મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોપાઈ
લાગી આવે હાડોહાડ
ભાઈ કરે આંગણમાં વાડ
જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ
જે બંધાવે એ પણ જાય–
મૂકી સૂનાં મેડી માઢ
ના છાંયો, ના ફળની આશ
‘ઊંચા લોકો’ એવા તાડ
ઝાડ નથી એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન વાઢ
મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ તારી રાડારાડ
૦
એની ઇચ્છા એનું હેત
બાકી માણસ નામે પ્રેત
મનથી દે એ સાચું માન–
પ્રેમ વગર સૌ રણ ને રેત
અવસર છે કે તેડું : પામ,
આંગણ આવ્યું પંખી શ્વેત
પાછળ પગલાં ગણતું કોણ
કર સાવધ ને તું પણ ચેત
પ્રેમ કરે ને રાખે દૂર
પીડા આપી જગવે હેત
મોલ બનીને ‘એ’ લ્હેરાય :
ખુલ્લું મૂકી દે તું ખેત
૦
રક્ષક થૈને વાઢ્યાં ઝાડ
પથ્થર થૈ ગ્યા લીલા પ્હાડ
જુઠ્ઠાણાં બોલે મોટ્ટેથી
સાચ કરે ના રાડારાડ
વ્હાલાંથી વઢવામાં, બોલ–
પામ્યો શું, શી મારી ધાડ
કોનું કાયમ ક્યાં કૈં છે જ
ખેતર વચ્ચે કર મા વાડ
મેં વૃક્ષોમાં જોયો ‘એ’ જ
મલકે લૈ કૂંપળની આડ
૦
જે કુદરતનો કારોબાર
વૃક્ષો ઊભાં હારોહાર
‘ઊંચો પર્વત ઊંડી ખીણ’
ને ચલવે એ ધારો ધાર
તારી દૃઢતા જાણે એ ય–
પીંજે તેથી તારોતાર
કીડી કુંજર એક જ ન્યાય
તું શીખી લે કારોબાર
કરે કસોટી રાખે દૂર
પૂછે ખબરો બારોબાર
મોસમ થૈ અવતરશે ‘એ’ જ
ને છલકાશે. ભારોભાર.