ભાષા, સમાજ અને સાહિત્ય/ગુજરાતીમાં ભાષાવિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩

ગુજરાતીમાં ભાષાવિચાર

નદીનું મૂળ અને ઋષિનું કુળ શોધવાનો પ્રયત્ન ન કરવો જોઈએ એવું ભલે કોઈ શાણા માણસે કહ્યું, પણ નદીનું મૂળ શોધવાનો પુરુષાર્થ કરનારા પરિવ્રાજકોએ અને પરકમ્મા કરનારાઓએ આપણી સંસ્કૃતિને ભૃગોળ ને ખગોળના કે રીતરિવાજોના સમન્વયના અનેક પાઠો ભણાવ્યા છે. માણસનું મન જિજ્ઞાસાથી ઉત્સાહિત થઈને કોઈ પણ વસ્તુનું મૂળ શોધવાની આવી પ્રવૃત્તિ આદિકાળથી કર્યા કરે છે. ભાષાનું મૂળ શોધવાની પ્રવૃત્તિ પણ આવા જ કુતૂહલે જગાડી હશે. ક્યાંય સુધી આપણે તો એમ જ માન્યા કર્યું કે ભાષા એટલે શબ્દો અને પરિણામે ભાષાનું મૂળ શોધવાના પ્રયત્નો આજ સુધી કરતા આવ્યા છીએ. સંસ્કૃતકાળમાં આ રીતે શબ્દોનાં મૂળ શોધવાનો પ્રયત્ન કરનારા યાસ્ક મુનિની વાત ઘણી જાણીતી છે. છેલ્લા સોએક વરસોમાં ગુજરાતમાં પણ ઘણા વિદ્ધાનોએ એ પ્રવૃત્તિ ચલાવી છે. તેમણે ગુજરાતી ભાષામાં વપરાંતા અનેક શબ્દોનાં મૂળ શોધી કાઢ્યાં છે. કેટલેક કલ્પના દોડાવી છે તો ઘણેક પગેરું શોધતાં શેધતાં પહોંચ્યા છે છેક મૂળ શબ્દો સુધી. દા.ત. માશી તો મા શી (મા જેવી) કે જનાવર તો જનથી અવર એમ બે જુદા જુદા શબ્દોનાં જોડકાંમાંથી માશી કે જનાવર જેવા શબ્દોનું મૂળ શોધી કાઢ્યું; તો જ્યાં માણસ જાય જરૂર તે જાજરૂ એમ જાજરૂ શબ્દનું મૂળ પણ હસવુ આવે એવી કલ્પના કરીને શોધી કાઢ્યું. પણ કેટલાક વિદ્ધાનો તો જિંજર શબ્દના મૂળની શોધમાં કોલંબસની માફક નીકળ્યા ને શોધી લાવ્યા કે અંગ્રેજીમાં એ શબ્દ આવ્યો ગ્રીકમાંથી અને ગ્રીકમાં આવ્યો દ્રવિડ ભાષામાંથી. વ્રજલાલ શાસ્ત્રીએ ઈ.સ.૧૮૬૬માં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ' અને ઈ. સ.૧૮૭૦માં ‘ઉત્સર્ગમાળા’ લખ્યાં. ગુજરાતી ભાષાના આ ઇતિહાસમાં ભાષાના ઇતિહાસ કરતાં ગુજરાતી પ્રજાનો ઈતિહાસ વધુ સ્થાન રોકે છે અને ગુજરાતના વતનીઓ ઉત્તરમાંથી ઊતરી આવ્યા માટે કોંકણી કે મરાઠી કરતાં ઉત્તરની ભાષા સાથે ગુજરાતી ભાષાનું મળતાપણું વધારે છે તેવો તર્ક તેઓ કરે છે. વસાવા, ધાણકા જેવા શબ્દો અનાર્ય લોકોની બોલીઓમાંથી આવ્યા હોવા જોઈએ એવા તર્ક ઉપરાંત સદશ ઉપરથી સરખું શબ્દ આવ્યો હોવો જોઈએ કે ‘છે' ક્રિયાપદનું મૂળ સંસ્કૃતમાં મળે છે તેવી શોધોમાં એમનું કાર્ય સંપૂર્ણ થાય છે. સ્વ. નરસિંહરાવ આપણા સમર્થ ભાષાશાસ્ત્રી. એમણે ઈ.સ.૧૯૧૫-૧૬માં ‘વિલ્સન ફિલોલૅાજિકલ વ્યાખ્યાનો' મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં. નરસિંહરાવ જાણે છે કે, ‘ભાષાશાસ્ત્ર એ ભાષાની વૈજ્ઞાનિક મીમાંસા છે...ભાષાનો ઉદ્ભવ તથા વિકાસક્રમ એ એનો વિષય છે.’ ભાષાની વૈજ્ઞાનિક મીમાંસા એટલે ભાષાનો ઉદ્ભવ તથા તેનો વિકાસક્રમ તપાસવો એવું તેમના મનમાં સ્પષ્ટ છે અને ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસક્રમ તપાસવાના ઉપક્રમમાં પહેલાં બે વ્યાખ્યાનો તો તે ભાષા બોલનારી પ્રજાનો ઇતિહાસ આલેખવામાં જ સમાપ્ત થઈ જાય છે.(ભાષાનો ઇતિહાસ અને પ્રજાની સંસ્કૃતિનો ઇતિહાસ સાથે સાથે કદમ ભરતા હોય છે એ સાચું. પણ તેમને એકસાથે નિરૂપીને ગૂંચવી મારવાનો પ્રયત્ન ન થવો જોઈએ એવી અપેક્ષા પણ રહે છે જ). પહેલા જ વ્યાખ્યાનમાં ‘તેમને કહેવાનું કે,' ‘તેણે પૂછ્યું કે’ જેવાં વાક્યોમાં વપરાતો ‘કે' यत्માંથી ‘जत् થઈને આવેલા ‘જે'ની જગ્યાએ કેવી વપરાતો થયો, ફારસીમાંથી એ મરાઠી દ્વારા ગુજરાતીમાં કેવી રીતે આવ્યો તેની તેમણે પાનાંઓ ભરીને ચર્ચા કરી છે. એવી જ ચર્ચા તેમણે ‘આઈ’ શબ્દની પણ કરી છે. સંસ્કૃતમાં आर्यपुत्र એટલે પતિ. એ ઉપરથી ‘आर्य' એટલે સસરાજી. (आर्यનો પુત્ર એટલે પતિ એ હિસાબે आर्य એટલે સસરા એવો સાદો હિસાબ) आर्यની પત્ની તે आर्या. આ आर्या ઉપરથી આઈ શબ્દ ગુજરાતીમાં આવ્યો. જૂની ગુજરાતીમાં એ કેવો વપરાતો હતો તેનાં ઉદાહરણોથી માંડીને ‘વડીઆઈ’ (વડો એટલે મોટી અને આઇ એટલે બા) જેવા શબ્દમાં પણ કેવો વપરાય છે તેની ચર્ચા કરવામાં આવી છે. વળી કૌંસમાં (ખાનગીમાં કહેતા હોય તેમ) એક કાઠી દરબારને સી.આઈ.ઈ.નો ખિતાબ મળ્યો. તે કાઠીઓ, દરબાર ‘આપામાંથી આ ઈ થયાની કેવી રમૂજ કરતા હતા તેની રસિક વાર્તા પણ તેમણે કહી છે. આ ‘આઈ' શબ્દની વાર્તા ચારેક પાનાં રોકે છે. આવી જ રીતે પણ પ્રમાણમાં ટૂંકાણમાં તેઓ ફારસી वक्त’ અને સંસ્કૃત ‘कान्त’ ઉપરથી ‘કંથ', અલ્પપ્રાણનો મહાપ્રાણ થયો તેના વિકારનાં દૃષ્ટાંતો તરીકે, ફારસી अमानत ઉપરથી અનામત અને સંસ્કૃત वाराणसी ઉપરથી બનારસ શબ્દો થયા તે વર્ણવ્યત્યયનાં (એક જ શબ્દમાં અંદર અંદરના વર્ણોની અરસપરસ હેરફેરનાં) ઉદાહરણો તરીકે વર્ણવે છે અને ફારસી तफैं (તરફનું એકવચનનું રૂપ) ઉપરથી તેનું દ્વિવચનનું રૂપ ‘तफैन’ ગુજરાતીમાં તરફેણ એટલે એક બાજુ એવા અપપ્રયોગ તરીકે વપરાય છે એ તરફ પણ તેઓ ધ્યાન ખેંચે છે. તેમની પહેલાં થઈ ગયેલા નવલરામ અને મહીપતરામ પણ શબ્દનાં મૂળ શોધવાની આવી ઘણી પ્રવૃત્તિઓ કરી ગયા હતા. सप्त ઉપરથી સાત, कर्म ઉપરથી કામ, विश ઉપરથી બેસવું જેવા શબ્દોના ઇતિહાસ તેમણે ઉકેલ્યા હતા. વ્રજલાલ શાસ્ત્રીથી શરૂ થયેલી અને નરસિંહરાવથી વિસ્તૃત થયેલી આ પ્રવૃત્તિ આજના કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા. હરિવલ્લભ ભાયાણી. ભૃગુરાય અંજારિયા અને અને રૂપારેલ જેવા વિદ્વાનો સુધી ચાલતી આવી છે. ‘છે' શબ્દ ક્યાંથી આવ્યો? ‘ગુજરાત’ એ શબ્દનું મૂળ ક્યાં? ખરો શબ્દ જિંગોડો કે ગિંગોડો ? એવા એવા પ્રશ્નોના ઉત્તરો શોધવા વિદ્વાનોની પેઢીઓ મથ્યા કરી. શબ્દની આવી કથાઓ ભાષાના ઇતિહાસની દૃષ્ટિએ સાવ નિરર્થક હોય છે એવું પણ નથી. ડૉ. સાંડેસરા, ડૉ. ભાયાણી અને ડૉ. છોટુભાઈ નાયક જેવા વિદ્વાનોએ શબ્દોના ઇતિહાસમાંથી અનેક સાંસ્કૃતિક સંદર્ભો ઉકેલી આપ્યા છે. પ્રજાજીવનના અને સંસ્કૃતિના ઇતિહાસની ઘણી સામગ્રી શબ્દોના ઇતિહાસમાંથી મળી રહે છે. ગુજરાતી ભાષા ઉપર અંગ્રેજી, પોર્ટુગીઝ, અરબી-ફારસી, દ્રવિડી વગેરે ભાષાઓનો પ્રભાવ પડ્યો તે કેટલા પ્રમાણમાં પડ્યો, કેવા કેવા શબ્દો અન્ય પ્રાંતીય કે વિદેશી ભાષામાંથી ગુજરાતી ભાષાએ અપનાવ્યા, કેવાં કેવાં સાંસ્કૃતિક ઐતિહાસિક કારણો તેની પાછળ હતાં, એ બધી બાબતોનો પણ ઇતિહાસ હોય છે. ભાષાના શબ્દરાશિમાં થતી વધધટ જ નહી પણ એ શબ્દોના અર્થોમાં થતી વધઘટ પણ ભાષાના અવગમન-વ્યવહાર ઉપર મોટી અસર પાડનારી ઘટનાઓ હોય છે. એ દૃષ્ટિએ ભાષાના ઇતિહાસમાં શબ્દોના ઇતિહાસનું પણ મહત્ત્વ તો છે જ. પણ માત્ર શબ્દો એ ભાષા નથી. શબ્દો તો ભાષાનું એક અંગ માત્ર છે. જેમ દરેક વસ્તુને ઇતિહાસ હોય છે તેમ દરેક શબ્દને ઇતિહાસ હોય છે. પણ માત્ર એ શબ્દનો ઇતિહાસ તપાસવાથી ભાષાના સમગ્ર ઇતિહાસની તપાસ થતી નથી. કારણ કે ભાષા શબ્દો જેના બનેલા છે તે ધ્વનિઘટકો (units of sound)ની પણ બનેલી છે. ભાષાના એ ધ્વનિઓ ઘટકો તરીકે એકબીજાની સાથે સંકળાય છે અને રૂપઘટકો (units of meaning)ની રચના થાય છે. એ રૂપઘટકો એકબીજા સાથે અમુક રીતે સંકળાય છે. ધ્વનિઘટકો અને રૂપઘટકોની સમગ્ર વ્યવસ્થા તે ભાષા. એટલે ભાષાના ઇતિહાસની તપાસ કરવાની હોય ત્યારે છૂટક છૂટક શબ્દોના ઇતિહાસ તપાસવાથી કોઈ ઉપયેગી હેતુ સરે નહીં. પરંતુ જેઓ આ ધ્વનિની દૃષ્ટિએ એકસરખું પરિવર્તન પામ્યા હોય અને જેઓ ભાષાની ધ્વનિવ્યવસ્થા અને તેની રૂપવ્યવસ્થા અથવા વ્યાકરણી વ્યવસ્થામાં પરિવર્તન માટે કારણભૂત થયા હોય તેવા અનેક શબ્દોની એકસાથે તપાસ કરવી જોઈએ. આવી તપાસ કરવાનું આપણા વિદ્વાનોને સૂઝ્યું નથી એમ નથી. सप्त, अध्य, कर्ण, कर्म, चक्र, જેવા મૂળ સંસ્કૃત શબ્દો આર્યભાષાની મધ્ય ભૂમિકામાં અનુક્રમે સત્ત, અજ્જ, કન્ન, કમ્મ અને ચક્ક રૂપે મળે છે, આ જ શબ્દો આજે બોલાતી મોટા ભાગની આર્યભાષાઓમાં (હિંદી, ગુજરાતી વગેરેમાં) અનુક્રમે સાત, આજ, કાન, કાગ અને ચાક રૂપે મળે છે. આ અને આ પ્રકારના બીજા અનેક શબ્દોનો ઇતિહાસ જોતાં ભાષામાં જે પરિવર્તન થયું તેને વિદ્વાનોએ તારવ્યું. આ શબ્દો દર્શાવે છે કે આર્યભાષાની મધ્યભૂમિકામાં શબ્દમાં જે જોડાક્ષરો આવતા હતા તે આર્યભાષાની અર્વાચીન ભૂમિકામાં એકવડા થઈ ગયા અને તેમ થતાં તે જોડાક્ષરની આગળ આવતા અક્ષરમાંનો સ્વર હ્રસ્વ હોય તો દીર્ઘ થઈ ગયો. વ્રજલાલ શાસ્ત્રીથી માંડીને નરસિંહરાવ સહિત કે. કા. શાસ્ત્રી સુધીના વિદ્વાનોએ ગુજરાતી ભાષાના ધ્વનિમાં થયેલા આ પરિવર્તનને ‘સંયોગલોપ અને પૂર્વસ્વર દીર્ઘત્વ' એવા નિયમથી સમજાવ્યું છે. આવાં ઘણાં ધ્વનિપરિવર્તનોમાંથી પસાર થઈને આપણી આજની ભાષાનું આ સ્વરૂપ ઘડાયું છે. सुवर्ण, कर्ण, पर्ण, पूर्णिमा જેવા શબ્દોમાંથી પરિવર્તન પામીને આર્યભાષાની મધ્યભૂમિકામાં જ્યાં ण જોડાક્ષર ण्ण તરીકે પરિવર્તન પામ્યો ત્યાં ત્યાં તે ण्णનું પરિવર્તન આર્યભાષાની અર્વાચીન ભૂમિકામાં ‘ન' તરીકે થયું અને અનુક્રમે સોનું, કાન, પાન અને પૂનમ જેવા શબ્દો મળ્યા. પણ જ્યાં જ્યાં એ ण એકવડો હતો ત્યાં ત્યાં वैरिणी,हरिण, જેવા શબ્દોમાં વેરણ, હરણ એમ णનો ण જ રહ્યો. युका, शृगाल,वचन,राजिका,माता रोदति આદિ મૂળ સંસ્કૃત (પ્રાચીન આર્યભાષાના) શબ્દોમાં બે સ્વરની વચ્ચે જે ક, ગ, ચ, જ, ત. દ જેવા વ્યંજનો આવતા હતા તે આર્યભાષાની મધ્યભૂમિકામાં (ખાસ કરીને મહારાષ્ટ્રી પ્રાકૃતના સમયમાં) લોપ પામ્યા, આને કારણે તે સમયમાં આ શબ્દો जुआ, सियाल, वयण, राइआ, माआ અને रोअइ એ રૂપે મળે છે. પછી અર્વાચીન સમયમાં તેઓ જૂ, શિયાળ, વેણ, રાઈ, મા અને રોએ એ રૂપે મળે છે, આવાં ધ્વનિપરિવર્તનોના નિયમો આપણને નરસિંહરાવ, કે. કા, શાસ્ત્રી વગેરે વિદ્વાનોએ તારવી આપ્યા છે, જેનું મહત્ત્વ જરાય ઓછું નથી. આ ધ્વનિપરિવર્તનોને કારણે ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોની વ્યવસ્થા કઈ રીતે બદલાઈ ગઈ એ સ્પષ્ટપણે દર્શાવવાનું કામ વિશેષ મહત્ત્વનું છે, જે હજી બાકી છે. ધ્વનિપરિવર્તનોના નિયમો, નિયમો તરીકે ઘણા રસિક હોઈ શકે. પરંતુ તેની અસર ભાષાના સમગ્ર માળખા ઉપર કેવી રીતે થઈ તે દર્શાવ્યા વિના ભાષાના ઇતિહાસ ઉપર પ્રકાશ પડી શકે નહીં. અર્વાચીન ગુજરાતીની ધ્વનિવ્યવસ્થામાં પ્રવેશેલા વિવૃત ઍ અને ઑનો ખ્યાલ વ્રજલાલ શાસ્ત્રીને, નર્મદ અને નરસિંહરાવને હતો જ. નર્મદ અને નરસિંહરાવ તો અર્વાચીન ગુજરાતીની ધ્વનિવ્યવસ્થામાં અગત્યનું સ્થાન ધરાવતા લઘુપ્રયત્ન ‘હ’ની લાક્ષણિકતાથી (જે ‘હ' ને ગ્રિયર્સન unwritten ‘h' તરીકે ઓળખાવે છે અને જેનો અનુવાદ કે. કા. શાસ્ત્રી અસ્વરિત ‘હ’ તરીકે કરે છે તેની લાક્ષણિકતાથી) સભાન છે. ‘લઘુપ્રયત્ન’ ‘ય’ની, લાક્ષણિકતા તરફ નરસિંહરાવ ખાસ ધ્યાન ખેંચે છે. વળી ગુજરાતી ભાષાના વ્યાકરણી પરિવર્તનની ચર્ચાનો થોડો અંશ ગુજરાતી ધાતુઓનાં મૂળ રૂપોની નરસિંહરાવે કરેલી ચર્ચામાં મળે છે (જુઓ તેમનાં ‘વિલ્સન ફિલોલોજિકલ લેકચર્સ’નો રામપ્રસાદ બક્ષી કૃત અનુવાદ, પૃ. ૧૪૦થી ૨૭૧); પણ ત્યાં તેમણે ગુજરાતી ધાતુઓ પૂરતી અલગ ચર્ચા કરી છે. ‘ગુજરાતી ક્રિયાપદનું ધાતુશરીર ત્રણ ભિન્ન’ પ્રકારે ઘડાતું તેઓ દર્શાવે છેઃ (ક) ‘સંસ્કૃત ધાતુને જેવો હોય ત્હેવો જ, અથવા પ્રાકૃત દ્વારા કે અન્ય પ્રકારે, મૂળ સંસ્કૃત ધાતુ સાથેનો સંબંધ લુપ્ત ન થઈ જાય હેવા ઓછા વાગ્વ્યાપારજન્ય ફેરફાર સાથે, સ્વીકારી લઈને'—આનાં ઉદાહરણો તરીકે તેઓ કહે, રહે, લખ,બોલ જેવા ધાતુઓ: આપે છે. (ખ) ૧. ‘તદ્દન નવું જ ધાતુ-શરીર ઉત્પન્ન થાય તેવી સંપૂર્ણતાથી ધાતુનું કોઈ ઉપસર્ગ જોડે કે કોઈ આશ્રિત શબ્દ જોડે સંઘટ્ટન કરીને’– આનાં ઉદાહરણોમાં उप+विशति ઉપરથી બેસે, प्र+विशति ઉપરથી પૅસે, वि+किरति ઉપરથી વેર, प्र+आप्नोति ઉપરથી ‘પા' જેવા ધાતુઓનો સમાવેશ તેઓ કરે છે, ૨. ‘સંસ્કૃત ધાતુને ક્ષીણ કરીને મૂળથી ન્હાનું અને તદ્દન ભિન્ન ધાતુશરીર ઉપજાવીને '—આમાં એ असू ઉપરથી ‘છે’ અને लम् ઉપરથી ‘લે' જેવા ધાતુઓનાં ઉદાહરણો આપે છે. (ગ) ‘નામોમાંથી (અને કવચિત્ વિશેષણોમાંથી) લક્ષયોગ્ય ફેરફાર વિના ધાતુઓ બનાવીને '—चित्रम् ઉપરથી ચીતરવું, धूर्त: ઉપરથી ધૂતવું, कष्टं ઉપરથી કઠવું, निर्वाह: ઉપરથી નભાવવું धवलकम् ઉપરથી ધોળવું, तलस्पर्श ઉપરથી તળાંસવું જેવા ધાતુઓનાં ઉદાહરણો આમાં આપ્યાં છે. એ તો સ્પષ્ટ છે કે ભાષાના ઇતિહાસને તપાસવાની સૂઝનું આ વર્ગીકરણ એક સારું ઉદાહરણ છે. ગુજરાતી ભાષાની ધ્વનિવ્યવસ્થાના ઇતિહાસને તપાસવાનો એક વધુ પ્રયત્ન કે. કા. શાસ્ત્રીએ ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા' (૧૯૬૯)માં કર્યો છે. ગુજરાતી ભાષામાં અગિયાર સ્વરો કેવા ઉપયોગી ધ્વનિઓ (functional units of sound) તરીકે કામગીરી બજાવે છે અને ઓગણચાલીસ વ્યંજનો કેવી રીતે ધ્વનિઘટકો (phonemes અથવા functional units of sound) તરીકે કામગીરી બજાવે છે, તેનું વર્ણન તે કરે છે. ‘આ આપણા સ્વરો અને વ્યંજનો છેક આદિમ ભારત-આર્ય ભૂમિકામાંથી કેટલાક તો આજ દિવસ સુધી બદલ્યા લાગતા ન હોય તેવા ને તેવા, તો કેટલાક વળી ભિન્ન સ્વરોમાંથી પરિવર્તન પામીને આપણને આવી મળ્યા છે' (પૃ. ૪૭) એમ કહે છે અને પછી એ બધા વ્યંજનોનો ઇતિહાસ તપાસવાનો ઉપક્રમ કરે છે. એમાંના પહેલો જ સ્વર अ, જેને તે ‘સ્વરભાર રહેલો ગુણાત્મક વિવૃત’ अ કહે છે, તે प्रस्तरकःમાંના प्रમાંથી એ ને એ રૂપે ‘પથરો'ના 'પ’માં આવ્યો છે. वैरिणीમાંના रिમાંનો ‘इ' ‘ વેરણ’ના ‘ર'માં આવ્યો છે. कृष्टकंના कृમાંનો ऋ ‘કડવું'ના ‘ક'માં ‘અ' રૂપે આવ્યો છે. તેમ તેઓ સમજાવે છે, તો पृष्ठकम्માંનો ऋ ‘પાઠું'ના ‘પા'માં' ‘આ' રૂપે આવ્યાનું સમજાવે છે (પૃ. ૫૦-૫૧) જોકે એક શબ્દમાં ऋનું પરિવર્તન अ થાય અને બીજામાં आ થાય તેનું કોઈ ઐતિહાસિક કારણ શાસ્ત્રીજી સમજાવી શકતા નથી. પરંતુ ગુજરાતીમાં સ્વરભારયુક્ત સ્વરનું અસ્તિત્વ તથા અગિયાર સ્વરો અને ઓગણચાલીસ વ્યંજનોનું ઉપયોગી ઘટકો તરીકેનું અસ્તિત્વ એ શાસ્ત્રીજીની મૌલિક શોધ છે. જેમ ડૉ. ટી. એન. દવેએ બાર સ્વરોને ગુજરાતી ભાષામાં ભેદક ગણીને ધ્વનિઘટક વિશેની સમજને ખુલ્લી પાડી છે તેવુ જ અહીં શાસ્ત્રીએ કર્યું છે. જે ધ્વનિ ઉચ્ચારભેદે અર્થભેદ કરવામાં ઉપયોગી થાય તે ધ્વનિને ભાષામાં ઉપયોગી ઘટક ગણવો એ ભાષાવિજ્ઞાનના અભ્યાસીઓમાં માન્ય થયેલો સિદ્ધાંત છે. ગુજરાતી ભાષાના અગિયાર સ્વરો અને ઓગણચાલીસ વ્યંજનો કઈ રીતે અર્થભેદ કરવામાં ઉપયોગી થાય છે તેની સમજ શાસ્ત્રીજીએ આપી નથી—અને એની સમજ આપી શકાય એમ પણ નથી. ધ્વનિપરિવર્તનો સાથે વ્યાકરણી પરિવર્તનોને સાંકળીને ગુજરાતી ભાષાના ઇતિહાસને તપાસવાનું કામ આપણે ત્યાં મોટે ભાગે બાકી છે. પરંતુ તેનાં કેટલાંક પાસાંને તેના સમગ્ર રૂપમાં તપાસવાનું કામ તો સર રાલ્ફ ટર્નરના લેખોથી ઈ. સ. ૧૯૧૫થી શરૂ થયું છે. તેમના ‘ધ ઇન્ડોઆર્યન નેઝલ્સ ઇન ગુજરાતી' (૧૯૧૫), ‘ગુજરાતી ફોનોલોજી' (૧૯૨૧) અને ‘ઍ ઍન્ડ ઑ વોવેલ્સ ઇન ગુજરાતી' (૧૯૨૫) એ ત્રણ લેખોમાં ગુજરાતી ભાષાના સ્વરો અને વ્યંજનોનો ઇતિહાસ તપાસવાનો પ્રયત્ન થયો છે. ડૉ. પ્રબોધ પંડિતનાં ‘ઇન્ડો-આર્યન સિબિલન્ટૂસ ઇન ગુજરાતી' (૧૯૫૪), 'ઍ ઍન્ડ ઑ ઇન ગુજરાતી’ (૧૯૫૪) અને ‘હિસ્ટોરિકલ ફોનોલોજી ઑફ ગુજરાતી વોવેલ્સ' (૧૯૬૧)માં મુખ્યત્વે ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન અને ગુજરાતી ‘સ’ અને ‘શ’નો ઇતિહાસ તપાસાયો છે. આ તપાસ ગુજરાતી ભાષામાં આજે સ અને શ એ બે સંઘર્ષી ધ્વનિઓ કેમ ઉપયોગી ઘટકો તરીકે કામગીરી બજાવે છે તેના ઇતિહાસ પૂરા પાડે છે. ગુજરાતી ભાષાની આગળની ભાષાભૂમિકામાં વિવૃત ઍ અને ઑ ઉપયોગી ઘટકો ન હતા અને આજે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા તેની તપાસ પણ એ લેખોમાં મળે છે. વળી આઠ સ્વરો (અગિયાર કે બાર નહીં) અર્થભેદ કરવામાં ગુજરાતી ભાષામાં કેવી રીતે ઉપયોગી થાય છે તેના વર્ણન ઉપરાંત તેનો ઇતિહાસ પણ એ લેખોમાં છે. ભાષાની જુદી જુદી ભૂમિકાઓએ ગુજરાતીની સ્વરવ્યવસ્થા અને આંશિક રીતે વ્યંજન-વ્યવસ્થા કેવી હતી તેનો ઇતિહાસ તેમાં અપાયો છે. ડૉ. પંડિતે સ્વર-વ્યવસ્થાના પરિવર્તનનો ઇતિહાસ અનેક ઉદાહરણો સાથે વિગતે આપ્યો છે; કારણ કે, ‘ધ્વનિવ્યવસ્થામાં' થતો ફેરફાર વ્યાકરણી વ્યવસ્થા ઉપર પોતાની વિશિષ્ટ છાપ મૂકતો જાય છે, માટે જો અવાન્તર ધ્વનિવ્યવસ્થાને અવાન્તર વ્યાકરણવ્યવસ્થા સાથે સાંકળી શકીએ તો ભાષા-ઇતિહાસના સ્પષ્ટ તબક્કાઓ પાડી શકાય. આપણી ભાષાની પ્રત્યયવ્યવસ્થામાં સ્વરોનું પ્રાધાન્ય નોંધપાત્ર છે.’ ('ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂ૫ અને ધ્વનિપરિવર્તન;' પૃ. ૧૯૬, ૧૯૭.) ગુજરાતી ભાષાની પરિવર્તિત થયેલી સ્વરવ્યવસ્થાએ ગુજરાતી ભાષાની વ્યાકરણ-વ્યવસ્થાને કેવી પરિવર્તિત કરી તેની વિગતો તેઓ આપે છે. જૂની ગુજરાતીમાં ‘દેવ’ નામનાં રૂપાખ્યાન નીચે પ્રમાણે હતાં:

એકવચન બહુવચન
પ્રથમા–દ્વિતીયા દેવુ દેવ
તૃતીયા–સપ્તમી દેવિ દેવ

હવે જૂની ગુજરાતીમાંથી અર્વાચીન ગુજરાતીમાં આવતાં શબ્દને અંતે આવતા ઇ અને ઉનો અ થઈ જતાં જૂની ગુજરાતીમાં જે પ્રથમા–દ્વિતીયાનાં એ.વ. અને બ.વ.નાં જુદાં જુદાં રૂપો હતાં તે એક જ થઈ ગયાં એટલું જ નહીં તૃતીયા–સપ્તમીનું એ.વ.નું રૂપ પણ પ્રથમા–દ્વિતીયાના એ.વ. તથા બ.વ.ના રૂપ જેવું થઈ ગયું. એટલે એ રૂપો નીચે પ્રમાણે થયાં:

એકવચન બહુવચન
પ્રથમા–દ્વિતીયા દેવ દેવ
તૃતીયા–સપ્તમી દેવ દેવે

આમ વ્યાકરણી પરિવર્તનનો પાયો ધ્વનિપરિવર્તન કેવી રીતે બને છે એ દર્શાવવાનું આપણા વ્રજલાલ કે નરસિંહરાવ વગેરે વિદ્ધાનોને સૂઝયું નથી. (જોકે નરસિંહરાવે ગુજરાતી વિભક્તિઓનાં મૂળરૂપોની ચર્ચા કરી છે.) આપણે આગળ જોઈ ગયા કે બે સ્વરની વચ્ચે આવતા ક, ગ, જ, ત, દ એ વ્યંજનોનો લોપ થયો અને પછીથી અઇ એવું સ્વરયુગ્મ ‘એ'માં પરિવર્તિત થયું. આ બન્ને ધ્વનિપરિવર્તનોની અસર વ્યાકરણની વ્યવસ્થા ઉપર પડી. करति, रमति, पृच्छति, वदति, જેવાં રૂપો करइ, रमइ, पुच्छइ, वदइ એવું પરિવર્તન પામ્યાં અને ‘અઇ'નો 'એ' થતાં કરે રમે, પૂછે, વદે એમ ત્રીજા પુ. એ. વ.નાં ગુજરાતી રૂપો અસ્તિત્વમાં આવ્યાં. ડૉ.ટર્નર અને ડૉ. પંડિત જેવા વિદ્વાનોએ આમ ધ્વનિપરિવર્તનને ભાષા-વ્યવસ્થાનાં પરિવર્તનના ઇતિહાસ સાથે સાંકળી આપ્યું, તો તેસ્સિતરી અને ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોએ અપભ્રંશ અને ગુજરાતી વચ્ચેના સંબંધોની તપાસ કરીને ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઉકેલવાનો પ્રયત્ન કર્યો. ગૌર્જર અપભ્રંશમાંથી પરિવર્તન પામીને ગુજરાતી અસ્તિવમાં આવી. આ અપભ્રંશ કઈ ભાષા કે ભાષાઓ માટે પ્રયોજાતો શબ્દ હતો, આ અપભ્રંશ ભાષા ક્યારથી બોલાતી શરૂ થઈ, કયા કયા સમયે, કયા કયા સ્થળે, કેવા કેવા રૂપમાં તે બોલાતી હતી, હેમચંદ્રાચાર્યે જે અપભ્રંશનું વ્યાકરણ રચ્યું છે તેની લાક્ષણિકતા કઈ વગેરે બાબતો તપાસીને તેના અને ગુજરાતીના સંબંધની ચર્ચા ડો. ભાયાણીએ તેમના ‘અનુશીલનો’ (૧૯૬૫) પુસ્તકમાં કરી છે. તેસ્સિતરીએ ‘નોટસ ઑન ધ ગ્રામર ઑફ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ અપભ્રંશ ઍન્ડ મારવાડી' (૧૯૧૪-૧૬)માં ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૬૦૦ સુધીમાં લખાયેલી હસ્તપ્રતોની ભાષાને મુખ્ય સામગ્રી તરીકે લઈને અપભ્રંશ અને ગુજરાતી-મારવાડીનો સંબંધ તપાસ્યો છે. આ બન્ને વિદ્વાનોની તપાસમાંથી એટલો ભાષા-ઇતિહામ તારવી શકાય કે ધ્વનિ વ્યવસ્થાની દૃષ્ટિએ અપભ્રંશ, પ્રાકૃતથી બહુ મોટું પરિવર્તન દર્શાવતી નથી છતાં मનો वँ, ओ नो उ કે ओ सનો ह એવાં પરિવર્તનો ધ્વનિવ્યવસ્થામાં આવી ગયાં હતાં. ખરેખરું પરિવર્તન તો વ્યાકરણમાં દેખાય છે. ખાસ કરીને નામ અને આખ્યાતના પ્રત્યયો અર્વાચીન ભૂમિકાની ભાષાનાં લઢણો બતાવે છે અને પાછળથી ગુજરાતી ભાષાની એક ખાસ વિશેષતા બની રહેલાં રવાનુકારી તથા પ્રાસરંગી તત્ત્વોનું પ્રાબલ્ય વધતું જાય છે. ગુજરાતીમાં વાસણ-કૂસણ, ખટપટ, ધમાધમ, છાપાં-બાપાં, ઠાક-ઠોક, આડોશી–પાડોશી, કાપકૂપ, દોડ-ધામ, ઠીક-ઠાક જેવા દ્વિરુકત પ્રયોગોનું સ્થાન ધ્યાન ખેચે તેવું છે.) કે. હ. ધ્રુવે, નરસિંહરાવે અને કે. કા. શાસ્ત્રીએ ગુજરાતી ભાષાને વિવિધ ભૂમિકાઓમાં (વિવિધ સમયગાળાઓમાં) વહેંચી છે, પણ તેવી વહેંચણી શા માટે કરી છે તેનાં ચોક્કસ કારણો આપ્યાં નથી. તે વહેંચણી પ્રમાણમાં યાદચ્છિક લાગે છે તે લક્ષમાં લેતાં આ વિદ્વાનો ભાષાની ભિન્ન ભન્ન ભૂમિકાઓને સાધાર, સોદાહરણ સાંકળી આપે છે; ભાષા ઇતિહાસ ઉકેલવામાં અનુકરણીય બને છે. આપણે જોયું એમ સર રાલ્ફ ટર્નરે અને ડૉ. પંડિતે ધ્વનિવ્યવસ્થાનાં પરિવર્તન વ્યાકરણી વ્યવસ્થાના પરિવર્તન સાથે સાંકળીને ભાષા પરિવર્તનને સળંગસૂત્ર જોવાનો કેટલોક પ્રયત્ન કર્યો, તો તેસ્સિતરી અને ડૉ. ભાયાણીએ બે ભિન્ન ભિન્ન ભાષા-ભૂમિકાઓની લાક્ષણિકતાઓ વચ્ચેના સંબંધની તપાસ કરીને ભાષા-ઇતિહાસને ઉકેલવાનો કેટલોક પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ગુજરાતીની સાથે રાજસ્થાની, સિંધી, હિંદી, બંગાળી, મરાઠી જેવી ભાષાઓની વર્તમાન વ્યવસ્થાની સરખામણીને આધારે તેમની પૂર્વ-તપાસ કરીને ભાષા-ઇતિહાસ કેવી રીતે ઉકેલી શકાય તેની જાણકારી ડૉ. પંડિતના ૧૯૬૬માં પ્રકાશિત ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન' (પૃ. ૧૪૫-૧૪૬) પુસ્તકમાં તથા ‘ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો’ લેખમાં (૧૯૭૩) આપવામાં આવી છે જે મહત્ત્વની છે. આ રીતે તુલનાત્મક પદ્ધતિથી ભાષાના ઇતિહાસને ઉકેલવાનો પ્રયત્ન હજી પા પા પગલી ભરી રહ્યો છે. સર રાલ્ફ ટર્નરની ‘નેપાળી ડિક્ષનરી' અને ‘કમ્પેરેટિવ ડિક્ષનેરી ઑફ ઇન્ડો-આર્યન લેંગ્વેજીસ'માં એની પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. માણસની જિજ્ઞાસા વસ્તુનું મૂળ શોધવાનો પ્રયત્ન કરે છે તેની પાછળનો આશય મોટે ભાગે તો વસ્તુનું સ્વરૂપ સાંગોપાંગ સમજવાનો જ હોય છે. ‘પાણી' એ દ્રવ્ય શેનું બનેલું છે એટલે કે તેનું સ્વરૂપ કેવું છે તે સમજવાના પ્રયત્નમાંથી (કદના હિસાબે) બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઑકિસજન (H2O) એમ વિજ્ઞાનના અભ્યાસીઓએ તેનાં ઘટકતત્ત્વોને પૃથક્ કરી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપ્યું. ભાષાના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન પણ પાણિનિના સમયથી (આશરે અઢી હજાર વરસ પહેલાંથી) આપણે કરતા આવ્યા છીએ. એ પહેલાં પણ એવા પ્રયત્નો થયા તો હશે જ પણ તે આપણી જાણમાં નથી. ‘પાણી’નું સ્વરૂપ સમજવા, જેમ તેનાં ઘટકતત્ત્વોને પૃથક્ કર્યાં તેમ ‘ભાષા’નું સ્વરૂપ સમજવા માટે પણ તેનાં ઘટકતત્ત્વોને પૃથક્ કરવાનો રસ્તો જ હાથ આવે. ધ્વનિઓ, એ ધ્વનિઓના બનેલા શબ્દો અને પ્રત્યયોની મદદથી એ શબ્દો એકબીજા સાથે જોડાવાથી નિર્માતાં વાક્યો એ ભાષાનાં ઘટકતત્ત્વો છે. ગુજરાતી ભાષાના સ્વરૂપની તપાસ માટે આ ઘટકત્ત્વોની તપાસ કરવાની રહે છે. ભાષાનું સ્વરૂપ સમજવા માટે તેનું પૃથક્કરણ કરવું પડે એ દૃષ્ટિ તો છેક હમણાં હમણાં આપણે વિકસાવી. તે પહેલાં તો ભાષાનું સ્વરૂપ સમજવું હોય તો પરંપરાપ્રાપ્ત વ્યાકરણ વાંચવું એવી સ્થિતિ હતી. પરંપરાપ્રાપ્ત વ્યાકરણ ભાષાના સ્વરૂપને સમજાવતું તો હતું જ પણ સમકાલીન ભાષાના સ્વરૂપને સમજાવવાનું કામ તે મોટે ભાગે ન કરી શકતું. ગુજરાતી ભાષાનાં જ પરંપરાપ્રાપ્ત વ્યાકરણોની વાત કરીએ. એનું પહેલું વ્યાકરણ લખનાર રેવ. ટેલર કે ટીસડેલ જેવા વિદ્વાન અંગ્રેજો હતા. તો વળી ક. પ્રા. ત્રિવેદી જેવા વિદ્વાનો સંસ્કૃતના પંડિતો હતા. ઈ.સ. ૧૮૯૩માં ટેલરે ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખ્યું. તેણે તો અંગ્રેજીમાં આઠ parts of speech હોય એટલે ગુજરાતીમાં પણ એ હોય એમ માનીને મુખ્યત્વે નામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ એમ ખાનાં પાડીને ગુજરાતી ભાષાને એ ખાનાંઓમાં ગોઠવી દીધી. ટીસડેલનું વ્યાકરણ ઈ.સ. ૧૮૯૨માં બહાર પડેલું પણ તે તો સાવ પ્રાથમિક કક્ષાનું. ઘણું જાણીતું અને લગભગ હમણાં સુધી આપણાં વિદ્યાલયોમાં ભણાવાતું રહેલું વ્યાકણ ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’ (૧૯૧૯) ક. પ્રા. ત્રિવેદીએ લખ્યું હતું. સંસ્કૃતમાં આઠ વિભક્તિઓ છે એટલે ગુજરાતીમાં પણ આઠ વિભક્તિઓ હોવી જોઈએ, એમ માનીને આઠ વિભક્તિઓના ગુજરાતી પ્રત્યયો તેમાં દર્શાવાયા. બે હજાર વર્ષના ગાળામાં આમાંથી કેટલાક વિભક્તિપ્રત્યયો પરિવર્તિત થઈ ગયા હતા અને હવે તેમને સ્થાને અનુગો વપરાવા માંડ્યા અને ખરેખર આઠ વિભક્તિઓની સ્પષ્ટ ભિન્નતા પણ ગુજરાતીમાં રહી નથી, તે બાબત તરફ ધ્યાન જ ન અપાયું. આ કારણે ‘દેવદત્ત ફરસીએ ઝાડ કાપે છે' અથવા ‘નેત્રે પુરુષ રૂપ ગ્રહણ કરે છે’ જેવાં, સીધા સંસ્કૃતના અનુવાદરૂપ વાક્યો ત્રીજી વિભક્તિનાં ઉદાહરણો તરીકે આપવાં પડ્યાં છે. આજે તો ‘દેવદત્ત ફરસીથી ઝાડ કાપે છે’ અથવા ‘નેત્રથી જુએ છે' જેવાં વાક્યો વપરાય છે, જેમાં ‘થી’ પ્રત્યય જે નામને લાગ્યો છે તે નામો સાધનરૂપ છે એમ સ્પષ્ટ થાય છે. ‘નેત્રે રૂપ ગ્રહણ કરવું' એવો પ્રયોગ ગુજરાતીનો તો નથી જ એટલું તો સંસ્કૃતનો કક્કોય ન જાણનાર પણ કહી શકે. હું અને તમે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ તેનું વ્યાકરણ કરી શકાય અને તે વ્યાકરણને આધારે આપણી બોલાતી ગુજરાતી ભાષાનું સ્વરૂપ સમજી શકાય તેવી થોડીઘણી સમજ છેલ્લા દશકામાં જોવા મળે છે. ભાષામાં શું હોવું જોઈએ તેની નહીં પણ ભાષામાં શું છે તેની તપાસ કરીને તેનું સ્વરૂપ પ્રત્યક્ષ કરી આપવાનું કામ વ્યાકરણનું છે તેવું તો હજુ હમણાં જ આપણે સમજવા માંડ્યું. આપણે રોજ કામ અને ગામ, કાળો અને કાણો, વીર અને વેર એવા શબ્દો વાપરીએ છીએ. કામ અને ગામ એ બે શબ્દોમાં ક અને ગ સિવાયના બધા ધ્વનિઓ સરખા છે એટલે કે ક અને ગ એ ગુજરાતી ભાષામાં અર્થભેદ કરી શકતા, બે શબ્દોને જુદા પાડતા, ધ્વનિઓ છે. ગુજરાતી ભાષામાં આવા ઉપયોગી ધ્વનિઓ કેટલા છે તે દૃષ્ટિએ ગુજરાતી ધ્વનિવ્યવસ્થા સમજાવવાનું કામ ડૉ. પ્રબોધ પંડિતે તેમના ‘ગુજરાતી ભાષાનું ધ્વનિપરિવર્તન' પુસ્તકમાં કર્યું છે. ગુજરાતી ભાષાની ધ્વનિવ્યવસ્થામાં મારો, તારો, અમારા જેવા શબ્દોમાં, લખાતો ન હોય છતાં બોલાતો હોય તેવો, હ નો ઉચ્ચાર છે જ. આ તત્ત્વની ઝીણવટભરી તપાસ ડૉ. પંડિતે, એલીફીશર યોર્ગેન્સને અને રાધેકાન્ત દવેએ કરી છે. દા ત., ‘તમે એ છોકરાને મારો' અને ‘આ મારો છોકરો છે' એ બેય વાક્યોમાં ‘મારો’ વપરાય છે; પણ પહેલા વાક્યમાંનો ‘મારો’ શબ્દ જે રીતે ઉચ્ચારાય છે તે રીતે બીજા વાક્યમાંનો ‘મારો’ શબ્દ નથી ઉચ્ચારાતો. આપણે એમ કહીએ છીએ કે બીજા ‘મારો’ શબ્દમાંના ‘મા’માં ‘હ’ ભળેલો છે અને તેને કારણે બન્ને ‘મારો’ શબ્દના જુદા અર્થ થાય છે. આ ‘હ’ કંઈ હમણા કે હવેમાં વપરાતો નથી. તો આ 'હ' કયું તત્ત્વ છે તેની પણ તપાસ ધ્વનિવ્યવસ્થામાં કરવી જોઈએ. પતિ, હાથ, છોકરો, મકોડો, વાંદરો એવાં ઘણાં નામ આપણે રોજ વાપરીએ છીએ. એમાંનો છોકરો, મકોડો, વાંદરો જેવાં નામોનાં છોકરી, મકોડી. વાંદરી કે છોકરા, મકોડા, વાંદરા એવાં વિવિધ રૂપો મળે છે. સામાન્ય ભાષકોને પણ ખબર પડે છે કે આવાં નામોને લિંગ અને વચનસૂચક પ્રત્યય લાગે છે, પણ પતિ અને હાથ જેવા શબ્દોને એવા પ્રત્યયો લાગતા નથી. ગુજરાતી ભાષાનાં નામોની આ એક લાક્ષણિકતા છે. એ લાક્ષણિકતાને આપણે એ રીતે વર્ણવી શકીએ કે ગુજરાતી ભાષામાં બે પ્રકારનાં નામો છે. એક પ્રકારનાં નામોને લિંગ-વચનના પ્રત્યય લાગે છે, બીજા પ્રકારનાંને નથી લાગતાં. ‘હું ભલો ને મારું કામ ભલું.', 'ક્યાં ઈશિતા અને ક્યાં જમની’ ‘એનું નામ તે માણસ.' જેવાં ક્રિયાપદ વિનાનાં અનેક વાક્યો વપરાય છે. ખાસ રૂઢપ્રયોગો અને કહેવતોમાં આવાં વાક્યો ઘણાં મળે હું બેઠો, તું બોલ્યો જેવાં ક્રિયાપદવાળાં વાક્યો પણ વપરાય છે. એટલે કે ગુજરાતી ભાષામાં વાક્યના બે પ્રકાર છેઃ એક ક્રિયાપદવાળાં અને બીજા ક્રિયાપદ વિનાનાં. આવાં પૃથક્કરણો દ્વારા ગુજરાતી ભાષાના વ્યાકરણને સમજી શકાય. આ રીતે ગુજરાતી ભાષાના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ડૉ. કોર્ડોનાએ ‘એ ગુજરાતી રેફરન્સ ગ્રામર’ (૧૯૬૫)માં અને ડૉ. ભાયાણીએ ‘થોડોક વ્યાકરણ વિચાર' (૧૯૬૯)માં અને ડૉ. પી. જે. મિસ્ત્રીએ ‘ગુજરાતી વર્બલ કન્સ્ટ્રક્શન' (૧૯૬૯)માં કર્યો છે. ‘કાં, ઈમના હાલ્યા કે? ચ્યમ ભા, ધરોં પડી જ્યોં ક? મેં તો હવારમેં જ કૉલેજ ચાઈલો' એવાં એવાં વાક્યો ઘણી વાર સાંભળવામાં આવે છે. તેમને હલકા-અશુદ્ધ વાક્યપ્રયોગો તરીકે અથવા કાઠિયાવાડી, ચરોતરી અને સુરતી બોલીના પ્રયોગો તરીકે ઓળખવામાં આવે છે. ભાષાના અભ્યાસી માટે એ પ્રયોગો અશુદ્ધ કે હલકા નથી; કારણ કે, એ પ્રયોગોને હલકા કે અશુદ્ધ ગણવા માટે ભાષાકીય માપદંડ નથી. માત્ર સામાજિક કારણોસર એ અપપ્રયોગો તરીકે ઓળખાય છે. ભાષાના સ્વરૂપને સમજવા માટે ભાષાના આવા પ્રયોગોનો અભ્યાસ પણ થાય છે. આવા અભ્યાસને બોલીનો અભ્યાસ કહે છે. આવી રીતે બોલીઓના સ્વતંત્ર અભ્યાસો આપણે ત્યાં થયા છે, થઇ રહ્યા છે, પણ હજુ તે અપ્રગટ છે. ડોલરરાય માંકડે ‘સમ પિક્યુલારિટીઝ ઑફ સોરઠી બોલી'માં સોરઠી બોલીની, ડૉ. ટી. એન. દવેએ અને ડૉ, પ્રબોધ પંડિતે ગુજરાતની સરહદો ઉપર બોલાતી બોલીઓની, ડો. પંડિતે ચરોતરી બોલીની, ડૉ.ભાયાણીએ ગોહિલવાડી, આહીરાણી, વણજારી અને સૌરાષ્ટ્રી બોલીઓની કેટલીક લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો છે. ડૉ. શાંતિલાલ આચાર્યે ‘કચ્છી, ચોધરી અને ભીલી બોલીઓની શબ્દાવલીઓ આપી છે. આપણે જેને માન્ય ગુજરાતી ગણીએ છીએ (સામાન્ય રીતે ભણેલાગણેલા બોલે છે અને સાહિત્ય, રેડિયો અને છાપામાં જે વપરાય છે) તેનાથી કઈ કઈ બાબતોમાં આ બોલીઓ જુદી પડે છે તે દૃષ્ટિએ આ બોલીઓનો અભ્યાસ થયો છે. કોઈ ચોક્કસ ભાષાનું મૂળ શોધવાનું કે તેનું સ્વરૂપ સમજવાનું આપણને મન થાય તેમ ભાષાનું કાર્ય, ભાષાનું સામાન્ય બંધારણ વગેરે વિષે સામાન્ય જ્ઞાન મેળવવા આપણે પ્રવૃત્ત થઈએ જ. આ જગતમાં બોલાતી કોઈ પણ ભાષાના ગુણધર્મો તો એકસરખા જ હોવાના. એ ગુણધર્મોની વિચારણાને પારિભાષિક શબ્દોમાં ભાષા વિષેની સામાન્ય સૈદ્ધાંતિક વિચારણા (theories of general linguistics) તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં એની વિચારણાનું નિરૂપણ ઘણા ઓછા પ્રમાણમાં થયું છે. ડૉ. પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિપરિવર્તન'માં ભાષાનાં સામાન્ય લક્ષણો, ભાષામાં ઉપયોગમાં લેવાતા વાચિક ધ્વનિઓનો અભ્યાસ કઈ રીતે થઈ શકે તેની પદ્ધતિઓ અને ધ્વનિઓ ભાષામાં ઘટક તરીકે પ્રયોજાય ત્યારે તેમનું ભાષાવ્યવસ્થામાં સ્થાન, બોલી અને માન્ય ભાષા વચ્ચેનો સંબંધ એવા કેટલાક સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરી છે. બાળક નાનપણમાં ચાલતાં શીખે છે પણ ચાલતાં શીખવું એ આનુવંશિક સંસ્કાર છે, જ્યારે બોલતાં શીખવું એ સામાજિક-સાંસ્કૃતિક ઘટના છે. એટલે ભાષા એ સંસ્કૃતિનું એક અંગ છે, તે માનવમુખમાંથી ઉત્પન્ન થતા ધ્વનિઓ અથવા થતા ધ્વનિરૂપ સંકેતોની મદદથી બોલાય છે. એ ધ્વનિસંકેતોની (વિચારવિનિમયની?) વ્યવસ્થા એટલે ભાષા. પછી એ ગામિડયાની હોય કે શહેરીની, અભણની હોય કે ભણેલાગણેલાની, ભાષાનો અભ્યાસી તો આ બધી જ ભાષાનો અભ્યાસ કરવાનો. આવા આવા તાત્ત્વિક મુદ્દાઓની ચર્ચા ડૉ. પંડિતે કરી છે. ડો. કે. બી, વ્યાસ, કે. કા. શાસ્ત્રી વગેરે અન્ય વિદ્વાનોએ પણ તેમની સમજ મુજબ ભાષાની આવી સૈદ્ધાંતિક વિચારણા નિરૂપી છે. આ પ્રકરણના પહેલા વિભાગમાં જોયું કે ગુજરાતી ભાષાના ઇતિહાસને તપાસવાનો પ્રયત્ન જુદી જુદી રીતે જુદા જુદા વિદ્વાનોએ કર્યો છે. ભાષાના આ પ્રકારના અભ્યાસને ભાષાનો ઐતિહાસિક (historical અથવા diachronic ) અભ્યાસ કહે છે. બીજા વિભાગમાં જોયું કે ગુજરાતીના સ્વરૂપને તપાસવા ભિન્ન ભિન્ન રીતે પ્રયત્નો થયા. આ અભ્યાસ તે ભાષાનો વર્ણનાત્મક (descriptive કે synchronic) અભ્યાસ ગણાય. વિભાગ ત્રીજામાં ભાષા વિશેની સામાન્ય વિચારણાની વાત કરી. ભાષાનો આવો અભ્યાસ તે સૈદ્ધાંતિક અભ્યાસ ગણાય. મોટે ભાગે આપણે ત્યાં ભાષાનો ઐતિહાસિક અભ્યાસ જ થયો છે અને તેમાંય ઘણુંખરું તો છૂટક શબ્દો અને ધ્વનિપરિવર્તનોનો ઇતિહાસ જ તપાસાયો છે. ભાષાનો વર્ણનાત્મક અને સૈદ્ધાંતિક અભ્યાસ આપણે ત્યાં પ્રમાણમાં ઘણો ઓછો થયો છે. ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર પરદેશોમાં અને ભારતના અન્ય પ્રાંતોમાં જે રીતે વિકસી રહ્યું છે તે જોતાં આપણે ત્યાં થયેલા અભ્યાસ સાવ પ્રાથમિક જ ગણાય. અભ્યાસીઓને માટે ક્ષેત્ર મોટું છે પણ પડકાર પણ કંઈ નાનો નથી.