ્રીતમની આ મોહિનીને મેં તો મારાં તન, મન, ધન બધાં જ લૂંટાવી દીધાં છે. ભલા મોટા મુનિવર પણ ચળી જાય. અરે શિવ, બ્રહ્માદિક પણ મોહિત થઈ જાય. આવા મોહનના મોહિની સ્વરૂપને નિહાળીને જે મોહિત ન થાય તેવા અભાગિયાની તો દયા જ ખાવી રહી. દયારામ ‘પ્રેમની પીડા’ કેવી હોય છે. એની આમ વાત કરે છે.

પ્રેમની પીડા તો કોને કહિયે રે હો મધુકર
પ્રેમની પીડા તે કોને કહિયે,
થાતાં ન જાણ પ્રીત, જતાં પ્રાણ જાયે.
સ્નેહનો દઝાણ ઘણો, મરણ થકી માઠો.

કેવી છે આ સ્નેહની પીડા? થાતાં તો થઈ જાય પણ પછી એની પીડા કેવી ભયાનક હોય છે? જાણે કે પ્રાણ નીકળી જતા ન હોય! એનાં ‘દુઝાણ જ એવાં કે મરણથી માઠાં’ આવી પીડાનું વર્ણન કેમ કરીને કરવું? અને છતાં બલિહારી તો એ છે કે એને પ્રેમ કર્યા વિના પણ રહેવાતું નથી. ગોપી ઉદ્ધવજીને કહે છે –

ઉદ્ધવજી, અળગી રે વાત એક પ્રેમતણી!
કોઈ અનુભવી જાણે રે.

આવા પ્રેમરસના દયારામરૂપી સાગરનાં આવો થોડાંક બૂંદ આપણે પણ ચાખીએ.

‘કશું ન આવે રે માણ્યાને પરમાણે,’
નેક સઘળા નાસે રે પ્રેમ તે જ્યારે વ્યાપે,
આશક, માશુકમાં રે રૂપગુણ સહુ દેખે રે
જેવું ભાસે છે તેને રે અવળ તેવું નવ પેખે
એ તો, જૈનું ચિત્ત જ્યાં ચોંટ્યું રે તેને તેથી સુખ મળે.

નરસિંહની જેમ દયારામે પણ શૃંગારને ખુલ્લાદિલે ગાયો છે.

અધર સુધારસ સુખનો સાગર
આજ પીઓ ને પાઓ.
જોબન લહેરે જાય છે,
માણો માહરા રાજ,
રસિક રાય છો દયાના પ્રિતમ!
માટે મારો દાવો
***
હું સરખી બહુ આપને, મારે તો એક આપ.
***
ઓરો આવને સૂણલા હરિ! શામળા જો.
શીખ્યો આવડી કયાં સ્નેહ શાસ્ત્રની કળા જો
મંત્ર મોહનીના રાખ્યા છાના નેણમાં જો.
વશીકરણ વિદ્યા વસાવી છે વેણમાં જો.
***
રીસાયાં રસિક સંગાથે રાધા.
બોલુ નહીં શ્યામ સુંદર સાથે બાધા
સખી રે! હું તો ભોળપણે ભોળવાઈ બ્હેની!
હું તો પ્રીત કરી પસ્તાઈ.
***
કાળજ કોર્યું છેલછબીલડે, તે કોને કહીએ રે?
વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે
સોડનો ઘાવ માર્યો તે સ્નેહી શામળિયો, કિયા રાજાને રાવે જઈએ રે?
***
જળ ભરવા જાતાં આજ ઘૂંઘટડામાં મોહનનું મુખ દીઠું રે!
અમૃત રસ પણ એ થકી ફીક્કો બાઈ! એવું લાગ્યું છે મુને મીઠું રે!
***

ગોપી અને વાંસલડીનો સ્વાદ એ દયારામની સજીવારોપણ શક્તિનો આબાદ નમૂનો છે.

મીઠો આવડો શો શોર? મોહ્યો નંદનો કિશોર.
તારું આવડું શું જોર? ભૂંડી! કાળજું મા કોર રે હો વાંસલડી!
તને કાનવર કેડ-કરમાં રાખે, તું અધરતણો રસ નિત્ય ચાખે,
તું મોહનના મુખ પર મહાલે, તુજ વિના નાથને નવ ચાલે
તું શોક્ય થઈ અમને સાલે, ઓ વાંસલડી,
ત્યારે વાંસલડી શું કહે છે?
ઓ વ્રજ નારી શા માટે તું અમને આળ ચડાવે છે?
પુણ્ય પૂરવતણાં તેથી પાતળિયો અમને લાડ લડાવે.
મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા. ઓ વ્રજની નારી!
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણી કીધી.
વાંસલડી વાગીને હું જાગી! સખી! એ વેણ વેરણ થઈ લાગી
વાંસલડી તો વાંસ તણો છે કટકો, લાગ્યો મુને અંતર એનો ચટકો
મોહી હું તો મોહનનો જોઈ લટકો!
***

દયારામ પ્રીતની રીત સમજાવે છે.

પ્રીતની રીત એવી એ, તેનું સુખ ‘તે’ જાણે,
અનુભવથી અજાણ્યો રે તેના અવગુણ આણે.
જેનું મન જે શું માન્યું રે તેને સુખ તેથી મળે,
તે વિના તેથી સારુ રે ના’વે તેની આંખ તળે.
***
દયારામને જ્ઞાન કે યોગ પસંદ નથી.
છે અગમ પથ સ્નેહનો રે ઉદ્ધવજી! તમે નથી દીઠો, .
ત્યાં લગી જ્ઞાન ગાંઠે રે, જોગપણ લાગે મીઠો,
**
તમારા હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે,
તમે રીઝો ચાંદરણે રે, અમો રીજું ચંદ્ર મળ્યું.
*

જ્ઞાનીઓની ઝંખના તો મોક્ષની હોય છે. પણ ભક્તોને તો વ્રજ વહાલું લાગે છે. દયારામ કહે છે.

વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહીં આવું,
ત્યાં શ્રીનંદકુવર ક્યાંથી લાવું?
સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું
મને ન ગમે બ્રહ્મસદન અડવું.

સ્વર્ગના સુખને નીંદતા દયારામ કહે છે.

ધીક્ સુખ! જેને પામી પાછું પડવું.

કારણ સ્વર્ગમાંથી પુણ્ય પરવારતાં ધરતી પર આવવું પડે છે.

***

પીડા પ્રેમતણી જ્યાં વ્યાપી ડહાપણ ના રહે રે લોલ.
અનુભવી જાણે એ દુઃખ, બાકી સૌ ઘેલાં કહે રે લોલ.
પાઓ પ્રેમરસ પ્રાણજીવન હો! દીન થઈને જાચું રે,
મુક્તિમાર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે.

એક વર્ષો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો
અવર કોઈનું કામ ન મારે, રીઝો કે ખીજો.
***
કૃષ્ણ કરે તે પ્રમાણ, કારજ વણસો કે સીજો.
***

દયારામને અગોચર બ્રહ્મ પસંદ નથી. એ તો કહે છે.

પ્રગટ મળે સુખ થાય, શ્રી ગિરધર પ્રગટ મળે સુખ થાય!
અંતરયામી અખિલમાં છે તેથી કહો કોનું દુઃખ જાય?
***
નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો! વસે વ્રજ લાડીલો રે
સત્સંગના દેશમાં ભક્તિનગર છે. પ્રેમની પોળ પૂછી જાજો
***
અનુપમ એ અલબેલો રસિયો
જીવનમૂલી દયારામની
***
‘તું તે હું’ ‘હું તે તું” એમાં સંદેહ નહિ જો.
**
હાં રે કુંડલ કાન, ભૃકુટી બાન, તિલક તાન
નેનબાણ, કંપમાન, ફફા ફેઈ ફેઈ રે!
થનક બલ બલ ગોપી, લઈ લઈ લઈ રે!
અમૃતપેન, સુધાસેન, મોહનનેન, પ્રગટચેન
થાકે નહિ હૃદય દઈ દઈ દઈ હો!
હાં રે બહુ વ્હાલી, હઠ ઝાલી, બેઠી બાળી, ઊઠી ચાલી
ઘૂંઘરવાળી, તટભાળી દયા પ્રભુ જે જે જે હો
***

ઉત્તરાવસ્થાના દયારામ વળી ઑર છે. હવે જાણે ઠરીને ઠામ બેઠા છે. અંતરમુખ થયા છે. હવે શું કહે છે?

વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી તું રે, શીદને ગુમાનમાં ધૂમે?
વ્હાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે ન હું હું કરતો
જગ તણી આશા છે ત્યાં લગી જગત ગુરુ તું દાસ
મન તણો ગુરુ મન કરશે, તો સાચી વસ્તુ જડશે.
***
ચિત્ત તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.
ધણીનો ધાર્યો મનસૂબો, હરબ્રહ્માથી ના ફરે.
છે દોરી સર્વની એને હાથ, સહુ ભરાયું ડગલું ભરે.
***
હરિ તુંને પ્રસન્ન તે કેમ થાય?
તારા મનનું કપટ નવ જાયે
અંતરમાં છળ અન્ય નવલહે
પણ જાણે અંતરયામી
જીવ જાણી લે જાર પ્રીત
જુગદીશ વિના નવ સારી.
***
મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી
***
દામોદર દુઃખડાં કાપો રે! પાવલે લાગું,
નંદલાલ નિજાનંદ આપો રે એ વર માગું.
***

યુવાનીમાં શૃંગાર રસને બહેલાવી-બહેલાવી રાધા-કૃષ્ણની લીલા ગાનાર દયારામ ઉત્તરાવસ્થામાં કૃષ્ણનામમાં સર્વ સાર જોઈ છેલ્લે ગાય છે.

નામ સાર છે, સાર છે, સાર છે રે,
કૃષ્ણનામ સાર છે, એથી બેડો પાર છે.
રસના રટો રે, કૃષ્ણધામ સાર છે.

આમ, કૃષ્ણની ‘દયાદાસી’ થઈ અનન્ય ભાવે ભક્તિ કરનાર દયારામને આપણાં લાખ-લાખ વંદન.