મંગલમ્/નવભારત નિર્માણ કરીશું

નવભારત નિર્માણ કરીશું

હો નવભારત નિર્માણ કરીશું!

સમાનતાની સુધા સિંચીશું!…
હો નવભારત૦



કિસાન ભૂમિનો માલિક બનશે
મજદૂરોનાં બંધન તૂટશે;
ભારતની એ ધર્મધજા લઈ

દલિતોનાં કંઈ રાજ રચીશું!…
હો નવભારત૦



શોષણના સંતાપ શમાવી,
જીવનની સૌ આગ બુઝાવી;
મહેનતનો પરસેવો પાડી,

નહેર કૂવા ને બંધ બાંધીશું!…
હો નવભારત૦



ધરતીને ઉર અમી વહાવી,
ધૂળમાંથી સોનું પ્રગટાવી;
સુખથી હસતાં ગામ બનાવી,

ઘર ઘર આઝાદી પ્રસરાવી!…
હો નવભારત૦



વર્ષોથી સપનાં કંઈ સેવ્યાં,
ગરીબને નવજીવન દેવા;
આજ હવે શું પાછા હટશું!

સમાનતા સાધીને રહીશું!…
હો નવભારત૦



સમૃદ્ધિની સરિતા વહેશે,
માનવતાની ફોરમ ફૂટશે;
સિદ્ધિનાં શિખરો સર કરીને,

સર્વોદયનો સમાજ રચશું!…
હો નવભારત૦


— કુલીન પંડ્યા